ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડાની પૂર્વ બાજુની ઓસરીમાં હાજરા મહાશય બેઠા બેઠા જપ કરે. (ઠાકુર શ્રીરામકૃષ્ણની જન્મભૂમિ કામારપુકુરની નજીક આવેલ મડાગોડ એમની જન્મભૂમિ છે. ૧૩૦૬ બંગાબ્દના ચૈત્ર માસમાં – પોતાના વતનમાં મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ સમયે એમનાં ઠાકુર પ્રત્યેનાં શ્રદ્ધાભક્તિનો અદ્ભુત પરિચય મળ્યો હતો. મૃત્યુ વખતે એમની ઉંમર ૬૩-૬૪ વર્ષની હશે.) તેમની ઉંમર ૪૬-૪૭ હશે. ઠાકુરના વતનના માણસ. ઘણા દિવસોથી તેમને વૈરાગ્ય આવ્યો છે, એટલે ઘરની બહાર બહાર ફર્યા કરે. ક્યારેક ક્યારે ઘરે જઈને રહે. ઘેર કંઈક જમીન છે. તેમાંથી જ સ્ત્રી, સંતાન વગેરેનું ભરણપોષણ થાય. પણ આશરે હજારેક રૂપિયાનું દેણું છે. તેને માટે હાજરા મહાશય હંમેશાં ચિંતાતુર રહે; અને કેમ કરીને એ ભરાઈ જાય, તેને માટે હંમેશાં પ્રયાસ કરે. કોલકાતામાં હંમેશાં આવજા કરે. ત્યાં ઠનઠનના રહીશ શ્રીયુત્ ઇશાનચંદ્ર મુખોપાધ્યાય મહાશય તેમની ખૂબ ખાતરબરદાસ્ત કરે, અને સાધુની પેઠે સેવા કરે. ઠાકુર શ્રીરામકૃષ્ણે તેમની સંભાળ લઈને રાખ્યા છે. ધોતિયું ફાટી જાય તો કોઈ પાસેથી અપાવે. હંમેશાં તેમના કુશળ સમાચાર પૂછે, અને ઈશ્વરીય વાતો તેમની સાથે હંમેશાં થયા કરે. હાજરા મહાશય ભારે તાર્કિક! લગભગ દરેક વખતે વાત કરતાં કરતાં તર્કના તરંગમાં એક બાજુ ક્યાંના ક્યાંય ચાલ્યા જાય. ઓસરીમાં આસન લગાવીને હંમેશાં જપમાળા લઈને જપ કરે.

હાજરા મહાશયનાં મા માંદાં પડ્યાં છે એવા ખબર આવ્યા છે. રામલાલને દેશમાંથી આવતી વખતે તેમણે હાથેપગે લાગીને ઘણું કરીને કહ્યું હતું કે તમારા કાકા (શ્રીઠાકુર)ને મારી નમ્ર વિનંતીપૂર્વક કહેજો કે તે પ્રતાપને કહી કારવીને દેશમાં મોકલી આપે; એક વાર મારી સાથે તેનો મેળાપ થાય! એટલે ઠાકુર હાજરાને કહેતા હતા કે એક વાર ઘેર જઈને માને મળી આવો; તેમણે રામલાલને હાથેપગે લાગીને કહેવરાવ્યું છે. શું માને દુ:ખ દઈને ક્યારેય ઈશ્વર-સ્મરણ થાય કે? એક વાર મળીને પછી ભલે ચાલ્યા આવજો.

ભક્તોની મિજલસ વિખરાયા પછી મહિમાચરણ હાજરાને સાથે લઈને ઠાકુરની પાસે આવ્યા. માસ્ટર પણ છે.

મહિમાચરણ (શ્રીરામકૃષ્ણને હસતાં હસતાં): મહાશય, આપની પાસે નિવેદન છે. આપ શા માટે હાજરાને ઘેર જવાનું કહો છો? સંસારમાં પાછા જવાની તેની ઇચ્છા નથી.

શ્રીરામકૃષ્ણ: એની માએ રામલાલની પાસે ઘણાં રોદણાં રોયાં છે. એટલે મેં કહ્યું કે કંઈ નહિ તો ત્રણ દિવસ માટે જ જઈ આવો અને એક વાર માને મોઢું દેખાડી આવો. માને દુ:ખ દઈને કંઈ ઈશ્વર-સાધના થાય? હું વૃંદાવનમાં રહી જવાનો હતો, ત્યાં મા યાદ આવ્યાં. મને વિચાર આવ્યો કે મા રોશે. એટલે પાછો મથુરબાબુની સાથે અહીં ચાલ્યો આવ્યો.

અને સંસારમાં જતાં જ્ઞાનીને બીક શેની?

મહિમાચરણ (સહાસ્ય): મહાશય, જ્ઞાન થયું હોય તો ને?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હાજરાને બધું થઈ ગયું છે, થોડું સંસારમાં મન છે, છૈયાંછોકરાં છે, કંઈક દેણું પણ ચડ્યું છે! મામીનું બધું દરદ મટી ગયું છે, જરાક કસર છે! (મહિમાચરણ વગેરે બધાનું હાસ્ય).

મહિમા: ક્યાં જ્ઞાન થયું છે, મહાશય?

શ્રીરામકૃષ્ણ: ના ભાઈ, તમને ખબર નથી. બધાય કહે છે કે હાજરા એક (મહાન) વ્યક્તિ રાસમણિની ઠાકુરવાડીમાં છે. હાજરાનું જ નામ લે. અહીંયાંનું (અમારું) નામ કોઈ થોડું લે? (સૌનું હાસ્ય).

હાજરા: આપ નિરુપમ. આપની ઉપમા નહિ એટલે કોઈ આપને સમજી શકતું નથી.

શ્રીરામકૃષ્ણ: એટલે જ થયું કે નિરુપમથી કંઈ કામ ન થઈ શકે. તો પછી મારું નામ કોઈ લે શું કરવા?

મહિમા: મહાશય! એ શું જાણે? એને આપ જેમ ઉપદેશ દેશો તે પ્રમાણે કરશે.

શ્રીરામકૃષ્ણ: કેમ ભલા? તમે એને જ પૂછો. એણે જ મને કહ્યું છે કે તમારી સાથે મારે લેવાદેવા નથી. 

મહિમા: બહુ વાદ કરે.

શ્રીરામકૃષ્ણ: અરે, વચ્ચે વચ્ચે તો વળી મને શિખામણ દે! (સૌનું હાસ્ય). જ્યારે વાદ કરે ત્યારે કાં તો હું ગાળાગાળી દઈ બેસું! વાદ પછી મચ્છરદાનીની અંદર જઈને કાં તો હું સૂતો છું. ત્યારે વળી હું બોલ્યો છું એ યાદ કરીને બહાર આવીને હાજરાને પ્રણામ કરી જાઉં ત્યારે (મન શાંત) થાય.

(વેદાંત અને શુદ્ધ આત્મા)

(હાજરાને): તમે શુદ્ધ આત્માને ઈશ્વર કહો છો શા માટે? શુદ્ધ આત્મા નિષ્ક્રિય, ત્રણે અવસ્થાના સાક્ષી સ્વરૂપ! જ્યારે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય વગેરે કાર્યનો વિચાર કરું ત્યારે જ તેને ઈશ્વર કહું છું. શુદ્ધ આત્મા કેવો? જાણે કે લોહચુંબકનો પથ્થર. હોય ઘણે દૂર, પરંતુ સોય હલેચલે. ચુંબક પથ્થર ચૂપ બેઠો હોય, નિષ્ક્રિય.

Total Views: 315
ખંડ 36: અધ્યાય 6 : વેદાંત વિશે વિચાર - માયાવાદ અને શ્રીરામકૃષ્ણ
ખંડ 36: અધ્યાય 8 : સંધ્યાસંગીત અને ઈશાન સાથે સંવાદ