માસ્ટર ડૉક્ટરને આવવાનું કહીને ઘેર જવા નીકળ્યા.

જમી પરવારીને ત્રણેક વાગ્યાને સમયે શ્રીરામકૃષ્ણની પાસે જઈને બધું જણાવ્યું, તેમણે કહ્યું કે ‘ડૉક્ટરને આજે બહુ ખોટું લાગ્યું છે.’

શ્રીરામકૃષ્ણ – શું થયું છે?

માસ્ટર – આપે અભાગિયા ડૉક્ટરનો અહંકાર વધારવા સારુ રોગ ધારણ કર્યાે છે એ વાત એ સાંભળી ગયા હતા.

શ્રીરામકૃષ્ણ – કોણ બોલ્યું હતું?

માસ્ટર – મહિમા ચક્રવર્તી.

શ્રીરામકૃષ્ણ – પછી?

માસ્ટર – મહિમા ચક્રવર્તીને ડૉક્ટર કહે કે એ ઈશ્વરની તમોગુણી મૂર્તિ -God’s Lower Third. હવે ડૉક્ટર કહે છે કે ‘ઈશ્વરમાં બધા ગુણો (સત્ત્વ, રજસ્, તમસ્) છે. (પરમહંસદેવનું હાસ્ય). વળી મને કહે કે રાતના ત્રણ વાગ્યે ઊંઘ ઊડી ગઈ ને પરમહંસની ચિંતા ચાલુ થઈ! સવારે આઠ વાગે કહે છે કે ‘હજીયે પરમહંસ ચાલે છે!’

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – એ અંગ્રેજી ભણેલા છે, એટલે એમને એમ તો કહેવાય નહિ કે મારું ચિંતન કરો; પણ એ પોતાની મેળે જ કરે છે.

માસ્ટર – વળી કહે છે As man I have the greatest regard for him એનો અર્થ એ કે હું તેમને અવતાર નથી કહેતો પણ માણસ તરીકે સૌથી વધુ માન આપું છું.

શ્રીરામકૃષ્ણ – બીજી કંઈ વાત થઈ?

માસ્ટર – મેં પૂછ્યું કે ‘આજે રોગીને માટે શી વ્યવસ્થા કરવાની?’ એટલે ડૉક્ટરે કહ્યું કે વ્યવસ્થા મારું માથું, બીજું શું? ફરીથી આજે આવવું પડશે, બીજી શી વ્યવસ્થા! (શ્રીરામકૃષ્ણનું હાસ્ય). એ ઉપરાંત કહ્યું કે ‘તમને ખબર નથી કે મને રોજ કેટલા રૂપિયાનું નુકસાન થાય છે. રોજ બે ત્રણ દરદીને જોવા જવાનો સમય નથી રહેતો.

Total Views: 271
ખંડ 51: અધ્યાય 15 : શ્રીરામકૃષ્ણ સાથે વિજયકૃષ્ણ, નરેન્દ્ર, માસ્ટર, ડૉક્ટર સરકાર, મહિમાચરણ વગેરે ભક્તોની સાથે વાર્તાલાપ અને આનંદ
ખંડ 42: અધ્યાય 11 : અંતરંગ સાથે બલરામ બસુના ઘરે