શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને): વેદાંતવિચાર પ્રમાણે સંસાર માયામય, સ્વપ્ન જેવો, બધું મિથ્યા. જે પરમાત્મા છે એ જ સાક્ષી સ્વરૂપ; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ ત્રણે અવસ્થાઓના સાક્ષી સ્વરૂપ. આ બધી તમારા ભાવની વાતો. સ્વપ્ન જેટલું સાચું, જાગ્રત પણ તેટલું જ સાચું. એક વાત કહું સાંભળો, તમારા મનોભાવ પ્રમાણેની.

‘એક દેશમાં એક ખેડૂત રહેતો. બહુ જ્ઞાની. ખેતી બેતી કરે; ઘરમાં સ્ત્રી છે. ઘણે વર્ષે એક દીકરો થયો. નામ મણિયો. એ છોકરાની ઉપર માબાપ બન્નેનો ઘણો પ્રેમ, કારણ કે એકનો એક, કુળનો દીવો. ખેડૂત હતો ધાર્મિક, એટલે ગામના બધા માણસો તેને ચાહતા. એક દિવસ એ ખેતરમાં કામ કરે છે એટલામાં કોઈએ આવીને ખબર આપ્યા કે મણિયાને કોલેરા થયો છે! ખેડૂતે તો ઘેર જઈને ઘણી સારવાર કરી, પણ છોકરો મરી ગયો. ઘરનાં બધાં માણસો રોકકળ કરવા માંડ્યાં. પણ ખેડૂતને જાણે કંઈ નથી થયું. ઊલટો તે સૌને સમજાવે કે શોક કર્યે શું વળવાનું હતું? ત્યાર પછી એ ખેતરે ગયો. પાછો ઘેર આવીને જુએ છે તો સ્ત્રી તો ઊલટી વધુ રડવા લાગી અને બોલવા લાગી કે ‘તમે સાવ નિષ્ઠુર, છોકરા સારુ એક વાર રડ્યા પણ નહિ!’ ખેડૂત જરા ધીરજ રાખીને બોલ્યાં ‘શા માટે નથી રડતો, કહું? મેં કાલે એક અદ્ભુત સ્વપ્ન જોયું! તેમાં જોયું કે હું રાજા થયો છું અને આઠ છોકરાનો બાપ થયો છું, ખૂબ આનંદમાં છું! એટલામાં ઊંઘ ઊડી ગઈ. હવે હું તો મોટી ચિંતામાં પડ્યો છું કે મારા એ આઠ છોકરાને રોઉં કે તારા આ મણિયા માટે રોઉં?’

એ ખેડૂત હતો જ્ઞાની. એટલે તેણે જોયું કે સ્વપ્ન અવસ્થા જેમ ખોટી, તેમ જાગ્રત અવસ્થા પણ ખોટી. એક માત્ર નિત્ય વસ્તુ આત્મા જ. 

હું બધી અવસ્થા લઉં, તુરીય તેમ જાગ્રત,સ્વપ્ન, સુષુપ્તિ. હું ત્રણે અવસ્થાઓ લઉં. બ્રહ્મ, જીવ, જગત, હું એ બધું લઉં. બધું ન લઉં તો વજનમાં ઓછું થાય.

એક ભક્ત: વજનમાં કેમ ઓછું થાય? (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ: બ્રહ્મ જીવ-જગત વિશિષ્ટ. પ્રથમ નેતિ નેતિ કરતી વખતે જીવ-જગતને છોડી દેવાં પડે. હું એવું ભાન જ્યાં સુધી હોય, ત્યાં સુધી ઈશ્વર જ બધું થઈ રહેલ છે એમ લાગે. એ પોતે જ ચોવીસ તત્ત્વો થઈ રહેલ છે.

‘બીલાંનો સાર કહેવો હોય તો અંદરનો ‘ગર’ એ સાર એમ કહેવાય. એ વખતે બીજ અને ઉપરનું કાચલું નકામાં તરીકે નાખી દેવાય. પરંતુ બીલું વજનમાં કેટલું હતું એમ જો કહેવું હોય તો એકલા ગરનું વજન કર્યે નહિ ચાલે. વજન કરતી વખતે ગર, બી, કાચલું એ બધાં લેવાં જોઈએ. જેમાંથી ગર તેમાંથી જ બીજ, તેમાંથી જ કાચલું.

‘જે નિત્ય તેની જ લીલા. 

એટલે હું નિત્ય-લીલા બધુંય લઉં. માયા કહીને જગત સંસાર ઉડાવી ન દઉં. એમ કરું તો વજન ઓછું થઈ જાય.’

(માયાવાદ અને વિશિષ્ટાદ્વૈતવાદ – જ્ઞાનયોગ અને ભક્તિયોગ)

મહિમાચરણ: આ બહુ મજાનો સમન્વય. નિત્યમાંથી લીલા અને લીલામાંથી જ નિત્ય.

શ્રીરામકૃષ્ણ: જ્ઞાનીઓ જુએ કે આ બધું સ્વપ્નવત્. ભક્તો બધી અવસ્થા લે. જ્ઞાની દૂધ દે છે છિડ્ક, છિડ્ક! (સૌનું હાસ્ય). કોઈ કોઈ ગાય એવી હોય; તે વીણી વીણીને ખાય, એટલે છિડ્ક છિડ્ક કરીને દૂધ આપે. જે ગાય બહુ વીણી વીણીને ખાય નહિ, ને જે આવે તે ખાઈ જાય, તે ભર્‌ર્‌ ભર્‌ર્‌ કરીને દૂધ દે. તેમ ઉત્તમ ભક્ત (યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ। તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ।। જે બધાંમાં મને જુએ છે અને મારામાં બધાંને જુએ છે, તેને હું અદૃશ્ય રહેતો નથી અને તે મને અદૃશ્ય રહેતો નથી. (ગીતા, ૬.૩૦) નિત્ય અને લીલા બેઉ સ્વીકારે. એટલે નિત્યમાંથી મન ઊતરી આવે તોય પરમાત્મા સાથે આનંદ કરવા ઇચ્છે. ઉત્તમ ભક્ત ભર્‌ર્‌ કરીને દૂધ આપે. (સૌનું હાસ્ય).

મહિમા: પણ દૂધમાં જરા ગંધ આવે. (હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): આવે ખરી. પણ જરા ગરમ કરી લેવું જોઈએ. જ્ઞાનાગ્નિ પર થોડીવાર દૂધ રાખવું પડે, તો પછી ગંધ રહે નહિ. (સૌનું હાસ્ય).

(ૐકાર અને નિત્યલીલાયોગ)

(મહિમાચરણને): ૐ કારની વ્યાખ્યા જે તમે કરો છો, તેમાં કહો છો કે માત્ર ‘અકાર, ઉકાર, મકાર.’

મહિમાચરણ: અકાર, ઉકાર, મકાર એટલે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય.

શ્રીરામકૃષ્ણ: હું ઉપમા આપું ઘંટના ટ-અ-અ-ન્-ન્ શબ્દની લીલામાંથી નિત્યમાં લય. સ્થૂલ, સૂક્ષ્મ કારણમાંથી મહાકારણમાં લય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાંથી તુરીયમાં લય. ફરીથી, ઘંટ વાગ્યો, જાણે કે મહાસાગરમાં એક મોટી વસ્તુ પડી, અને મોજાંનો આરંભ થયો. એય નિત્યમાંથી લીલાનો આરંભ થયો. મહાકારણમાંથી સ્થૂલ, સૂક્ષ્મ, કારણ-શરીરો દેખાયાં. એ જ તુરીયમાંથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ બધી અવસ્થાઓ આવી પડી. વળી પાછું મહાસમુદ્રનું મોજું મહાસમુદ્રમાં જ લીન થયું. નિત્ય પકડી પકડીને લીલા, ફરીથી લીલા પકડી પકડીને નિત્ય. (નિત્ય પકડી પકડીને લીલા – From the Absolute to the Relative – from the Infinite to the Finite – from the Undifferentiated to the Differentiated – from the Unconditioned to the Conditioned and again from the Relative to the Absolute.) હું ટન્ શબ્દની ઉપમા દઉં. મેં આ બધું ખરેખર જોયું છે. મને દેખાડી દીધું છે કે ચિત્ સમુદ્ર, તેનો અંત નહિ. તેમાંથી આ બધી લીલા ઊઠી અને તેમાં જ લય પામી ગઈ. ચિદાકાશમાં કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ, ને વળી તેમાં જ લય. તમારાં ચોપડાંમાં શું છે એ બધું હું જાણતો નથી.

મહિમા: જેમણે જોયું છે તેમણે તો શાસ્ત્રો લખ્યાં નથી. તેઓ તો પોતાના ભાવમાં જ મગ્ન, લખે ક્યારે? લખવા બેસો એટલે ગણતરીવાળી બુદ્ધિની જરૂર પડે. તેમની પાસેથી સાંભળીને બીજા માણસોએ લખ્યાં છે.

(સંસારની આસક્તિ કેટલા દિવસ – બ્રહ્માનંદ પર્યંત)

શ્રીરામકૃષ્ણ: સંસારીઓ કહે કે કામ-કાંચનમાંથી આસક્તિ કેમ જતી નથી? ભગવાનનાં દર્શન થાય તો આસક્તિ જાય. (રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે। આ સ્થિતપ્રજ્ઞનો એ રસ (તો સર્વ રસોના પરમ રસ એવા) પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. – ગીતા, ૨.૫૯) જો એક વાર બ્રહ્માનંદ મળે, તો પછી ઇન્દ્રિય-સુખ અથવા પૈસા ટકા કે માન મેળવવા પાછળ મન ન દોડે.

‘આગિયો જો એક વાર પ્રકાશ દેખે તો પછી અંધકારમાં જાય નહિ. 

રાવણને કોઈએ કહ્યું કે તમે સીતાને ભોળવવા માટે માયાથી જુદાં જુદાં રૂપ ધારણ કરો છો, તે એક વાર રામ રૂપ ધારણ કરીને સીતાની પાસે જતા નથી કેમ? રાવણે જવાબ આપ્યો કે ‘તુચ્છં બ્રહ્મપદં, પરવધૂસંગ: કુત: – જ્યારે રામનું ચિંતન કરું, ત્યારે બ્રહ્મપદ તુચ્છ થઈ જાય, તો પછી પર-સ્ત્રી તો સાધારણ વાત. એટલે રામ રૂપ કેમ ધારણ કરું?’

(જેટલી ભક્તિ વધે, સંસારની આસક્તિ ઘટે – શ્રીચૈતન્યભક્ત નિર્લિપ્ત)

એ માટે જ સાધન ભજન. ઈશ્વરનું ચિંતન જેટલું વધુ કરશો તેટલી સંસારના તુચ્છ ભોગની વસ્તુઓ પરથી આસક્તિ ઓછી થશે. પ્રભુનાં ચરણમાં જેમ જેમ ભક્તિ આવશે, તેમ તેમ વિષય વાસના ઓછી થતી જશે, તેટલી શરીરસુખ તરફ નજર ઓછી જશે; પર-સ્ત્રી માતૃવત્ જણાશે; પોતાની સ્ત્રી ધર્મમાં સહાયક મિત્ર જેવી જણાશે; પશુભાવ ચાલ્યો જશે, દેવભાવ આવશે; સંસારમાં એકદમ અનાસક્ત થઈ જશો. ત્યાર પછી જો સંસારમાં રહેશો તોય જીવનમુક્ત થઈને ફરશો. ચૈતન્યદેવના ભક્તો અનાસક્ત થઈને સંસારમાં હતા.

(જ્ઞાની અને ભક્તનું ગૂઢ રહસ્ય)

શ્રીરામકૃષ્ણ (મહિમાને): જે ખરો ભક્ત હોય, તેની પાસે હજાર વેદાન્ત વિચાર કરો અને જગત સ્વપ્નવત્ કહો, પણ એની ભક્તિ જવાની નહિ. ફરી ફરીને જરાક તો રહે ને રહે જ. મૂસળ જરાક જેટલું ચીયા ઘાસમાં પડ્યું હતું. તેમાંથી જ તો મૂષલં કુલનાશનમ્।

શિવ-અંશથી જન્મે તો જ્ઞાની થાય; બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ ભાવના તરફ મન હંમેશાં જાય. વિષ્ણુ-અંશથી જન્મે તો પ્રેમ-ભક્તિ આવે. એ પ્રેમ-ભક્તિ જવાની નહિ. જ્ઞાન-વિચાર કર્યા પછી જો આ પ્રેમ-ભક્તિ ઓછી થઈ જાય તો વળી કોઈ વખતે હુડુડુડુ કરતી ને વધી જાય; જેમ મૂસળે યદુ વંશનો નાશ કર્યાે તેની પેઠે.

Total Views: 370
ખંડ 36: અધ્યાય 5 : ગૃહસ્થાશ્રમની વાતો - નિર્લિપ્તસંસારી
ખંડ 36: અધ્યાય 7 : માતૃસેવા અને શ્રીરામકૃષ્ણ - હાજરા મહાશય