શ્રીરામકૃષ્ણ: મનમાંથી સર્વસ્વનો ત્યાગ થયા વિના ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ. સાધુ સંગ્રહ કરી શકે નહિ. સંગ્રહ ન કરે પંછી ઔર દરવેશ! અર્થાત્ પંખી અને સાધુ સંગ્રહ કરે નહિ. ‘મારો સ્વભાવ એવો કે હાથ ધોવા માટેની માટી પણ સાથે લઈને જઈ શકું નહિ. બટવામાં ભરીને પાન લાવવાનું પણ બને નહિ. હૃદય જ્યારે બહુ ત્રાસ દેતો, ત્યારે અહીંથી કાશી ચાલ્યા જવાનો મનસૂબો કર્યાે. એમ વિચાર કર્યાે કે સાથે કપડાં લઈશ, પણ રૂપિયા કેવી રીતે લેવા? બસ, કાશી જવાયું નહિ. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (મહિમાને): તમે લોકો સંસારી. તમે આ પણ રાખો ને તે પણ રાખો. સંસાર પણ રાખો ને ધર્મ પણ રાખો.

મહિમાચરણ: પછી શું આ પણ રહે?

શ્રીરામકૃષ્ણ: મેં પંચવટીની પાસે ગંગાને કાંઠે ‘રૂપિયા માટી, માટી રૂપિયા, રૂપિયા માટી’ એમ વિચાર કરતાં કરતાં જ્યારે રૂપિયા ગંગાજળમાં ફેંકી દીધા, ત્યારે જરા બીક લાગી. વિચાર આવ્યો કે ‘હું લક્ષ્મીહીન થયો કે શું? મા લક્ષ્મી જો મારું ખાવાનું જ બંધ કરી દે તો શું થાય?’ એટલે મેં હાજરાની પેઠે ચાલાકી વાપરી. મેં કહ્યું કે ‘મા, તમે હૃદયમાં રહો!’ એક જણની તપસ્યાથી ભગવતી પ્રસન્ન થઈને બોલ્યાં: ‘તું વરદાન માગ.’ તે માણસે કહ્યું કે ‘મા! જો વરદાન દેવું હોય તો એવું વરદાન આપો કે હું દીકરાના દીકરા સાથે સોનાના થાળમાં ભોજન કરું.’ એક જ વરદાનમાં પૌત્ર, ઐશ્વર્ય, સોનાનો થાળ એ બધુંય થયું! (સૌનું હાસ્ય).

‘મનમાંથી કામ-કાંચનનો ત્યાગ થાય તો ઈશ્વરમાં મન જાય; જઈને મન તેમાં લીન થાય. જે બદ્ધ તે જ મુક્ત થઈ શકે. ઈશ્વરથી વિમુખ હોય એ જ બદ્ધ. ત્રાજવાનો નીચેનો કાંટો ઉપરના કાંટાથી જુદો ક્યારે પડે? જ્યારે ત્રાજવાના પલ્લામાં કામ-કાંચનરૂપી વજન પડે ત્યારે.

‘બાળક જન્મતાં જ રડે શા માટે? ગર્ભમાં હતું તો યોગમાં હતું. જન્મીને એટલા સારુ રડે કે ‘ક્યાં, ક્યાં, આ ક્યાં આવ્યો! ઈશ્વરનાં ચરણકમલનું ધ્યાન કરતો હતો, ત્યાંથી અહીં વળી ક્યાં આવ્યો?’

‘તમારે માટે મનથી ત્યાગ, અનાસક્ત થઈને સંસાર કરો.’

(સંસારત્યાગ શું જરૂરી છે?)

મહિમા: ઈશ્વરમાં મન જાય તો શું સંસાર રહે?

શ્રીરામકૃષ્ણ: એ શું! સંસારમાં ન રહે તો ક્યાં જાય? હું તો જોઉં છું કે જ્યાં રહું ત્યાં રામની અયોધ્યામાં જ છું. આ જગત, સંસાર રામની અયોધ્યા. રામચંદ્ર ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બોલ્યા કે હું સંસાર-ત્યાગ કરીશ. દશરથે તેમને સમજાવવા માટે વસિષ્ઠ મુનિને બોલાવ્યા, વસિષ્ઠે જોયું તો રામને તીવ્ર વૈરાગ્ય. એટલે પછી તે બોલ્યા, ‘રામ! પ્રથમ તમે મારી સાથે ચર્ચા કરો, ત્યાર પછી સંસાર-ત્યાગ કરો. વારુ, હું એમ પૂછું છું કે સંસાર શું ઈશ્વરથી જુદો છે? એમ જો હોય તો તમે ત્યાગ કરો.’ રામે જોયું તો ઈશ્વર જ જીવ, જગત એ બધું થઈ રહેલ છે. તેની સત્તાથી જ આ બધું સત્ય લાગે છે. એટલે રામચંદ્ર ચૂપ થઈ ગયા.

‘સંસારમાં કામ, ક્રોધ વગેરે બધાંની સાથે યુદ્ધ કરવાનું હોય, અનેક જાતની વાસનાઓ સાથે યુદ્ધ કરવાનું હોય, આસક્તિની સાથે યુદ્ધ કરવાનું હોય. યુદ્ધ કિલ્લામાં રહીને કરવું એ જ સગવડભર્યું છે. ઘરમાં રહીને જ યુદ્ધ કરવું સારું. ત્યાં ખાવા મળે, ધર્મપત્ની દરેક જાતની સહાય આપે. કલિયુગમાં પ્રાણનો આધાર અન્ન ઉપર. ખાવાના અન્ન સારુ સાત ઘરે ભટકવું પડે તે કરતાં એક જ ઘર સારું. ઘર જાણે કે કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરવા જેવું. 

અને સંસારમાં રહો તો વંટોળિયામાં ઊડતા એઠા પાતળ જેવા થઈને રહો. વંટોળિયો એઠા પાતળને ક્યારેક ઘરની અંદર લઈ જાય, તો ક્યારેક નરકની કુંડીમાં. પવન જે બાજુ જાય, પાતળ તે બાજુ જાય, ક્યારેક સારી જગામાં તો ક્યારેક નરસી જગામાં. તમને અત્યારે સંસારમાં રાખ્યા છે; સારું, અત્યારે ત્યાં જ રહો. વળી જ્યારે ત્યાંથી ઉઠાવીને એના કરતાં સારી જગાએ રાખે, ત્યારે જે થવાનું હશે તે થઈ રહેશે.

(સંસારમાં રહીને આત્મસમર્પણ – Resignation – રામની ઇચ્છા)

‘ભગવાને સંસારમાં રાખ્યા છે તે શું કરો? બધું તેમને સમર્પણ કરો. તેમને આત્મ-સમર્પણ કરો, તો બીજી કોઈ જાતની મુશ્કેલી રહેશે નહિ. ત્યારે દેખાશે કે પ્રભુ જ બધું કરી રહ્યા છે. બધું ‘રામની મરજી.’

એક ભક્ત: ‘રામની મરજી’ એ વાત શી?

શ્રીરામકૃષ્ણ: એક ગામમાં એક વણકર રહેતો હતો. બહુ ધાર્મિક માણસ. સૌ તેના પર વિશ્વાસ રાખે અને તેને ચાહે. વણકર બજારમાં બેસીને કપડું વેચે. ઘરાક ભાવ પૂછે એટલે કહે કે ‘રામની મરજીથી સૂતરની કિંમત એક રૂપિયો, મજૂરી ચાર આના. રામની મરજીથી નફો બે આના; એકંદરે રામની મરજીથી કપડાંનો ભાવ એક રૂપિયો ને છ આના.’ માણસોને તેના પર એટલો બધો વિશ્વાસ કે ભાવતાલ કર્યા વિના તરત જ પૈસા આપી દઈને કપડું લઈ લેતા. વણકર બહુ ભગત માણસ. રાત્રે વાળુ કર્યા પછી મોડે સુધી ફળિયામાં એકઢાળિયા નીચે બેઠો બેઠો ઈશ્વર-ચિંતન કર્યા કરે ને પ્રભુનું નામ-ગુણ-કીર્તન કરે. એક દિવસ મોડી રાત સુધી તેને ઊંઘ ન આવી. એટલે બેઠો બેઠો ચલમ પીતો હતો. એટલામાં એ રસ્તેથી ચોર ચોરી કરવા માટે નીકળ્યા. તેમની સાથે સામાન ઉપાડનાર કોઈ ન હતું, તેથી ચોર વણકરને કહે કે ‘અલ્યા એય! અહીં આવ, ચાલ અમારી સાથે.’ એમ કહીને તેનો હાથ પકડીને ખેંચીને પરાણે લઈ ગયા. ત્યાર પછી કોઈ એક ગૃહસ્થના ઘરમાં જઈને ખાતર પાડ્યું. કેટલીક ભારે ચીજો વણકરના માથા પર લાદી. એટલામાં પોલીસ આવી પહોંચી. એટલે પેલા ચોર તો નાસી ગયા. પણ બિચારો વણકર માથે બોજા સહિત પકડાઈ ગયો! આખી રાત તેને થાણામાં રાખ્યો. બીજે દિવસે મેજિસ્ટ્રેટ સાહેબની પાસે કેસ ચાલ્યો. ગામના માણસોને ખબર પડતાં બધા આવીને ત્યાં હાજર થયા. એ લોકો બધા મેજિસ્ટ્રેટને કહેવા લાગ્યા કે ‘સાહેબ, આ માણસ કોઈ દિવસ ચોરી કરી શકે નહિ.’ એટલે સાહેબે વણકરને પૂછ્યું ‘કેમ ભાઈ, તમારું શું કહેવું છે?’ એટલે વણકર બોલ્યો કે ‘સાહેબ, રામની મરજીથી મેં કાલે રાત્રે વાળું કર્યું. ત્યાર પછી રામની મરજીથી હું એકઢાળિયા નીચે બેઠો હતો ને રામની મરજીથી મોડી રાત થઈ ગઈ. રામની મરજીથી હું રામનું સ્મરણ અને તેનાં નામ-ગુણ-કીર્તન કરતો હતો. એ વખતે રામની મરજીથી એક ચોરની ટોળી ત્યાં થઈને નીકળી. રામની મરજીથી તેઓ મને હાથ ઝાલીને ખેંચી ગયા. રામની મરજીથી તેઓએ એક ગૃહસ્થના ઘરમાં ખાતર પાડ્યું. પછી રામની મરજીથી મારા માથા ઉપર બધો બોજો મૂક્યો. એટલામાં રામની મરજીથી પોલીસ આવી પહોંચી. રામની મરજીથી ચોર બધા નાસી ગયા ને હું રામની મરજીથી પકડાઈ ગયો. ત્યાર પછી રામની મરજીથી પોલીસે મને થાણામાં રાખ્યો ને આજ સવારે રામની મરજીથી આપની પાસે હાજર કર્યાે છે.’

આવો ધાર્મિક માણસ જોઈને સાહેબે વણકરને છોડી મૂકવાનો હુકમ કર્યાે.

વણકર રસ્તામાં પોતાના ભાઈબંધને કહે કે ‘રામની મરજીથી મને છોડી મૂક્યો!’ સંસાર કરવો, સંન્યાસ લેવો એ બધું રામની ઇચ્છા. રામની ઉપર બધું છોડી દઈને સંસારનું કામકાજ કરો. 

અને તે સિવાય બીજું કરો શું?

એક કારકુન જેલમાં ગયો. તેની સજા પૂરી થઈ એટલે જેલમાંથી છૂટીને બહાર આવ્યો. હવે જેલમાંથી છૂટીને બહાર આવ્યો એટલે શું તે થેઈ થેઈ કરીને નાચે? કે પાછો એની એ કારકુની કરે?

સંસારી જો જીવન્મુક્ત થાય, તો તેની ઇચ્છા હોય તો અનાયાસે સંસારમાં રહી શકે. જેને જ્ઞાન-પ્રાપ્તિ થઈ છે તેને ‘અહીં’, ‘ત્યાં’ એવું નથી, તેને બધું સમાન. જેને ‘અહીં’ છે તેને ‘ત્યાં’ પણ છે.

(પૂર્વકથા – કેશવ સેન સાથે વાત – સંસારમાં જીવન્મુક્ત)

‘જ્યારે કેશવ સેનને તેમના બગીચામાં પ્રથમ મળ્યો, ત્યારે મેં કહ્યું હતું કે ‘આની પૂંછડી ખરી પડી છે!’ એ સાંભળતાં આખી સભાના લોકો હસી પડ્યા. એટલે કેશવે કહ્યું: ‘તમે લોકો હસો મા. એનો કંઈક અર્થ છે; હું એમને પૂછું છું.’ મેં કહ્યું: જ્યાં સુધી દેડકાના બચ્ચાની પૂંછડી ખરી ન જાય ત્યાં સુધી તેને એકલા પાણીમાં જ રહેવું પડે; તે પાણીમાંથી નીકળીને કિનારે આવીને જમીન પર હરી ફરી ન શકે. પણ જેવી પૂંછડી ખરી પડે કે તરત તે છલાંગ મારીને કિનારા ઉપર ચડી જાય. ત્યાર પછી પાણીમાંય રહે અને કાંઠે પણ રહે. તે પ્રમાણે માણસની અવિદ્યા-પૂંછડી જ્યાં સુધી ખરી ન પડે ત્યાં સુધી સંસારજળમાં પડ્યો રહે. અવિદ્યા-પૂંછડી ખરી પડે, જ્ઞાન થાય ત્યારે મુક્ત થઈને ફરી શકે. વળી જો ઇચ્છા હોય તો સંસારમાં પણ રહી શકે.

Total Views: 344
ખંડ 36: અધ્યાય 3 : ભક્તો સાથે - વિવિધ પ્રસંગે - ભાવ અને મહાભાવનાં ગૂઢતત્ત્વ
ખંડ 36: અધ્યાય 5 : ગૃહસ્થાશ્રમની વાતો - નિર્લિપ્તસંસારી