સંધ્યા થવાની લગભગ તૈયારી.ઠાકુર લટાર મારી રહ્યા છે. મણિ એકલા બેઠા છે અને વિચાર કરે છે તે જોઈને ઠાકુર અચાનક તેમને ઉદ્દેશીને સ્નેહથી કહે છે કે તમે એક બે મારકીનનાં પહેરણ દેજો, સૌનાં (આપેલાં) તો હું પહેરતો નથી! કેપ્ટનને કહેવાનો વિચાર કરતો હતો. પણ તમે જ આપજો. મણિ ઊભા થઈ ગયા અને બોલ્યા: ‘જી ભલે!’

સંધ્યા થઈ. શ્રીરામકૃષ્ણના ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ દેવતાઓને પ્રણામ કરી, બીજમંત્ર જપીને ભગવાનનાં નામ લે છે. ઓરડાની બહાર અપૂર્વ શોભા! કાર્તિક માસના શુકલ પક્ષની સપ્તમી તિથિ. વિમલ ચંદ્ર-કિરણમાં એક બાજુ ઠાકુરવાડી આખી હસી રહી છે. બીજી બાજુ ભાગીરથીનું વક્ષ સૂતેલા શિશુની છાતીની પેઠે સહેજ વિકંપિત થઈ રહ્યું છે. ભરતી પૂરેપૂરી આવવાની તૈયારીમાં. આરતીનો શબ્દ ગંગાના સ્નિગ્ધ ઉજ્જવલ પ્રવાહથી ઉત્પન્ન કલકલ-નિનાદની સાથે મળી જઈને બહુ દૂર સુધી પહોંચીને લય પામી જવા લાગ્યો. 

દક્ષિણેશ્વર સંકુલનું દૃશ્ય

ઠાકુરવાડીમાં એકી સાથે ત્રણ મંદિરોની આરતી: કાલી-મંદિરમાં, વિષ્ણુ-મંદિરમાં અને બાર શિવ-મંદિરોમાં. એક પછી એક, એમ દરેક શિવલિંગની આરતી! પૂજારી શિવના એક મંદિરમાંથી બીજા મંદિરમાં જઈ રહ્યો છે. ડાબા હાથમાં ઘંટા, જમણા હાથમાં પંચ-પ્રદીપ. સાથે સેવક, તેના હાથમાં વગાડવાની ઝાલર. આરતી થઈ રહી છે, તેની સાથે ઠાકુરવાડીના નૈઋત્ય ખૂણામાંથી શરણાઈના સુમધુર સ્વરો સંભળાઈ રહ્યા છે. ત્યાં નોબતખાનું, સંધ્યાકાળનાં રાગ-રાગિણી વાગી રહ્યાં છે. આનંદમયીનો નિત્ય ઉત્સવ, જાણે કે જીવને સ્મરણ કરાવી આપે છે કે ‘કોઈ નિરાનંદ થશો મા! આ દુનિયાદારીમાં સુખદુ:ખ તો છે જ, તો ભલે રહ્યાં; પણ જગદંબા છે, આપણી મા છે, આનંદ કરો! દાસી-પુત્રને સારું ખાવા ન મળે, સારું પહેરવા ન મળે, ઘરબાર ન મળે; છતાં તેની છાતીએ જોર છે કે તેને મા છે. માના ખોળામાં નિર્ભર! કહેવાની મા નહીં, સાચી મા. સાચી મા હું કોણ, ક્યાંથી આવ્યો, મારું શું થશે, હું ક્યાં જઈશ, એ બધું મા જાણે! એ બધા વિચારની આપણે શી જરૂર? એ બધું મારી મા જાણે. મારી મા કે જેણે દેહ, મન, પ્રાણ, આત્મા આપીને મને ઘડ્યો છે એ જ એ બધું જાણે. હું જાણવા માગતો પણ નથી. જો જાણવાની જરૂર હશે તો મા જ જણાવી દેશે. એટલી બધી ચિંતા કોણ કરે! માનાં છોકરાં બધાં આનંદ કરે!

બહાર કૌમુદી (ચંદ્રનાં કિરણ)માં તરતું જગત હસી રહ્યું છે. ઓરડામાં શ્રીરામકૃષ્ણ હરિપ્રેમાનંદમાં બેઠેલા છે. ઈશાન કોલકાતાથી આવેલ છે. પાછી ઈશ્વર સંબંધી વાતો ચાલે છે. ઈશાન ખૂબ શ્રદ્ધાળુ. તે કહે છે, ‘એક વાર જે દુર્ગા-નામ લઈને ઘેરથી નીકળે તેની સાથે શૂલપાણિ શિવ હાથમાં ત્રિશૂળ લઈને ચાલે. વિપદમાં ભય શો? શિવ પોતે રક્ષા કરે.

(શ્રદ્ધાથી ઈશ્વરપ્રાપ્તિ – ઈશાનને કર્મયોગનો ઉપદેશ)

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): તમારામાં ખૂબ શ્રદ્ધા! પણ અમારામાં એટલી બધી નથી! (સૌનું હાસ્ય). શ્રદ્ધાથી જ ભગવાનને પામી શકાય.

ઈશાન: જી હા.

શ્રીરામકૃષ્ણ: તમે જપ, સંધ્યા-વંદન, ઉપવાસ, પુરશ્ચરણ વગેરે બધાં કર્માે કરો છો એ બહુ સારું. જેનામાં અંતરથી ઈશ્વર ઉપર આકર્ષણ હોય, તેની પાસે ઈશ્વર એ બધાં કર્માે કરાવી લે. ફળની ઇચ્છા ન કરતાં, એ બધાં કર્માે કર્યે જઈ શકાય તો જરૂર ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય.

(વૈધિભક્તિ અને રાગભક્તિ – કર્મત્યાગ ક્યારે?)

‘શાસ્ત્રમાં કેટલાંક કર્માે કરવાનું કહ્યું છે એટલે કરું છું; એવી ભક્તિને વૈધિ ભક્તિ કહેવાય. બીજી એક રાગ-ભક્તિ. એ અનુરાગમાંથી થાય, ઈશ્વર ઉપરના પ્રેમમાંથી થાય; જેમ કે પ્રહ્લાદની. એ ભક્તિ આવે તો પછી વૈધિ કર્માેનું પ્રયોજન રહે નહિ.

Total Views: 313
ખંડ 36: અધ્યાય 7 : માતૃસેવા અને શ્રીરામકૃષ્ણ - હાજરા મહાશય
ખંડ 36: અધ્યાય 9 : સેવક-હૃદયમાં