ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ ૧૨, ૧૨૯૧ બંગાબ્દ શુક્લ અષ્ટમી. ભક્તો શ્રીરામકૃષ્ણનો જન્મ મહોત્સવ ઊજવી રહ્યા છે. ગયે સોમવારે ફાગણ સુદ બીજને દિવસે તેમની જન્મ-તિથિ ગઈ છે. નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, ભવનાથ, સુરેન્દ્ર, ગિરીન્દ્ર, વિનોદ, હાજરા, રામલાલ, રામ, નિત્યગોપાલ, મણિ મલ્લિક, ગિરીશ, સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ વગેરે અનેક ભક્તોનો સમાગમ થયો છે. સવારથી જ કીર્તન ચાલે છે. અત્યારે સમય આઠેક વાગ્યાનો હશે. માસ્ટરે આવીને પ્રણામ કર્યા. ઠાકુરે ઇશારત કરીને પોતાની પાસે બેસવાનું કહ્યું.

કીર્તન સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવપૂર્ણ થયા છે. ગાયો ચરાવવા માટે આવવામાં શ્રીકૃષ્ણને વાર થાય છે. કોઈ ગોવાળ કહે છે કે મા યશોદા આવવા દેતાં નથી. બલરામ ગુસ્સો કરીને કહે છે કે હું શિંગી બજાવીને કનાઈને લઈ આવું. બલરામનો કૃષ્ણ ઉપર અગાધ પ્રેમ.

દક્ષિણેશ્વર સંકુલમાં ઉત્તર-પશ્ચિમની લાંબી ઓસરી

કીર્તનકાર વળી પાછો ગાય છે. શ્રીકૃષ્ણ બંસીધ્વનિ કરે છે. ગોપીઓ, ગોવાળિયાઓ બંસીનાદ સાંભળે છે. તેમનામાં વિવિધ ભાવોનો ઉદય થાય છે.

ઠાકુર બેઠાં બેઠાં ભક્તો સાથે કીર્તન સાંભળી રહ્યા છે. અચાનક નરેન્દ્ર તરફ નજર પડી. નરેન્દ્ર પાસે જ બેઠા હતા. ઠાકુર ઊભા થઈ જઈને સમાધિ-મગ્ન. નરેન્દ્રના ઘૂંટણને એક પગ વડે સ્પર્શ કરીને ઊભા છે.

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનું કાલ્પનિક ચિત્ર

ઠાકુર સ્વસ્થ થઈને પાછા બેઠા. નરેન્દ્ર સભામાંથી ઊઠી ગયા. કીર્તન ચાલે છે.

શ્રીરામકૃષ્ણે બાબુરામને આસ્તે આસ્તે કહ્યું, ‘ઓરડામાં ખીર છે, નરેન્દ્રને દે, જા.’

ઠાકુર શું નરેન્દ્રની અંદર સાક્ષાત્ નારાયણનાં દર્શન કરતા હતા?

કીર્તન પૂરું થયા પછી શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં આવ્યા છે અને પ્રેમ દર્શાવીને નરેન્દ્રને મીઠાઈ ખવરાવી રહ્યા છે.

ગિરીશની દૃઢ શ્રદ્ધા છે કે શ્રીરામકૃષ્ણરૂપે ઈશ્વર અવતર્યા છે.

ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – આપનાં બધાં કાર્યો શ્રીકૃષ્ણની જેમ. શ્રીકૃષ્ણ જેમ યશોદાની પાસે ઢોંગ કરતા.

શ્રીરામકૃષ્ણ – હા. શ્રીકૃષ્ણ તો અવતાર. નરલીલામાં એમ થાય. આ બાજુ ગોવર્ધનગિરિ ધારણ કર્યો હતો અને નંદરાયની પાસે દેખાડે છે કે પાટલો ઉપાડીને લઈ જતાં મહેનત પડે છે!

ગિરીશ – હા, હવે હું સમજી ગયો. તમને સમજી ગયો છું.

(જન્મોત્સવે નવવસ્ત્ર પરિધાન – ભક્તગણની સેવા અને સમાધિ)

ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. સમય અગિયારેકનો હશે. રામ વગેરે ભક્તો ઠાકુરને નવાં વસ્ત્રો પહેરાવવાના છે. ઠાકુર કહે છે ‘ના. ના’. એક અંગ્રેજી ભણેલા માણસને બતાવીને કહે છે કે એ શું કહેશે? ભક્તોએ ખૂબ હઠ કરી એટલે ઠાકુર બોલ્યા, ‘તમે કહો છો એટલે પહેરું છું.’

ભક્તો એ ઓરડામાં જ ઠાકુરના ભોજન વગેરેની તૈયારી કરે છે.

ઠાકુર નરેન્દ્રને ગીત ગાવાનું કહે છે. નરેન્દ્ર ગાય છે :

ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ,

તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહા-વાસી…

અનંત આંધાર-ખોળે, મહાનિર્વાણ-હિલ્લોળે,

ચિર-શાંતિ-પરિમલ, વહી વહી જાય ખાસી…

મહાકાલ-રૂપ ધારી, અંધકાર-વસ્ત્ર પહેરી,

સમાધિ-મંદિરે કોણ, રહી તું એકલી બેસી!…

અભય પદ-કમળે, પ્રેમ-વીજ ઝળહળે,

ચિન્મય મુખમંડળે, શોભે અટ્ટ અટ્ટ હાસિ…

નરેન્દ્રે જેવું ગાયું કે ‘સમાધિ-મંદિરે કોણ, રહી તું એકલી બેસી!’ કે તરત જ ઠાકુર બાહ્યભાન રહિત, સમાધિ-મગ્ન. ઘણીયે વાર પછી સમાધિ ઊતરી. એટલે ભક્તોએ ઠાકુરને જમવા માટે આસન પર બેસાડ્યા. હજીયે ભાવનો આવેશ રહ્યો છે. ભાત ખાય છે, પરંતુ બેઉ હાથે. ભવનાથને કહે છે કે ‘તું ખવડાવી દે.’ ભાવનો આવેશ રહ્યો છે, એટલે પોતે પોતાની મેળે ખાઈ શકતા નથી. ભવનાથ તેમને ખવડાવે છે.

ઠાકુર થોડુંક જમ્યા. જમી રહ્યા પછી રામ કહે છે, ‘નિત્યગોપાલ આપની પાતળમાં જમશે.’

શ્રીરામકૃષ્ણ – મારી પાતળમાં? મારી પાતળમાં શું કામ?

રામ – એ વળી તમે પૂછો છો! આપની પાતળમાં એ ખાય નહીં?

નિત્યગોપાલને ભાવપૂર્ણ જોઈને ઠાકુરે તેને એક બે કોળિયા ખવડાવ્યા.

કોન્નગરના ભક્તજનો હોડી ભાડે કરીને આવ્યા છે. તેમણે કીર્તન કરતાં કરતાં ઠાકુરના ઓરડામાં પ્રવેશ કર્યો. કીર્તન થઈ રહ્યા પછી તેઓ નાસ્તો કરવા માટે બહાર ગયા. નરોત્તમ કીર્તનિયો ઠાકુરના ઓરડામાં બેઠો છે. ઠાકુર નરોત્તમ વગેરેને કહે કે ‘આ લોકોનું કીર્તન તો હોડીને હલેસાં મારનારના જેવું. કીર્તન એવું થવું જોઈએ કે સૌ કોઈ નાચી ઊઠે!’

શ્રીરામકૃષ્ણ – આવાં બધાં ગીતો ગાવાં પડશે –

નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે,

(નરોત્તમને) એ સાથે આ ગીત પણ ગાવું પડશે –

જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

જેઓ માર ખાઈ પ્રેમ વેચે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

જેઓ પોતે રડી, જગત રડાવે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

જેઓ પોતે નાચી જગત નચાવે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

જેઓ ચાંડાલને પણ ખોળે ધરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

અને આ ગીત પણ ગાવું પડે –

ગૌર નિતાઈ તમે બે ભાઈ, પરમ દયાળ હે પ્રભુ!

હું એ સાંભળીને આવ્યો છું, હે નાથ!

તમે ચંડાળ સહિત સહુને આશ્રય દીધો ખોળે,

આશ્રય આપી હરિ-બોલ બોલો.

 

Total Views: 337
ખંડ 38: અધ્યાય 4 : પંચવટી તળે શ્રીરામકૃષ્ણ - અવતારમાં અપરાધ ન હોય
ખંડ 39: અધ્યાય 2 : જન્મોત્સવમાં ભક્તો સાથે વાર્તાલાપ