ઠાકુર શ્રીરામકૃષ્ણ વૃષકેતુ નાટક જોવા જવાના છે. બિડન સ્ટ્રીટમાં કે જ્યાં પાછળથી મનોમોહન થિયેટર થયું હતું, ત્યાં પહેલાં એ જ તખ્તા ઉપર સ્ટાર થિયેટરનાં નાટકો ભજવાતાં. થિયેટરમાં આવીને બોક્સમાં દક્ષિણાભિમુખ થઈને ઠાકુર બેઠા છે. માસ્ટર વગેરે ભક્તો પાસે જ બેઠા છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – નરેન્દ્ર આવ્યો છે?
માસ્ટર – જી હા.
નાટક ચાલુ થઈ ગયું છે. કર્ણ અને પદ્માવતી એ બેઉ જણે કરવતને બન્ને બાજુએ પકડીને વૃષકેતુને વહેરી નાખ્યો છે. પદ્માવતીએ રડતાં રડતાં તેનું માંસ રાંધ્યું. વૃદ્ધ બ્રાહ્મણ-અતિથિ આનંદ કરતાં કરતાં કર્ણને કહે છે કે હવે ચાલો, આપણે એક સાથે બેસીને એ રાંધેલું માંસ ખાઈએ. અભિનયમાં કર્ણ બોલી ઊઠે છે કે એ મારાથી બનશે નહિ. પુત્રનું માંસ હું ખાઈ શકીશ નહિ.
એક ભક્ત સહાનુભૂતિ-દર્શક-અસ્ફુટ આર્તનાદ કરી ઊઠ્યો. ઠાકુરે પણ એ સાથે દુ:ખ પ્રદર્શિત કર્યું.
નાટક સમાપ્ત થયું એટલે ઠાકુર થિયેટરના આરામ-ગૃહમાં ગયા. ગિરીશ, નરેન્દ્ર વગેરે ભક્તો ત્યાં બેઠા છે. શ્રીરામકૃષ્ણ ઓરડામાં પ્રવેશ કરીને નરેન્દ્રની પાસે જઈને ઊભા રહ્યા અને બોલ્યા : ‘હું આવ્યો છું.’
(Concert – શરણાઈના સૂરે ભાવાવેશ)
ઠાકુર બેઠા છે. હજીયે સમૂહ-વાદ્ય (કોન્સર્ટ)નો અવાજ આવી રહ્યો છે.
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – આ વાદ્ય-સંગીત સાંભળીને મને આનંદ થાય છે. ત્યાં (દક્ષિણેશ્વરમાં) શરણાઈ વાગતી. એ સાંભળીને હું ભાવાવેશમાં આવી જતો. એક સાધુ મારી અવસ્થા જોઈને કહેતો કે આ બધાં બ્રહ્મજ્ઞાનીનાં લક્ષણ.
(ગિરીશ અને ‘હું અને મારું’)
સમૂહ-વાદ્ય બંધ પડ્યું એટલે શ્રીરામકૃષ્ણ વળી પાછા વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – આ ‘તમારું’ થિયેટર કે તમારા સૌનું?
ગિરીશ – જી, અમારા સૌનું.
શ્રીરામકૃષ્ણ – ‘અમારા સૌનું’ એ વાત જ સારી. ‘મારું’ બોલવું સારું નહિ. કોઈ કોઈ કહેશે કે ‘હું પોતે’ આવ્યો છું. એ બધું ઓછી બુદ્ધિના અહંકેરે (અહંકારી) માણસો બોલે.
(શ્રીરામકૃષ્ણ નરેન્દ્રાદિ સાથે)
નરેન્દ્ર – આ બધુંય નાટક.
શ્રીરામકૃષ્ણ – હા હા, એ ખરું. પરંતુ ક્યાંક વિદ્યાનો ખેલ, તો ક્યાંક અવિદ્યાનો ખેલ.
નરેન્દ્ર – બધોય વિદ્યાનો.
શ્રીરામકૃષ્ણ – હા હા. પણ એ તો બ્રહ્મ-જ્ઞાન થાય ત્યારે થાય. ભક્તિ-ભક્તની દૃષ્ટિથી તો બન્નેય છે : વિદ્યા-માયા, અવિદ્યા-માયા.
શ્રીરામકૃષ્ણ – એકાદું ગીત ગા ને.
નરેન્દ્ર ગીત ગાય છે :
‘ચિદાનંદ-સિંધુ-નીરમાં પ્રેમાનંદ લહરી,
મહાભાવ રાસલીલા, શી માધુરી જાઉં વારી,
વિવિધ વિલાસ રંગ-પ્રસંગ,
કેટલા અભિનવ ભાવતરંગ,
ડૂબે છે, તરે છે, કરે છે રંગ,
નવીન નવીન રૂપ ધરી,
(હરિ હરિ બોલીને) મહાયોગે સર્વ એકાકાર થયું,
દેશકાળ ભેદાભેદ વ્યવધાન દૂર થયું,
(આશા પૂરણ થાય રે) (મારી બધી ઇચ્છા મટી ગઈ રે!)
હવે આનંદે મતવાલા બની,
બંને હાથ ઊંચા કરી, મન, હરિ હરિ બોલ.
નરેન્દ્રે જ્યારે ગાયું કે ‘મહાયોગે સર્વ એકાકાર થયું’ ત્યારે શ્રીરામકૃષ્ણ બોલ્યા, બ્રહ્મ-જ્ઞાન થાય ત્યારે આવું થાય; તું જે બોલ્યો ને કે બધુંય વિદ્યા, તે.
નરેન્દ્ર જ્યારે ગાય છે ‘હવે આનંદે બની મતવાલા, બંને હાથ ઊંચા કરી, મન, હરિ હરિ બોલ’ ત્યારે શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું: એને બે વાર ગાઓ.
ગીત ગવાઈ રહ્યું, એટલે પાછી ભક્તો સાથે વાતો ચાલે છે.
ગિરીશ – દેવેન્દ્ર બાબુ આવ્યા નથી. એમણે માઠું લગાડીને કહ્યું છે કે અમારી અંદર તો માવાનું પૂરણ નથી, અડદની દાળનું પૂરણ છે; એટલે અમે આવીને શું કરીએ?
શ્રીરામકૃષ્ણ (નવાઈ પામી જઈને) – એ શું, પહેલાં તો એ એ પ્રમાણે કરતા નહિ!
ઠાકુર જરા નાસ્તો કરે છે. નરેન્દ્રનેય ખાવા આપ્યું.
યતીન દેવ (શ્રીરામકૃષ્ણને) – કેવળ ‘નરેન્દ્ર ખા,’ ‘નરેન્દ્ર ખા,’ એમ જ કહો છો! અમે તો સાલા જાણે કે તણખલાં જેવા, તણાઈ આવ્યા છીએ!
યતીનને ઠાકુર ખૂબ ચાહતા. એ દક્ષિણેશ્વર જઈને અવારનવાર ઠાકુરનાં દર્શન કરતા. કદી કદી રાત્રે પણ ત્યાં જઈને રહેતા. એ શોભા બજારના રાજાના કુટુંબનો દીકરો. (રાધાકાંતદેવના ઘરનો દીકરો)
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને સહાસ્ય) – અરે, (યતીન) તારી જ વાત કરે છે.
ઠાકુર હસતાં હસતાં યતીનની હડપચી પકડીને સ્નેહ કરતાં કરતાં બોલ્યા, ‘ત્યાં આવજે, આવીને ખાજે.’ અર્થાત્ ‘દક્ષિણેશ્વર આવજે.’
ઠાકુર ‘વિવાહનો ફજેતો’ નામનું ફારસ જોવા જાય છે; બોક્સમાં જઈને બેઠા. એમાં કામવાળીની વાતો સાંભળીને હસવા લાગ્યા.
(ગિરીશનો અવતારવાદ – શ્રીરામકૃષ્ણ શું અવતાર?)
ઠાકુર થોડી વાર એ સાંભળીને બેધ્યાન થઈ ગયા. માસ્ટરની સાથે આસ્તે આસ્તે વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, ગિરીશ ઘોષ જે (મારે વિશે) કહે છે (એટલે કે હું અવતાર) એ શું સાચું?
માસ્ટર – જી, સાચી વાત; નહિતર સૌના મન પર પ્રભાવ પડે છે શા માટે?
શ્રીરામકૃષ્ણ – જુઓ, હવે એક નવી અવસ્થા આવે છે. આગળની અવસ્થા બદલાઈ ગઈ છે. ધાતુની કોઈ ચીજને હું અડી શકતો નથી.
માસ્ટર આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ – આ જે નવી અવસ્થા આવી છે, તેનો એક ખૂબ ગૂઢ અર્થ છે.
ઠાકુર કોઈ ધાતુને સ્પર્શ કરી શકતા નથી. એમ લાગે છે કે અવતાર માયાનું ઐશ્વર્ય કશુંય ભોગવે નહિ, એટલે શું ઠાકુર આ બધી વાતો બોલી રહ્યા છે?
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, મારી અવસ્થા કાંઈ બદલાઈ રહી છે એમ તમે જુઓ છો?
માસ્ટર – જી, ક્યાં?
શ્રીરામકૃષ્ણ – કાર્યમાં?
માસ્ટર – હવે કામ વધે છે; બધા માણસો (આપને) જાણવા લાગ્યા છે.
શ્રીરામકૃષ્ણ – જુઓ છો ને? અગાઉ જે કહેતો હતો તે હવે સાચું પડે છે ને?
ઠાકુર થોડો વખત મૂંગા રહીને અચાનક બોલે છે, ‘વારુ, પલ્ટુને સારી રીતે ધ્યાન થતું નથી કેમ?’
(ગિરીશ લસણવાળો વાટકો છે? – The Lord’s message of hope for so-called ‘Sinners’)
હવે ઠાકુરની દક્ષિણેશ્વર જવાની તૈયારી થાય છે.
ઠાકુર કોઈ ભક્તની પાસે ગિરીશની સંબંધમાં બોલ્યા હતા કે ‘લસણની ગંધવાળી વાટકીને ગમે તેટલી ધૂઓે, લસણની ગંધ શું સાવ જાય?’
એટલે ગિરીશે પણ મનમાં અભિમાન લગાડ્યું છે. જતી વખતે ગિરીશ ઠાકુરને કંઈક કહે છે.
ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – લસણની ગંધ શું જશે?
શ્રીરામકૃષ્ણ – જશે.
ગિરીશ – એટલે તમે કહો છો ને, ‘જશે’?
શ્રીરામકૃષ્ણ – આવડી મોટી આગ સળગે ત્યાં ગંધ-બંધ ઊડી જાય. લસણની વાટકીને આગમાં તપાવી લીધી હોય તો પછી ગંધ રહે નહિ, પછી એ નવી વાટકી બની જાય.
જે એમ કહે કે મને ન થાય એને ન જ થાય. ‘હું મુક્ત’ એવું અભિમાન રાખવાવાળો મુક્ત જ થાય અને ‘હું બદ્ધ’ એવું માનવાવાળો બદ્ધ જ થાય. જે મનમાં જોર રાખીને કહે કે ‘હું મુક્ત થયો છું’ તે મુક્ત જ થાય. જે રાતદિન ‘હું બદ્ધ, હું બદ્ધ’ એમ કહ્યા કરે તે બદ્ધ જ થઈ જાય!’




