વાચન ચાલવા લાગ્યું. હવે આવી ઈશ્વર-દર્શનની વાત. પ્રફુલ્લ હવે દેવી ચૌધરાણી થયેલ છે. વૈશાખ સુદ સાતમ. દેવી ચૌધરાણી વિહાર-નૌકાની અગાસી ઉપર બેસીને દિવા સાથે વાતો કરે છે. ચંદ્રમા ઊગ્યો છે. ગંગાના પટ પર નૌકા લાંગરી છે. નૌકાની અગાસી ઉપર દેવી ચૌધરાણી અને બે સખીઓ બેઠી છે. ઈશ્વર શું પ્રત્યક્ષ દેખાય? એ વાત ચાલી રહી છે. દેવી ચૌધરાણી બોલી, ‘જેમ ફૂલની સુગંધ ા્રાણેન્દ્રિયને પ્રત્યક્ષ, તે પ્રમાણે ઈશ્વર મનને પ્રત્યક્ષ. ઈશ્વર મનના અનુભવનો વિષય.’

શ્રીરામકૃષ્ણ: મનને પ્રત્યક્ષ, તે આ મનને નહિ. એ શુદ્ધ મનને. એ વખતે પછી આ મન રહે નહિ. વિષયાસક્તિ જરાક સરખીય હોય તો ઈશ્વર-દર્શન થાય નહિ. મન જ્યારે શુદ્ધ થાય, ત્યારે તેને શુદ્ધ મન પણ કહી શકો, શુદ્ધ આત્મા પણ કહી શકો.

(યોગનું દૂરબીન – પતિવ્રતાધર્મ અને શ્રીરામકૃષ્ણ)

માસ્ટર: મન દ્વારા પ્રત્યક્ષ સહેલાઈથી થાય નહિ એ વાત જરા પછી આવે છે. ત્યાં કહ્યું છે કે પ્રત્યક્ષ કરવા માટે દૂરબીન જોઈએ. આ દૂરબીનનું નામ યોગ. ત્યાર પછી જેમ ગીતામાં કહ્યું છે તેમ કહે છે કે યોગ ત્રણ પ્રકારના; જ્ઞાન-યોગ, ભક્તિ-યોગ, કર્મ-યોગ. આ યોગરૂપી દૂરબીનથી ઈશ્વરને જોઈ શકાય.

શ્રીરામકૃષ્ણ: આ બહુ મજાની વાત. ગીતાની વાત.

માસ્ટર: છેવટે દેવી ચૌધરાણીનો પોતાના સ્વામી સાથે મેળાપ થયો. સ્વામી ઉપર તેની ખૂબ ભક્તિ. સ્વામીને કહે કે ‘તમે મારા દેવતા. હું બીજા દેવતાની પૂજા કરતાં શીખતી હતી, પણ શીખી શકી નહિ. તમે સર્વ દેવતાઓના સ્થાનનો અધિકાર પ્રાપ્ત કર્યાે છે.’

શ્રીરામકૃષ્ણ (હસીને): ‘શીખી શકી નહિ!’ એનું નામ પતિવ્રતાનો ધર્મ. એ પણ છે.

વાચન પૂરું થયું. ઠાકુર હસે છે. ભક્તો જોઈ રહ્યા છે કે ઠાકુર વળી શું બોલે છે.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં, કેદાર અને બીજા ભક્તોને): આ એક રીતે ખોટું નહિ: પતિવ્રતા ધર્મ. પ્રતિમામાં ઈશ્વરની પૂજા થાય અને જીવંત માણસમાં શું થાય નહિ? ઈશ્વર જ મનુષ્ય થઈને લીલા કરી રહ્યો છે.

(પૂર્વકથા – શ્રીઠાકુરની બ્રહ્મજ્ઞાનની અવસ્થા અને સર્વભૂતોમાં ઈશ્વરદર્શન)

શ્રીરામકૃષ્ણ: ‘શી અવસ્થાઓ ગઈ છે મારી! હર-ગૌરીના ભાવમાં કેટલાય દિવસ સુધી હતો. વળી કેટલાય દિવસ રાધા-કૃષ્ણના ભાવમાં. ક્યારેક સીતા-રામના ભાવમાં. રાધાના ભાવમાં ‘કૃષ્ણ કૃષ્ણ’ કરતો, સીતાના ભાવમાં ‘રામ રામ’ કરતો. 

પરંતુ લીલા જ કંઈ અંત નથી. આ બધા ભાવોમાં રહ્યા પછી બોલ્યો, ‘મા, આ બધામાંય અલગતાનો ભાવ છે. જેમાં એ ન હોય એવી અવસ્થા કરી આપો. એટલે પછી કેટલાય દિવસ સુધી અખંડ સચ્ચિદાનંદના ભાવમાં રહ્યો. દેવ-દેવીઓની છબીઓ બધી ઓરડામાંથી કઢાવી નાખી.

‘સર્વભૂતમાં ઈશ્વરનાં દર્શન કરવા લાગ્યો. પૂજા બંધ થઈ ગઈ. આ બીલીનું ઝાડ. તેમાંથી બીલીપત્ર તોડવા આવતો. એક દિવસ પાંદડું તોડવા જતાં જરાક છાલ ઊતરી આવી. તરત મને દેખાયું કે ઝાડ ચૈતન્યમય! એટલે મનમાં દુ:ખ થયું. દૂર્વા તોડવા જતાં જોયું તો પહેલાંની પેઠે તોડી શક્યો નહિ. એટલે પછી જોર કરીને તોડવા ગયો.’

‘હું લીંબુ કાપી શકતો નથી. તે દિવસે બહુ જ મુશ્કેલીથી ‘જય કાલી’ બોલી માતાજીની સામે બલિદાનની પેઠે રાખીને કાપી શક્યો. એક દિવસે ફૂલ તોડવા જતાં માએ દેખાડી દીધું કે ઝાડ પર જે ફૂલો ખીલ્યાં છે એ બધાં જાણે કે સામે જે વિરાટ છે, જેમની પૂજા તરતમાં જ થઈ ગઈ છે, તે વિરાટના માથામાં તોરા કરીને ભરાવેલ છે. ત્યારથી પછી ફૂલ તોડવાનું બન્યું નહિ!’

‘ઈશ્વર માણસ થઈનેય લીલા કરે છે. હું જોઉં છું કે બધાય સાક્ષાત્ નારાયણ છે. લાકડાં ઘસતાં ઘસતાં જેમ અગ્નિ પેટે, તેમ ભક્તિનું જોર હોય તો મનુષ્યમાં જ ઈશ્વર-દર્શન થાય. સારો ચારો આપો તો મોટી માછલી પણ ગપ કરીને ખાઈ જાય. 

પ્રેમોન્માદ થાય તો સર્વભૂતમાં સાક્ષાત્કાર થાય. ગોપીઓએ સર્વભૂતમાં કૃષ્ણ-દર્શન કર્યું હતું. બધું કૃષ્ણમય જોયું હતું. તેઓ કહેતી કે ‘હું કૃષ્ણ!’ એ વખતે તેમની ઉન્માદ અવસ્થા. ઝાડ દેખીને કહેતી કે આ બધાં તપસ્વી છે, શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે! તૃણ દેખીને કહેતી કે શ્રીકૃષ્ણનો સ્પર્શ કરીને, આમ જુઓ, આ પૃથ્વીને રોમાંચ થયો છે.

‘પતિવ્રતા ધર્મ; સ્વામી દેવતા સ્વરૂપ. તેની પૂજા થાય નહિ શું કરવા? પ્રતિમામાં પૂજા થાય, અને જીવંત માણસમાં શું થાય નહિ?’

(પ્રતિમામાં આવિર્ભાવ – મનુષ્યમાં ઈશ્વરદર્શન ક્યારે? નિત્યસિદ્ધ અને સંસાર)

શ્રીરામકૃષ્ણ: ‘પ્રતિમામાં દેવતાનો આવિર્ભાવ થવા માટે ત્રણ વસ્તુની જરૂર: પ્રથમ પૂજારીની ભક્તિ, બીજું પ્રતિમા સુંદર હોવી જોઈએ, ત્રીજું ઘરધણીની ભક્તિ. વૈષ્ણવચરણે કહ્યું હતું કે મન છેવટે નરલીલામાં જ એકત્રિત થઈ આવે.’

‘પરંતુ એક વાત છે, ઈશ્વરનો સાક્ષાત્કાર થયા વિના આ પ્રકારનું લીલાદર્શન થાય નહિ. સાક્ષાત્કારનું લક્ષણ શું, તમને ખબર છે? બાળકના જેવો સ્વભાવ થઈ જાય. શા માટે બાળકના જેવો સ્વભાવ થઈ જાય? ઈશ્વર પોતે બાળકના જેવા સ્વભાવવાળા ખરા ને? એટલે જે તેનાં દર્શન કરે, તેનોય બાળકના જેવો સ્વભાવ થઈ જાય.’

(ઈશ્વરદર્શનનો ઉપાય – તીવ્ર વૈરાગ્ય અને તેઓ જ આપણા ‘પિતા’ છે એવો બોધ)

શ્રીરામકૃષ્ણ: ‘આ ઈશ્વર-દર્શન થવું જોઈએ. હવે પ્રશ્ન એ છે કે તેનો સાક્ષાત્કાર કેમ કરીને થાય? તીવ્ર વૈરાગ્ય જોઈએ. એવું થવું જોઈએ કે ‘તું કહે છે શું જગત-પિતા? હું શું જગતથી બહાર છું? મારા ઉપર તું દયા નહિ કરે, સાલા?’

‘જે જેનું ચિંતન કરે, તેમાં તેની સત્તા આવે. શિવની ઉપાસના કરે, તેનામાં શિવની સત્તા આવે. એક જણ રામ-ભક્ત, રાતદિવસ હનુમાનનું ચિંતન કરતો. મનમાં માનતો કે ‘હું હનુમાન થયો છું.’ છેવટે તેની દૃઢ શ્રદ્ધા થઈ કે તેને જરાક પૂંછડીયે ઊગી છે!

શિવ-અંશવાળો જ્ઞાની થાય, વિષ્ણુ-અંશવાળો ભક્ત થાય. જેમનામાં શિવનો અંશ હોય, તેમનો જ્ઞાનીનો સ્વભાવ; જેમનામાં વિષ્ણુનો અંશ હોય, તેમનો ભક્તનો સ્વભાવ.’

(ચૈતન્યદેવ અવતાર – સામાન્ય જીવ દુર્બળ છે)

માસ્ટર: ચૈતન્યદેવ? એમને તો, આપે કહેલું કે જ્ઞાન અને ભક્તિ બન્ને થયેલાં.

શ્રીરામકૃષ્ણ (મોં બગાડીને): તેમની વાત જુદી. એ હતા ઈશ્વરનો અવતાર. તેમનામાં ને જીવમાં ઘણો તફાવત. તેમનો એવો કડક વૈરાગ્ય હતો કે સાર્વભૌમે જ્યારે તેમની જીભ પર ખાંડ મૂકી ત્યારે ખાંડ પવનથી ફરફર કરતીને ઊડી ગઈ; પલળી નહિ. એ હંમેશાં સમાધિમાં રહેતા. કેટલા મહાન કામજયી? તેમની સરખામણી સામાન્ય જીવની સાથે? સિંહ ખાય માંસ, પણ બાર વરસમાં એક વાર રમણ કરે, અને ચકલાં અનાજ ખાય, પણ રાતદિવસ રમણ કરે. અવતાર અને જીવનું તેમ સમજવું. જીવ કામત્યાગ કરે, પણ વળી એક દિવસ કદાચ રમણ થઈ ગયું; રોકી શકે નહિ.

(માસ્ટરને) શરમાઓ છો શું? જેને ઈશ્વર-દર્શન થાય તે સૌ માણસોને જંતુ જેવા ગણે! લજજા, ઘૃણા, ભય, એ ત્રણ હોય ત્યાં સુધી (ઈશ્વર-દર્શન) ન થાય! એ બધા પાશ; ‘અષ્ટ પાશ’ છે ને? (લજજા, ઘૃણા, ભય, જાતિ, કુળ, શીલ, માન, છુપાવવાની ઇચ્છા.)

‘જે નિત્ય-સિદ્ધ હોય તેને વળી સંસારમાં બીક શી? ચોપાટ ખેલવામાં જે ઉસ્તાદ હોય તેને એ રમતમાં બીક ન લાગે (તેના ધાર્યા દાણા પડે)! ફરી વાર નાખવા પડે તોય શું? ધાર્યા દાણા લઈ શકે; તેને રમતમાં બીક ન રહે. 

જે નિત્ય-સિદ્ધ હોય તે ઇચ્છા કરે તો સંસારમાંય રહી શકે. કોઈ કોઈ બે તલવાર ફેરવી શકે, તે એવો ખેલાડી હોય કે પથરો આવે તોય તલવારમાં ઠોકર ખાઈને છટકી જાય.

(દર્શનનો ઉપાય યોગ – યોગીનાં લક્ષણ)

ભક્ત: મહાશય, કેવી અવસ્થામાં ઈશ્વરનાં દર્શન કરી શકાય?

શ્રીરામકૃષ્ણ: મન બધું ભેગું કરીને એકાગ્ર કર્યા વિના શું થાય? ભાગવતમાં શુકદેવની વાત છે. તે રસ્તે ચાલ્યા જાય છે; જાણે કે બંદૂક પર ચડાવેલી સંગીન! બીજી કોઈ બાજુએ દૃષ્ટિ જ નહિ. એક જ લક્ષ્ય, કેવળ ભગવાન તરફ દૃષ્ટિ! એનું નામ યોગ.’

‘ચાતક માત્ર વરસાદનું જ પાણી પીએ. ગંગા, યમુના, ગોદાવરી અને બીજી બધી નદીઓ જળથી ભરપૂર, સાત સમુદ્ર ભરપૂર; તોય એ બધાં પાણી પીએ નહિ. વરસાદનું જળ પડે ત્યારે પીએ.’

‘જેનો એ પ્રમાણે યોગ થયો હોય, તેને ઈશ્વર-દર્શન થઈ શકે. નાટકશાળામાં જાઓ ત્યારે જ્યાં સુધી પડદો ઊપડે નહિ, ત્યાં સુધી માણસો બેઠા બેઠા જાતજાતની વાતો કરે, ઘરની વાતો, ઓફિસની વાતો, નિશાળની વાતો વગેરે, પણ જેવો પડદો ઊપડ્યો કે તરત જ વાતચીત બધી બંધ. જે નાટક થાય છે તે જ એકનજરે જોયા કરે. ઘણી વાર જોયા પછી જો જરા-તરા વાત કરે તોપણ તે નાટકની જ વાત હોય. એ નાટકની જ વાત કરે. 

પીધેલો માણસ પીધા પછી માત્ર આનંદની વાત જ કરે.’

Total Views: 281
ખંડ 38: અધ્યાય 2 : નિષ્કામ કર્મ અને શ્રીરામકૃષ્ણ - ફળસમર્પણ અને ભક્તિ
ખંડ 38: અધ્યાય 4 : પંચવટી તળે શ્રીરામકૃષ્ણ - અવતારમાં અપરાધ ન હોય