માસ્ટર: અભ્યાસ પૂરો થયા પછી અને ઘણા દિવસ સુધી સાધના કરાવ્યા પછી ભવાની પાઠક વળી પ્રફુલ્લને મળવા આવ્યા. આ વખતે નિષ્કામ કર્મનો ઉપદેશ દેવા સારુ ગીતામાંથી શ્લોક બોલ્યા:

તસ્માદસક્ત: સતતં કાર્યં કર્મ સમાચર।

અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પુરુષ:।।૩-૧૯।।

(એટલા માટે હમેશાં અનાસક્ત થઈને કર્તવ્ય કર્મ કર. કારણ કે અનાસક્ત થઈને કર્મ કરવાથી મનુષ્ય એ શ્રેષ્ઠ ભગવત્પદને પ્રાપ્ત કરે.)

અનાસક્તિનાં ત્રણ લક્ષણ કહ્યાં છે: (૧) ઇન્દ્રિય-સંયમ, (૨) નિરહંકાર, (૩) શ્રીકૃષ્ણને ફળ સમર્પણ. અહંકાર રહિત થયા સિવાય ધર્માચરણ થાય નહિ. વળી ગીતામાંથી બોલ્યા:

પ્રકૃતે: ક્રિયમાણાનિ ગુણૈ: કર્માણિ સર્વશ:।

અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે।।૩-૨૭।।

(બધાં કર્માે પ્રકૃતિના ગુણો દ્વારા કરાય છે. પરંતુ અહંકારથી મૂઢ બનેલી વ્યક્તિ પોતાને કર્તા માને છે.)

ત્યાર પછી સર્વ કર્મફળનું શ્રીકૃષ્ણને સમર્પણ દર્શાવતાં વળી ગીતામાંથી બોલ્યા:

યત્કરોષિ યદશ્નાષિ યજજુહોષિ દદાસિ યત્।

યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વમદર્પણમ્।।૯-૨૭।।

(તું જે કંઈ કર, જે ખા, જે કાંઈ હોમ-હવન કર તે મને અર્પણ કર.)

નિષ્કામ કર્મનાં આ ત્રણ લક્ષણ કહ્યાં છે.

શ્રીરામકૃષ્ણ: આ મજાનું. ગીતાની વાત; કાપી શકાય નહિ. પણ બીજી એક વાત છે: શ્રીકૃષ્ણને ફળ સમર્પણ કરવા કહ્યું છે; શ્રીકૃષ્ણમાં ભક્તિ કહી નથી.

માસ્ટર: અહીં એ વાત ખાસ કરીને કહી નથી.

(વાણિયાવિદ્યાથી ન થાય? – પ્રભુ માટે ઝંપલાવો)

ત્યાર પછી ધનનો શો વ્યવહાર કરવો એ વાત થઈ. પ્રફુલ્લ કહે: આ બધું ધન શ્રીકૃષ્ણને અર્પણ કર્યું.

પ્રફુલ્લ: જ્યારે મારું બધું કર્મ શ્રીકૃષ્ણને સમર્પણ કર્યું, ત્યારે મારું આ ધન પણ શ્રીકૃષ્ણને અર્પણ કર્યું.

ભવાની પાઠક: બધુંય?

પ્રફુલ્લ: બધું.

ભવાની: જો સંપૂર્ણ રીતે એમ કરો તો કર્મ અનાસક્ત રહે નહિ. તમારા ખાવાપીવા માટે જો તમારે પ્રયત્ન કરવા પડે તો તેમાંથી આસક્તિ જન્મે. એટલે કાં તો ભિક્ષા-વૃત્તિ ગ્રહણ કરવી પડે, નહિતર આ ધનમાંથી દેહ-રક્ષા કરવી પડે. ભિક્ષામાંયે આસક્તિ આવે. એટલા માટે આ ધનમાંથી પોતાના શરીરનું રક્ષણ કરવું.

માસ્ટર (શ્રીરામકૃષ્ણને હસીને): આ એટલી વાણિયા-વિદ્યા!

શ્રીરામકૃષ્ણ: હાં, એટલી વાણિયા-વિદ્યા, એટલું ગણતરીબાજપણું. જે ભગવાનને ઇચ્છે તે એકદમ ભૂસકો મારે. શરીરના પોષણ માટે આટલું રાખવું વગેરે બધી ગણતરી કરે નહિ.

માસ્ટર: હજી ત્યાર પછી પણ છે. ભવાની પાઠકે પૂછ્યું, ‘ધન લઈને શ્રીકૃષ્ણને શી રીતે અર્પણ કરશો?’ પ્રફુલ્લે કહ્યું, ‘શ્રીકૃષ્ણ સર્વ ભૂતોમાં છે. એટલે સર્વ ભૂતોમાં ધન વહેંચવું.’ ભવાની પાઠક કહે, ‘બરાબર’. અને ગીતામાંથી શ્લોક બોલવા લાગ્યા:

યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ।

તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ।।૬-૩૦।।

સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિત:।

સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે।।૬-૩૧।।

આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન।

સુખં વા યદિ વા દુ:ખં સ યોગી પરમો મત:।।૬-૩૨।।

(જે વ્યક્તિ સર્વત્ર મને જુએ છે અને સર્વ વસ્તુને મારામાં જુએ છે, તેની પાસે હું અદૃશ્ય નથી રહેતો, અને તે મારી દૃષ્ટિમાંથી દૂર રહેતો નથી.)

(જે વ્યક્તિ જીવ અને બ્રહ્મના અભેદનો અનુભવ કરીને સર્વમાં રહેલા મને ભજે છે, તે ગમે તેવી અવસ્થામાં રહે, પણ તે યોગી મારામાં જ રહે છે.)

(હે અર્જુન! સુખ હો યા દુ:ખ; જે પોતાની સમાન જ સૌના પ્રત્યે સમદૃષ્ટિ રાખે છે તે યોગી જ મારા મત પ્રમાણે સર્વશ્રેષ્ઠ છે.)

શ્રીરામકૃષ્ણ: આ બધાં ઉત્તમ ભક્તનાં લક્ષણ.

(વિષયીલોકો અને તેમની ભાષા – સ્વભાવમાં આકર્ષાય)

માસ્ટર વાંચવા લાગ્યા: 

સર્વ ભૂતોને દાન કરવા માટે કેટલાય શ્રમની જરૂર, કંઈક વેશભૂષા, કંઈક ભોગવિલાસના ઠાઠની જરૂર. એટલે ભવાની પાઠક બોલ્યા કે ક્યારેક ક્યારેક થોડીક વાણિયા-વિદ્યા જોઈએ.

શ્રીરામકૃષ્ણ (નારાજીથી): ‘વાણિયા-વિદ્યા’ જોઈએ! જેનો જેવો સ્વભાવ, તેવું તે બોલે. રાતદિવસ વિષય-ચિંતન, લોકોની સાથે કપટ, એ બધું કરી કરીને વાતચીત પણ એ જાતની જ થઈ જાય. મૂળો ખાધે મૂળાનો ઓડકાર આવે. ‘વાણિયા-વિદ્યા’ શબ્દો ન વાપરતાં એ જ વસ્તુસ્થિતિને સારી રીતે રજૂ કરી હોત તો ચાલત; કે ‘પોતાને અકર્તા સમજીને કર્તાની પેઠે કામ કરવું.’ તે દિવસે એક જણ ગીત ગાતો હતો. એ ગીતની અંદર ‘નફો નુકસાન’ એવી બધી વાતો બહુ જ હતી. ગીત ગાતો હતો, તેને મેં અટકાવ્યો. રાતદિન જેનું ચિંતન કરે એની જ વાત મોઢે આવે!

Total Views: 450
ખંડ 38: અધ્યાય 1 : માસ્ટર, પ્રસન્ન, કેદાર, રામ, નિત્યગોપાલ, તારક, સુરેશ વગેરે ભક્તો સાથે
ખંડ 38: અધ્યાય 3 : ઈશ્વરદર્શનનો ઉપાય - શ્રીમુખે કહેલું ચરિતામૃત