મસ્તક ઉપર તારામંડિત નિશા-ગગન; હૃદયપટમાં અદ્‌ભુત શ્રીરામકૃષ્ણની છબી; સ્મૃતિમાં છે ભક્તોની મજલિસ; નયન-માર્ગમાં સુખ-સ્વપ્ન સમું એ પ્રેમનું બજાર રાખીને કોલકાતામાં રાજમાર્ગ પર ચાલતાં ચાલતાં ભક્તો ઘર તરફ જઈ રહ્યા છે. સુખકર વસંત સમીરણનું સેવન કરતાં કરતાં કોઈ વળી ફરીથી ગીતની કડી ગાતાં ગાતાં જઈ રહ્યા છે, કે ‘સબ દુ:ખ દૂર કરીયું દઈ દર્શન, મોહ્યા પ્રાણ!’

મણિ વિચાર કરતાં કરતાં જઈ રહ્યા છે કે ખરેખર શું ઈશ્વર મનુષ્ય-દેહ ધારણ કરીને આવે? અનંત શું સાન્ત થાય? ચર્ચા તો ખૂબ થઈ. પણ એથી સમજાયું શું? ચર્ચા દ્વારા તો કાંઈ સમજાયું નહિ!

ઠાકુર શ્રીરામકૃષ્ણે તો મજાનું કહ્યું, કે ‘જ્યાં સુધી ચર્ચા અને વાદ હોય, ત્યાં સુધી વસ્તુ-પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ થઈ નથી. અને એ ખરું પણ છે. આ આપણી એક અધોળ તો બુદ્ધિ, એનાથી વળી ઈશ્વર વિશે શું સમજવાના? શું એક શેરના વાટકામાં ચાર શેર દૂધ સમાય? તો પછી અવતારમાં શ્રદ્ધા કેમ કરીને બેસે? ઠાકુરે કહ્યું કે ઈશ્વર જો એકાએક દેખાડી દે તો એક ક્ષણમાં જ સમજાઈ જાય. ગેટે (Goethe) મૃત્યુ-પથારીએ બોલ્યો હતો કે Light, more Light (પ્રકાશ, વધુ પ્રકાશ!) ઈશ્વર જો એકાએક પ્રકાશ કરીને દેખાડી દે તો ‘છિદ્યન્તે સર્વસંશયા:।’ (સર્વ સંશયો દૂર થઈ જાય).

જેવી રીતે પેલેસ્ટાઈનમાં અભણ માછીમારોએ ઈશુને, અથવા જેમ શ્રીવાસાદિ ભક્તોએ શ્રીગૌરાંગને પૂર્ણાવતારરૂપે જોયા હતા તેમ.

પણ જો ઈશ્વર એકાએક ન દેખાડે તો ઉપાય શો? કેમ વારુ, જ્યારે ઠાકુર શ્રીરામકૃષ્ણ એ વાત કહે છે ત્યારે અવતારમાં માનવું. તેમણે જ તો શીખવ્યું છે કે શ્રદ્ધા! શ્રદ્ધા!

શ્રદ્ધા! ગુરુવાક્યમાં શ્રદ્ધા! અને

‘તમોને જ કર્યા છે જીવનના ધ્રુવતારા,

આ સિંધુમાં હવે કદી થાઉં નહિ પથહારા…

મને શ્રીરામકૃષ્ણના વચનમાં ઈશ્વરકૃપાથી શ્રદ્ધા બેઠી છે. હું શ્રદ્ધા રાખીશ, બીજો ગમે તે કરે. મારે આ દેવદુર્લભ શ્રદ્ધા શા માટે છોડવી? ચર્ચાને મૂક પડતી! વિચારોનો ખીચડો કરીને શું એક Faust થવું? ગંભીર રાત્રે બારીમાંથી ચંદ્રકિરણો આવી રહ્યાં છે. અને Faust એકલો ઓરડામાં ‘હાય! કાંઈ જાણી શક્યો નહિ; વિજ્ઞાન, ફિલસૂફી વ્યર્થ ભણ્યો, આ જીવનને ધિક્કાર છે!’ એમ કહીને ઝેરની શીશી લઈને આત્મહત્યા કરવા બેઠો! અથવા શું Alastorની પેઠે અજ્ઞાનનો બોજો ઉઠાવી ન શકતાં પથ્થર ઉપર માથું મૂકીને મોતની વાટ જોવી? ના, મારે એ બધા ધુરંધર પંડિતોની પેઠે એક અધોળ બુદ્ધિથી વિશ્વનું રહસ્ય ઉકેલવા જવાની જરૂર નથી. અને એક શેરની લોટીમાં ચાર શેર દૂધ ન આવે તો મારે મરવા જવાની જરૂર નથી. બહુ સારી વાત, કે ગુરુવાક્યમાં શ્રદ્ધા! હે ભગવાન, મને એ શ્રદ્ધા આપો! અને વિના કારણ અમથો અમથો ભટકાવો મા! જે બનવાનું નથી તે શોધવા સારુ ભમાવો મા! અને ઠાકુરે જે શીખવ્યું છે ‘તે તમારાં ચરણ-કમલમાં શુદ્ધ ભક્તિ, અમલા અહૈતુકી ભક્તિ આપો અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં!’ કૃપા કરીને એવો આશીર્વાદ આપો.

શ્રીરામકૃષ્ણના અપૂર્વ પ્રેમનો વિચાર કરતાં કરતાં મણિ એકલા અંધકારથી ઘેરાયેલી રાત્રિએ રાજમાર્ગ પર ચાલતાં ચાલતાં ઘર તરફ જઈ રહ્યા છે. અને વિચાર કરે છે કે કેવો પ્રેમ ગિરીશ પ્રત્યે! તે થિયેટરે ચાલ્યા જવાના છે, તોય તેને ઘેર જવું જોઈએ! એટલું જ નહિ, તેને એમ પણ કહેતા નથી કે બધું છોડો. મારી ખાતર ઘર, સગાં, વહેવાર એ બધાંનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જાઓ. સમજાયું; કે એનો અર્થ એ કે સમય થયા વિના, તીવ્ર વૈરાગ્ય આવ્યા વિના ત્યાગ કર્યે કષ્ટ થાય. જેમ ઠાકુર પોતે જ કહે છે કે ઘાનું ભીંગડું બરોબર રુઝાયા પહેલાં ઉખેડીએ તો લોહી નીકળે ને વેદના થાય; પણ ઘા રુઝાઈને સુકાઈ ગયે ભીંગડું એની મેળે ખરી જાય. સાધારણ માણસો કે જેમનામાં અંતર્દૃષ્ટિ નથી તેઓ કહે, કે અત્યારે જ સંસાર-ત્યાગ કરો. પરંતુ આ તો સદ્‌ગુરુ, અહૈતુક કૃપાસિંધુ, પ્રેમના સમુદ્ર, જીવોનું કેમ કલ્યાણ થાય એ જ પ્રયાસ રાતદિવસ કરે છે.

અને ગિરીશની કેવી શ્રદ્ધા! માત્ર બે દિવસ દર્શન કર્યાં ને તરત જ બોલી ઊઠ્યા, ‘પ્રભુ, આપ જ ઈશ્વર; મનુષ્યદેહ ધારણ કરીને આવ્યા છો, મારા પરિત્રાણ સારુ!’ ગિરીશે તો બરાબર જ કહ્યું છે કે ઈશ્વર માનવ-શરીર ધારણ ન કરે તો ઘરના માણસની પેઠે જ્ઞાન કોણ આપે? કોણ સમજાવી દે કે ઈશ્વર જ નિત્ય વસ્તુ ને બીજું બધું અનિત્ય, અવસ્તુ? જમીન પર પડેલાં પતિત દુર્બળ સંતાનનો હાથ પકડીને ઉઠાડે કોણ? કોણ કામ-કાંચનમાં આસક્ત, પશુ-સ્વભાવવાળા મનુષ્યને વળી પાછો પૂર્વની પેઠે અમૃતનો અધિકારી બનાવે? અને ઈશ્વર માણસરૂપે સાથે સાથે ન ફરે તો જેઓ તદ્‌ગતાન્તરાત્મા (પ્રભુમય અંત:કરણવાળા), જેમને ઈશ્વર વિના બીજું કંઈ ગમે નહિ, તેઓ દિવસો કેમ કરીને કાઢે? એટલા માટે જ તો –

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્।

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગેયુગે॥ (ગીતા.૪.૮)

કેવો પ્રેમ! નરેન્દ્ર સારુ પાગલ! નારાયણ સારુ રુદન! કહે કે તેઓ અને બીજા છોકરા-ભક્તો રાખાલ, ભવનાથ, પૂર્ણ, બાબુરામ વગેરે સાક્ષાત્ નારાયણ; મારે માટે દેહ ધારણ કરીને આવ્યા છે! આ પ્રેમ મનુષ્ય-ભાવનાથી તો નહિ. આ પ્રેમ તો જણાય છે કે ઈશ્વર-પ્રેમ! છોકરાઓ છે શુદ્ધ અંત:કરણવાળા, સ્ત્રીજાતિને વિકારી ભાવનાથી સ્પર્શ કર્યો નથી, સંસાર-વહેવાર ચલાવીને એમનામાં લોભ, અભિમાન, ઈર્ષા વગેરેનો ઉદય થયો નથી; એટલે છોકરા-ભક્તોની અંદર ઈશ્વરનો વધુ પ્રકાશ! પરંતુ એ દૃષ્ટિ છે કોની પાસે? ઠાકુરની અંત:દૃષ્ટિ છે; એ બધું દેખી શકે છે કે કોણ સંસારાસક્ત, કોણ સરલ, ઉદાર; કોણ ઈશ્વર-ભક્ત. એટલે એવા ભક્તોને દેખતાં જ સાક્ષાત્ નારાયણ જાણીને તેમની સેવા કરે, તેમને નવરાવે, ખવરાવે, તેમને મળવા માટે રુદન કરે, દોડી દોડીને કોલકાતા જાય, માણસોની ખુશામત કરતા ફરે, કોલકાતાથી તેમને ગાડીમાં લઈ આવવા. ગૃહસ્થ ભક્તોને હંમેશાં કહે કે એમને આમંત્રણ આપીને જમાડો, એથી તમારું ભલું થશે. આ શું માયિક પ્રેમ કે વિશુદ્ધ ઈશ્વર-પ્રેમ? માટીની પ્રતિમામાં ષોડશોપચારે ઈશ્વરની પૂજા અને સેવા થાય, તો પછી શુદ્ધ નરદેહમાં કેમ ન થાય? એ ઉપરાંત, આ ભક્તો જ પ્રત્યેક લીલામાં ભગવાનના સહાયક; જન્મે જન્મે તેમના પાર્ષદો.

નરેન્દ્રને જોતાં જોતાં બાહ્ય જગત ભુલાઈ ગયું! ધીમે ધીમે દેહધારી નરેન્દ્રને ભૂલી ગયા, Apparent man બાહ્ય મનુષ્યને ભૂલી ગયા; Real man ખરા મનુષ્યનાં દર્શન કરવા લાગ્યા. અખંડ સચ્ચિદાનંદમાં મન લીન થયું, કે જેનાં દર્શન કરીને ક્યારેક ક્યારેક અવાક, નિષ્કંપ થઈને ચૂપ થઈ જાય; અથવા ક્યારેક ૐ, ૐ બોલે; અથવા ક્યારેક મા, મા કરીને બાળકની પેઠે પોકાર કરે. તેનો નરેન્દ્રની અંદર વધુ પ્રકાશ જુએ. ‘નરેન્દ્ર નરેન્દ્ર’ કહીને પાગલ!

નરેન્દ્રનાથ અવતારમાં માનતા નથી. તેમાં શું થઈ ગયું? ઠાકુરની તો દિવ્ય દૃષ્ટિ. તેમણે જોયું કે તેને માન રાખવાનો અધિકાર છે. ભગવાન તો અતિ-નિકટના, પોતાના, એ તો આપણી સગી મા, કહેવાની મા નહિ. તેઓ કેમ સમજાવી દે નહિ? શા માટે એ એકદમ પ્રકાશ આપીને સમજાવી દેતા નથી? એટલા માટે, એમ લાગે છે કે ઠાકુરે કહ્યું,

‘માન ખાધું તો ભલે ખાધું, અમે પણ તારા માનમાં છીએ (રાધે)!’

સગાંથી પણ જે પરમ સગું તેની સામે માન ન ખાય, તો કોની સામે ખાય? ધન્ય નરેન્દ્રનાથ! તમારા ઉપર આ પુરુષોત્તમનો આટલો બધો પ્રેમ! તમને જોઈને તેમને આટલું સહેજે ઈશ્વરનું ઉદ્દીપન!

એ ગાઢ રાત્રે એ પ્રમાણે વિચાર કરતાં કરતાં અને શ્રીરામકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં ભક્તો ઘેર પાછા ગયા.

Total Views: 294
ખંડ 51: અધ્યાય 14 : શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર,ડૉક્ટર સરકાર વગેરે સાથે
ખંડ 51: અધ્યાય 15 : શ્રીરામકૃષ્ણ સાથે વિજયકૃષ્ણ, નરેન્દ્ર, માસ્ટર, ડૉક્ટર સરકાર, મહિમાચરણ વગેરે ભક્તોની સાથે વાર્તાલાપ અને આનંદ