સંધ્યા થઈ. દેવતાઓની આરતીનો અવાજ સંભળાઈ રહ્યો છે. આજે ફાગણ સુદ આઠમ. છ સાત દિવસ પછી પૂનમને દિવસે દોલ-મહોત્સવ થવાનો.

સંધ્યા થઈ ગયા પછી ઠાકુરવાડીનાં મંદિરોનાં શિખરો, આંગણું, ઉદ્યાન-ભૂમિ વૃક્ષોની ટોચો એ બધાંએ ચંદ્રપ્રકાશમાં મનોહર રૂપ ધારણ કર્યાં છે. ગંગા અત્યારે ઉત્તરવાહી, જ્યોત્સનામયી; મંદિરને અડીને જાણે કે આનંદથી ઉત્તરાભિમુખ થઈને પ્રવાહિત થઈ રહી છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં નાની પાટ ઉપર બેસીને મૂંગા મૂંગા જગન્માતાનું ચિંતન કરી રહ્યા છે.

દિવસનો ઉત્સવ પૂરો થયા પછી હજીયે એક બે ભક્તો રહ્યા છે. નરેન્દ્રનાથ એ પહેલાં જ ચાલ્યા ગયા છે.

આરતી થઈ ગઈ. ઠાકુર આવેશભર્યા થઈને દક્ષિણ-પૂર્વની લાંબી ઓસરીમાં પગ છૂટો કરી રહ્યા છે. માસ્ટર પણ એ ઠેકાણે ઊભેલા છે અને ઠાકુરને જોઈ રહ્યા છે. ઠાકુર અચાનક માસ્ટરને સંબોધીને બોલે છે, ‘આહા, નરેન્દ્રનું કેવું સરસ ગીત!’

(તંત્રમાં મહાકાલીનું ધ્યાન – ગભીર અર્થ)

માસ્ટર – જી, ‘ગાઢ અંધકારે’ એ ગીત?

શ્રીરામકૃષ્ણ – હા; એ ગીતનો ખૂબ ઊંડો અર્થ છે. મારું મન હજી સુધી જાણે કે (એ ગીતથી) ખેંચાઈ રહ્યું છે.

માસ્ટર – જી હા.

શ્રીરામકૃષ્ણ – ‘અંધકારમાં ધ્યાન’ એ તંત્રોનો મત. ત્યારે સૂર્યનો પ્રકાશ ક્યાંથી હોય?

શ્રીયુત્ ગિરીશ ઘોષ આવીને ઊભા રહ્યા. ઠાકુર ગીત ગાય છે :

‘શ્યામા મા શું મારી કાલી રે!

કાળરૂપી દિગંબરી હૃદયપદ્મને કરે ઉજ્જવળ રે…’

ઠાકુર મતવાલા થઈને ઊભા ઊભા ગિરીશને શરીરે હાથ મૂકીને ગીત ગાય છે:

‘ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,

કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.

ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,

સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…

દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,

મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય…’

ગીત : આ વેળા મેં સારું વિચાર્યું રે,

સારા ભાવિક પાસે ભાવ શીખ્યો રે,

જે દેશમાં રજની નહિ એ દેશનું એક માણસ મળ્યું રે!

મારે તો દિવસ કેવો ને કેવી સંધ્યા, સંધ્યા ને વંધ્યા કરી રે.

નૂપુરે મેળવીને તાલ, એ તાલનું એક ગીત શીખ્યો છું;

તા ધ્રીં તા ધ્રીં બજે છે એ તાલ, પલકમાં ઉત્સાદ બન્યો છું..

ઊંઘ ઊડી છે હવે શું ઊંઘું, યોગ-જાગૃતિમાં જાગેલો છું;

યોગનિદ્રાને તને દઈ મા, ઊંઘને ઊંઘાડી બેઠેલો છું…

સુહાગણ ને ગંધક રંગ પાકો ચડાવ્યો રે,

મનમંદિરના ફર્શ પર બંને આંખો ઝાડુ મારે રે!

કહે પ્રસાદ ભક્તિમુક્તિ બંને માથે ધરી રે!

(મેં) કાલીબ્રહ્મ-મર્મ જાણીને ધર્માધર્મ ત્યા રે!

ગિરીશને જોતાં જોતાં ઠાકુરના ભાવનો ઉછાળો જાણે કે હજીયે વધે છે. તે ઊભા ઊભા ફરીથી ગાય છે :

ગીત : અભય-પદે પ્રાણ સોંપ્યા છે, હવે ક્યાં યમનો ભય રાખ્યો છેે!…

કાલી નામ મહા-મંત્ર, આત્મ-શિર-શિખાએ બાંધ્યો છે;

દેહ વેચીને ભવ-બજારે, શ્રીદુર્ગા-નામ ખરીદી લાવ્યો છું…

કાલી-નામ કલ્પતરુ, હૃદયે રોપણ કર્યું છે,

યમ આવ્યે હૈયું ખોલી, દાખવવાને બેઠો રહ્યો છું…

દેહની અંદર છ જણ કુજન, તેમને ઘરની બહાર કાઢ્યા છે,

રામપ્રસાદ કહે દુર્ગા બોલીને, પ્રયાણ-તૈયારી કરી બેઠો છે…

શ્રીઠાકુર ભાવવિભોર થઈને ફરીથી ગાય છે :

ગીત : દેહ વેચીને હું તો ભવહાટેથી દુર્ગાનામ લઈ આવ્યો રે!…

(ગિરીશ આદિ ભક્તોને) – ‘ભાવથી ભરાયું તનુ, હરાયું જ્ઞાન.’

‘એ જ્ઞાન એટલે બાહ્ય-જ્ઞાન. તત્ત્વ-જ્ઞાન, બ્રહ્મ-જ્ઞાન વગેરે બધું જોઈએ.

(શ્રીરામકૃષ્ણ શું અવતાર છે? – પરમહંસ અવસ્થા)

ભક્તિ જ સાર. સકામ ભક્તિયે છે; તેમજ નિષ્કામ ભક્તિ, શુદ્ધ ભક્તિ, અહેતુકી ભક્તિ પણ છે. કેશવ સેન વગેરે અહેતુકી ભક્તિ જાણતા નથી. અહેતુકી ભક્તિ એટલે જેમાં કશીયે કામના ન હોય, કેવળ ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ.

‘તેમ વળી છે ‘ઊર્જિતા ભક્તિ’ ભક્તિ જાણે કે ઊછળી પડે છે ‘ભાવમાં હસે, રડે, નાચે, ગાય’ જેમ કે ચૈતન્યદેવની. રામે લક્ષ્મણને કહ્યું, ‘ભાઈ જ્યાં ઊછળી પડતી ભક્તિ જુઓ ત્યાં જાણજો કે હું પોતે જ હાજર છું.’ (શ્રદ્ધાલુરત્યૂર્જિતભક્તિલક્ષણો। યસ્તસ્યદૃશ્યોઽહમહર્નિશમ્ હૃદિ। – અધ્યાત્મરામાયણ ‘રામગીતા’ ઉત્તરકાંડ – ૨.૫૮)

ઠાકુર શું આ પોતાની જ અવસ્થા સૂચવી રહ્યા છે? ઠાકુર શું ચૈતન્યદેવની પેઠે અવતાર? જીવોને ભક્તિ શીખવવાને માટે અવતર્યા છે?

ગિરીશ – આપની કૃપા થાય તો બધુંય થાય. હું શું હતો ને શું થયો છું?

શ્રીરામકૃષ્ણ – અરે ભાઈ, તમારા સંસ્કાર હતા એટલે થયા છો. સમય આવ્યા વિના થાય નહિ. જ્યારે રોગ મટવાનો થાય ત્યારે વૈદ્યરાજ કહેશે કે આ પાંદડાં તીખાંની સાથે વાટીને પીઓ; અને પછી રોગ મટી જાય. તે તીખાંની સાથે વાટીને પાંદડાં પીવાથી રોગ મટ્યો કે એની મેળે મટ્યો એ કોણ કહી શકે?

‘લક્ષ્મણે લવ-કુશને કહ્યું કે ‘તમે તો બાળક કહેવાઓ, તમે રામચંદ્રને ઓળખતા નથી. એમના ચરણસ્પર્શથી અહલ્યા પથ્થરમાંથી માણસ થઈ ગઈ!’ લવ-કુશે કહ્યું : ‘મહારાજ, અમે બધું જાણીએ છીએ, બધું સાંભળ્યું છે. અહલ્યા પથ્થરમાંથી માણસ થઈ એવું મુનિ-વાક્ય હતું. ગૌતમ મુનિ બોલ્યા હતા કે ‘ત્રેતાયુગમાં રામચંદ્ર આ આશ્રમની પાસે થઈને નીકળવાના; તેમના ચરણસ્પર્શથી તું ફરી પાછી માણસ થઈશ!’ ત્યારે હવે એ રામની શક્તિથી કે મુનિ-વાક્યની શક્તિથી, એ કોણ કહે, કહો.’

‘બધુંય ઈશ્વર-ઇચ્છાથી થાય છે. અહીં આવ્યે જો તમને ચૈતન્ય-જાગૃતિ થાય, તો મને નિમિત્ત માત્ર જાણજો. ચાંદા મામા સૌના મામા. ઈશ્વર-ઇચ્છાથી બધું થાય છે.

ગિરીશ (સહાસ્ય) – ઈશ્વરની ઇચ્છાથી જ તો? હુંય પણ એ જ કહું છું. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – સરળ હોય તો જલદી ઈશ્વર-પ્રાપ્તિ થાય. કેટલાક માણસોને જ્ઞાન થાય નહિ. પહેલું : જેનું મન વાંકું હોય, સરળ ન હોય. બીજું : જેનામાં આભડછેટિયાપણું હોય. ત્રીજું : જેઓ સંશયાત્મા હોય.

ઠાકુર નિત્યગોપાલની ભાવ-અવસ્થાનાં વખાણ કરે છે.

હજીયે ત્રણ ચાર ભક્તો આ દક્ષિણ-પૂર્વ બાજુની લાંબી ઓસરીમાં ઠાકુરની પાસે ઊભા છે અને બધું સાંભળી રહ્યા છે, પરમહંસ-અવસ્થાનું ઠાકુર જે વર્ણન કરી રહ્યા છે તે. એ કહે છે કે પરમહંસને આ જ્ઞાન હમેશાં હોય કે ઈશ્વર જ સત્ય, બીજું બધું અનિત્ય. હંસમાં જ શક્તિ છે કે દૂધને પાણીમાંથી જુદું પાડવું. દૂધ-પાણી જો ભળી ગયેલાં હોય તો તેમની જીભમાં એક જાતનો ખાટો રસ હોય છે, તે રસ વડે દૂધ અલગ અને પાણી અલગ થઈ જાય. પરમહંસના મોઢામાંય એ ખાટો રસ છે, પ્રેમભક્તિનો. પ્રેમ-ભક્તિ હોય એટલે નિત્ય-અનિત્યનો વિવેક થાય. ઈશ્વરનો અનુભવ થાય, ઈશ્વર-દર્શન થાય.

Total Views: 287
ખંડ 39: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે - સુરેન્દ્રને ઉપદેશ - ગૃહસ્થ અને દાનધર્મ - મનોયોગ અને કર્મયોગ
ખંડ 40: અધ્યાય 1 : ગિરીશના ઘરે જ્ઞાનભક્તિ સમન્વયના કથાપ્રસંગે