આસો સુદ ચૌદશ. નવરાત્રિના સપ્તમી, અષ્ટમી ને નવમી એ ત્રણ દિવસોએ મહામાયાની પૂજાનો મહોત્સવ થઈ ગયો છે. વિજયાદશમીને દિવસે પરસ્પરનાં પ્રેમાલિંગન વગેરે પૂરાં થઈ ગયાં છે. ભગવાન શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે કોલકાતાના શ્યામપુકુર નામના લત્તામાં નિવાસ કરી રહ્યા છે. શરીરમાં કઠિન વ્યાધિ, ગળામાં કેન્સર. બલરામને ઘેર જ્યારે હતા ત્યારે વૈદ્યરાજ ગંગાપ્રસાદ જોવા આવ્યા હતા. તેમને ઠાકુરે પૂછ્યું હતું કે ‘આ રોગ સાધ્ય કે અસાધ્ય?’ વૈદ્યરાજે એ પ્રશ્નનો કંઈ ઉત્તર આપ્યો ન હતો, મૂંગા રહ્યા હતા. અંગ્રેજી દાક્તરોએ પણ રોગ અસાધ્ય એવું સૂચન કર્યું હતું. હમણાં (હોમિઓપથી પ્રમાણે) ડૉક્ટર સરકારની દવા ચાલે છે.

આજ ગુરુવાર, ૨૨મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫, સુદ ચૌદશ, શ્યામપુકુરની અંદર બે મજલાના એક ઘરમાં બીજે માળે શ્રીરામકૃષ્ણ. ઓરડામાં બિછાનું કરવામાં આવ્યું છે તેમાં શ્રીરામકૃષ્ણ બેઠા છે. ડૉક્ટર સરકાર, શ્રીયુત્ ઈશાનચંદ્ર મુખોપાધ્યાય તથા ભક્તો સામે અને ચારે બાજુએ બેઠેલા છે. ઈશાન બહુ દાનવીર. પેન્શન ઉપર ઊતર્યા છતાં દાન કરે, કરજ કરીને પણ દાન કરે. અને હંમેશાં ઈશ્વર-ચિંતનમાં રહે. ઠાકુરનો મંદવાડ સાંભળીને તે તેમને જોવા આવ્યા છે. ડૉક્ટર સરકાર ચિકિત્સા કરવા આવે, તે છ સાત કલાક સુધી બેસી રહે. શ્રીરામકૃષ્ણ પર ખૂબ શ્રદ્ધા-ભક્તિ રાખે અને ભક્તોની સાથે વહાલાં સગાં જેવો વ્યવહાર રાખે.

રાતના લગભગ સાત વાગ્યા છે. બહાર જ્યોત્સ્ના. પૂર્ણ પ્રફુલ્લ નિશાનાથ જાણે કે ચારે બાજુ અમૃત રેલાવી રહ્યો છે. અંદર દીવાનો પ્રકાશ. ઓરડામાં ઘણાય માણસો; કેટલાય એ મહાપુરુષનાં દર્શન કરવા આવ્યા છે. સૌ એક નજરે તેમના પ્રત્યે જોઈ રહ્યા છે; એ શું બોલે તે સાંભળવા, એ શું કરે તે જોવા. ઈશાનને જોઈને ઠાકુર શ્રીરામકૃષ્ણ કહે છે :

(નિર્લિપ્તસંસારી – નિર્લિપ્ત બનવાનો ઉપાય)

‘જે સંસારી ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ રાખીને સંસાર કરે, એ ધન્ય! એ વીરપુરુષ! જેમ કે એક જણના માથા પર બે મણનો બોજો છે, વરઘોડો જાય છે. માથે બે મણનો બોજો તોય તે વરઘોડો જુએ છે! અંદર ખૂબ શક્તિ ન હોય તો એ ન બને. જેમ કે કાદવી માછલી, કાદવમાં રહે પરંતુ શરીરે જરાય કાદવ નહિ. જળકૂકડી જળમાં વારંવાર ડૂબકી મારે પણ પાંખોને એક વાર ખંખેરી નાંખતાંની સાથે જ શરીર પર જળ રહે નહિ.

‘પણ સંસારમાં અલિપ્ત થઈને રહેવું હોય તો કંઈક સાધના જોઈએ. થોડા દિવસ એકાંતમાં રહેવાની જરૂર છે; પછી એક વરસ હો, છ મહિના હો, ત્રણ મહિના હો, કે એક મહિનો હો. એકાંતમાં ઈશ્વર-ચિંતન કરવું જોઈએ. આતુરતાથી ઈશ્વરની ભક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ અને મનમાં મનમાં કહેવું જોઈએ કે ‘મારું આ સંસારમાં કોઈ નથી. જેમને મારાં કહું છું તેઓ બે દિવસ માટે છે. એક માત્ર ભગવાન જ મારા પોતાના. એ જ મારું સર્વસ્વ. અરેરે! કેમ કરીને તેમને પામું!’

‘ભક્તિ-પ્રાપ્તિ થયા પછી સંસાર ચલાવી શકાય. જેવી રીતે હાથે તેલ લગાવીને ફણસ કાપીએ તો હાથમાં તેનું ચીકણું દૂધ ચોંટી જાય નહિ તેમ. સંસાર પાણી જેવો, અને માણસનું મન જાણે કે દૂધ. પાણીમાં જો દૂધ રાખવા જાઓ તો દૂધ-પાણી ભળીને એક થઈ જાય. એટલા માટે દૂધનું એકાંત જગામાં દહીં જમાવવું જોઈએ. દહીં જમાવીને માખણ કાઢવું જોઈએ. માખણ કાઢીને પછી જો પાણીમાં રાખો તો એ પાણીમાં ભળી જાય નહિ. અલિપ્ત રહીને તર્યા કરે.’

‘બ્રાહ્મ-સમાજીઓ મને કહેતા કે મહાશય! અમારું તો જનક રાજાની પેઠે. તેમની પેઠે અલિપ્ત રહીને અમે સંસાર કરીશું. મેં કહ્યું કે અલિપ્ત રહીને સંસાર કરવો બહુ કઠણ. મોઢેથી બોલ્યે જ જનક રાજા નહિ થઈ જવાય. જનક રાજાએ ઊંધે માથે, પગ ઊંચા રાખીને કેટલી તપશ્ચર્યા કરી હતી! તમારે એની પેઠે ઊંધે માથે ઊંચા પગ રાખવાના નથી; પણ સાધના જોઈએ. એકાંતમાં રહેવું જોઈએ. એકાંતમાં જ્ઞાન-પ્રાપ્તિ, ભક્તિ-પ્રાપ્તિ કર્યા પછી સંસાર કરવો જોઈએ. દહીંને એકાંતમાં જમાવવું જોઈએ. હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ.’

‘જનક રાજા અલિપ્ત હતા. એટલે તેમનું એક નામ હતું વિદેહી; એટલે કે તેનામાં દેહ-બુદ્ધિ નહિ. સંસારમાં રહેવા છતાં જીવન્મુક્ત થઈને ફરતા. પરંતુ દેહ-ભાવના જવી બહુ જ કઠણ! ખૂબ સાધના જોઈએ!

જનક ભારે વીર પુરુષ. એ બે તલવાર ફેરવતા, એક જ્ઞાનની અને બીજી કર્મની.’

(ગૃહસ્થાશ્રમનું જ્ઞાન અને સંન્યાસાશ્રમનું જ્ઞાન)

શ્રીરામકૃષ્ણ – જો પૂછો કે ગૃહસ્થાશ્રમનો જ્ઞાની અને સંન્યાસ-આશ્રમનો જ્ઞાની, એ બેઉમાં ફેર છે કે નહિ? તો તેનો જવાબ એ કે બેઉ એક જ વસ્તુ. આ પણ જ્ઞાની અને એ પણ જ્ઞાની, એક જ વસ્તુ. પણ સંસારમાં જ્ઞાનીને પણ ભય છે. કામ-કાંચનની અંદર રહે એટલે થોડી બીક છે જ. કાજળની કોટડીમાં રહેવા જાઓ એટલે ગમે તેટલા ચાલાક હો તો પણ જરાક તો કાળો ડાઘ લાગે જ.

‘માખણ કાઢીને જો નવી દોણીમાં રાખો, તો માખણ ગંધાવાનો સંભવ ન રહે. પણ જો છાશની દોણીમાં રાખો તો બીક રહે.’ (સૌનું હાસ્ય).

‘ધાણી જ્યારે ફૂટતી હોય ત્યારે બે ચાર દાણા તાવડામાંથી ટપટપ ઊડી પડે. એ જાણે કે મોગરાનાં ફૂલ જેવા, ઉપર જરાય ડાઘ નહિ. તાવડામાંય ઉપરના ભાગમાં જે ધાણી હોય, એ પણ મજાની ધાણી; પણ સાવ ફૂલ જેવી નહિ. અંગે જરાક ડાઘ હોય. સંસારી-ત્યાગી સંન્યાસી જો જ્ઞાન પ્રાપ્ત કરે, તો બરાબર આ મોગરાના ફૂલ જેવા, ધાણીની પેઠે ડાઘ રહિત થાય. અને જ્ઞાન થાય પછી સંસાર-રૂપી તાવડામાં રહે તો અંગે જરાક રાતો ડાઘ લાગે ખરો. (સૌનું હાસ્ય).

‘જનક રાજાની સભામાં એક ભૈરવી આવી હતી. સ્ત્રીને જોઈને જનક-રાજા નીચું માથું કરીને આંખો નીચી ઢાળી રહ્યા હતા. તે જોઈને પેલી ભૈરવી બોલી ઊઠી કે ‘હે જનક! તમને હજી સ્ત્રી જોઈને ડર લાગે છે!’ પૂર્ણ જ્ઞાન થયે પાંચ વરસના છોકરાના જેવો સ્વભાવ થાય. એ વખતે પછી સ્ત્રી, પુરુષ એવી ભેદબુદ્ધિ રહે નહિ.

‘ગમે તેમ પણ જોકે સંસારી જ્ઞાનીને અંગે ડાઘ હોઈ શકે, તો પણ એ ડાઘથી તેને કોઈ પ્રકારની હાનિ થાય નહિ. ચંદ્રમાં કલંક છે ખરું, પણ તેથી તેના પ્રકાશમાં વાંધો આવતો નથી.’

(જ્ઞાન પછી કર્મ – લોકસંગ્રહાર્થે)

‘કોઈ કોઈ જ્ઞાન-પ્રાપ્તિ પછી લોકશિક્ષણ સારુ કર્મ કરે; જેમ કે જનક, નારદ વગેરે. લોકશિક્ષણને માટે શક્તિ જોઈએ. ઋષિઓ પોતપોતાનાં જ્ઞાન સારુ આતુર હતા. નારદ વગેરે આચાર્યાે લોકના હિતને ખાતર ફર્યા કરતા. તેઓ વીર પુરુષ.’

‘નાનકડું લાકડું જ્યારે તરતું હોય ત્યારે તેના પર એક પંખી બેસે તોય ડૂબી જાય. પણ મોટું ઇમારતી લાકડું જ્યારે તરતું જતું હોય ત્યારે ગાય, માણસ, અરે હાથી સુધ્ધાં તેની ઉપર થઈને જઈ શકે. સ્ટીમબોટ પોતે પણ પાર થઈ જાય અને બીજા કેટલાય માણસોને પણ પાર ઉતારે.’

નારદ વગેરે આચાર્યાે ઇમારતી લાકડાં જેવા, સ્ટીમબોટના જેવા.

‘કોઈ કોઈ ખાઈને રૂમાલથી મોઢું લૂછી નાખે; વખતે બીજા કોઈને ખબર પડી જાય તો? (સૌનું હાસ્ય). કોઈ વળી એકાદી સારી કેરી મળી હોય તો કાપીને જરા જરા સૌને આપે અને પોતે પણ ખાય.’

‘નારદ વગેરે આચાર્યાે સહુના મંગલ માટે જ્ઞાન-પ્રાપ્તિ પછી પણ ભક્તિ લઈને રહ્યા હતા.’

Total Views: 367
ખંડ 42: અધ્યાય 3 : ભક્તો સાથે ભજનાનંદે
ખંડ 42: અધ્યાય 4 : સંધ્યાસમાગમે