(Reconciliation of Free will and Predestination)

ડૉક્ટર કહે છે કે ઈશ્વરે આપણને સર્જ્યા છે; અને આપણા બધાના આત્મા (soul) અનંત ઉન્નતિ કરવાના. એક માણસ બીજા કરતાં મોટો એ વાત તેઓ સ્વીકારતા નથી. એટલે અવતારમાં માનતા નથી.

ડૉક્ટર – (અનંત વિકાસ ) ‘Infinite Progress’! જો એ ન હોય તો પાંચ વરસ કે સાત વરસ વધુ જીવીનેય શું વળવાનું? હું તો ગળે દોરડું જ લગાવી દઉં!

અવતાર વળી શું! જે મળમૂત્ર કરે તે માણસને વળી પગે પડવું? હા, ઈશ્વરનો પ્રકાશ માણસમાં પ્રતિબિંબિત થાય Reflection of God’s light એ વાત હું માનું.

ગિરીશ (હસીને) – આપે ઈશ્વરનો પ્રકાશ God’s light જોયો નથી.

ડૉક્ટર ઉત્તર દેતાં પહેલાં જરા આનાકાની કરે છે.

પાસે એક મિત્ર બેઠા હતા, તે ધીમે ધીમે કંઈક બોલ્યા.

ડૉક્ટર – આપે પણ પ્રતિબિંબ વિના તો બીજું કંઈ જોયું નથી!

ગિરીશ – I see it, I see the Light! હું જોઉં છું, હું ઈશ્વરનો પ્રકાશ જોઉં છું! શ્રીકૃષ્ણ અવતાર એ વાત હું Prove (સાબિત) કરી દઉં, નહિતર જીભ કાપી નાખું!

(વિકારી રોગીના વિચાર – પૂર્ણજ્ઞાને વિચાર બંધ થાય)

શ્રીરામકૃષ્ણ – આ બધી જે વાતો થાય છે એમાં કંઈ માલ નહિ.

એ બધું પિત્તવિકારના તાવના દરદીના બડબડાટ જેવું. એ રોગી કહેશે કે ‘હું આખો ઘડો ભરીને પાણી પી જઈશ. તપેલું ભરીને ભાત ખાઈશ!’ વૈદ્ય ત્યારે કહેશે કે ‘ઠીક ઠીક, ખાજે. સાજો થયા પછી જેમ કહીશ તેમ કરીશું.’

‘જ્યાં સુધી ઘી કાચું હોય ત્યાં સુધી છરછરાટી સંભળાય. ઘી પાકી ગયા પછી અવાજ રહે નહિ. જેનું જેવું મન, તે પ્રમાણે ઈશ્વરને એ જુએ. મેં જોયું છે કે મોટા માણસના ઘરમાં મોટા મોટા રાજદ્વારી પુરુષોની છબી, રાજારાણીની છબી એવું બધું હોય; તેમ ભક્તોને ઘેર દેવદેવીઓની છબીઓ!’

‘લક્ષ્મણ કહે કે ‘રામ, વસિષ્ઠદેવ કે જે મહાજ્ઞાની, તેમને પણ વળી પુત્ર-મૃત્યુનો શોક? એટલે રામે કહ્યું કે ‘ભાઈ, જેને જ્ઞાન છે તેને અજ્ઞાન પણ છે. જેને પ્રકાશનું જ્ઞાન છે તેને અંધકારનું પણ જ્ઞાન છે. એટલે જ્ઞાન અજ્ઞાનથી પાર જાઓ. ઈશ્વરને વિશેષરૂપે જાણવાથી એ અવસ્થા થાય. એનું જ નામ વિજ્ઞાન.

પગમાં કાંટો વાગે તો બીજો એક કાંટો શોધી લાવવો જોઈએ. એના વડે પહેલો કાંટો કાઢવો જોઈએ. એ કાઢ્યા પછી બન્ને કાંટા ફેંકી દેવાના. જ્ઞાન-કાંટાથી અજ્ઞાન-કાંટો કાઢીને પછી જ્ઞાન અજ્ઞાન બન્ને કાંટા ફેંકી દેવાના.

‘પૂર્ણ જ્ઞાનનું એક લક્ષણ છે કે તર્ક, વાદ બંધ થઈ જાય. હમણાં જેમ કહ્યું ને, કે કાચું હોય ત્યાં સુધી જ ઘીમાં છર્ર્ છર્ર્ અવાજ થાય.’

ડૉક્ટર – પૂર્ણ જ્ઞાન રહે છે ક્યાં? જો બધુંય ઈશ્વર! તો પછી તમેય પરમહંસપણું કરો છો શું કામ? અને આ લોકોય આવીને તમારી સેવા કરે છે શું કામ? ચૂપ રહેતા નથી શા માટે?

શ્રીરામકૃષ્ણ (હસીને) – જળ સ્થિર હોય તોય જળ અને હલેચલે તોય જળ; તરંગ ઊઠે તોય જળ.

(Voice of God or Conscience – મહાવત નારાયણ )

શ્રીરામકૃષ્ણ – અને બીજી એક વાત. મહાવત-નારાયણની વાતેય ન સાંભળવી શા માટે? એક ગુરુએ શિષ્યને કહી દીધું હતું કે બધું નારાયણ. એક ગાંડો હાથી દોડ્યો આવતો હતો. ગુરુવાક્યમાં શ્રદ્ધા રાખીને શિષ્ય રસ્તામાંથી હઠ્યો નહિ. તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ. આ બાજુ મહાવત બૂમ મારીને કહે છે, ‘બધા નાસી જાઓ, રસ્તામાંથી હઠી જાઓ!’ પણ શિષ્ય ખસ્યો નહિ. હાથી તેને પછાડીને ચાલ્યો ગયો. શિષ્યને ચોટ લાગી, પણ પ્રાણ હજી ગયા ન હતા. મોઢામાં પાણી રેડતાં તેને ભાન આવ્યું. પછી જ્યારે કોઈએ એને પૂછ્યું કે ‘તું કેમ રસ્તામાંથી એક બાજુએ હઠ્યો નહિ?’ ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘કેમ? ગુરુદેવે કહ્યું છે કે બધું નારાયણ!’ એટલે ગુરુ કહે છે કે ‘બાપુ, બધું નારાયણ એ ખરું, પણ મહાવત-નારાયણનું કહેવું કાં ન સાંભળ્યું? ઈશ્વર જ શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ થઈને અંદર રહ્યો છે. એ જ બધું કરાવે છે. હું યંત્ર, એ યાંત્રિક; હું ઘર, એ ઘરમાલિક; એ જ મહાવત-નારાયણ.’

ડૉક્ટર – બીજું એક કહું. તો પછી કેમ કહો છો કે આ મટાડી દો?

શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ‘હું’ રૂપી ઘડો છે, ત્યાં સુધી એ પ્રમાણે થાય. ધારો કે એક મહાસમુદ્ર છે; નીચે ઉપર બધે જળથી પરિપૂર્ણ. તેની અંદર એક ઘડો છે. ઘડાની અંદર, બહાર જળ છે. પરંતુ ઘડો ભાંગે નહિ ત્યાં સુધી જળ બરાબર એકાકાર થતું નથી. ઈશ્વરે જ આ ‘હું’ રૂપી ઘટ રાખી દીધો છે.

(‘હું’ કોણ?)

ડૉક્ટર – ત્યારે આ ‘હું’ જે કહો છો, એ બધું શું? એનો તો અર્થ કહેવો જોઈએ? ઈશ્વર શું આપણી સાથે ચાલાકી કરે છે?

ગિરીશ – મહાશય, કેમ જાણ્યું કે ચાલાકી કરતો નથી?

શ્રીરામકૃષ્ણ (હસીને) – આ ‘હું’ ઈશ્વરે જ રાખી દીધો છે. ઈશ્વરનો ખેલ, તેની લીલા! એક રાજાને ચાર દીકરા છે. છે રાજાના કુંવર, પરંતુ રમત રમે છે ચોર કોટવાલની. કોઈ થાય છે મંત્રી, તો કોઈ કોટવાલ, વગેરે. રાજાના કુંવર હોવા છતાં કોટવાલ થઈને રમે છે!

(ડૉક્ટરને) સાંભળો! તમને જો આત્માનો સાક્ષાત્કાર થાય, તો આ બધું માનવું પડે. તેનાં દર્શન થયે બધા સંશય જાય.

(Sonship and the Father – જ્ઞાનયોગ અને શ્રીરામકૃષ્ણ)

ડૉક્ટર – બધા સંદેહ જાય છે ક્યાં?

શ્રીરામકૃષ્ણ – મારી પાસેથી આટલું સાંભળતા જાઓ. ત્યાર પછી વધુ કંઈ સાંભળવા ઇચ્છો તો ઈશ્વરની પાસે એકલા એકલા કહેજો. તેમને પૂછજો કે શા માટે આપણે આ પ્રમાણે કર્યું છે.

શેઠનો દીકરો ભિખારીને બહુ બહુ તો એક મૂઠી ચોખા આપી શકે. પણ જો તેને રેલભાડું જોઈતું હોય તો બાપને કહેવું પડે. (ડૉક્ટર ચૂપ રહ્યા છે.)

શ્રીરામકૃષ્ણ – વારુ, તમને ચર્ચા પસંદ છે; તો થોડી ચર્ચા કરીએ, સાંભળો. જ્ઞાનીના મત પ્રમાણે અવતાર નથી. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે મને અવતાર અવતાર કહો છો, તે ચાલો કંઈક બતાવું. અર્જુન કૃષ્ણની સાથે સાથે ગયા. થોડેક દૂર જઈને કૃષ્ણ અર્જુનને પૂછે છે, ‘શું દેખાય છે?’ અર્જુન કહે છે, ‘એક મોટું ઝાડ. તેમાં કાળાં જાંબુનાં ઝૂમખાં ફળી રહ્યાં છે.’ શ્રીકૃષ્ણ કહે છે, ‘એ કાળાં જાંબુ નથી. જરા આગળ જઈને જો.’ આગળ જઈને અર્જુને જોયું તો ઝુમખે ઝુમખે કૃષ્ણ ફળી રહ્યા છે. કૃષ્ણ કહે છે, ‘જોયું ને હવે? મારા જેવા કેટલા કૃષ્ણ ઊગી રહ્યા છે?’

‘કબીરદાસ શ્રીકૃષ્ણની વાત કરતાં કહેતા કે તે તો ગોપીઓના હાથની તાલીઓ સાથે વાંદરાની પેઠે નાચતા!’

‘જેમ જેમ સાધનામાં આગળ જશો, તેમ તેમ ભગવાનની ઉપાધિ ઓછી દેખાતી જશે. ભક્ત પ્રથમ દર્શન કરે દશભુજા. એથી આગળ વધે ત્યારે જુએ કે ષડ્ભુજ. એથીયે આગળ જઈને જુએ તો દ્વિભુજ ગોપાલ! જેમ જેમ આગળ વધે તેમ તેમ ઈશ્વરનું ઐશ્વર્ય ઓછું થતું જાય. એથીયે આગળ જાય તો જ્યોતિ દર્શન કરે; તેની કશી ઉપાધિ નહિ.

‘જરા વેદાન્ત-વિચાર સાંભળો. એક રાજાની સામે એક જાદુગર જાદુનો ખેલ દેખાડવા આવ્યો. એ જરાક વાર ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાજાએ જોયું તો એક ઘોડેસ્વાર આવે છે, ઘોડા ઉપર ચડીને ખૂબ પોશાક વગેરે પહેરેલો, હાથમાં અસ્ત્ર-શસ્ત્ર. આખી સભા અને રાજા વિચારમાં પડી ગયા કે ‘આ બધામાં સાચું શું? ઘોડો તો સાચો નહિ. પોશાક, અસ્ત્ર-શસ્ત્ર વગેરે પણ સાચાં નહિ. છેવટે ખરેખર જોયું તો પેલો જાદુગર એકલો ઊભેલો છે! એટલે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા – વિચાર કરવા જાઓ તો કંઈ ટકે નહિ.’

ડૉક્ટર – એમાં મને કંઈ વાંધો નહિ.

(The World (સંસાર) and the Scare-Crow-(ચાડિયો)

શ્રીરામકૃષ્ણ – પણ આ ભ્રમ સહેજે જાય નહિ. જ્ઞાન પછી પણ ભ્રમ રહે. સ્વપ્નમાં વાઘને જોયો હોય, પછી સ્વપ્ન ઊડી ગયું, તોય છાતી ધડક્યા કરે!

‘ખેતરમાં ચોરો રાતના ચોરી કરવા જાય છે. ખેતરના માલિકે માણસના આકારનો ઘાસનો એક ચાડિયો ઊભો કરી રાખ્યો છે ડર બતાવવા સારુ. ચોરો એને સાચો માણસ સમજીને કોઈ રીતે ખેતરમાં ઘૂસી શકતા નથી. તેઓમાંથી એક જણે પાસે જઈને જોયું તો ચાડિયો! તેણે આવીને તેમને કહ્યું કે બીવાની જરૂર નથી. પણ પેલા આવે નહિ. કહે છે કે છાતી ધડક ધડક થાય છે. ત્યાર પછી પેલાએ એ ચાડિયાને જમીન પર પાડી દીધો અને કહેવા લાગ્યો કે ‘એ કંઈ નથી, એ કંઈ નથી, નેતિ નેતિ!’

ડૉક્ટર – આ બહુ મજાની વાત.

શ્રીરામકૃષ્ણ (હસીને) – હા, કેવી વાત?

ડૉક્ટર – બહુ સરસ!

શ્રીરામકૃષ્ણ – તો એક Thank you આપો!

ડૉક્ટર – તમે શું સમજતા નથી મારા મનનો ભાવ? કેટલી મુશ્કેલી વેઠીને તમને અહીં જોવા આવું છું?

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના ભાઈ, મૂર્ખાઓને માટે કંઈક બોલો. રાવણ મરાયા પછી વિભીષણને લંકાનો રાજા થવા ઇચ્છા નહિ! તેમણે કહ્યું કે ‘રામ તમે મળ્યા છો, પછી વળી રાજા થઈને શું કરવું?’ રામે કહ્યું કે ‘વિભીષણ! તમે. મૂર્ખાઓને માટે રાજા થાઓ. જેઓ કહે છે કે તમે રામની આટલી બધી સેવા બજાવી, તેના બદલામાં તમને મળ્યું શું? એવાઓને ઉપદેશ સારુ રાજા થાઓ.’

ડૉક્ટર – અહીં એવું મૂરખ કોણ છે?

શ્રીરામકૃષ્ણ (હસીને) – ના ભાઈ, અહીં કાલુ માછલી (સખ્ત શંખ આકારની માછલી) પણ છે અને શંખલાં (સામાન્ય) પણ છે. (સૌનું હાસ્ય).

Total Views: 475
ખંડ 42: અધ્યાય 2 : બપોરે ભક્તો સાથે - અવતારવાદ અને શ્રીરામકૃષ્ણ
ખંડ 51: અધ્યાય 5 : પુરુષ-પ્રકૃતિ - અધિકારી