શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે જમીન પર પાથરેલી સાદડી ઉપર બેઠા છે; હસતો ચહેરો. ભક્તોને કહે છે કે મારા પગે જરાક હાથ ફેરવી દો તો. ભક્તો ચરણસેવા કરે છે. ઠાકુર હસતાં હસતાં માસ્ટરને કહે છે, ‘આનો (ચરણસેવાનો) ઘણો અર્થ છે.’
વળી પોતાના હૃદય ઉપર હાથ રાખીને બોલે છે, ‘આની અંદર જો કંઈ (ઈશ્વરી શક્તિ) હોય, તો (આ ચરણસેવા કરવાથી) અવિદ્યા-અજ્ઞાન બિલકુલ ચાલ્યાં જાઓ!’
અચાનક શ્રીરામકૃષ્ણ ગંભીર થયા; જાણે કે કંઈક ગુપ્ત વાત કહેવા જાય છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- અહીં પારકું માણસ કોઈ નથી, એટલે કહું છું. તે દિવસે હરીશ પાસે હતો. મેં જોયું તો આ ખોળિયું છોડીને સચ્ચિદાનંદ બહાર આવ્યો; આવીને બોલ્યો કે ‘હું યુગે યુગે અવતાર લઉં છું.’ ત્યારે લાગ્યું કે મનના ખ્યાલથી આ બધી વાત કરી. પછી શાંત થઈને જોયું તો એ સચ્ચિદાનંદ પોતે જ બોલે છે, ‘શક્તિની આરાધના ચૈતન્યે પણ કરી હતી!’
ભક્તો બધા આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે. કોઈ કોઈ વિચાર કરે છે કે સચ્ચિદાનંદ પરમાત્મા શું શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આપણી પાસે બેઠા છે? ભગવાને શું ફરીથી અવતાર લીધો છે?
શ્રીરામકૃષ્ણ પાછા વાત કરે છે. માસ્ટરને સંબોધીને વળી કહે છે, ‘જોયું તો (મારામાં) પરમાત્માનો પૂર્ણ પ્રકાશ! તો પણ સત્ત્વગુણનું ઐશ્વર્ય!’
ભક્તો બધા આશ્ચર્યચકિત થઈને આ બધી વાતો સાંભળે છે.
(યોગમાયા આદ્યશક્તિ અને અવતારલીલા)
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – માને કહ્યું, ‘મા, હવે હું ઝાઝું બોલબોલ કરી શકતો નથી. હવે એવું કરી આપો કે જેથી એક વાર (મારા) સ્પર્શ માત્રથી માણસમાં ચૈતન્ય જાગી ઊઠે! યોગમાયાનો એવો મહિમા કે એ નજર બાંધી દે. વૃંદાવન-લીલામાં યોગમાયાએ નજર બાંધી દીધી હતી. એને જ લીધે સુબલે શ્રીકૃષ્ણની સાથે શ્રીમતીનું મિલન કરી દીધું હતું. યોગમાયા એટલે આદ્યશક્તિ. તેમની એક આકર્ષણ શક્તિ છે. મેં શક્તિનું આરોપણ કર્યું હતું.
વારુ, જેઓ અહીં આવે છે તેમની કાંઈ પણ પ્રગતિ થાય છે?’
માસ્ટર – જી હા. થાય છે જરૂર.
શ્રીરામકૃષ્ણ – કેમ જાણ્યું?
માસ્ટર (હસીને) – બધાય કહે છે કે ‘એમની પાસે જેઓ જાય છે, તેઓ પાછા આવતા નથી.’

શ્રીરામકૃષ્ણ (હસીને) – એક મોટો દેડકો પાણીના ડેંડા સાપના મોઢામાં આવી ગયો હતો. એ ડેંડો પેલાને ગળીય શકતો ન હતો, તેમ છોડીય શકતો ન હતો; અને એ દેડકાનેય ત્રાસ. એ બિચારો વારંવાર ડ્રાંઉ ડ્રાંઉ કરતો હતો. અને ડેંડા સાપનેય ત્રાસ; એ દેડકાને ગળીય શકતો ન હતો. પરંતુ ફણિધર નાગના સપાટામાં જો આવ્યો હોત તો એક બે વાર ડ્રાંઉ ડ્રાંઉ કરીને જ શાંત થઈ જાત. (સૌનું હાસ્ય).
(યુવક ભક્તોને) તમે ત્રૈલોક્યે લખેલી પેલી ચોપડી વાંચજો: ભક્તિ-ચૈતન્ય-ચંદ્રિકા. તેની પાસેથી એક માગી લેજો ને. મજાની ચૈતન્યદેવની વાતો છે.
એક ભક્ત – એ આપશે?
શ્રીરામકૃષ્ણ (હસીને) – કેમ? કાકડીના ખેતરમાં જો ઘણી કાકડી થઈ હોય તો માલિક બે ત્રણ એમ ને એમ આપી દે! (સૌનું હાસ્ય). એમ ને એમ શું નહિ આપે? શું કહેશે?
શ્રીરામકૃષ્ણ (પલ્ટુને) – આવતો રહેજે અહીં વચ્ચે વચ્ચે.
પલ્ટુ- સગવડ મળશે એટલે આવીશ.
શ્રીરામકૃષ્ણ – કોલકાતામાં હું જ્યાં જાઉં ત્યાં આવીશ?
પલ્ટુ – આવીશ; પ્રયાસ કરીશ.
શ્રીરામકૃષ્ણ – આનું નામ વાણિયા-બુદ્ઘિ.
પલ્ટુ – પ્રયાસ કરીશ એમ ન કહું તો પછી ખોટું બોલ્યું ગણાય.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એમની ખોટી વાત હું ગણતરીમાં લઉં જ નહિ, કારણ કે તેઓ સ્વતંત્ર નથી.
ઠાકુર હરિપદ સાથે વાત કરે છે.
શ્રીરામકૃષ્ણ (હરિપદને) – મહેન્દ્ર મુખર્જી કેમ નથી આવતા?
હરિપદ – બરાબર કહી શકતો નથી.
માસ્ટર (હસીને) – એ જ્ઞાન-યોગ સાધે છે.
શ્રીરામકૃષ્ણ – ના; તે દિવસે પ્રહ્લાદ-ચરિત્ર નાટક જોવા લઈ જવા સારુ ગાડી મોકલી દઈશ એમ કહ્યું હતું પણ મોકલી નહિ; એટલા માટે કદાચ નહિ આવતા હોય.
માસ્ટર – એક દિવસ મહિમા ચક્રવર્તીની સાથે મેળાપ અને વાતચીત થઈ હતી. એમને ત્યાં આવજા કરે છે એમ લાગે છે.
શ્રીરામકૃષ્ણ – કેમ? મહિમા તો ભક્તિની વાત પણ કરે છે! એ તો ખૂબ બોલે છે કે આરાધિતો યદિ હરિસ્તપસા તત: કિમ્।
માસ્ટર (હસીને) – એ તો આપ બોલાવો એટલે બોલે!
શ્રીયુત્ ગિરીશ ઘોષ ઠાકુરની પાસે નવા નવા આવજા કરે છે. આજકાલ એ હંમેશાં ઠાકુરની વાતો કરીને જ સમય વિતાવે છે.
હરિપદ – ગિરીશ ઘોષને આજકાલ કેટલીય જાતનાં દર્શનો થાય છે. અહીં આવ્યા ત્યારથી હંમેશાં ઈશ્વરીય આવેશમાં જ રહે છે, અને કેટલુંય જુએ છે!
શ્રીરામકૃષ્ણ – એ સંભવે. ગંગાની પાસે જવાથી ઘણીય વસ્તુઓ દેખાય; વહાણ, સ્ટીમર અને બીજું કેટલુંય.
હરિપદ – ગિરીશ ઘોષ કહે છે કે હવેથી માત્ર કામ લઈને જ રહીશ. બસ, સવારમાં ઘડિયાળ જોઈને ખડિયો કલમ લઈને બેસીશ, તે આખો દિવસ આ નાટક લખવાનું કામ જ કર્યા કરીશ. એ પ્રમાણે કહે ખરા, પણ કરી શકે નહિ. અમે જઈએ એટલે કેવળ આપની જ વાતો. આપે નરેન્દ્રને મોકલવાનું કહ્યું હતું. ગિરીશબાબુ બોલેલા કે ‘નરેન્દ્રને ગાડી કરી આપીશ!’
પાંચ વાગ્યા છે. છોટો નરેન ઘેર જાય છે. ઠાકુર ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ઊભા રહીને એકાંતમાં તેને વિવિધ ઉપદેશ આપે છે. થોડી વાર પછી તેણે પ્રણામ કરીને રજા લીધી. બીજા ભક્તોમાંથી પણ ઘણાખરાએ રજા લીધી.
શ્રીરામકૃષ્ણ નાની પાટ પર બેસીને મોહિનીમોહનની સાથે વાતો કરે છે. તેમની સ્ત્રી બાળકના મૃત્યુ પછી ગાંડા જેવી થઈ ગઈ છે. એ ક્યારેક હસે, ક્યારેક રડે. પણ દક્ષિણેશ્વરે ઠાકુરની પાસે આવે એટલે શાંત થઈ જાય.
શ્રીરામકૃષ્ણ – તમારા ઘરમાંથી હવે કેમ છે?
મોહિનીમોહન – અહીં આવે એટલે શાંત થાય, પણ ત્યાં ક્યારેક ક્યારેક બહુ જ ઉત્પાત મચાવે. તે દિવસે તો મરવા ગઈ હતી.
ઠાકુર એ સાંભળીને થોડી વાર ચિંતાતુર થઈ રહ્યા. મોહિનીમોહન નમ્રતાપૂર્વક કહે છે, ‘આપે એને બે ચાર વાતો કહેવી પડશે.’
શ્રીરામકૃષ્ણ – એને રાંધવા દેવું નહિ; એથી મગજ વધુ તપે. અને એક માણસ સાથે જ રાખવું.




