બલરામના મકાનનું દીવાનખાનું

પરમહંસદેવે ગીત સાંભળવાની ઇચ્છા દર્શાવી. બલરામનું દીવાનખાનું આખું ભરાઈને માણસો બેઠા છે. સૌ પરમહંસદેવની સામે જોઈ રહ્યા છે. શું બોલે છે અને શું કરે છે એ સાંભળવા-જોવા આતુર છે.

શ્રીયુત્ તારાપદ ગાય છે.

ગીત –

કેશવ કરો કરુણા દીન પર,

કુંજ-કાનન-ચારી;

માધવ મનોમોહન,

મોહન મુરલીધારી;

(હરિ બોલ, હરિ બોલ,

હરિ બોલ, મન મારા)

વ્રજકિશોર કાલીયહર ત્રાસિત કાતર-ભયભંજન;

નયનબાંકા બાંકાશિખિ પાંખા રાધિકા હૃદિરંજન;

ગોવર્ધનધારણ વનકુસુમભૂષણ દામોદર કંસદર્પહારી;

શ્યામ-રાસ-રસ-બિહારી,

(હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, મન મારા)

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – વાહ સુંદર ગીત! તમે જ આ બધાં ગીત રચ્યાં છે?

ભક્ત – હા, તેમણે જ ચૈતન્ય-લીલાનાં બધાં ગીત રચ્યાં છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – આ ગીત બહુ સુખ્યાત છે.

શ્રીરામકૃષ્ણ (ગાયકને) – નિતાઈનું ગીત આવડે છે?

ફરીથી ગીત થયું.

નિતાઈએ ગાયું હતું :

‘કિશોરીનો પ્રેમ લેવા આવ, પ્રેમની ભરતી વહી જાય;

વહે છે રે પ્રેમ શત ધારે, જેને જોઈએ તેટલો લઈ શકાય.

પ્રેમની કિશોરી, પ્રેમ વહેંચે ઇચ્છા કરી, રાધા-પ્રેમે બોલો રે હરિ;

પ્રેમની લાણ પ્રાણ મસ્તકારી, પ્રેમ-તરંગે પ્રાણ નચાવે;

રાધા-પ્રેમે હરિ બોલું, આવો આવો આવો.’

શ્રીગૌરાંગનું ગીત ચાલ્યું :

‘કોણ ભાવથી ગૌરવેશે, શાંત કર્યો એ પ્રાણ?

પ્રેમ-સાગરે ઊઠ્યું તોફાન, રહે નવ વંશનું માન;

(મન ખેંચાયું છે ગૌરમાં રે).

વ્રજમાંહે ગોવાળ બની, ચાર્યું વહાલે ગૌ-ધન,

લીધી હાથમાં મોહન બંસી, ચોર્યું ગોપીનું મન;

ધાર્યો ગોવર્ધન; તાર્યું વૃંદાવન;

પ્રેમી ગોપી માન ખાય, પ્રભુ ઝાલે ગોપીના પાય.

ચંદ્ર-મુખ આંસુમાં તણાય… (મન લાગ્યું છે ગૌરમાં રે).

બધા માસ્ટરને આગ્રહ કરવા લાગ્યા કે તમે એક ગીત ગાઓ. માસ્ટર જરા શરમાળ: એટલે ફીસ ફીસ કરીને ધીમે અવાજે માફી માગે છે.

ગિરીશ (ઠાકુરને, હસતાં હસતાં) – મહાશય, માસ્ટર કોઈ રીતે ગાતા નથી.

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને) – એ સ્કૂલમાં દાંત બતાવશે (મોઢું ઉઘાડશે). એમને ગીત ગાવામાં જ બધી શરમ!

માસ્ટર મોઢું વીલું કરીને બેસી રહ્યા.

શ્રીયુત્ સુરેશ મિત્ર જરા દૂર બેઠા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના પ્રત્યે સ્નેહભરી દૃષ્ટિ કરીને શ્રીયુત્ ગિરીશ ઘોષને બતાવીને હસમુખે ચહેરે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – તમે તો શું? આ (ગિરીશ) તમારા કરતાંય (વધુ).

સુરેશ (હસતાં હસતાં) – જી હા, મારા મોટા ભાઈ! (સૌનું હાસ્ય).

ગિરીશ (ઠાકુરને) – વારુ મહાશય, હું નાનપણમાં કંઈ ભણ્યો ગણ્યો નથી; તો પણ લોકો કહે છે વિદ્વાન!

શ્રીરામકૃષ્ણ – મહિમા ચક્રવર્તીએ ઘણાં શાસ્ત્રો-બાસ્ત્રો વાંચી-સાંભળી નાખ્યાં છે. તે ખૂબ મોટો આધાર! (માસ્ટરને) કેમ ભાઈ?

માસ્ટર – જી, હા.

ગિરીશ – શું પંડિતાઈ? ઘણી જોઈ હવે! એથી હવે ભોળવાઉં નહિ.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – અહીંયાંનો (મારો) ભાવ કેવો, ખબર છે? ગ્રંથો, શાસ્ત્રો એ બધાં માત્ર ઈશ્વરની પાસે પહોંચવાનો રસ્તો કહી આપે. માર્ગ, ઉપાય જાણી લીધા પછી ગ્રંથો ને શાસ્ત્રોની શી જરૂર? એ પછી તો પોતે સાધનાકાર્ય કરવાનું હોય.

‘એક જણની ઉપર કાગળ આવ્યો હતો. કોઈક સંબંધીને ઘેર ભેટ મોકલવાની હોવાથી મોકલવાની ચીજોની વિગત તેમાં લખી હતી. ખરીદ કરવા જવાને સમયે કાગળ શોધ્યો, તો મળે નહિ. એટલે એ માણસે ખૂબ ચિંતાતુર થઈને કાગળ શોધવા માંડ્યો. ઘરનાં બધાંય મળીને ક્યાંય સુધી ચારે બાજુ કાગળ શોધવા લાગ્યાં. છેવટે તે મળી આવ્યો. મળ્યો એટલે તે ખૂબ રાજી થયો અને ખૂબ ઉત્સુકતાથી એણે કાગળને સંભાળપૂર્વક હાથમાં લીધો ને એમાં શું લખ્યું છે એ જોવા લાગ્યો. તેમાં એમ લખ્યું હતું કે પાંચ શેર પેંડા મોકલજો, એક સાડલો મોકલજો; ને એ ઉપરાંત બીજું કેટલુંય. બસ હવે કાગળની જરૂર ન રહી. કાગળ એક બાજુએ ફેંકી દઈને પેંડા અને સાડલો અને બીજી વસ્તુઓ ખરીદવા માટે બજારમાં જવા નીકળ્યો. કાગળની જરૂર ક્યાં સુધી? જ્યાં સુધી પેંડા, સાડલો વગેરે ચીજો વિશે જાણી ન શકાય ત્યાં સુધી. પછી તો તુરત ચીજો મેળવવા માટેનો પ્રયાસ કરવાનો હોય!

‘શાસ્ત્રોમાં ઈશ્વર-પ્રાપ્તિ કરવાના ઉપાયની વાતો મળે. પણ હકીકત બધી જાણીને પછી પોતે પ્રયત્ન શરૂ કરવો જોઈએ, તો વસ્તુ-પ્રાપ્તિ થાય.

‘એકલી પંડિતાઈમાં શું વળે? પંડિતો કેટલાય શ્લોકો, કેટલાંય શાસ્ત્રો જાણતા હોય. પણ જેને સંસારમાં આસક્તિ હોય, જેને કામ-કાંચન ઉપર મનમાં પ્રીતિ હોય, તેને શાસ્ત્રોની ધારણા થઈ નથી; તેનું ભણવું નિરર્થક. પંચાગમાં લખ્યું છે કે વીસ ઇંચ પાણી પડશે. પણ પંચાગ નિચોવ્યે એક ટીપુંય પડે નહિ. એક ટીપું તો પડ! પણ એકેય ટીપું ન પડે. (સૌનું હાસ્ય).

ગિરીશ (સહાસ્ય) – મહાશય, પંચાગ નિચોવ્યે એક ટીપુંય પડે નહિ? (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – પંડિત ખૂબ લાંબી લાંબી વાતો કરે, પણ તેની નજર ક્યાં? તો કામિની-કાંચન ઉપર, શરીર-સુખ અને પૈસા તરફ.

ગીધડું ખૂબ ઊંચે ઊડે, પણ નજર ઉકરડા ઉપર! (હાસ્ય). ક્યાં મરેલું જાનવર, ક્યાં સડેલું, ક્યાં ઉકરડો માત્ર એ જ શોધ્યા કરે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – નરેન્દ્ર ઘણો સારો; ગાવામાં, બજાવવામાં, ભણવા-ગણવામાં, વિદ્યામાં; તેમ વળી જિતેન્દ્રિય, વિવેક-વૈરાગ્યવાળો, સત્યવાદી; એમ તેનામાં ઘણા ગુણ.

(માસ્ટરને) કેમ ભાઈ, ઘણો સારો; ખરું ને?

માસ્ટર – જી હા, ઘણો સારો.

શ્રીરામકૃષ્ણ (એક બાજુએ, માસ્ટરને)- જુઓ, એનામાં (ગિરીશમાં) ખૂબ ઈશ્વરાનુરાગ અને શ્રદ્ધા છે.

માસ્ટર નવાઈ પામીને ગિરીશને એકીટશે જુએ છે. ગિરીશ ઠાકુરની પાસે હજી તો થોડાક દિવસ થયા જ આવે છે. પરંતુ માસ્ટરે જોયું કે એ જાણે કે પૂર્વના પરિચિત; જાણે કે ઘણા દિવસોની ઓળખાણ; જાણે કે પરમ આત્મીય, જાણે કે એક સૂત્રે ગૂંથાએલા મણિઓ માંહેનો એક મણિ!

નારાયણ – મહાશય, આપ ગીત ગાવાના નથી?

શ્રીરામકૃષ્ણ પોતાના એ જ મધુર કંઠે માનાં નામ-ગુણ ગાય છે :

‘જતન કરી હૈયે રાખો, આદરિણી શ્યામા માને,

મન તું જ દેખ, અને હું દેખું, બીજું કોઈ નવ ભાળે એને…

કામાદિને છેતરી રે મન, છાનુંમાનું જો શ્રીમાને,

જિહ્વાને સંગે રાખો સદા, જેથી મા, મા કહી એ બોલાવે.

(વચ્ચે વચ્ચે ક્યારેક મા કહી બોલાવે)

કુરુચિ કુસંગો જે, તેને પાસ ન આવવા દો,

જ્ઞાનચક્ષુને પ્રહરી બનાવો, જેથી સર્વદા જાગ્રત હો!

(તેને કહો રહે ખૂબ સાવધાન)…

ઠાકુર સંસારના ત્રિતાપથી તપ્ત સંસારી જીવનો ભાવ પોતામાં આરોપણ કરીને મા પાસે અભિમાન કરીને ગાય છે :

‘મા આનંદમયી થઈ, મને નિરાનંદ કરો મા,

એ બે ચરણ વિના મારું મન, બીજું કશું હવે જાણે ના.

યમરાજ મને મંદ કહે, એને શું કહું એ તો જાણું ના,

ભવાની નામ લઈને, ભવસાગર જઈશ તરીને. મનમાં હતી એ વાસના…

અફાટ સાગરે ડુબાવશે મને, સ્વપ્નેય તે જાણ્યું ના,

અહર્નિશ શ્રીદુર્ગા નામે તરું, તોય દુ:ખરાશિ ટળ્યો ના;

આ વખતે જો મરું, તો હે હરસુંદરી! તારું દુર્ગાનામ કોઈ લેશે ના.’

વળી નિત્યાનંદમયી – બ્રહ્માનંદની વાત ગાય છે :

‘શિવસંગે સદા રંગે, આનંદે મગના…

સુધા પીને ઢળે ઢળે, પણ ઢળી પડે ન મા;

વિપરીત રતાતુરા, પદભરે કંપે ધરા;

બંને બન્યા છે પાગલાથી પર, લજ્જાભયમાં માને ના..

ભક્તો નિ:સ્તબ્ધ થઈને ગીત સાંભળી રહ્યા છે. તેઓ એક નજરે ઠાકુરની અદ્‌ભુત, પ્રેમ-વિભોર, મગ્ન ભાવ-અવસ્થા જોઈ રહ્યા છે.

ગીત પૂરું થયું. થોડીક વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ કહે છે, ‘આજે ગીત બરાબર ગવાયાં નહિ; શરદી થઈ છે.’

Total Views: 351
ખંડ 51: અધ્યાય 5 : પુરુષ-પ્રકૃતિ - અધિકારી
ખંડ 51: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણનો ઈશાન, ડૉક્ટર સરકાર, ગિરીશ વગેરે ભક્તો સાથે શ્યામપુકુરના મકાનમાં આનંદ અને કથોપકથન - ગૃહસ્થાશ્રમ વિશે વાત