ક્યારનાય ત્રણ વાગી ગયા છે. ચૈત્ર મહિનો, ભારે તડકો. શ્રીરામકૃષ્ણ એક બે ભક્તો સાથે બલરામના દીવાનખાનામાં બેઠા છે. માસ્ટરની સાથે વાતો કરે છે.

આજ સોમવાર, છઠ્ઠી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૫; ચૈત્ર વદ સાતમ. ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં ભક્તને ઘેર પધાર્યા છે; અંતરંગ ભક્તોને મળવા અને નિમુ ગોસ્વામીની ગલીમાં દેવેન્દ્રને ઘેર જવા માટે.

(સત્યકથા અને શ્રીરામકૃષ્ણ – છોટો નરેન, બાબુરામ, પૂર્ણ)

ઠાકુર ઈશ્વર-પ્રેમમાં અહોરાત્ર મગ્ન! હર ક્ષણ ભાવ-અવસ્થામાં યા સમાધિમાં રહે, બાહ્ય જગતમાં મન જરાયે નહિ. માત્ર અંતરંગ ભક્તો જ્યાં સુધી પોતાને ઓળખી શકે નહિ ત્યાં સુધી તેમને માટે વ્યાકુળ; બાપ-મા જેમ નાનાં છોકરાંને માટે આતુર હોય અને ચિંતા કરે કે કેમ કરીને છોકરાં મોટાં થઈ જાય, તેવી રીતે. અથવા પક્ષી જેમ બચ્ચાંને ઉછેરવા સારુ વ્યાકુળ રહે તેમ.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – બોલી નાખ્યું હતું કે ત્રણ વાગ્યે આવીશ, એટલે આવ્યો છું; પણ ભારે તડકો.

માસ્ટર – જી હા. આપને બહુ જ તકલીફ પડી છે.

ભક્તો ઠાકુરને પંખો કરે છે.

શ્રીરામકૃષ્ણ- છોટા નરેન અને બાબુરામને માટે આવ્યો. પૂર્ણને કેમ લાવ્યા નહિ?

માસ્ટર – સમુદાયમાં આવવાનું એને ગમતું નથી; કારણ કે એને બીક લાગે છે કે પાછા આપ પાંચ માણસની વચ્ચે તેનાં વખાણ કરો, તો વળી ઘેર ખબર પડી જાય.

(પંડિતનો અને સાધુનો ઉપદેશ ભિન્ન – સાધુસંગ)

શ્રીરામકૃષ્ણ – હા, એ ખરું; વખતે બોલી દઉં. એ હવે બોલીશ નહિ. વારુ, પૂર્ણને તમે ધર્મ-વિષય પર ઉપદેશ આપો છો એ સારું.

માસ્ટર – એ સિવાય, વિદ્યાસાગર મહાશયના પુસ્તકમાં (Selection) આ જ વાત (With all thy Soul love God above. And as thyself thy neighbour love. – પૂરાં મનહૃદયથી પ્રભુને ચાહો; અને તમારી જેમ જ તમારા પાડોશીને ચાહો.) છે કે ઈશ્વરને દેહ, મન, પ્રાણથી ચાહવો. એ જ બાબત શીખવતાં જો શાળાના સંચાલકો નારાજ થાય તો શું કરીએ?

શ્રીરામકૃષ્ણ – તેમની ચોપડીઓમાં તો ઘણીયે વાતો છે, પણ જેમણે ચોપડીઓ લખી છે તેઓ આ બધાની ધારણા કરી શક્યા નથી. સાધુસંગ કરે તો ધારણા થાય. યથાર્થ ત્યાગી સાધુ જો ઉપદેશ દે, તો જ લોકો એ વાત માને. કેવળ પંડિત જો ચોપડી લખે યા મોઢેથી ઉપદેશ આપે, તો એ વાતની એટલી ધારણા થાય નહિ. જેની પાસે ગોળનું માટલું હોય એ જો રોગીને ઉપદેશ આપે કે ગોળ ખાવો નહિ તો રોગી એની વાત એટલી માને નહિ.

વારુ, પૂર્ણની અવસ્થા કેવી જુઓ છો? ભાવ બાવ થાય છે?

માસ્ટર – ક્યાં? ભાવની અવસ્થા બહાર તો એવી ખાસ દેખાતી નથી. એક દિવસ આપે કહેલી વાત એને કહી હતી.

શ્રીરામકૃષ્ણ – કઈ વાત?

માસ્ટર – એ જે આપે કહી હતી તે, કે સામાન્ય આધાર ઈશ્વરી ભાવને કાબૂમાં રાખી ન શકે. મોટો આધાર હોય તો અંદર ખૂબ ભાવ થાય પરંતુ બહાર દેખાય નહિ. જેમ આપે કહ્યું હતું કે મોટા સરોવરમાં હાથી ઊતરે તે ખબર પણ પડે નહિ, પણ નાના તળાવડામાં ઊતરે તો પાણી ઊથલપાથલ થઈ જાય અને છલકાઈને કાંઠા ઉપર પડે.

શ્રીરામકૃષ્ણ – તેનો ભાવ તો બહાર દેખાવાનો નહિ. તેનો પ્રકાર જ જુદો છે. બીજાં બધાં લક્ષણ સારાં; શું કહો છો?

માસ્ટર – તેની આંખો બેઉ મજાની; જાણે કે ઊપસીને બહાર આવી રહી છે.

શ્રીરામકૃષ્ણ – આંખો માત્ર ઊજળી હોય એટલું જ બસ નથી; ઈશ્વરી આંખ જ નિરાળી. વારુ, તમે શું તેને પૂછ્યું હતું કે એ પછી (એટલે કે શ્રીરામકૃષ્ણની સાથે મુલાકાત થયા પછી) કેમ લાગે છે?

માસ્ટર – જી હા, વાત થઈ હતી. એ ચાર પાંચ દિવસથી કહ્યા કરે છે કે ઈશ્વર-ચિંતન કરતી વખતે અને ઈશ્વરનું નામ લેતી વખતે આંખમાંથી અશ્રુ, રોમાંચ એ બધું થાય છે.

શ્રીરામકૃષ્ણ – ત્યાર પછી શું બાકી રહ્યું?

ઠાકુર અને માસ્ટર ચૂપચાપ છે. થોડીક વાર પછી માસ્ટર વાત કરે છે. કહે છે કે ‘એ ઊભો છે.’

શ્રીરામકૃષ્ણ – કોણ?

માસ્ટર – પૂર્ણ; તેના ઘરના બારણા પાસે. એમ લાગે છે કે એ ઊભો છે, પણ આપણામાંથી કોઈ જાય તો દોડી આવીને નમસ્કાર કરી જશે.

શ્રીરામકૃષ્ણ – આહા! આહા!

ઠાકુર તકિયાને અઢેલીને આરામ કરે છે. માસ્ટરની સાથે એક બાર વરસનો છોકરો આવ્યો છે : માસ્ટરની સ્કૂલમાં ભણે. તેનું નામ ક્ષીરોદ.

માસ્ટર કહે છે કે આ છોકરો સારો. ઈશ્વરની વાતમાં એને ખૂબ આનંદ.

શ્રીરામકૃષ્ણ (હસીને) – આંખો બંને જાણે કે હરણના જેવી.

છોકરો ઠાકુરને પગે હાથ લગાડીને જમીન પર માથું નમાવીને પ્રણામ કરે છે અને અતિ ભક્તિભાવથી ઠાકુરની પદસેવા કરવા લાગે છે. ઠાકુર ભક્તોની વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – રાખાલ ઘેર છે. એનુંય શરીર સારું નથી, ગૂમડું થયું છે. (એને ત્યાં) એક છોકરો થશે, એમ સાંભળ્યું છે.

પલ્ટુ અને વિનોદ સામે બેઠા છે.

શ્રીરામકૃષ્ણ (પલ્ટુને, હસીને) – તેં તારા બાપને શું કહ્યું હતું? (માસ્ટરને) અહીં આવવાની વાતમાં એણે એના બાપને સંભળાવી દીધું છે. (પલ્ટુને) તેં શું કહ્યું હતું?

પલ્ટુ – મેં કહ્યું કે હા, ઠાકુરની પાસે જાઉં છું. એ શું ખરાબ? (ઠાકુર અને માસ્ટરનું હાસ્ય). જરૂર પડશે તો એથીયે વધુ સંભળાવીશ.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં માસ્ટરને) – ના, ના. કેમ ભાઈ, એટલું બધું?

માસ્ટર – જી ના. એટલે લાંબે સારું નહિ! (ઠાકુરનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (વિનોદને) – તને કેમ છે? ત્યાં આવ્યો નહિ?

વિનોદ – જી, આવતો હતો, પણ પાછો વળી બીકનો માર્યો આવ્યો નહિ! ઠીક નથી; તબિયત એવી બરાબર નથી.

શ્રીરામકૃષ્ણ – ચાલ ને, ત્યાં હવા સારી છે; મટી જશે.

છોટો નરેન આવ્યો છે. ઠાકુર મોઢું ધોવા જાય છે. છોટો નરેન અંગૂછો લઈને ઠાકુરને પાણી આપવા ગયો. માસ્ટર પણ સાથે છે.

છોટો નરેન પશ્ચિમની ઓસરીમાં ઉત્તર તરફના ખૂણામાં ઠાકુરના પગ ધોઈ દે છે, માસ્ટર ઊભા છે.

શ્રીરામકૃષ્ણ – ભારે તડકો.

માસ્ટર – જી હાં.

શ્રીરામકૃષ્ણ – તમે કેમ કરીને એટલાકની અંદર રહો છો? ઉપરની ઓરડી ગરમ થતી નથી?

માસ્ટર – જી હા. ખૂબ ગરમ થાય.

શ્રીરામકૃષ્ણ – તેમાં વળી તમારી પત્નીને માથાનું દરદ; ઠંડી જગ્યામાં રાખજો.

માસ્ટર – જી હા, કહી દીધું છે નીચેના ઓરડામાં સૂવાનું.

ઠાકુર પાછા દીવાનખાનામાં આવીને બેઠા અને માસ્ટરને કહે છે કે તમે આ રવિવારે શા માટે આવ્યા ન હતા?

માસ્ટર – જી, ઘેર પણ બીજું કોઈ નથી. તેમાં વળી ઘરમાં માથાની બીમારી, સંભાળનારું કોઈ ન મળે.

ઠાકુર ગાડી કરીને નિમુ ગોસ્વામીની ગલીમાં દેવેન્દ્રને ઘેર જાય છે. સાથે છોટો નરેન, માસ્ટર અને બીજા સાથે બે ભક્તો. ઠાકુર પૂર્ણની વાત કરે છે. અને તેને માટે આતુર થાય છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – પૂર્ણ (આધ્યાત્મિકતાનો) ખૂબ મોટો આધાર! એમ ન હોય તો શું એના માટે જપ થાય? એ તો આ બધી વાતો જાણતો નથી!

માસ્ટર અને ભક્તો આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે કે ઠાકુરે પૂર્ણને માટે બીજ-મંત્રનો જપ કર્યો છે!

શ્રીરામકૃષ્ણ – આજ એને લાવ્યા હોત તો? લાવ્યા નહિ કાં?

છોટા નરેનનું હાસ્ય જોઈને ઠાકુર અને ભક્તો બધા હસે છે. આનંદથી તેને દેખાડીને માસ્ટરને કહે છે કે જુઓ જુઓ, ભોળિયાની પેઠે હસી રહ્યો છે; જાણે કે કાંઈ જાણતો નથી! પરંતુ તેના મનની અંદર કશુંય નથી. આ ત્રણમાંથી એકેય તેના મનમાં નથી – જર, જમીન ને જોરુ. કામ-કાંચન મનમાંથી સંપૂર્ણ નીકળી ગયા વિના ભગવત્પ્રાપ્તિ થાય નહિ.

ઠાકુર દેવેન્દ્રને ઘેર જાય છે. દક્ષિણેશ્વરમાં દેવેન્દ્રને એક દિવસ ઠાકુરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે એક દિવસ તમારે ઘેર આવું.’ દેવેન્દ્રે કહ્યું હતું કે હું પણ એ જ કહેવા માટે આજે આવ્યો છું. આ રવિવારે આપે આવવું જોઈશે. ઠાકુર બોલ્યા કે પણ તમારી આવક ઓછી; એટલે ઝાઝા માણસોને બોલાવતા નહિ અને ગાડીભાડું પણ બહુ જ વધારે છે. દેવેન્દ્રે હસીને કહ્યું હતું કે આવક ભલે ને ઓછી રહી; ઋણં કૃત્વા ઘૃતં પિબેત્। (કરજ કરીને પણ ઘી પીવું!) ઠાકુર એ સાંભળીને હસવા લાગ્યા; તેમનું હસવું કેમેય કર્યું બંધ થાય નહિ.

થોડીક વાર પછી દેવેન્દ્રને ઘેર પહોંચીને કહે છે કે ‘દેવેન્દ્ર! મારા માટે ખાવાનું ખાસ કાંઈ કરતા નહિ; થોડું સાધારણ. તબિયત બહુ સારી નથી.’

Total Views: 320
ખંડ 51: અધ્યાય 16 : શ્રીરામકૃષ્ણ સેવક સાથે
ખંડ 42: અધ્યાય 12 : દેવેન્દ્રને ઘરે ભક્તો સાથે