શ્રીયુત્ મહિમાચરણ વગેરે ભક્તો બેઠાં બેઠાં શ્રીરામકૃષ્ણના હરિકથામૃતનું પાન કરી રહ્યા છે. તેમની વાતો જાણે કે વિવિધ રંગનાં મણી-રત્નો! જે જેટલાં વીણી શકે તેટલાં વીણી રહ્યા છે. પણ ખોળો ભરાઈ ગયો છે! એટલો બધો ભાર લાગે છે કે ઉપાડી શકાતું નથી. હળવાં પાત્ર હોવાથી વધારે ધારણ કરી શકતા નથી. સૃષ્ટિના આરંભથી તે આજ સુધી માણસના હૃદયમાં જેટલા વિષયમાં જેટલા જેટલા પ્રકારની સમસ્યાઓનો ઉદય થયો છે તે બધી સમસ્યાઓનો ઉકેલ થઈ રહ્યો છે. પંડિત પદ્મલોચન, નારાયણ-શાસ્ત્રી, ગૌરી પંડિત, દયાનંદ સરસ્વતી વગેરે શાસ્ત્રવેત્તા પંડિતો આશ્ચર્યચકિત થઈ ગયા છે. દયાનંદ સરસ્વતીએ જ્યારે શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં અને તેમની સમાધિ અવસ્થા જોઈ ત્યારે બોલી ઊઠ્યા કે ‘અમે તો આટલા બધા વેદ-વેદાંતનું માત્ર વાંચન જ કર્યું છે, પણ આ મહાપુરુષમાં તો એનું ફળ જોઈએ છીએ. આમને જોઈને સાબિત થાય છે કે પંડિતો શાસ્ત્રનું મંથન કરીને માત્ર છાશ જ પીએ છે, જ્યારે આવા મહાપુરુષો તો માખણ ખાય છે.’ વળી અંગ્રેજી ભણેલા કેશવચંદ્ર સેન વગેરે પંડિતો પણ એમને જોઈને નવાઈ પામ્યા છે. તેઓ વિચારમાં પડી જઈને બોલી ઊઠ્યા છે કે ‘શી નવાઈ! આ અભણ માણસ, આ બધી વાતો શી રીતે બોલે છે? આ તો જાણે કે બરાબર ઈશુ ખ્રિસ્તના જેવી જ વાતો. એ જ વાતો. એ જ સાદી લોકભોગ્ય વાણી! એમના જેવી જ સરળ સમજાવવાની રીત. સ્ત્રી, પુરુષો, બાળકો બધાય અનાયાસે સમજી શકે. ઈશુ ‘પિતા’ ‘પિતા’ કહીને ગાંડા થયા હતા. આ મહાપુરુષ ‘મા’ ‘મા’ કહીને પાગલ. જ્ઞાનનો અક્ષય ભંડાર, માત્ર એટલું જ નહિ પણ ઈશ્વર-પ્રેમ ઘડે ઘડે રેડે તોયે ન ખૂટે! આ પણ ઈશુની માફક ત્યાગી, તેમની પેઠે આમનો પણ જ્વલંત વિશ્વાસ! એને લીધે જ આમની વાતોમાં આટલું જોર. સંસારી માણસ બોલે તેમાં તો આટલું જોર હોય નહિ, કારણ કે એ લોકો ત્યાગી નથી. તેમનામાં જ્વલંત શ્રદ્ધા ક્યાં?’ કેશવ સેન વગેરે પંડિતો એમ પણ વિચાર કરી રહ્યા છે કે આ નિરક્ષર માણસમાં આટલો ઉદાર ભાવ કેવી રીતે આવ્યો? શી નવાઈ! કોઈ પ્રકારનો દ્વેષભાવ નહિ! બધા ધર્મના અનુયાયીઓને માન આપે! કોઈની સાથે ઝઘડો નહિ! 

આજની મહિમાચરણની સાથેની શ્રીઠાકુરની વાતો સાંભળીને કોઈ ભક્ત વિચાર કરે છે કે ઠાકુર તો સંસાર-ત્યાગ કરવાનું બોલ્યા નહિ. ઊલટું એમ કહે છે કે સંસાર કિલ્લા જેવો. એ કિલ્લામાં રહીને કામ-ક્રોધ વગેરેની સાથે યુદ્ધ કરી શકાય. વળી કહે છે કે સંસારમાં ન રહે તો જાય ક્યાં? કારકુન જેલમાંથી છૂટીને પાછો કારકુની જ કરે. એટલે કે એક રીતે એમ કહે છે કે જીવન્મુક્ત સંસારમાં પણ રહી શકે. આદર્શ – કેશવ સેન! તેમને ઠાકુરે કહ્યું હતું કે તમારી પૂંછડી ખરી પડી છે. બીજા કોઈનું એમ નથી. પણ એક વાત છે, ઠાકુર એટલું કહે છે કે વચ્ચે વચ્ચે એકાંતમાં રહેવું જોઈએ, નાના છોડને ફરતી વાડ કરી લેવી જોઈએ, નહિતર ગાય-બકરું ખાય જાય! ઝાડનું થડ મોટું થયા પછી ચારે બાજુની વાડ ભાંગી નાખો કે ન ભાંગો. એટલે સુધી કે હાથી બાંધી દો તોય ઝાડને કંઈ થાય નહિ. તેમ નિર્જન સ્થળમાં રહીને, જ્ઞાન-પ્રાપ્તિ, ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત કર્યા પછી સંસારમાં આવીને રહો તો કશો ડર નહિ. એટલે માત્ર એકાંતવાસની વાત કરે છે! 

ભક્તો એ પ્રમાણે વિચાર કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ કેશવ સેનની વાત થઈ રહ્યા પછી બીજા એક બે સંસારી ભક્તોની વાત કરે છે.

(શ્રીદેવેન્દ્રનાથ ટાગોર – યોગ અને ભોગ)

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણ વગેરેને): વળી સેજો બાબુ (રાણી રાસમણિના જમાઈ, શ્રીયુત્ મથુરનાથ વિશ્વાસ. પહેલેથી જ ઠાકુર પ્રત્યે અત્યંત ભક્તિ અને તેઓ શિષ્યની જેમ સેવા કરતા.) સાથે દેવેન્દ્ર ઠાકુરને મળવા ગયો હતો. મેં સેજો બાબુને કહ્યું કે મેં સાંભળ્યું છે કે દેવેન્દ્ર ઠાકુર ઈશ્વર-સ્મરણ કરે છે, તો તેને મળવાની મને ઇચ્છા થાય છે. મથુરબાબુ બોલ્યા કે ‘વારુ બાબા, હું તમને લઈ જઈશ. અમે હિંદુ કોલેજમાં એક સાથે ભણતા હતા. મારી સાથે તેને સારો સ્નેહ છે.’ પછી અમે મળવા ગયા. દેવેન્દ્રનો સેજો બાબુની સાથે ઘણા દિવસે મેળાપ થયો. સેજો બાબુને જોઈને દેવેન્દ્ર કહે છે કે તમે જરા બદલાઈ ગયા છો, તમારું પેટ મોટું થઈ ગયું છે. સેજો બાબુએ મારી વાત કરી કે ‘આ તમને મળવા આવેલ છે. એ ઈશ્વર, ઈશ્વર કરીને પાગલ!’ તેનાં લક્ષણ જોવા સારુ મેં દેવેન્દ્રને કહ્યું, ‘જોઉં ભાઈ, તમારું શરીર?’ દેવેન્દ્રે શરીર પરથી પહેરણ કાઢ્યું. મેં જોયું તો ગૌર વર્ણ, તેના પર જાણે કે સિંદૂરની છાંટ. એ વખતે દેવેન્દ્રના વાળ હજી પાક્યા નહોતા.

‘પ્રથમ મળ્યા ત્યારે તેનામાં જરા અભિમાન જોયું. તે કેમ ન થાય? આટલું આટલું ઐશ્વર્ય, વિદ્યા, માન-અકરામ! અભિમાન જોઈને મેં મથુરબાબુને કહ્યું, ‘વારુ, અભિમાન જ્ઞાનથી થાય કે અજ્ઞાનથી? જેને બ્રહ્મ-જ્ઞાન થાય તેનામાં હું પંડિત કે હું જ્ઞાની કે હું પૈસાવાળો એવું અભિમાન શું રહી શકે?’

‘દેવેન્દ્રની સાથે વાતો કરતાં કરતાં અચાનક મારી પેલી અવસ્થા થઈ. એ અવસ્થા થાય એટલે કોણ કેવા પ્રકારનું માણસ એ ચોખ્ખું જોઈ શકું. મારી અંદર હી-હી-હી કરતું ને એક હાસ્ય ઊઠ્યું. જ્યારે એ અવસ્થા થાય ત્યારે પંડિત-બંડિત સાવ ફોતરાં જેવા લાગે! જો જોઉં કે પંડિતમાં વિવેક-વૈરાગ્ય નથી, તો પછી એ ઘાસનાં ફોતરાં જેવો લાગે. ત્યારે દેખાય કે જાણે કે ગીધ ઊંચે ચડ્યું છે, પણ નજર ઉકરડા તરફ છે.

દેવેન્દ્રનાથ ટાગોર

‘મેં જોયું કે દેવેન્દ્રને યોગ અને ભોગ બન્ને છે. નાનાં નાનાં ઘણાંય છોકરાંછૈયાં; અને ડોક્ટર આવ્યો છે, એથી જ સાબિત થયું કે આવડો મોટો જ્ઞાની હોવા છતાં હમેશાં સંસાર સાથે રહેવું પડે છે. મેં કહ્યું કે ‘તમે કળિયુગના જનક રાજા. જનક રાજાએ આણીકોર પેલીકોર, બેયકોર રાખીને પીધી હતી દૂધની વાટકી! તમે સંસારમાં રહેવા છતાં ઈશ્વરમાં મન રાખો છો, એ સાંભળીને તમને મળવા આવ્યો છું. મને ઈશ્વરની વાતો કંઈક સંભળાવો.’ 

એટલે વેદમાંથી તેમણે કંઈક કંઈક સંભળાવ્યું. અને કહ્યું કે ‘આ જગત જાણે કે એક મોટા ઝુંમર જેવું, અને જીવો જાણે કે ઝુંમરના એક એક દીવા જેવા.’ હું જ્યારે પંચવટીમાં ધ્યાન કરતો હતો ત્યારે બરાબર એ પ્રમાણે જોયું હતું. એનો દેવેન્દ્રની વાત સાથે મેળ જોઈને મને થયું કે ત્યારે તો એ ખૂબ મોટો માણસ! તેની વ્યાખ્યા કરવાનું કહ્યું, એટલે તેમણે કહ્યું કે આ જગતને કોણ જાણી શકત? ઈશ્વરે માણસ બનાવ્યો છે તે તેનો મહિમા બતાવવા સારુ. ઝુંમરનો પ્રકાશ ન હોત તો બધે અંધકાર! ઝુંમર સુધ્ધાં ન દેખાય!

(બ્રાહ્મસમાજમાં અસભ્યતા – કેપ્ટન, ગૃહસ્થ ભક્ત)

‘એવી ઘણીયે વાતચીત પછી દેવેન્દ્ર રાજી થઈને બોલ્યા કે ‘આપે બ્રાહ્મ-સમાજના ઉત્સવમાં આવવું પડશે,’ મેં કહ્યું કે ‘એ ઈશ્વરની મરજી. મારી તો આ અવસ્થા; તમે જુઓ છો. ક્યારે ક્યા ભાવમાં ઈશ્વર મને રાખે એનું ઠેકાણું નહિ!’ દેવેન્દ્રે કહ્યું કે ‘ના તમારે આવવું જ પડશે. પણ ધોતિયું અને ઉપરણું ઓઢીને આવવું. તમને મેલાઘેલા જોઈને કોઈ કંઈ કહે તો મને દુ:ખ થાય.’ મેં કહ્યું ‘એ નહિ બને, હું બાબુ નહીં બની શકું!’ દેવેન્દ્ર, મથુરબાબુ, વગેરે હસવા લાગ્યા.

‘બીજે દિવસે મથુરબાબુ પર દેવેન્દ્રનો કાગળ આવ્યો. તેમાં તેમના ઉત્સવમાં જવાની મને ના પાડી હતી. લખ્યું હતું કે એ ‘આઉટ ઓફ એટીકેટ’ (અસભ્યતા) ગણાય, જો અંગ ઉપર ઉપરણું ન હોય તો!’ (સૌનું હાસ્ય).

(મહિમાચરણને) બીજા એક ભક્ત છે: કેપ્ટન (શ્રીવિશ્વનાથ ઉપાધ્યાય, નેપાળ નિવાસી, નેપાળના રાજાના વકીલ, રાજપ્રતિનિધિરૂપે કોલકાતામાં રહેતા હતા. અતિસદાચારનિષ્ઠ બ્રાહ્મણ અને પરમ ભક્ત.) સંસારી ખરા, પણ મોટા ભક્ત. તમે તેને મળજો. 

કેપ્ટનને વેદ-વેદાન્ત, શ્રીમદ્ ભાગવત, ગીતા, અધ્યાત્મ (રામાયણ) એ બધું કંઠસ્થ. તમે વાતચીત કરી જોજો. 

તેમનામાં ખૂબ ભક્તિ છે. હું વરાહનગરમાં રસ્તા ઉપર ચાલ્યો જતો હોઉં, તે વખતે મારી ઉપર છત્રી રાખે! પોતાને ઘેર તેડી જઈને કેટલાં સેવા-સન્માન કરે! મને પવન નાખે, મારા પગ ચાંપે, જાતજાતનાં શાક બનાવીને ખવરાવે. હું એક દિવસ તેમને ઘેર પાયખાનામાં (સમાધિથી) બેહોશ થઈ ગયો.

કેપ્ટન એટલો આચાર પાળવાવાળો, છતાં પાયખાનાની અંદર મારી પાસે આવીને પગ પહોળા કરીને મને બરાબર બેસાડી દીધો. એટલો બધો આચારનિષ્ઠ, છતાં તેને ઘૃણા ન આવી!

‘કેપ્ટનને ખૂબ ખરચો. કાશીમાં ભાઈઓ રહે, તેમને આપવું પડે. તેની પત્ની પહેલાં કંજૂસ હતી. હવે એવી સ્થિતિમાં આવી ગઈ છે કે તેનાથી બધી જાતના ખરચાને પહોંચી વળાતું નથી.’

કેપ્ટનની સ્ત્રી મને કહે કે એમને (કેપ્ટનને) સંસાર ગમતો નથી, એટલે વચ્ચે વચ્ચે સંસાર છોડી દઉં, છોડી દઉં એમ કરે. 

એમનો વંશ ભક્તોનો. તેનો બાપ લડાઈમાં જતો. મેં સાંભળ્યું છે કે લડાઈને વખતે એક હાથે શિવ- પૂજા અને બીજા હાથમાં ખુલ્લી તલવાર, એમ યુદ્ધ કરતો! 

કેપ્ટન ભારે આચારનિષ્ઠ. હું કેશવ સેનની પાસે જતો, એટલા માટે એક મહિના સુધી એ અહીં આવ્યો નહિ. કહે કે ‘કેશવ સેન ભ્રષ્ટાચારી, અંગ્રેજોની સાથે ખાય, પરન્યાતમાં દીકરી પરણાવી છે,  તે ન્યાત બહાર છે,’ મેં કહ્યું કે ‘મારે એ બધાંની જરૂર શી? કેશવ હરિનામ લે, એટલા સારુ હું તેને મળવા જાઉં છું. ભગવાનની વાતો સાંભળવા જાઉં છું. હું તો બોર ખાઉં, કાંટાની સાથે મારે શું કામ?’ તોય મને છોડે નહિ; કહે કે તમે કેશવ સેનને ત્યાં જાઓ જ શા માટે? એટલે પછી મેં જરા કંટાળી જઈને કહ્યું કે ‘હું રૂપિયા સારુ તો જતો નથી, હું તો હરિનામ સાંભળવા જાઉં છું! અને તમે લાટસાહેબ (ગવર્નર-જનરલ) ને ઘેર જાઓ છો કેવી રીતે? એ લોકો તો મ્લેચ્છ, તેમની સાથે રહો છો કેવી રીતે? એ બધું સંભળાવું, ત્યારે જરા ઠંડો પડે.’

પણ ખૂબ ભક્તિ. જ્યારે પૂજા કરે ત્યારે કપૂરની આરતી કરે. અને પૂજા કરતાં કરતાં આસન ઉપર બેસીને સ્તુતિ કરે ત્યારે જાણે કે બીજો જ માણસ, જાણે કે તન્મય થઈ જાય!’

Total Views: 343
ખંડ 36: અધ્યાય 4 : સંન્યાસ અને ગૃહસ્થાશ્રમ - ઈશ્વરપ્રાપ્તિ અને ત્યાગ - સાચો સંન્યાસી કોણ?
ખંડ 36: અધ્યાય 6 : વેદાંત વિશે વિચાર - માયાવાદ અને શ્રીરામકૃષ્ણ