હવે ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. પૌંવા, મીઠાઈ વગેરે અનેક પ્રકારનો પ્રસાદ ખાઈને તેઓ ખૂબ તૃપ્ત થયા. ઠાકુર માસ્ટરને કહે છે કે ‘મુખર્જીઓને કહેવરાવ્યું નથી? સુરેન્દ્રને કહો કે કીર્તનકારોને જમવા બેસવાનું કહે.’

શ્રીયુત્ વિપિન સરકાર આવ્યા છે. કોઈ ભક્તે કહ્યું, ‘આમનું નામ વિપિન સરકાર.’ ઠાકુર ઊઠીને બેઠા અને વિનયપૂર્વક બોલ્યા, ‘આમને આસન આપો; અને પાન આપો.’ ઠાકુર એમને કહે છે કે ‘આપની સાથે વાત કરી શક્યો નહિ; ખૂબ માણસો!’

ગિરીન્દ્રને જોઈ ઠાકુરે બાબુરામને કહ્યું, ‘આમને એક આસન આપો.’ નિત્યગોપાલ જમીન ઉપર બેઠા હતા એ જોઈને ઠાકુર બોલ્યા, ‘એનેય એક આસન આપો.’

સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ આવ્યા છે. ઠાકુર હસીને રાખાલને ઇશારો કરે છે કે ‘નાડ દેખાડી લે.’

શ્રીયુત્ રામલાલને કહે છે, ‘ગિરીશ ઘોષની સાથે ભાઈબંધી કર, તો નાટક જોવા મળશે.’ (હાસ્ય).

નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર ઓરડાની અંદર આવીને બેઠો.

(નરેન્દ્રને શ્રીરામકૃષ્ણના વિવિધ ઉપદેશ)

ગિરીન્દ્ર

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – તું શું હાજરાની પાસે બેઠો હતો? તું વિદેશિની અને એ વિરહિણી! હાજરાનેય દોઢ હજાર રૂપિયાની જરૂર! (હાસ્ય).

‘હાજરા કહે, ‘નરેન્દ્રને સોળ આના સત્ત્વગુણ થયો છે, જરાક લાલ રજોગુણ છે! મારામાં (હાજરામાં પોતામાં) શુદ્ધ સત્ત્વ સત્તર આના. (સૌનું હાસ્ય).

‘હું એને જ્યારે કહું કે ‘તમે માત્ર તર્ક કરો છો, એટલે શુષ્ક છો;’ એટલે એ કહે છે કે ‘હું સૂર્ય-સુધા પાન કરું છું, એટલે શુષ્ક!’

‘હું જ્યારે શુદ્ધ ભક્તિની વાત કરું, જ્યારે કહું કે શુદ્ધ ભક્ત પૈસાટકા, ઐશ્વર્ય વગેરે કશુંય માગે નહિ. ત્યારે એ કહેશે કે ‘ઈશ્વરની કૃપા-ભરતી આવે તો નદી તો ઊભરાઈ જાય, તેમ વળી નાનાં ખાડા-ખાબોચિયાંય પાણીથી ભરાઈ જાય, શુદ્ધ ભક્તિયે આવે, તેમ ષડૈશ્વર્ય પણ આવે, પૈસાટકાય આવે.’

ઠાકુરના ઓરડાની ભોંય પર નરેન્દ્ર વગેરે ઘણાય ભક્તો બેઠા છે; ગિરીશ પણ આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને)- હું નરેન્દ્રને આત્માના સ્વરૂપરૂપે જાણું; અને હું એનો અનુગત.

ગિરીશ – આપ કોના અનુગત નથી?

(નરેન્દ્રનું ઘર અખંડનું)

શ્રીરામકૃષ્ણ (હસીને) – એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન.

ગિરીશ બહાર હુક્કો પીવા ગયા.

નરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને) – ગિરીશ ઘોષની સાથે વાત થઈ. ખૂબ મહાન માણસ છે. (માસ્ટરની સાથે) તમારી જ વાત થતી હતી.

શ્રીરામકૃષ્ણ – શી વાત?

નરેન્દ્ર – આપ ભણ્યાગણ્યા નથી, અમે બધા પંડિત; એવી બધી વાતો ચાલતી’તી. (હાસ્ય).

(શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્ર – પાંડિત્ય અને શાસ્ત્ર)

મણિ મલ્લિક (ઠાકુરને) – આપ વગર ભણ્યે પંડિત.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરેને) – ખરું કહું છું, હું વેદાન્ત વગેરે શાસ્ત્રો ભણ્યો નથી એટલા માટે મને લેશ માત્ર દુ:ખ થતું નથી. હું તો જાણું છું, કે વેદાન્તનો સાર, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તેમ વળી ગીતાનો સાર શો? ગીતા દસ વાર બોલવાથી જે થાય તે; – ત્યાગી ત્યાગી!

‘શાસ્ત્રનો સાર ગુરુમુખે જાણી લેવો જોઈએ, ત્યાર પછી સાધન-ભજન. એક જણે કાગળ લખ્યો હતો. તે વાંચતાં પહેલાં જ ક્યાંક આડોઅવળો મુકાઈ ગયો, તે જડે જ નહિ, એટલે પછી ઘરનાં બધાંય મળીને શોધવા લાગ્યાં. આખરે કાગળ જડ્યો. ત્યારે વાંચીને જોયું તો પાંચ શેર પેંડા અને એક ધોતિયું મોકલવાનું લખેલું. એ પછી કાગળ ફેંકી દીધો અને પાંચ શેર પેંડા અને એક ધોતિયું લાવવાની વ્યવસ્થામાં પડ્યાં. તે પ્રમાણે શાસ્ત્રોનો સાર જાણી લીધો; પછી ચોપડાં વાંચવાની શી જરૂર? ત્યાર પછી સાધન-ભજન. તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞાં કુર્વીત બ્રાહ્મણ:। નાનુધ્યાયાદ્બહૂઞ્છબ્દાન્, વાચો વિગ્લાપનં હિ તદિતિ॥ મેધાવી સાધકે એકલા બ્રહ્મને વિશે જાણ્યા પછી માત્ર અંત:પ્રેરણા પર જ ધ્યાન આપવું જોઈએ. એણે શબ્દોની જંજાળમાં પડવાની જરૂર નથી. એ તો વાણીના અવયવોને થકવી દેનારું છે.(બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૧)

વિનોદ

હવે ગિરીશ ઓરડામાં આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – હેં ભાઈ! મારા વિશે તમે બધા શું વાતો કરતા હતા? હું તો ખાઉં પીઉં ને મજા કરું.

ગિરીશ – આપની વાત વધારે શું કરું? આપ શું સાધુ?

શ્રીરામકૃષ્ણ – સાધુ બાધુ નહિ. મને તો ખરેખર હું સાધુ છું, એવો ખ્યાલ જ નથી.

ગિરીશ – મજાક મશ્કરીમાંય તમને પહોંચી શક્યો નહિ.

શ્રીરામકૃષ્ણ – હું લાલ કિનારનું ધોતિયું પહેરીને જયગોપાલ સેનના બગીચામાં ગયો’તો. કેશવ સેન ત્યાં હતા. કેશવે મારું લાલ કિનારનું ધોતિયું જોઈને કહ્યું કે આજ તો ખૂબ રંગ જમાવ્યો છે, લાલ કિનારની બહાર! મેં કહ્યું કે ‘કેશવનું મન લલચાવવું છે ને, એટલે રંગ જમાવીને આવ્યો છું!’

હવે ફરીથી નરેન્દ્ર ગીત ગાવાનો છે.

શ્રીરામકૃષ્ણે માસ્ટરને તાનપૂરો ઉતારી દેવાનું કહ્યું. નરેન્દ્ર તાનપૂરો કેટલીયે વાર સુધી સૂરે બાંધ્યા કરે છે. ઠાકુર અને બધા અધીરા થયા છે.

વિનોદ કહે છે કે ‘બાંધવાનું આજ થશે, ગાવાનું બીજે દિવસે થશે. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ હસે છે અને કહે છે કે ‘એવી ઇચ્છા થાય છે કે જાણે તાનપૂરો ફોડી નાખું. શું તં-નન, તં-નન; વળી પાછું ‘તાના-નાના-નેરે-નેરે-નુમ’ થવાનું!

ભવનાથ – રામલીલાના આરંભમાંય એમ કંટાળો આવે.

નરેન્દ્ર (સૂર બાંધતાં બાંધતાં) – એ સમજાય નહિ એટલે એમ થાય.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એય જો! આપણું બધું ઉડાવી દીધું!

(નરેન્દ્રનું ગાન અને શ્રીરામકૃષ્ણનો ભાવાવેશ – અંતર્મુખ અને બહિર્મુખ – સ્થિરજળ અને તરંગ)

નરેન્દ્ર ગીત ગાય છે. ઠાકુર નાની પાટ પર બેસીને સાંભળી રહ્યા છે. નિત્યગોપાલ વગેરે ભક્તો જમીન પર બેસીને સાંભળે છે :

ગીત : અંતરે જાગેલાં છો મા, અંતર્યામિની!

અંકે ધરી રાખ્યો મને દિવસયામિની!…

ગીત : ગાઓ રે આનંદમયીનું નામ,

ઓ રે, મારા એકતંત્રી પ્રાણનો આરામ…

ગીત : ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ,

તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહાવાસી…

ઠાકુર ભાવપૂર્ણ થઈને નીચે ઊતરી આવીને નરેન્દ્રની પાસે બેઠા છે. એ અવસ્થામાં તેની સાથે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – ગીત ગાઉં? થૂ થૂ! (નિત્યગોપાલને) તું શું કહે છે? ઉદૃીપનને માટે સાંભળવું જોઈએ; ત્યાર પછી (ગીત) રહ્યું તોય શું ને ગયું તોય શું?

(નરેન્દ્રને) ‘આગ લગાવી દીધી; એ તો સરસ! ત્યાર પછી ચૂપ. બહુ મજાનું, હુંય ચૂપ થઈ રહ્યો છું, તુંય ચૂપ થઈ રહે.

‘વાત એ કે આનંદરસમાં મગ્ન થવું!

‘ગીત ગાઉં? ઠીક, ગાઉં તોય ચાલે. પાણી સ્થિર રહે તોય પાણી, અને હાલે ચાલે તોય પાણી.’

(નરેન્દ્રને ઉપદેશ – જ્ઞાન અને અજ્ઞાનથી પર જાઓ)

નરેન્દ્ર પાસે બેઠેલ છે. તેને ઘેર ખાવાના સાંસા છે. એટલે તેના સારુ તે હંમેશાં ચિંતાતુર રહ્યા કરે. એની સાધારણ બ્રાહ્મ-સમાજમાં આવજા હતી. હજીયે દર વખત જ્ઞાનવિચાર કરે, વેદાન્ત વગેરે ગ્રંથો વાંચવાની ખૂબ ઇચ્છા. અત્યારે તેનું વય ૨૩ વરસનું હશે. ઠાકુર એકટશે નરેન્દ્રને જોઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય, નરેન્દ્રને) – તું તો ‘ખ’ (આકાશ જેવો), પણ જો ટેક્સ (યાને ઘરની ચિંતા) ન હોત તો! (સૌનું હાસ્ય).

‘કૃષ્ણકિશોર કહેતો, ‘હું ખ’ (આકાશ સમાન અલિપ્ત). હું એક દિવસ તેને ઘેર ગયો; જોયું તો એ ચિંતા કરતો બેઠો છે, ઝાઝું બોલે નહિ. મેં પૂછ્યું, ‘અરે! શું થયું છે ભાઈ, આમ સાવ ઉદાસ થઈને બેઠા છો કેમ?’ તે બોલ્યો, ‘ટેક્સવાળો આવ્યો’તો; તે કહી ગયો છે કે જો પૈસા નહિ ભરી જાઓ તો લોટા વાટકા વગેરે બધાં લીલામ કરીને પૈસા વસૂલ કરવામાં આવશે. એટલે મને ચિંતા ઊભી થઈ છે.’ મેં તેને હસતાં હસતાં કહ્યું કે ‘એ શું વળી, તમે તો ‘ખ’ (આકાશ સમાન). લઈ જાય તો સાલો ભલેને લોટા વાટકા લઈ જાય, એમાં તમને ‘ખ’ને શું?’

‘એટલે તને કહું છં કે તું તો ‘ખ;’ એમાં એટલી ચિંતા કરે છે શેનો? વાત એમ છે કે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે અષ્ટ સિદ્ધિમાંથી એકાદિયે જો આવે તો શક્તિ ખૂબ વધી શકે, પણ મને પામીશ નહિ. સિદ્ધિ વડે ખૂબ શક્તિ, બળ, પૈસો વગેરે બધું થઈ શકે, પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ થાય નહિ.

‘અને એક બીજી વાત. જ્ઞાન-અજ્ઞાનથી પાર થાઓ. કેટલાય કહેશે કે અમુક મહાજ્ઞાની; પરંતુ ખરું જોતાં તેમ નહિ. વસિષ્ઠ એટલા મોટા જ્ઞાની, પણ પુત્રોના શોકથી સાવ અધીરા થઈ ગયેલા. એ જોઈને લક્ષ્મણ બોલ્યા, ‘રામ, આ શી નવાઈ! આ ગુરુજી પણ આટલા શોકાતુર?’ એટલે રામે કહ્યું, ‘ભાઈ, જેનામાં જ્ઞાન છે, તેનામાં અજ્ઞાનેય છે; જેને પ્રકાશનું જ્ઞાન છે, તેને અંધકારનું જ્ઞાનેય છે; જેને સારાનું જ્ઞાન છે, તેને નરસાનું જ્ઞાન પણ છે; જેને સુખનું જ્ઞાન છે, તેને દુ:ખનું જ્ઞાન પણ છે. ભાઈ, તમે એ બેઉની પાર જાઓ, સુખદુ:ખની પાર જાઓ, જ્ઞાન-અજ્ઞાનની પાર જાઓ. એટલે તને કહું છું કે જ્ઞાન-અજ્ઞાનથી પર થા.’

 

Total Views: 336
ખંડ 39: અધ્યાય 1 : નરેન્દ્રાદિ ભક્તો સાથે કીર્તનાનંદે
ખંડ 39: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે - સુરેન્દ્રને ઉપદેશ - ગૃહસ્થ અને દાનધર્મ - મનોયોગ અને કર્મયોગ