ઠાકુર માસ્ટરની સાથે ડૉક્ટર સરકારની વાત કરી રહ્યા છે. આગલે દિવસે ઠાકુરની તબિયતના ખબર લઈને માસ્ટર ડૉક્ટરની પાસે ગયા હતા.

શ્યામપુકુરમાં શ્રીઠાકુરનો ઓરડો

શ્રીરામકૃષ્ણ – તમારી સાથે શી શી વાત થઈ?

માસ્ટર – ડૉક્ટરને ઘેર ઘણાંય પુસ્તકો છે. હું ત્યાં બેઠો બેઠો એક પુસ્તક વાંચતો હતો. એ વાંચીને વળી ડૉક્ટરને સંભળાવવા લાગ્યો, Sir Humphrey Davyનું પુસ્તક. તેમાં અવતારનું પ્રયોજન છે એ વાત લખી છે.

શ્રીરામકૃષ્ણ – એમ? તમે શી વાત કરી હતી?

માસ્ટર – એક વાત એમાં એવી છે કે ઈશ્વરની વાણી મનુષ્યની ભીતરથી ન આવે તો માણસ સમજી શકે નહિ. (Divine Truth must be made human. Truth to be appreciated by us) એટલે અવતારાદિનું પ્રયોજન!

શ્રીરામકૃષ્ણ – વાહ! આ બધી તો બહુ મજાની વાતો!

માસ્ટર – સાહેબે એક ઉપમા આપી છે કે સૂર્યની સામે જોઈ શકાય નહિ, પરંતુ સૂર્યનો પ્રકાશ જ્યાં પડે, (Reflected rays) ત્યાં જોઈ શકાય.

શ્રીરામકૃષ્ણ – સરસ વાત. બીજું શું છે?

માસ્ટર – બીજી એક જગાએ છે કે યથાર્થ જ્ઞાન છે શ્રદ્ધા.

શ્રીરામકૃષ્ણ – આ તો બહુ જ સારી વાત. શ્રદ્ધા આવી તો તો બધું જ થઈ ગયું!

માસ્ટર – સાહેબે વળી સ્વપ્નમાં જોયાં હતાં રોમન દેવદેવીઓ.

શ્રીરામકૃષ્ણ – આવી બધી ચોપડીઓ નીકળી છે? ઈશ્વર જ ત્યાં કાર્ય કરી રહ્યો છે. બીજી કંઈ વાતો થઈ?

(શ્રીરામકૃષ્ણ અને ‘જગત પર ઉપકાર’ અથવા કર્મયોગ)

માસ્ટર – એ લોકો કહે છે કે (જીવનનું ધ્યેય) જગતનું ભલું કરવું. એટલે મેં આપની વાત કરી હતી.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – કઈ વાત?

માસ્ટર – શંભુ મલ્લિકની વાત. એણે આપને કહ્યું હતું ને, કે ‘મારી તો હવે એવી ઇચ્છા છે કે મારા પૈસાથી કેટલીય ઇસ્પિતાલ, દવાખાનાં, નિશાળો એવું બધું કરાવી દઉં; એથી કેટલાયનું ભલું થાય. આપે તેને જે કહ્યું હતું તે મેં ડૉક્ટરને કહ્યું કે જો ઈશ્વર તમારી સામે આવે તો તમે શું એમ માગવાના કે મને કેટલીક ઇસ્પિતાલ, ડિસ્પેન્સરી, સ્કૂલો કરી આપો, બીજી પણ એક વાત કહી.

શ્રીરામકૃષ્ણ – હા, એ વર્ગ જ એક અલગ છે, કે જેઓ કર્માે કરવા માટે જ આવે. બીજી શી વાત?

માસ્ટર – બીજું કહ્યું હતું કે મંદિરે જઈને કાલીનાં દર્શનનો જ ઉદૃેશ હોય તો પછી માત્ર રસ્તામાં ભિખારાંને પાઈપૈસા વહેંચ્યે શું વળવાનું? પહેલાં તો જેમ તેમ કરીને એક વાર કાલીનાં દર્શન કરી લો; પછી મરજીમાં આવે તેટલા પાઈપૈસા ભિક્ષુકોને વહેંચો.

શ્રીરામકૃષ્ણ – બીજી કંઈ વાતો થઈ હતી?

(ઠાકુર શ્રીરામકૃષ્ણના ભક્તો અને કામજય)

માસ્ટર – આપની પાસે જેઓ આવે છે તેઓમાંથી ઘણાએ કામજય કર્યાે છે એ વાત થઈ. ત્યારે ડૉક્ટર બોલ્યા કે મારામાંથીયે કામબામ નીકળી ગયો છે, ખબર છે? મેં કહ્યું કે આપ તો મોટા માણસ! આપે કામજય કર્યાે છે એમ કહો એમાં કંઈ નવાઈ નહિ. એક ક્ષુદ્ર પ્રાણીને પણ એમની (ઠાકુર શ્રીરામકૃષ્ણની) પાસે રહીને ઇન્દ્રિય-જય થાય છે એ જ નવાઈ! ત્યાર પછી મેં કહ્યું, આપે જે ગિરીશ ઘોષને કહેલું તે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – શું કહેલું?

માસ્ટર – આપે ગિરીશ ઘોષને કહેલું કે ડૉક્ટર તમને વટાવીને જઈ શક્યા નથી. પેલી અવતારની વાત.

શ્રીરામકૃષ્ણ – તમે અવતારની વાત એને (ડૉક્ટરને) કરજો. અવતાર એટલે જે તારે તે. દશ અવતાર છે, ચોવીસ અવતાર છે; તેમ વળી અસંખ્ય અવતાર છે.

(મદ્યપાનનો ધીરે ધીરે સંપૂર્ણપણે ત્યાગ)

માસ્ટર – ડૉક્ટર ગિરીશ ઘોષના બહુ ખબર પૂછે. માત્ર એ જ પૂછ્યા કરે કે ગિરીશ ઘોષે શું દારૂ મૂકી દીધો છે? એની ઉપર બહુ જ નજર.

શ્રીરામકૃષ્ણ – તમે ગિરીશ ઘોષને એ વાત કરી હતી?

માસ્ટર – જી હા, કરી હતી; દારૂ તદૃન મૂકી દેવાની વાત.

શ્રીરામકૃષ્ણ – એણે શું કહ્યું?

માસ્ટર – એ બોલ્યા કે જ્યારે તમે કહો છો, ત્યારે ઠાકુરની વાત જાણીને સ્વીકારું છું. પણ કોઈ વાતનું પરાણે વચન નહિ આપું.

શ્રીરામકૃષ્ણ (આનંદથી) – કાલીપદ કહેતો હતો કે તેણે દારૂ પીવો બિલકુલ મૂકી દીધો છે.

Total Views: 374
ખંડ 51: અધ્યાય 1 : શ્યામપુકુરના મકાનમાં ભક્તો સાથે ઠાકુર શ્રીરામકૃષ્ણ
ખંડ 42: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણનું બલરામના ઘરે આગમન અને એમની સાથે નરેન્દ્ર, ગિરીશ, બલરામ, ચુની, લાટુ, માસ્ટર, નારાયણ વગેરે ભક્તોનો વાર્તાલાપ અને આનંદ