(Identity of the Absolute or the Universal Ego and the Phenomenal World)

ડૉક્ટર મહેન્દ્રલાલ સરકાર

બપોર નમી ગયા છે. ડૉક્ટર આવ્યા છે. અમૃત (ડૉક્ટરનો દીકરો) અને હેમ, ડૉક્ટરની સાથે આવ્યા છે. નરેન્દ્ર વગેરે ભક્તો પણ હાજર છે. ઠાકુર એકાંતમાં અમૃતની સાથે વાત કરે છે. તેને પૂછે છે ‘તમને ધ્યાન-અવસ્થા થાય છે?’ અને કહે છે, ‘ધ્યાનની અવસ્થા કેવી હોય, ખબર છે? મન થઈ જાય તેલની ધારાના જેવું અખંડ. એક જ વિચાર ચાલે, ઈશ્વરનો. બીજો કોઈ વિચાર તેની અંદર ઊઠે નહિ.’

હવે ઠાકુર સૌની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – તમારો દીકરો અવતારમાં માનતો નથી. તેમાં કંઈ વાંધો નહિ. ન માને તેથી શું થયું?

છોકરો છે સારો. અને કેમ ન હોય? મુંબઈના આંબામાં શું ખાટી કેરી થાય? તેની ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે! જેનું ઈશ્વરમાં મન છે એ જ ખરો માણસ. માણસ એટલે માનહુંશ. જેનામાં હુંશ યાને હોશ છે, ચૈતન્ય-જાગૃતિ છે; જે ચોક્કસ જાણે છે કે ઈશ્વર જ સત્ય, બીજું બધું અનિત્ય, એ જ માનહુંશ યાને માણસ. તે અવતારમાં માને નહિ તેમાં દોષ શો?

‘ઈશ્વર અને આ બધું, જીવ, જગત એ તેનું ઐશ્વર્ય એ માન્યું એટલે બસ. જેમ કે એક મોટો માણસ અને તેનો બગીચો.’

એવું છે કે દશ અવતાર, ચોવીસ અવતાર તેમ અસંખ્ય અવતાર. જ્યાં ઈશ્વરની વિશેષ શક્તિનો પ્રકાશ હોય, ત્યાં જ અવતાર! એ જ મારો મત.

‘બીજું એક છે; કે જે કંઈ જુઓ છો એ બધું ઈશ્વર જ થઈ રહ્યો છે. જેમ કે બીલું. બીજ, છોડું ને અંદર ગરભ; એ ત્રણે મળીને આખું બીલું કહેવાય. જે નિત્ય તેની જ લીલા; જેની લીલા તે જ નિત્ય. નિત્યને મૂકીને એકલી લીલાને સમજી શકાય નહિ. લીલા છે એટલે જ તો લીલાને છોડતાં છોડતાં નિત્યે પહોંચાય.’

‘હું’ એ ભાવના જ્યાં સુધી હોય ત્યાં સુધી લીલાને વટાવીને જઈ શકાય નહિ. ‘નેતિ નેતિ’ કરીને ધ્યાન-યોગ દ્વારા નિત્યે પહોંચી શકાય. પણ કંઈ જ છોડી શકાય નહિ; જેમ કહ્યું ને કે બીલું!

ડૉક્ટર – બરાબર છે!

શ્રીરામકૃષ્ણ – કચ નિર્વિકલ્પ સમાધિમાં લીન હતો. જ્યારે સમાધિભંગ થયો ત્યારે એક જણે પૂછ્યું, ‘તમે અત્યારે શું જુઓ છો?’ કચે કહ્યું કે ‘હું જોઉં છું કે જગત જાણે ઈશ્વરથી ઓતપ્રોત થઈ રહ્યું છે! તેમાં ઈશ્વર જ પરિપૂર્ણ થઈ રહ્યો છે! જે કાંઈ જોઉં છું એ બધું તે પોતે જ થઈ રહ્યો છે. એની અંદર કયું છોડી દેવું ને કયું લેવું એ નક્કી કરી શકતો નથી.’

‘વાત શું છે ખબર છે – નિત્ય અને લીલાનાં દર્શન કરીને દાસ-ભાવમાં રહેવું. હનુમાને સાકાર નિરાકાર બન્નેનાં દર્શન કર્યાં હતાં. ત્યાર પછી દાસ-ભાવમાં, ભક્તના ભાવમાં રહ્યા હતા.

મણિ (સ્વગત) – નિત્ય અને લીલા બન્ને સ્વીકારવાં પડે. જર્મનીમાં વેદાંત ગયું ત્યારથી યુરોપિયન વિદ્વાનોમાંથી કોઈ કોઈનો આ જ મત! પરંતુ ઠાકુર કહે છે કે બધાનો ત્યાગ, કામ-કાંચનનો ત્યાગ થયા વિના નિત્ય-લીલાનો સાક્ષાત્કાર થાય નહિ. ખરેખરો ત્યાગી, સંપૂર્ણ અનાસક્ત! આટલો હેગલ વગેરે વિદ્વાનો સાથે વિશેષ તફાવત દેખાય છે.

Total Views: 420
ખંડ 42: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણનું બલરામના ઘરે આગમન અને એમની સાથે નરેન્દ્ર, ગિરીશ, બલરામ, ચુની, લાટુ, માસ્ટર, નારાયણ વગેરે ભક્તોનો વાર્તાલાપ અને આનંદ
ખંડ 42: અધ્યાય 2 : બપોરે ભક્તો સાથે - અવતારવાદ અને શ્રીરામકૃષ્ણ