નિત્યગોપાલ સામે બેઠેલ છે. સર્વદા ભાવમાં. મોઢે શબ્દ નહિ.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): ગોપાલ! તું તો સાવ મૂંગો જ રહીશ?

નિત્યગોપાલ (બાળકની પેઠે): હું જાણતો નથી.

નિત્યગોપાલ

શ્રીરામકૃષ્ણ: સમજ્યો, તું કેમ કંઈ બોલતો નથી. અપરાધની બીક? 

ઠીક, ઠીક, જય વિજય નારાયણના દ્વારપાળ. તેમણે સનક સનાતન વગેરે ઋષિઓને અંદર જવાની મનાઈ કરેલી. એ અપરાધથી ત્રણ વાર આ સંસારમાં જન્મવું પડેલું.

શ્રીદામ ગોલોકમાં વિરજાના દ્વારપાળ હતા. શ્રીમતી રાધિકા કૃષ્ણને વિરજાને ત્યાંથી પકડવા સારુ તેને બારણે ગયાં હતાં, અને અંદર જવું હતું. શ્રીદામે તેમને અંદર જવા દીધાં ન હતાં. એટલે રાધિકાએ શ્રીદામને શાપ આપ્યો કે તું પૃથ્વી પર અસુર થઈને જન્મ લે. શ્રીદામેય સામો શાપ આપ્યો હતો! (સૌનું જરા હાસ્ય). 

પરંતુ એક વાત છે. જો છોકરો બાપનો હાથ પકડે, તો રસ્તે ચાલતાં, કદાચ ખાડામાં પડેય ખરો; પરંતુ બાપ જેનો હાથ પકડી રાખે તેને બીક શી?

શ્રીદામની કથા બ્રહ્મ-વૈવર્ત પુરાણમાં છે.

કેદાર (ચેટર્જી) હાલમાં ઢાકામાં રહે છે, ત્યાં સરકારી નોકરી કરે છે. પહેલાં નોકરી કોલકાતામાં હતી, હવે ઢાકામાં છે. તે ઠાકુરના પરમ ભક્ત. ઢાકામાં ઘણા ભક્તોનો પરિચય થયો છે. એ બધા ભક્તો તેમની પાસે હમેશાં આવે અને ઉપદેશ લે. ભક્તે ખાલી હાથે દર્શન કરવા જવું નહિ એવું વિધાન છે, એટલે ઘણાય ભક્તો મીઠાઈ વગેરે લાવે અને કેદારને અર્પણ કરે. 

(બધા પ્રકારના માણસો માટે શ્રીરામકૃષ્ણનાં વિવિધ ભાવ અને અવસ્થા)

કેદાર (અતિ નમ્રતાથી): તેમની આપેલી વસ્તુઓ શું ખાવી?

શ્રીરામકૃષ્ણ: જો ઈશ્વરમાં ભક્તિ રાખીને આપે તો દોષ નહિ. કામના કરીને આપે, તો એ વસ્તુ સારી નહિ.

કેદાર: મેં તો તેમને કહ્યું છે કે હું નિશ્ચિંત! જેણે મારા પર કૃપા કરી છે એ બધું જાણે!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): એ તો ખરું. અહીંયાં બધા પ્રકારના માણસો આવે, એટલે બધા પ્રકારના ભાવ જોઈ શકે.

કેદાર: મારે વધારે બાબતો જાણવાની જરૂર નથી.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): ના ભાઈ, બધુંય જરાક જરાક જોઈએ. જો કોઈ મોદીખાનાની દુકાન નાખે તો બધુંય રાખવું જોઈએ. થોડીક મસુરની દાળ પણ જોઈએ, સાથે થોડીક આંબલી વગેરે બધુંય રાખવું જોઈએ. 

જે બજાવવાનો ઉસ્તાદ હોય તે બધાં વાજિંત્રો થોડાં થોડાં બજાવી શકે.

ઠાકુર ઝાઉતળા નીચે શૌચ ગયા. એક ભક્ત પાણીનો લોટો લઈને ત્યાં મૂકી આવ્યો.

ભક્તો આમતેમ ફરે છે. કોઈ ઠાકુરના ઓરડાની તરફ ગયા, કોઈ કોઈ પંચવટી તરફ પાછા આવે છે. ઠાકુરે ત્યાં આવીને કહ્યું, ‘બે ત્રણ વાર શૌચ જવું પડ્યું. મલ્લિકના ઘરનું ખાવાનું; ઘોર સંસારીનું! પેટ ગરમ થઈ ગયું છે!

(સમાધિસ્થ પુરુષ શ્રીરામકૃષ્ણનું પાનના ડબ્બાનું સ્મરણ)

ઠાકુરનો પાનનો દાબડો પંચવટીના ઓટલા પર હજીયે પડી રહ્યો છે. એ ઉપરાંત પણ એક બે જણસો પડી છે.

શ્રીરામકૃષ્ણે માસ્ટરને કહ્યું કે ‘આ દાબડો અને બીજું જે પડ્યું છે તે બધું ઓરડામાં લેતા આવો!’ એમ કહીને ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણાભિમુખ થઈને ઓરડા તરફ આવવા લાગ્યા. ભક્તો સાથે સાથે પાછળ આવે છે, કોઈના હાથમાં પાનનો દાબડો, કોઈના હાથમાં લોટો વગેરે.

ઠાકુર બપોર પછી જરા આરામ કરી રહ્યા છે. બે ચાર ભક્તો આવીને બેઠા. ઠાકુર નાની પાટ ઉપર એક નાના તકિયા પર આડા પડીને બેઠા છે.

(જ્ઞાની અને ભક્તનો ભાવ એકાધારે હોઈ શકે ખરો? – સાધનાની જરૂર છે)

એક ભક્તે પૂછ્યું, મહાશય, જ્ઞાનથી શું ઈશ્વરના ગુણો (Attributes) જાણી શકાય?

ઠાકુર બોલ્યા – એ આ જ્ઞાનથી નહિ. એમને એમ તે શું ઈશ્વરને જાણી શકાય? સાધના કરવી જોઈએ અને ગમે તે એક ભાવનો આધાર લેવો જોઈએ, દાસ-ભાવ, ઋષિઓનો શાન્ત-ભાવ હતો. જ્ઞાનીઓનો કેવો ભાવ ખબર છે? સ્વ-સ્વરૂપનું ચિંતન કરવું. (એક ભક્તને સહાસ્ય): તમારો કયો?

ભક્ત ચૂપ રહ્યા.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): તમારામાં બન્ને ભાવ; સ્વ-સ્વરૂપનું ચિંતન કરવાનોય ખરો અને સેવ્ય-સેવકનો ભાવ પણ ખરો, કેમ ખરું ને?

ભક્ત (સહેજ સંકોચ સાથે સહાસ્ય): જી હા.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): એટલે હાજરા કહે છે કે તમે મનની વાત બધી સમજી શકો. એ ભાવ બહુ આગળ વધ્યે આવે; પ્રહ્લાદને થયો હતો. 

પરંતુ એ ભાવની સાધના કરવા જતાં મહેનત જોઈએ. 

એક જણ બોરડીના ઝાડના કાંટા પકડી રહ્યો છે. હાથમાંથી દડ દડ કરતું લોહી વહી રહ્યું છે. છતાં કહે છે કે મને કશું થયું નથી, કશું લાગ્યું નથી! તેને પૂછતાં કહ્યું કે ‘બહુ સારું, બહુ સારું!’ પણ એ શબ્દો માત્ર મોઢેથી બોલ્યે શું વળે? એ ભાવની સાધના કરવી જોઈએ.

ભક્તો ઠાકુરના કથામૃતનું પાન કરી રહ્યા છે.

Total Views: 286
ખંડ 38: અધ્યાય 3 : ઈશ્વરદર્શનનો ઉપાય - શ્રીમુખે કહેલું ચરિતામૃત
ખંડ 39: અધ્યાય 1 : નરેન્દ્રાદિ ભક્તો સાથે કીર્તનાનંદે