નિશાળ છૂટ્યા પછી માસ્ટર આવીને જુએ છે તો ઠાકુર બલરામના દીવાનખાનામાં ભક્તોની મજલિસ ભરીને બેઠા છે. ઠાકુરના ચહેરા પર મધુર હાસ્ય. એ હાસ્ય ભક્તોના ચહેરા પર પ્રતિબિંબિત થઈ રહ્યું છે. માસ્ટરને વળી પાછા આવતા જોયા અને તેમણે પ્રણામ કર્યા પછી ઠાકુરે તેમને પોતાની પાસે આવીને બેસવાની ઇશારત કરી. શ્રીયુત્ ગિરીશ ઘોષ, સુરેશ મિત્ર, બલરામ, લાટુ, ચુની વગેરે ભક્તો હાજર છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – તમે એક વાર નરેન્દ્રની સાથે ચર્ચા કરી જુઓ કે એ શું કહે છે.

ગિરીશ (સહાસ્ય) – નરેન્દ્ર કહે છે કે ઈશ્વર અનંત, જે કંઈ આપણે જોઈએ, સાંભળીએ; કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ, એ બધાં ઈશ્વરના અંશ એમ પણ આપણાથી કહી ન શકાય. Infinity – અનંત-આકાશ અનંતનો વળી અંશ? તેનો અંશ થઈ શકે નહિ.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર અનંત હો યા ગમે તેટલો મોટો હો; જો એ ઇચ્છા કરે તો તેમની અંદરનું સાર-તત્ત્વ માણસમાં પ્રકટ થઈ શકે: અને થાય છે પણ ખરું. ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત ઉપમા દઈને સમજાવી શકાય નહિ. એનો અનુભવ થવો જોઈએ, પ્રત્યક્ષ થવું જોઈએ. ઉપમાથી માત્ર થોડો ઘણો આભાસ મળે. જો ગાયના શિંગડાને અડો તો ગાયને જ અડ્યા એમ ગણાય, પગ અથવા પૂછડાંને અડવાથી પણ ગાયને જ અડ્યા કહેવાય. પરંતુ આપણે માટે ગાયની અંદરની સાર વસ્તુ છે દૂધ. એ દૂધ આંચળ વાટે આવે.

એ પ્રમાણે પ્રેમ-ભક્તિ શીખવવા સારુ ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરીને સમયે સમયે અવતીર્ણ થાય.

ગિરીશ – નરેન્દ્ર કહે છે કે સમગ્ર ઈશ્વરની ધારણા શું થઈ શકે? એ તો અનંત!

(Perception of the Infinite)

(Compare discussion about the order of perception of the Infinite and of the Finite in Max-Muller’s Hibbert Lectures and Gifford Lectures.)

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – પૂરેપૂરા ઈશ્વરની ધારણા કોણ કરી શકે? તેના મોટા સ્વરૂપની ધારણા પણ નહિ તેમજ નાના સ્વરૂપની ધારણા પણ થઈ શકે નહિ. પરંતુ પૂરેપૂરાની ધારણા કરવાની જરૂર શી? તેને પ્રત્યક્ષ જોઈ શકીએ એટલે થયું. ઈશ્વરના અવતારનાં દર્શન એટલે ઈશ્વરનાં જ દર્શન. જો કોઈ ગંગાની પાસે જઈને ગંગાજળનો સ્પર્શ કરે, તો તે કહી શકે હું ગંગાનાં દર્શન-સ્પર્શ કરી આવ્યો. હરદ્વારથી તે ગંગાસાગર સુધીની આખી ગંગાને હાથ લગાડીને અડવાની જરૂર નહિ! (હાસ્ય).

જો હું તમારા પગને અડું તો એટલે હું તમને જ અડ્યો એમ થયું (હાસ્ય).

સાગરની પાસે જઈને જળનો જરાક સ્પર્શ કરો તો એ સાગરને સ્પર્શ કર્યો એમ જ થયું. અગ્નિ-તત્ત્વ બધી જગાએ છે, પણ લાકડામાં વધારે.

ગિરીશ (હસતાં હસતાં) – જ્યાં અગ્નિ મળે એ જ મારે જરૂરનું!

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – અગ્નિ-તત્ત્વ લાકડામાં વધારે. ઈશ્વર-તત્ત્વ જો શોધો તો માણસમાં શોધવું. માણસમાં ઈશ્વર વધુ પ્રકાશિત થાય. જે માણસમાં દેખાય કે ઊછળતી ભક્તિ છે, પ્રેમ-ભક્તિ ઊછળી પડે છે, ઈશ્વરને માટે જે પાગલ, ઈશ્વર-પ્રેમમાં જે મતવાલો; એ માણસમાં જરૂર જાણજો કે ઈશ્વરે અવતાર લીધો છે.

(માસ્ટરને જોઈને) ઈશ્વર તો છે જ, પણ તેની શક્તિનો ક્યાંક વધુ પ્રકાશ, તો ક્યાંક ઓછો પ્રકાશ. અવતારની અંદર ઈશ્વરની શક્તિનો વધુ પ્રકાશ. ક્યારેક ક્યારેક એ શક્તિ પૂર્ણ માત્રામાં હોય; શક્તિનો જ અવતાર.

ગિરીશ – નરેન્દ્ર કહે છે કે ઈશ્વર અવાઙમનસગોચરમ્ (વાણી અને મનથી અગમ્ય).

શ્રીરામકૃષ્ણ – ના, આ મનને એ ગોચર (ગમ્ય) ન હોય ભલે, પણ શુદ્ધ મનને ગોચર. એ આ બુદ્ધિને ગોચર નહિ, પરંતુ શુદ્ધ બુદ્ધિને ગોચર. કામકાંચન ઉપરની આસક્તિ જાય એટલે મન અને બુદ્ધિ શુદ્ધ થાય. ત્યારે શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિ એક જ બને. ઈશ્વર શુદ્ધ મનને ગોચર. ઋષિ-મુનિઓએ શું ઈશ્વરને જોયો ન હતો? તેમણે ચૈતન્ય દ્વારા ચૈતન્યનો સાક્ષાત્કાર કર્યો હતો.

ગિરીશ (સહાસ્ય) – નરેન્દ્ર મારી પાસે તર્કમાં હાર્યો છે.

શ્રીરામકૃષ્ણ – ના. તેણે મને કહ્યું છે કે ગિરીશ ઘોષની માણસને અવતાર માનવામાં એટલી બધી શ્રદ્ધા; એટલે એ ઉપર હવે હું શું કહું? એવી શ્રદ્ધાની ઉપરવટ થઈને કાંઈ કહેવાય નહિ.

ગિરીશ (સહાસ્ય) – મહાશય! આપણે બધા ખુલ્લે મોઢે વાતો કરીએ છીએ. પરંતુ આ માસ્ટર હોઠ બીડીને બેઠા છે! શું વિચારતા હશે? મહાશય, શું કહો છો?

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – ‘બડબડિયો, અંતર ઊંડો, કાને તુલસી, લાંબા-ઘૂંઘટાળી નારી; ઢાંક્યા તળાવનું ટાઢું પાણી, બહુ જ નુકસાનકારી.’ (સૌનું હાસ્ય). (સહાસ્ય) પણ આ એવા નથી. આ તો ગંભીરાત્મા! (સૌનું હાસ્ય).

ગિરીશ – મહાશય, શ્લોક શું બોલ્યા?

શ્રીરામકૃષ્ણ – આવા કેટલાક માણસોથી સાવચેત રહેવું જોઈએ. પ્રથમ તો બડબડિયો: બડબડ કરીને વાતો કર્યે જ જાય. પછી અંતર ઊંડો: જો એના મનની અંદર ડૂબકી મારો તો ક્યાંય પત્તો ન લાગે. ત્યાર પછી કાને તુલસી ભરાવનારો, ભક્તિ દેખાડવા સારુ. તેમજ લાંબા ઘૂંઘટાવાળી સ્ત્રી: લાંબો ઘૂમટો તાણે, માણસો જાણે કે મોટી સતી; પણ એમ નહિ. અને સેવાળથી ઢંકાયેલ તળાવનું પાણી: ત્યાં નાહીએ તો ન્યુમોનિયા થાય. (હાસ્ય).

ચુની – આમને (માસ્ટરને) નામે વાત ઊડી છે. છોટો નરેન, બાબુરામ, એ આમના વિદ્યાર્થીઓ. નારાયણ, પલ્ટુ, પૂર્ણ, તેજચંદ્ર એ બધા આમના જ વિદ્યાર્થીઓ. વાત એમ ઊડી છે કે આ તેમને અહીં લાવ્યા છે એટલે તેમનું ભણતર બગડે છે. આમને માથે લોકો દોષ મૂકે છે.

શ્રીરામકૃષ્ણ – તેમનું કોણ માનવાનું હતું?

આ બધી વાતચીત થઈ રહી છે એટલામાં નારાયણે આવીને ઠાકુરને પ્રણામ કર્યા. નારાયણનો ગૌર વર્ણ, ૧૭-૧૮ વરસની ઉંમર, સ્કૂલમાં ભણે. ઠાકુર શ્રીરામકૃષ્ણ તેને બહુ ચાહે; તેને મળવા સારુ, તેને ખવડાવવા સારુ આતુર. તેના સારુ દક્ષિણેશ્વરમાં બેઠાં બેઠાં રડે. નારાયણમાં તેઓ સાક્ષાત્ નારાયણ જુએ.

ગિરીશ (નારાયણને જોઈને) – કોણે ખબર દીધા? એમ લાગે છે કે માસ્ટરે જ બધું પતાવ્યું! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – હવે રહો! ચૂપચાપ બેઠા રહો! એક તો એને (માસ્ટરને) નામે વાત ઊડી છે!

(અન્નચિંતા ચમત્કારા – બ્રાહ્મણનું દાન લીધાનું ફળ)

વળી નરેન્દ્રની વાત નીકળી.

એક ભક્ત – એ હમણાં એટલા બધા આવતા નથી કેમ?

શ્રીરામકૃષ્ણ – ‘અન્નચિંતા ચમત્કારા, કાલીદાસ થાય બુદ્ધિ-હારા!’ (સૌનું હાસ્ય).

બલરામ – શિવ ગુહના ઘરના છોકરા અન્નદા ગુહની પાસે ખૂબ આવજા છે.

શ્રીરામકૃષ્ણ – હા, એક ઓફિસવાળાને ઘેર નરેન્દ્ર, અન્નદા વગેરે જાય છે. ત્યાં એ લોકો બ્રાહ્મ-સમાજ કરે છે.

એક ભક્ત – એનું (ઓફિસવાળાનું) નામ તારાપદ.

બલરામ (હસતાં હસતાં) – બ્રાહ્મણો કહે કે અન્નદા ગુહ માણસ બહુ અહંકારી!

શ્રીરામકૃષ્ણ – બ્રાહ્મણોની એ બધી વાતો સાંભળો મા. એમની તો તમને ખબર છે ને? ન આપો એટલે ખરાબ; આપો એટલે સારા! (સૌનું હાસ્ય). અન્નદાને હું જાણું છું કે સારો માણસ છે.

 

Total Views: 405
ખંડ 51: અધ્યાય 3 : નિત્ય-લીલા યોગ
ખંડ 51: અધ્યાય 4 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતારવાદ