(રાખાલ, ભવનાથ, નરેન્દ્ર, બાબુરામ)

શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે આનંદથી બેઠા છે. બાબુરામ, છોટો નરેન, પલટુ, હરિપદ, મોહિનીમોહન વગેરે ભક્તો જમીન પર બેઠા છે. એક બ્રાહ્મણ યુવક બે ત્રણ દિવસથી ઠાકુરની પાસે રહ્યો છે. તે પણ બેઠેલો છે. આજ શનિવાર, ફાગણ વદ સાતમ; તારીખ ૭મી માર્ચ, ઈ.સ. ૧૮૮૫. સમય આશરે બપોરના ત્રણ.

શ્રી શ્રીમા સારદામણિદેવી

શ્રીશ્રીમા સારદામણિદેવી આજકાલ નોબતખાનાવાળી ઓરડીમાં રહે છે. તે અવારનવાર આવીને અહીંયાં (દક્ષિણેશ્વર) ઠાકુરવાડીમાં રહે, શ્રીરામકૃષ્ણની સેવા માટે. મોહિનીમોહનની સાથે તેની પત્ની અને નવીન બાબુની મા ગાડી કરીને આવ્યાં છે.

સ્ત્રી-ભક્તોએ નોબતખાનાવાળી ઓરડીમાં જઈને શ્રીમાનાં દર્શન કરીને પ્રણામ કર્યા અને ત્યાં જ બેઠાં. ભક્તો ઠાકુર પાસેથી જરા આઘા જાય પછી તેઓ આવીને ઠાકુરને પ્રણામ કરવાનાં.

ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. યુવક-ભક્તોને જુએ છે અને આનંદમાં વિભોર થતા જાય છે.

રાખાલ હમણાં દક્ષિણેશ્વર રહેતા નથી. કેટલાક મહિના સુધી તે બલરામની સાથે વૃંદાવનમાં હતા. ત્યાંથી પાછા આવીને હમણાં ઘેર છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – રાખાલ હવે પેન્શન ખાય છે. વૃંદાવનથી આવીને હવે ઘેર રહે છે. ઘેર પત્ની છે. પણ કહે છે કે મહિને હજાર રૂપિયાનો પગાર દે તો પણ કોઈની નોકરી કરવાનો નથી.

અહીંયાં સૂતો સૂતો બોલતો કે તમેય ગમતા નથી. એવી તેની એક અવસ્થા થઈ હતી.

ભવનાથે વિવાહ કર્યો છે પણ આખી રાત સ્ત્રીની સાથે માત્ર ધર્મની જ વાર્તા કરે. ઈશ્વરની વાતો કરીને જ બેઉ જણાં રહે. મેં કહ્યું કે વહુની સાથે જરા મોજમજા કરજે. એટલે ગુસ્સામાં રોફ કરીને બોલ્યો, ‘શું! અમેય મોજમજા લઈને રહીએ?’

હવે ઠાકુર નરેન્દ્રની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – પરંતુ નરેન્દ્રને માટે જેવી વ્યાકુળતા થઈ હતી, તેટલી આના ઉપર (છોટા નરેનની ઉપર) થઈ ન હતી.

(હરિપદને) – તું ગિરીશ ઘોષને ઘેર જાય છે?

હરિપદ- અમારા ઘરની નજીક જ તેનું ઘર; ઘણીયે વાર જાઉં છું.

શ્રીરામકૃષ્ણ – નરેન્દ્ર જાય છે?

હરિપદ – હા, ક્યારેક ક્યારેક એ જોવામાં આવે છે.

શ્રીરામકૃષ્ણ – ગિરીશ ઘોષ જે કહે (અર્થાત્ ‘અવતાર’ કહે છે) તેમાં એ શું કહે છે?

હરિપદ – ચર્ચામાં હારી ગયો છે.

શ્રીરામકૃષ્ણ – ના, એણે (નરેન્દ્રે) કહ્યું કે ગિરીશ ઘોષની અત્યારે આટલી શ્રદ્ધા છે તો પછી હું શા માટે કંઈ બોલું?

જજ અનુકૂલ મુખોપાધ્યાયના જમાઈના ભાઈ આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ – તમે નરેન્દ્રને ઓળખો છો?

જમાઈના ભાઈ – જી હા, નરેન્દ્ર બુદ્ધિમાન છોકરો.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – જ્યારે એણે નરેન્દ્રનાં વખાણ કર્યાં એટલે આ સારા માણસ. તે દિવસે નરેન્દ્ર આવ્યો હતો. ત્રૈલોક્યની સાથે ગીત ગાયું. પણ તે ફિક્કું લાગ્યું.

(બાબુરામને બે બાજુએ રહેવાની વાત – જ્ઞાન-અજ્ઞાનથી પર થાઓ)

ઠાકુર બાબુરામની તરફ જોઈને વાત કરે છે. માસ્ટર જે સ્કૂલમાં ભણાવે છે તે જ સ્કૂલમાં બાબુરામ મેટ્રિકના વર્ગમાં ભણે છે.

શ્રીરામકૃષ્ણ (બાબુરામને) – તારી ચોપડીઓ ક્યાં? ભણવાગણવાનું કરવું નથી? (માસ્ટરને) એ બેઉ બાજુ રાખવા માગે છે.

‘બહુ જ કઠણ માર્ગ; ઈશ્વરને જરાક જાણ્યે શું વળે? વસિષ્ઠ મુનિ જેવાનેય પુત્ર-શોક થયો! એ જોઈને લક્ષ્મણ નવાઈ પામી જઈને રામને પૂછવા લાગ્યા. એટલે રામે જવાબ આપ્યો કે ભાઈ, એમાં નવાઈ શી? જેને જ્ઞાન થયું છે તેનામાં અજ્ઞાન પણ છે. માટે તમે જ્ઞાન-અજ્ઞાનની પર જાઓ! પગમાં કાંટો વાગે તો બીજો એક કાંટો ગોતી લાવવો જોઈએ; એ કાંટાથી વાગેલો કાંટો કાઢવો જોઈએ. ત્યાર પછી બેઉ કાંટાને ફેંકી દેવા જોઈએ. એવી જ રીતે અજ્ઞાન-કાંટાને કાઢવા સારુ જ્ઞાન-કાંટો લેવો જોઈએ, ત્યાર પછી જ્ઞાન-અજ્ઞાનથી પર થવું જોઈએ.

બાબુરામ (હસીને) – મારે એ જ જોઈએ.

શ્રીરામકૃષ્ણ (હસીને) – અરે, બન્ને બાજુ રાખવાથી શું તેમ થાય? એ જો જોઈતું હોય તો ચાલ્યો આવ!

બાબુરામ (હસીને) – આપ ખેંચી લો!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – રાખાલ હતો એ જુદી વાત. તેના બાપની સંમતિ હતી. આ લોકો રહે તો ધાંધલ થાય.

(બાબુરામને) તું તાકાત વિનાનો! તારી હિંમત ઓછી! જો ને, છોટો નરેન કહે છે કે હું એકદમ આવીને રહીશ!

એ દરમ્યાન ઠાકુર જુવાન ભક્તોની વચ્ચે આવીને જમીન પર પાથરેલી સાદડી પર બેઠા. માસ્ટર તેમની પાસે બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હું કામ-કાંચન-ત્યાગીને શોધું છું. એમ માનું કે કદાચ આ રહે! પણ બધાય કાંઈક ને કાંઈક બહાનું કાઢે.

એક ભૂત એક ભાઈબંધ ગોતતો હતો. કહે છે કે શનિ કે મંગળવારે અકસ્માતથી મોત થયે ભૂત થાય. એટલે પેલો ભૂત જેવું દેખતો કે કોઈક અગાસીએથી પડી ગયું કે ઠેસ ખાતાં પડી જવાથી બેશુદ્ધ થઈ ગયું, એટલે તરત જ તે ત્યાં દોડી જતો; એમ ધારીને કે આનું અકસ્માતથી મોત થયું છે, તે હવે ભૂત થશે અને મને ભાઈબંધ મળશે. પણ તેનાં નસીબ એવાં ફૂટેલાં કે જુએ કે બેભાન થયેલા બધાય સાલા બચી જાય છે! અને એ બિચારાને ભાઈબંધ જડે નહિ!

જુઓ ને, રાખાલ પણ ‘મારો પરિવાર, મારો પરિવાર’ એમ કહ્યા કરે છે અને કહે ‘મારી સ્ત્રીનું શું થાય?’ નરેન્દ્રની છાતીએ હાથ મૂકતાં જ બેહોશ થઈ ગયો હતો. ત્યારે તે કહે કે ‘અરે, તમે મને આ શું કર્યું! મારે હજી માબાપ બેઠાં છે!’

‘મને ઈશ્વરે આ અવસ્થામાં રાખ્યો છે શા માટે? જેમ ચૈતન્યદેવે સંન્યાસ લીધો તે સૌ પ્રણામ કરે એ માટે; કે જે એક વાર નમસ્કાર કરે તેઓનો ઉદ્ધાર થઈ જાય.

ઠાકુરને માટે મોહિનીમોહન છાબડીમાં મીઠાઈ લાવ્યા છે.

શ્રીરામકૃષ્ણ – આ મીઠાઈ કોની છે?

બાબુરામે મોહિનીમોહનને દેખાડી દીધા.

ઠાકુરે ૐકારનો ઉચ્ચાર કરીને મીઠાઈને સ્પર્શ કર્યો અને થોડીક ગ્રહણ કરીને પ્રસાદ કરી દીધો. ત્યાર પછી એ મીઠાઈ લઈને ભક્તોને આપે છે. શી નવાઈ, છોટા નરેન અને બીજા એક બે યુવક ભક્તોને ઠાકુર પોતાને હાથે જ ખવરાવે છે!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આ ખવડાવું છું એમાં એક અર્થ છે. શુદ્ધાત્માઓની અંદર નારાયણનો વધુ પ્રકાશ. જ્યારે દેશમાં જતો ત્યારે આવા છોકરાઓમાંથી કોઈ કોઈના મોઢામાં હું પોતે ખાવાનું દેતો. ચિનુ શાંખારી કહેતો કે એ અમને ખવડાવે નહિ કાં? એવાઓને કેમ કરીને ખવડાવું? એમાનામાંથી કોઈએ ભાભીને રાખેલી, તો કોઈએ બીજીને રાખેલી; એટલે પછી કોણ ખવડાવે?’

Total Views: 516
ખંડ 41: અધ્યાય 4 : દોલયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણ - ગૂઢકથા
ખંડ 41: અધ્યાય 6 : સમાધિ અવસ્થામાં ભક્તો વિશે મહાવાક્ય