શ્રીયુત્ મહિમાચરણ વગેરે ઉપરાંત કોન્નગરના કેટલાક ભક્તો આવેલા છે. તેમાંથી એક જણે શ્રીરામકૃષ્ણ સાથે થોડીક વાર ચર્ચા કરી હતી.

કોન્નગરના ભક્તો – મહાશય, અમે સાંભળ્યું છે કે આપને ભાવાવેશ, સમાધિ થાય છે. એ શા માટે થાય, કેવી રીતે થાય એ અમને સમજાવશો?

શ્રીરામકૃષ્ણ: શ્રીમતી રાધિકાને મહાભાવ થતો. સખીઓમાંથી કોઈ તેમને અડકવા જતી તો બીજી સખીઓ કહેતી કે ‘કૃષ્ણ-વિલાસના અંગને અડીશ નહિ. એના દેહમાં અત્યારે શ્રીકૃષ્ણ વિલાસ કરે છે.’ 

ઈશ્વરનો અનુભવ થયા વિના ભાવ અથવા મહાભાવ થાય નહિ. ઊંડા પાણીમાંથી માછલું ઉપર આવે તે વખતે પાણી હલે. જો માછલું જોરાવર હોય તો પાણી ઊથલપાથલ થાય. એટલે ભક્ત ભાવાવેશમાં હસે, રડે, નાચે, ગાય.

ભાવની અવસ્થામાં ઝાઝો વખત રહી શકાય નહિ. અરીસાની પાસે બેસીને માત્ર મોઢું જોયા કરીએ તો લોકો ગાંડો કહે.

કોન્નગરનો ભક્ત: અમે સાંભળ્યું છે કે આપ ઈશ્વરનાં દર્શન કરો છો! તો અમને પણ દેખાડી દો.

(કર્મ કે સાધના વિના ઈશ્વરદર્શન ન થાય)

શ્રીરામકૃષ્ણ: બધું ઈશ્વરાધીન, માણસ શું કરે? પ્રભુનું નામ લેતાં લેતાં ક્યારેક અશ્રુધાર પડે, તો ક્યારેક વળી ન પણ પડે. તેનું ધ્યાન કરતાં કરતાં કોઈ કોઈ દિવસ ખૂબ ઉદ્દીપન થાય, તો વળી કોઈ દિવસ કશુંય ન થાય.

કર્મ જોઈએ, તો જ ઈશ્વરદર્શન થાય. ભાવ-સમાધિમાં એક દિવસ હાલદારપુકુર  તળાવ જોયું. (હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનું ઘર. તે ઘરની સામે જ હાલદારપુકુર તળાવ, એક સરોવર જેવું મોટું તળાવ) જોયું તો પછાત વર્ણનો એક જણ પાણી ભરે છે અને હાથમાં લઈને વચ્ચે વચ્ચે જોતો જાય છે. જાણે કે બતાવી રહ્યો છે કે ઉપરની લીલ હટાવ્યા વિના પાણી દેખાય નહિ. સાધના-કર્મ કર્યા વિના ભક્તિ-પ્રાપ્તિ થાય નહિ, ઈશ્વરદર્શન થાય નહિ. ધ્યાન, જપ એ બધું કર્મ, ભગવાનનાં નામ-ગુણ-કીર્તન એ પણ કર્મ, તેમજ દાન, યજ્ઞ એ બધાં પણ કર્મ.

માખણની જો ઇચ્છા હોય, તો દૂધ જમાવવું જોઈએ; ત્યાર પછી તેને એકાંતમાં રાખવું જોઈએ. દહીં જામી ગયા પછી મહેનત કરીને તેને વલોવવું જોઈએ; ત્યારે માખણ નીકળે.

મહિમાચરણ: જી હાં, કર્મ જરૂર કરવાં જોઈએ, ખૂબ પરિશ્રમ લેવો જોઈએ, તો જ ભગવત્પ્રાપ્તિ થાય, ભણવુંયે કેટલું બધું જોઈએ? અનંત શાસ્ત્ર.

(પહેલાં વિદ્યા (જ્ઞાનવિચાર) કે પહેલાં ઈશ્વરપ્રાપ્તિ?)

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને): શાસ્ત્રો તે કેટલાં ભણવાં? માત્ર વિચાર કર્યે શું વળે? પ્રથમ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. ગુરુ-વાક્યમાં શ્રદ્ધા રાખીને કંઈક સાધના કરો. ગુરુ ન હોય તો વ્યાકુળ થઈને પ્રભુને પ્રાર્થના કરો. એ કેવા છે તે એ પોતે જ જણાવી દેશે.

‘ચોપડાં વાંચીને શું જાણવાના હતા? જ્યાં સુધી બજારમાં ન પહોંચીએ ત્યાં સુધી દૂરથી માત્ર હો હો એમ દેકારો સંભળાય. પણ બજારમાં પહોંચ્યા એટલે જુદી તરેહનો અનુભવ. એ વખતે તો સ્પષ્ટ જોઈ શકો ને સાંભળી શકો કે ‘લો બટાટા, લાવો પૈસા’ વગેરે. સમુદ્ર દૂરથી ‘ઘૂ ઘૂ’ શબ્દ કરે. પાસે જાઓ એટલે કેટલાં વહાણ ચાલે છે, પંખી ઊડે છે, મોજાં ઊછળે છે એ બધું જોઈ શકો. 

પુસ્તક વાંચ્યે બરાબર અનુભવ થાય નહિ, મોટો તફાવત રહે. પ્રભુનાં દર્શન થયા પછી ચોપડીઓ, શાસ્ત્રો, સાયન્સ એ બધાં ઘાસનાં તણખલાં જેવાં લાગે.

‘મોટા શેઠની સાથે મુલાકાત કરવાની જરૂર, તેમના કેટલા બંગલા, કેટલા બગીચા, કેટલી ચલણી નોટો, એ બધું અગાઉથી જાણવાને એટલા બધા ઉતાવળા શા માટે થવું? નોકરોની પાસે જાઓ તો એ લોકો ઊભા પણ ન રહેવા દે, શેઠનાં સરકારી કાગળિયાં જાણવાની વાતો તો દૂર રહી. પણ ગમે તેમ કરીને મોટા શેઠની સાથે એક વાર મુલાકાત કરો. પછી એ ધક્કા ખાઈને, અથવા દીવાલ ટપીને. મુલાકાત થયા પછી તેમના કેટલા બંગલા, કેટલા બગીચા, કેટલા સરકારી કાગળો એ બધું શેઠ પોતે જ કહી દેશે. વળી શેઠની સાથે વાતચીત થાય તો દરવાનો, નોકરો પણ સલામ કરે. (Seek ye first the kingdom of Heaven and all other things shall be added unto you – પ્રથમ તો સ્વર્ગના રાજ્યને શોધો અને બાકીનું બીજું બધું તો એની મેળે આવી જશે.) (સૌનું હાસ્ય).

ભક્ત: ત્યારે હવે મોટા શેઠની સાથે મુલાકાત કેમ થાય? (હાસ્ય).

શ્રીરામકૃષ્ણ: એ માટે સાધના જોઈએ. ઈશ્વર છે એમ કહીને બેસી રહ્યે કાંઈ ન વળે. 

ગમે તેમ કરીને તેની પાસે પહોંચવું જોઈએ. એકાંતમાં તેને પુકારો, ‘દર્શન આપો’ એમ કહીને પ્રાર્થના કરો, વ્યાકુળ થઈને રુદન કરો. કામકાંચન સારુ ગાંડાતુર થઈને રખડી શકો, તો પછી પ્રભુને માટે જરાક તો ગાંડા થાઓ. માણસો ભલે કહે કે અમુક તો ઈશ્વર સારુ પાગલ થઈ ગયો છે. યા તો કેટલાક દિવસ બધું છોડીને એકલા પ્રભુને જ પુકારો.

‘કેવળ ‘ઈશ્વર છે’ એમ કહીને બેસી રહ્યે શું વળે? હાલદારપુકુર તળાવમાં મોટાં માછલાં છે. તે તળાવને કાંઠે માત્ર બેસી રહ્યે શું માછલાં હાથમાં આવી જવાનાં હતાં? પ્રથમ માછલાં સારુ કંઈક ખાવાનું તૈયાર કરો. પાણીમાં એ નાખો. ઊંડા પાણીમાં માછલાં આવે, ત્યારે પાણી હાલે, ત્યારે આનંદ થાય. કાં તો માછલું એક વાર જરાક દેખાઈ ગયું, માછલું ધબાંગ કરીને ઊંચું ઊઠ્યું. જ્યારે દેખાય ત્યારે આનંદ.

‘દૂધનું દહીં જમાવીને વલોવો ત્યારે જ માખણ મળે.

(મહિમાને) આ તો એક મજાની મુસીબત! ઈશ્વરને દેખાડી દો! અને ભાઈસાહેબ પોતે કંઈ કર્યા વગર બેઠા રહે. માખણ કાઢીને મોઢાની સામે મૂકો! (સૌનું હાસ્ય). ખરી મુસીબત – માછલું પકડીને હાથમાં મૂકો!

એક જણને રાજાને જોવાની ઇચ્છા થઈ. રાજા છે સાતમી દેવડી પર. હજુ તો પહેલી દેવડી વટાવી ન વટાવી ત્યાં તો કહે ‘રાજા ક્યાં?’ જેમ છે તેમ એક પછી એક જે દેવડીઓ છે તેમને વટાવીને તો જવું પડે ને?

(ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય – વ્યાકુળતા)

મહિમાચરણ: કયાં કર્માેથી ઈશ્વરને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ: અમુક કર્માેથી તેને પામી શકાય અને અમુક કર્માેથી નહિ, એમ નથી. તેમની કૃપા ઉપર બધો આધાર; તોપણ વ્યાકુળ થઈને કંઈ કર્મ કર્યે જવું જોઈએ. વ્યાકુળતા હોય તો તેમની કૃપા થાય.’

‘અને એક પ્રકારની અનુકૂળતા જોઈએ, સાધુસંગ, વિવેક, સદ્ગુરુ-પ્રાપ્તિ. કાં તો મોટા ભાઈએ ઘર-સંસારનો બધો ભાર માથે લઈ લીધો હોય, કાં તો પત્ની વિદ્યાશક્તિ હોય, બહુ ધાર્મિક; અથવા વિવાહ જ થયો ન હોય, સંસારમાં બંધાવું જ પડ્યું ન હોય. આવો બધો યોગાનુયોગ બને તો થઈ જાય.

‘એક જણાને ત્યાં કોઈક બહુ જ માંદું, મરવાની અણી ઉપર. એટલામાં કોઈએ કહ્યું કે ‘સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે; એ વરસાદનું પાણી એક મડદાના માથાની ખોપરીમાં પડે; અને એ વખતે એક સાપ દેડકાની પાછળ દોડતો જાય; તેમાં દેડકાને ફેણ મારવા જતાં, દેડકો જેવો કૂદકો મારીને નાસે તેવું જ એ સાપની ફેણ માંહેનું વિષ પેલા મડદાના માથાની ખોપરીમાં જાય; એ વિષની અમુક દવા તૈયાર કરીને જો માંદાને પાવામાં આવે તો તે બચી જાય.

‘એ પરથી જેના ઘરમાં માંદું હતું તે માણસ દિવસ, ઘડી, નક્ષત્ર જોઈને ઘેરથી નીકળ્યો. અને આતુર થઈને આ બધું શોધવા લાગ્યો. મનમાંને મનમાં ઈશ્વરને પોકારે છે કે હે પ્રભુ! આ બધું તમે જો ભેળું કરી દો, તો જ બને. એ પ્રમાણે ચાલતાં ચાલતાં ખરેખર દેખાયું કે એક મડદાની ખોપરી પડેલી છે. જોતજોતામાં વરસાદનું ઝાપટું પણ પડી ગયું. એટલે એ વ્યક્તિ કહે છે કે ‘હે ગુરુદેવ! મડદાના માથાની ખોપડી મળી, સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પણ થયો, એ વરસાદનું પાણી પણ એ ખોપરીમાં પડ્યું; હવે કૃપા કરીને બાકીની ચીજોની ગોઠવણ કરી દો, ભગવાન!’

‘આતુર થઈ તે પ્રાર્થના કરી રહ્યો છે. એટલામાં તેણે જોયું તો એક ઝેરી સાપ ચાલ્યો આવે છે. તેને જોઈને તે માણસ ખૂબ રાજી થયો. એ એટલો આતુર થયો કે તેની છાતીમાં ધબક ધબક થવા લાગ્યું અને તે બોલવા લાગ્યો કે ‘હે ગુરુદેવ! હવે તો સાપ પણ આવ્યો છે; ઘણીખરી વસ્તુઓનો મેળ થઈ ગયો! કૃપા કરીને હવે જે થોડીક બાકી છે, એ બધી મેળવી આપો!’ એમ પ્રાર્થના કરે છે ત્યાં તો એક દેડકો પણ આવ્યો, અને સાપ એ દેડકાની પાછળ દોડવા લાગ્યો. મડદાના માથાની ખોપરીની પાસે આવીને જેવો તે ફેણ મારવા ગયો કે તરત પેલો દેડકો છલાંગ મારીને પેલી બાજુ કૂદી પડ્યો અને વિષ પેલી ખોપરીની અંદર પડી ગયું. એટલે પેલો માણસ આનંદથી હાથ-તાલી વગાડતો વગાડતો નાચવા લાગ્યો.

‘એટલે કહું છું કે અંતરમાં વ્યાકુળતા હોય તો બધું થઈ જાય.’

Total Views: 340
ખંડ 36: અધ્યાય 2 : સેવકની નિકટ - હૃદય ઊભા છે
ખંડ 36: અધ્યાય 4 : સંન્યાસ અને ગૃહસ્થાશ્રમ - ઈશ્વરપ્રાપ્તિ અને ત્યાગ - સાચો સંન્યાસી કોણ?