(ડૉક્ટર સરકાર અને સર્વધર્મ પરીક્ષા (Comparative Religion))

ઠાકુર શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર, મહિમાચરણ, માસ્ટર, ડૉક્ટર સરકાર વગેરે ભક્તો સાથે શ્યામપુકુરના મકાનમાં બીજે માળે ઓરડામાં બેઠા છે. સમય બપોરના એક વાગ્યાનો. આજે તારીખ ૨૪મી ઓકટોબર, શનિવાર, ૧૮૮૫, કાર્તિક વદ એકમ.

શ્રીરામકૃષ્ણ – તમારી આ (હોમિયોપેથિક) ચિકિત્સા સારી.

ડૉક્ટર – આમાં દરદીની અવસ્થા પુસ્તકની સાથે મેળવવી પડે. જેમ કે અંગ્રેજી વાજિંત્રો, તેમાં જોઈ જોઈને વાંચવાનું ને બજાવવાનું.

ગિરીશ ઘોષ ક્યાં? – કાંઈ નહિ, રહેવા દો, રહેવા દો; તેણે કાલે રાત્રે ઉજાગરો કર્યાે છે.

શ્રીરામકૃષ્ણ – ભાવ-અવસ્થામાં ભાંગના નશા જેવું થાય; એ શું?

ડૉક્ટર (માસ્ટરને) – એ અવસ્થામાં જ્ઞાનતંતુઓનાં કેન્દ્રોની ક્રિયા -Nervous centre action બંધ થાય, એટલે અંગો ખોટાં પડી જાય. આ બાજુ પગ લડથડે, કારણ કે બધી શક્તિ મગજ energies brain તરફ દોડી જાય. આ જ્ઞાનતંતુની રચનાથી nervous system જ Life(જીવન) ચાલે છે. ગરદન પાસે નાનું મગજ Medulla Oblongata છે; તેને નુકસાન પહોંચે તો જીવનશક્તિ -Life extinctનો નાશ થઈ શકે.

શ્રીયુત્ મહિમા ચક્રવર્તી સુષુમ્ણા નાડીની અંદરની કુલકુંડલિની શક્તિની વાત કરે છે. ‘મેરુદંડની અંદર-સ્પાઈનલ કોર્ડ-સુષુમ્ણા નાડી સૂક્ષ્મ રીતે રહેલી છે; કોઈ દેખી શકે નહિ; એ મહાદેવનાં વચન છે.’

ડૉક્ટર – મહાદેવે man in the maturity પૂર્ણ પરિપકવતાને પામેલા માનવને તપાસી -examine જોયેલ છે. યુરોપિયનો European એ ગર્ભાવસ્થા -Embryoથી તે પૂર્ણ પરિપકવ maturity અવસ્થા સુધીની બધી stage-અવસ્થાઓ જોઈ છે. તુલનાત્મક ઇતિહાસ -Comparative History જાણવો સારો. સેંથાલ લોકોનો ઇતિહાસ history વાંચીને જાણવામાં આવ્યું છે કે કાલી એક સેંથાલી બાઈ હતી! તેણે ખૂબ લડાઈ કરી હતી! (સૌ હસી ઊઠે છે).

તમે હસો મા. વળી તુલનાત્મક શરીર-શાસ્ત્રના Comparative anatomy અભ્યાસથી કેટલો ફાયદો થયો છે તે સાંભળો. પહેલાં પાચક રસ -pancreatic juice અને પિત્ત bileની પ્રક્રિયા -actionનો ભેદ સમજવામાં આવતો ન હતો. ત્યાર પછી કલોડ બર્નાડે – Claude Bernard સસલાનું જઠર -stomach, યકૃત -liver વગેરેનું પરીક્ષણ examine કરીને બતાવ્યું કે પિત્તનું કાર્ય-bile action અને આ રસ -juiceનું કાર્ય -action જુદું જુદું છે.

એથી સાબિત થયું કે નીચલા વર્ગનાં પ્રાણીઓ-lower animal ને પણ આપણે તપાસી જોવાં જોઈએ; એકલા માણસને જોયે ચાલે નહિ.

એ પ્રમાણે સર્વ ધર્માે- Comparative Religionની તુલનાથી વધુ ફાયદો થાય.

‘આ (પરમહંસદેવ) જે બોલે છે, એ અંતરમાં આપણને અસર કરે છે શા માટે? આમણે બધા ધર્માે તપાસીને અનુભવી જોયા છે. હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શાક્ત, વૈષ્ણવ એ બધા ધર્માેને એમણે આચરણમાં ઉતારી જોયા છે. મધમાખી જુદાં જુદાં ફૂલો પર બેસીને મધ એકઠું કરે ત્યારે જ મધપૂડો સરસ થાય.

માસ્ટર (ડૉક્ટરને) – આમણે (મહિમાચરણે) ખૂબ (વિજ્ઞાન) વાંચ્યું છે.

ડૉક્ટર (સહાસ્ય) – શું, Maxmuller’s Science of Religion મેકસમુલરનું ‘ધર્મનું વિજ્ઞાન’ નામનું પુસ્તક?

મહિમા (શ્રીરામકૃષ્ણને) – આપની માંદગીમાં ડૉક્ટરો બીજું શું કરવાના? જ્યારે સાંભળ્યું કે આપને માંદગી આવી છે, ત્યારે મને વિચાર આવ્યો કે આપ ડૉક્ટરનો અહંકાર વધારો છો.

શ્રીરામકૃષ્ણ – આ ખૂબ સારા ડૉક્ટર છે. અને ખૂબ ભણેલા છે.

મહિમાચરણ – જી હા. એ જહાજ, અને અમે બધાં હોડકાં.

ડૉક્ટર નમ્ર થઈને હાથ જોડે છે.

મહિમા – પણ ત્યાં (શ્રીરામકૃષ્ણની પાસે) બધાય સરખા.

ઠાકુર નરેન્દ્રને ગીત ગાવાનું કહે છે.

નરેન્દ્રનું ગીતઃ

૧. ‘તમોને જ કર્યા છે જીવનના ધ્રુવતારા..

૨. અહંકારે મત્ત સદા, અપાર વાસના…

૩. ચમત્કાર અપાર, જગત રચના તમારી!

શોભાનો આગાર, વિશ્વ સંસાર….

૪. મહા સિંહાસને બેસી, સુણો છો ઓ વિશ્વપતિ,

તમારો રચિત છંદ, મહાન આ વિશ્વ-ગીતિ-

મર્ત્યની મૃત્તિકા થઈ, ક્ષુદ્ર સાવ કંઠ લઈ,

મેંય પણ દ્વારે તવ કરી છે રે ઉપસ્થિતિ –

કાંઈ નવ માગું દેવ, કેવળ દર્શન માગું,

તમને સુણાવું ગીતિ, આવ્યો છું એ લઈ ત્રાગું –

ગાય જ્યાં રવિ શશી, એ જ સભામાંહે બેસી,

એકાંતે ગાવા ચાહે, ભક્ત-ચિત્ત દિવાનિશિ…-

૫. (ઓ હે) રાજરાજેશ્વર, દર્શન દો!

કરુણા ભિખારી હું તો, કરુણા નજરે જો –

ચરણકમલે દાન, કરી દીધા મમ પ્રાણ;

સંસાર અનલકુંડે સળગી ગીયા છે તેય… રાજ…

કલુષ-કલંકે ભર્યું, અતિ ક્ષુદ્ર મમ હૈયું,

મોહે મુગ્ધ, મૃતસમ, થયો છું હું દયામય,

મૃતસંજીવની દૃષ્ટિ નાખી શુદ્ધ કરી લો… રાજ…

૬. હરિરસ-મદિરા પીને મમ માનસ મત્ત બનો રે,

આળોટીને અવની પર, હરિ હરિ બોલી રડો રે..

શ્રીરામકૃષ્ણ – અને ‘જો કુછ હૈ સો તું હિ હૈ?’

ડૉક્ટર- અહા!

ગીત સમાપ્ત થયું. ડૉક્ટર ગીતથી મુગ્ધ થઈ ગયા છે.

થોડી વાર પછી ડૉક્ટર અતિશય ભક્તિભાવપૂર્વક હાથ જોડીને ઠાકુરને કહે છે, ‘ત્યારે આજ હવે હું જાઉં, વળી કાલે આવીશ.’

શ્રીરામકૃષ્ણ – જરા બેસો ને! ગિરીશ ઘોષને ખબર આપ્યા છે. (મહિમાચરણને દેખાડીને) આ વિદ્વાન છે. પણ હરિનામ સાંભળીને નાચે. તેમનામાં અહંકાર નથી. તેઓ કોન્નગર ગયેલા, અમે ત્યાં ગયા છીએ એ સાંભળીને. પાછા સ્વતંત્ર, ધનવાન કોઈની નોકરી કરવી પડે નહિ! (નરેન્દ્રને દેખાડીને) આ કેમ લાગે છે?

ડૉક્ટર – ઘણો સારો!

શ્રીરામકૃષ્ણ – અને આ –

ડૉક્ટર – આહા!

મહિમાચરણ – હિંદુ દર્શન-શાસ્ત્રો વાંચ્યા વિના દર્શનનો અભ્યાસ જ કર્યાે ન કહેવાય. સાંખ્યોનાં ચોવીસ તત્ત્વો યુરોપ જાણતું નથી, સમજીયે શકતું નથી.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – કયા ત્રણ માર્ગ તમે કહો છો?

મહિમાચરણ – સત્-પથ એટલે કે જ્ઞાનમાર્ગ, ચિત્ત-પથ એટલે યોગનો માર્ગ અને કર્મ-યોગ એટલે કે ચારે આશ્રમની ક્રિયાઓ, શું શું કર્તવ્ય, એ બધું એની અંદર આવે; અને આનંદ-પથ એટલે ભક્તિ-પ્રેમનો માર્ગ.

આપની અંદર ત્રણે માર્ગનો વ્યવહાર થાય છે, એટલે આપ ત્રણે માર્ગના ખબર બતાવી આપો છો. (ઠાકુર હસી રહ્યા છે).

મહિમા – હું વળી વધારે શું કહું? જનક વક્તા, શુકદેવ શ્રોતા.

ડૉક્ટરે વિદાય લીધી.

(સંધ્યા પછી સમાધિસ્થ-નિત્યગોપાલ અને નરેન્દ્ર-જપાત્ સિદ્ધિ)

સંધ્યા થઈ ગયા પછી ચંદ્ર ઊગ્યો છે. આજે શરદપૂનમની પછીનો દિવસ. શનિવાર, વદ ૧ કાર્તિક. ઠાકુર સમાધિ-મગ્ન; ઊભેલા છે. નિત્યગોપાલ પણ તેમની પાસે ભક્તિપૂર્વક ઊભો છે.

હવે ઠાકુર બેઠા છે. નિત્યગોપાલ ચરણસેવા કરે છે. દેવેન્દ્ર, કાલીપદ વગેરે કેટલાય ભક્તો પાસે બેઠેલા છે.

શ્રીરામકૃષ્ણ (દેવેન્દ્ર વગેરેને) – મને મનમાં એવું થાય છે કે નિત્યગોપાલની આ અવસ્થા હવે બદલાઈ જશે. એનું સર્વ મન એકઠું થઈને મારામાં જ આવશે, જે આની (મારી) અંદર છે તે તેનામાં.

‘નરેન્દ્રને જુઓ છો ને? એનું આખું મન મારી ઉપર આવે છે!

ભક્તો ઘણાખરા રજા લે છે. ઠાકુર ઊભા છે. એક ભક્તને જપની વાત કરે છે : જપ કરવો એટલે નિર્જન સ્થળે અવાજ કર્યા વગર ઈશ્વરનું નામ લેવું. એમ એકચિત્તે નામ લેતાં લેતાં, જપ કરતાં કરતાં, ઈશ્વરના રૂપનાં દર્શન થાય, એનો સાક્ષાત્કાર થાય. જેમ કે સાંકળની સાથે બાંધેલું એક મોટું કડીવાળું લાકડું ગંગાના પાણીમાં ડુબાડેલું છે. સાંકળનો બીજો છેડો કાંઠે બાંધેલો છે. સાંકળનો એક એક અંકોડો પકડીને નીચે જતાં ડૂબકી મારીને Link (સાંકળ) પકડી પકડીને ઊંડે જતાં એ મોટા કડીવાળા લાકડાને અડકી શકાય! બરાબર એ જ પ્રમાણે જપ કરતાં કરતાં મગ્ન થઈ જઈએ તો છેવટે ભગવાનનો સાક્ષાત્કાર થાય.’

કાલીપદ (સહાસ્ય, ભક્તોને) – આપણા આ સરસ ભગવાન! જપ-ધ્યાન તપસ્યા કરવી પડે નહિ!

એટલામાં ઠાકુર અચાનક બોલી ઊઠે છે, ‘આવડું આ શું થાય છે!’

ઠાકુરના ગળામાં દરદ થાય છે. દેવેન્દ્ર કહે છે કે ‘એ વાતથી અમે હવે ભુલાવામાં પડવાના નથી.’ દેવેન્દ્રના મનનો એવો ભાવ, કે ઠાકુર માત્ર ભક્તોને ભુલાવી દેવાને માટે દરદ દેખાડે છે.

ભક્તોએ રજા લીધી. રાત્રે કેટલાક યુવક-ભક્તો વારાફરતી જાગવાના. આજે માસ્ટર પણ રાત્રે રહેવાના છે.

Total Views: 356
ખંડ 42: અધ્યાય 9 : સમાધિ અવસ્થામાં - સઘન પ્રેમાવેશમાં શ્રીરામકૃષ્ણ
ખંડ 42: અધ્યાય 10 : સેવકહૃદયમાં