ઠાકુર શ્રીરામકૃષ્ણ ફરી નાની પાટ ઉપર આવીને બેઠા છે. ભક્તો હજીયે જમીન પર બેઠા છે. સુરેન્દ્ર તેમની પાસે બેઠા છે. ઠાકુર તેમના તરફ સ્નેહભર્યો દૃષ્ટિપાત કરી રહ્યા છે અને વાતચીતને બહાને તેમને જાતજાતનો ઉપદેશ દઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (સુરેન્દ્રને) – વચ્ચે વચ્ચે આવતા રહો. નાગાજી કહેતા કે લોટાને રોજ માંજવો જોઈએ, નહિતર કાળો પડી જાય. સાધુ-સંગની સદાય જરૂર છે.

‘સંન્યાસીને માટે કામિની-કાંચનનો ત્યાગ; તમારે માટે એ નહિ. તમે લોકો વચ્ચે વચ્ચે એકાન્ત સ્થળમાં જજો અને આતુર થઈને ઈશ્વરને બોલાવજો. તમે મનથી ત્યાગ કરજો.

વીરભક્ત ન હોય તો બેઉ બાજુ સંભાળી શકે નહિ. જનક રાજા સાધનભજન કરી રહ્યા પછી સિદ્ધ થઈને સંસારમાં હતા. એ બેવડી તલવાર ફેરવતા; જ્ઞાનરૂપી અને કર્મરૂપી.’

એમ કહીને ઠાકુર ગીત ગાય છે :

આ સંસાર તો મજાની કુટી, ખાઈ પી ને મેં મજા લૂંટી,

જનક રાજા મહાન તેજી, તેને હતી રે શેની ત્રુટિ;

આણીગમ તેણીગમ બેઉ ગમ રાખી, પીધી હતી તેણે દૂધની વાટી.

‘તમારે સૌને માટે, ચૈતન્યદેવ જે કહી ગયા’તા તે : જીવો પર દયા, ભક્તોની સેવા અને નામ-સંકીર્તન.

‘તમને કહું છું શા માટે? તમારે હૌસ (House) (સોદાગરની પેઢી)નું કામ; અને કેટલાંય બીજાં કામ કરવાનાં હોય, એટલે કહું છું.

‘તમે ઓફિસમાં ખોટું બોલો, છતાં તમારી વસ્તુ ખાઉં છું શું કામ? તમે દાન, ધ્યાન કરો છો; તમારી જે આવક છે તેના કરતાં વધુ દાન કરો છો; બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

‘લોભીની ચીજ હું ખાઉં નહિ; એમનું ધન આવી કેટલીક રીતે ઊડી જાય: પ્રથમ કોર્ટના કેસ- મુકદ્દમામાં; બીજું ચોર લૂંટારાથી; ત્રીજું વૈદ્ય-ડૉક્ટરમાં; ચોથું છોકરા ઉડાઉ નીકળે તો બધો પૈસો ફના-ફાતિયા કરી નાખે; આવી બધી રીતે.

‘તમે જે દાન-ધ્યાન કરો છો, એ બહુ સારું. જેમની પાસે પૈસા હોય, તેમણે દાન કરવું જોઈએ. કંજૂસનું ધન ઊડી જાય; દાતાનું ધન સચવાય, સારા કામમાં જાય. દેશમાં ખેડૂતો ધોરિયા કરીને ખેતરમાં પાણી લાવે, ક્યારેક ક્યારેક પાણીનું એટલુ બધું જોર થાય કે ખેતરની પાળ તૂટી જઈને પાણી બહાર નીકળી જાય, અને પાકને નુકસાન થાય. એટલે ખેડૂતો પાળની વચ્ચે વચ્ચે છીંડાં કરી રાખે. એ છીંડાંમાંથી પાણી જરા જરા નીકળતું રહે. એને લીધે પાણીના જોરથી ખેતરની પાળ તૂટે નહિ અને ખેતરમાં કાંપ ઠરે. એથી ખેતર ફળદ્રુપ થાય અને ખૂબ પાક આવે. જે દાન, ધ્યાન કરે તે ઘણુંય ફળ મેળવે; ચાર પ્રકારનું ફળ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ.

ભક્તો બધા ઠાકુરના શ્રીમુખથી આ દાન-ધર્મનો મહિમા એકચિત્તે સાંભળી રહ્યા છે.

સુરેન્દ્ર – મારું ધ્યાન બરાબર થતું નથી. વચ્ચે વચ્ચે ‘મા, મા’ કહું; અને સૂવાને વખતે ‘મા, મા’ બોલતો બોલતો સૂઈ જાઉં.

શ્રીરામકૃષ્ણ – એટલું થાય તોય બસ. સ્મરણ-મનન તો છે ને?

‘મન-યોગ અને કર્મ-યોગ. પૂજા, તીર્થ, જીવ-સેવા વગેરે ગુરુના ઉપદેશ પ્રમાણે કર્મ કરવાનું નામ કર્મ-યોગ. જનક વગેરે જે કર્મ કરતા તેનું નામ પણ કર્મ-યોગ. યોગીઓ જે સ્મરણ-મનન કરે, તેનું નામ મન-યોગ.

‘વળી કાલી-મંદિરમાં જઈને વિચાર કરું કે મા મન પણ તું જ! એટલે શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા એક જ વસ્તુ.’

સંધ્યા થવાની તૈયારી. ભક્તોમાંથી ઘણાખરા ઠાકુરને પ્રણામ કરીને ઘેર પાછા ફરી રહ્યા છે. ઠાકુર પશ્ચિમ બાજુની ઓસરીમાં ગયા છે; ભવનાથ અને માસ્ટર સાથે છે.

શ્રીરામકૃષ્ણ (ભવનાથને) – તું આટલા બધા લાંબા ગાળા પછી આવે છે કેમ?

ભવનાથ (સહાસ્ય) – જી, પંદર પંદર દિવસને અંતરે મળું છું; તે દિવસે આપ પોતે જ રસ્તામાં મળી ગયા, એટલે પછી આવ્યો નહિ.

શ્રીરામકૃષ્ણ – એ શું? એકલાં દર્શનથી શું વળે? સ્પર્શ, વાતો એ બધુંય પણ જોઈએ!

 

Total Views: 333
ખંડ 39: અધ્યાય 2 : જન્મોત્સવમાં ભક્તો સાથે વાર્તાલાપ
ખંડ 39: અધ્યાય 4 : જન્મોત્સવની રાત્રે ગિરીશ વગેરે ભક્તો સાથે પ્રેમાનંદમાં