આજ રવિવાર, કારતક વદ બીજ; ૨૫મી ઓકટોબર ૧૮૮૫. શ્રીરામકૃષ્ણ કોલકાતાના શ્યામપુકુર લત્તાના એક મકાનમાં રહ્યા છે. ગળાના કેન્સરની સારવાર કરાવવા માટે આવ્યા છે. આજકાલ ડૉક્ટર સરકારની સારવાર ચાલે છે.

પરમહંસદેવની રોગની અવસ્થા જણાવવા સારુ માસ્ટરને ડૉક્ટરની પાસે રોજ મોકલવામાં આવે છે. આજે સવારે છ વાગ્યાને સુમારે પ્રણામ કરીને માસ્ટરે પૂછ્યું, ‘આપને કેમ છે?’

શ્રીરામકૃષ્ણ કહે છે કે ‘ડૉક્ટરને કહેજો કે પાછલી રાતે મોઢામાં પાણી ભરાઈ જાય છે, ઉધરસ આવે છે વગેરે. અને પૂછજો, નહાવું કે નહિ?’

માસ્ટર સાત વાગ્યા પછી ડૉક્ટર સરકારને મળ્યા અને બધી હકીકત કહી સંભળાવી. ડૉક્ટરના વૃદ્ધ શિક્ષક અને એક બે મિત્રો ત્યાં હાજર હતા. ડૉક્ટર વૃદ્ધ શિક્ષકને કહે છે કે ‘મહાશય, રાતના ત્રણ વાગ્યાથી પરમહંસદેવનું ચિંતન શરૂ થયું છે; ઊંઘ ઊડી ગઈ ને હજીયે પરમહંસ ચાલે છે.’ (સૌનું હાસ્ય).

ડૉક્ટરના એક મિત્ર ડૉક્ટરને કહે છે કે ‘મહાશય, સંભળાય છે કે પરમહંસને કોઈ અવતાર કહે છે. આપ તો રોજ તેમને જોવા જાઓ છો, તે આપને શું લાગે છે?’

ડૉક્ટર – As man I have the greatest regard for him. (માણસ તરીકે હું તેમને સૌથી વધુ આદરમાન આપું છું.)

માસ્ટર (ડૉક્ટરના મિત્રને) – ડૉક્ટર મહાશય મહેરબાની કરીને ખૂબ કાળજીપૂર્વક તેમની સારવાર કરે છે.

ડૉક્ટર – મહેરબાની?

માસ્ટર – અમારી ઉપર; પરમહંસદેવની ઉપર નથી કહેતો.

ડૉક્ટર – એમ નહિ ભાઈ! તમને ખબર નથી કે મને actual loss (ખરેખર નુકસાન) થાય છે. રોજ રોજ બે ત્રણ Call (વિઝિટે) જવાનું બનતું નથી. ત્યાર પછી બીજે દિવસે હું પોતે જ દરદીને ઘરે જાઉં પણ ફી લઉં નહિ! પોતે જઈને ફી લેવી શી રીતે?

શ્રીયુત્ મહિમા ચક્રવર્તીની વાત નીકળી. શનિવારે જ્યારે ડૉક્ટર પરમહંસદેવને જોવા ગયા ત્યારે ચક્રવર્તી હાજર હતા. ડૉક્ટરને જોઈને તેમણે પરમહંસદેવને કહ્યું હતું, ‘મહાશય, આપે ડૉક્ટરનો અહંકાર વધારવા માટે રોગ ધારણ કર્યાે છે.’

માસ્ટર (ડૉક્ટરને) – મહિમા ચક્રવર્તી આપને ત્યાં અગાઉ આવતા. આપ આપને ઘેર વૈદ્યકીય વિષયો ઉપર લેક્ચર દેતા, તે સાંભળવા તે આવતા.

ડૉક્ટર – એમ? એ માણસમાં કેટલો તમોગુણ! જોયું ને? મેં તેને નમસ્કાર કર્યાે એ ઈશ્વરની as God’s Lower Third (તમોગુણી મૂર્તિ તરીકે) અને ઈશ્વરની અંદર તો (સત્ત્વ, રજસ્, તમસ્) એ બધાય ગુણો છે. તમે એ વાત Mark કરી (ખ્યાલમાં રાખી) હતી કે એ બોલેલા કે ‘આપ ડૉક્ટરનો અહંકાર વધારવા માટે રોગ લઈ બેઠા છો?’

માસ્ટર – મહિમા ચક્રવર્તીની એવી શ્રદ્ધા છે કે પરમહંસદેવ ધારે તો પોતાની મેળે રોગ મટાડી શકે.

ડૉક્ટર – અરે, એ કંઈ બને! પોતાની મેળે રોગ મટાડવો! અમે તો ડૉક્ટર; અમે તો જાણીએ ને, કે એ કેન્સર, એની અંદર શું છે? અમેય મટાડી શકતા નથી! એ કંઈ જાણતા નથી, તે એ પોતે શી રીતે મટાડવાના? (મિત્રોને) જુઓ રોગ અસાધ્ય છે ખરો, પણ આ બધા સાચા devotee (ભક્તો)ની પેઠે તેમની સેવા કરે છે.

Total Views: 337
ખંડ 42: અધ્યાય 10 : સેવકહૃદયમાં
ખંડ 51: અધ્યાય 16 : શ્રીરામકૃષ્ણ સેવક સાથે