આજ ફાગણ વદ દશમ; પૂર્વાષાઢા નક્ષત્ર, બુધવાર, ૧૧મી માર્ચ, ઈ.સ. ૧૮૮૫. આશરે દશ વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી ભક્ત બલરામ બસુને ઘેર આવ્યા છે અને શ્રીજગન્નાથ દેવનો પ્રસાદ લીધો છે. સાથે લાટુ વગેરે ભક્તો.

ધન્ય બલરામ! તમારું જ નિવાસસ્થાન આજ શ્રીરામકૃષ્ણનું મુખ્ય કર્મક્ષેત્ર બન્યું છે! ત્યાં કેટલાય નવા નવા ભક્તોને આકર્ષણ કરીને પ્રેમદોરથી બાંધ્યા! ભક્તો સાથે કેટલું નાચ્યા, કેટલું કીર્તન કર્યું! જાણે કે શ્રીગૌરાંગે શ્રીવાસને ઘેર પ્રેમનું બજાર ભર્યું છે.

દક્ષિણેશ્વર કાલી-મંદિરે બેઠા બેઠા ઠાકુર રુદન કરે; પોતાના અંતરંગ ભક્તોને મળવા માટે વ્યાકુળ; રાત્રે ઊંઘ નહિ. માને કહે, ‘મા! પેલામાં ખૂબ ભક્તિ; તેને ખેંચી લો. મા, પેલાને અહીં લાવી દો. જો તે ન આવી શકે તો મા, મને ત્યાં લઈ જાઓ; હું મળી આવું.’ એટલા માટે બલરામને ઘેર પોતે દોડ્યા દોડ્યા આવે. માણસો પાસે માત્ર એમ જ કહે કે બલરામને ત્યાં જગન્નાથ દેવની સેવા છે, એટલે તેનું ખૂબ શુદ્ધ અન્ન. જ્યારે પોતે આવે ત્યારે તરત જ બલરામને નિમંત્રણ દેવા મોકલે. કહેશે કે જાઓ, નરેન્દ્ર, ભવનાથ, રાખાલ વગેરેને નિમંત્રણ આપી આવો. એમને જમાડ્યે નારાયણને જમાડ્યા બરોબર થાય. એ લોકો સામાન્ય નથી. એ લોકો ઈશ્વરના અંશથી જન્મ્યા છે; એમને ખવડાવ્યે તમારું બહુ જ ભલું થશે.

બલરામને ઘેર જ બેસીને શ્રીયુત્ ગિરીશ ઘોષની સાથે પ્રથમ વાતચીત! ત્યાં જ રથયાત્રા સમયે કીર્તનાનંદ! એ જ સ્થળે કેટલીય વાર પ્રેમના દરબારમાં આનંદનો મેળો ભરાયો છે!

(પશ્યતિ તવ પન્થાનં – છોટો નરેન)

માસ્ટર નજીકમાં જ સ્કૂલમાં ભણાવે છે. તેમણે સાંભળ્યું છે કે આજે દસ વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ બલરામને ત્યાં આવવાના છે. એટલે વચમાં ભણાવવામાંથી જરાક નવરાશ મેળવીને બપોરે ત્યાં આવી પહોંચ્યા. આવીને દર્શન અને પ્રણામ કર્યાં. ઠાકુર જમ્યા પછી દીવાનખાનામાં જરા આરામ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે ખલતામાંથી કંઈક મુખવાસ અથવા કબાબચીની (એક તેજાનો) ખાય છે. નાની ઉંમરના ભક્તો ચારે બાજુ તેમને ઘેરીને બેઠા છે.

માસ્ટર મહાશયની મોર્ટન સ્કૂલ

શ્રીરામકૃષ્ણ (સ્નેહપૂર્વક) – તમે અત્યારે આવ્યા? સ્કૂલ નથી?

માસ્ટર – સ્કૂલમાંથી જ આવું છું, અત્યારે ત્યાં ખાસ કામ નથી.

એક ભક્ત – ના મહાશય, સ્કૂલમાંથી ભાગીને આવ્યા છે! (સૌનું હાસ્ય).

માસ્ટર (સ્વગત) – હાય, જાણે કે કોઈ ખેંચીને લાવેલ છે!

ઠાકુર જાણે કે સહેજ ચિંતાતુર થયા. પછી માસ્ટરને પાસે બેસાડીને કેટલીય વાતચીત કરવા લાગ્યા. અને કહ્યું કે મારો ગમછો જરા નીચોવી દો તો; અને પહેરણ સૂકવી નાખો તો; અને પગ જરા કળે છે તે તેને જરા હાથ ફેરવી દઈ શકો? માસ્ટરને સેવા કરતાં આવડતી નથી એટલે ઠાકુર સેવા કરતાં શિખવાડે છે. માસ્ટર હાંફળા-ફાંફળા થઈને એક પછી એક એ બધાં કામ કરે છે. એ પગે હાથ ફેરવી રહ્યા છે અને શ્રીરામકૃષ્ણ વાતચીત દ્વારા કેટલોય ઉપદેશ દઈ રહ્યા છે.

(શ્રીરામકૃષ્ણ અને ઐશ્વર્યત્યાગની પરાકાષ્ઠા – સાચો સંન્યાસી)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હેં ભાઈ, આ મને કેટલાય દિવસ થયાં કેમ થાય છે તે કહો જોઈએ, કે ધાતુની કોઈ ચીજને હાથ અડાડાય નહિ! એક વાર એક વાટકીને હાથ અડાડ્યો હતો, તે તેથી હાથમાં જાણે વીંછીએ ડંખ મારવા જેવું લાગ્યું. ઝણઝણ કણકણ થવા લાગ્યું. લોટાને હાથથી ન અડું એટલાથી જ ચાલે નહિ! એટલે મેં વિચાર્યું કે ગમછાથી ઢાંકીને લોટો ઉપાડી જોઉં કે ઉપાડી શકાય છે કે નહિ. પણ જેવો હાથ અડાડ્યો કે તરત જ હાથમાં ઝણઝણ, કણકણ થવા લાગ્યું; ખૂબ વેદના! છેવટે માને પ્રાર્થના કરી કે ફરી વાર એવું કામ નહિ કરું મા, આ વખતે મને માફ કરો!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હેં ભાઈ, છોટો નરેન આવજા કરે છે તેથી શું એને ઘેર કોઈ વઢશે? એ ખૂબ શુદ્ધ, સ્ત્રીસંગ ક્યારેય થયો નથી.

માસ્ટર – આધાર મોટો.

શ્રીરામકૃષ્ણ – હા, વળી કહે છે કે ઈશ્વર વિશેની વાતો એક વાર સાંભળવાથી તેને યાદ રહી જાય. એ કહે છે કે નાનપણમાં હું રોતો, ઈશ્વર દર્શન દેતા નથી એટલા માટે.

માસ્ટરની સાથે છોટા નરેન સંબંધી એ પ્રમાણે ઘણીય વાતો થઈ. એટલામાં ત્યાં બેઠેલા ભક્તોમાંથી એક જણ બોલી ઊઠ્યો, ‘માસ્ટર મહાશય! આપને સ્કૂલમાં જવું નથી?’

શ્રીરામકૃષ્ણ – કેટલા વાગ્યા છે?

એક ભક્ત – એકમાં દસ કમ.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ત્યારે આવજો, તમને મોડું થાય છે. એક તો કામ છોડીને આવ્યા છો.

(લાટુને) રાખાલ ક્યાં?

લાટુ – ચાલ્યો ગયો છે ઘેર.

શ્રીરામકૃષ્ણ – મને મળ્યા વિના?

 

Total Views: 478
ખંડ 51: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ - Sir Humphrey Davy અને અવતારવાદ
ખંડ 51: અધ્યાય 3 : નિત્ય-લીલા યોગ