ડૉક્ટરે ઠાકુરને દવા આપી; બે (Globule) ઝીણી ઝીણી ગોળીઓ. કહે છે કે આ બે ગોળીઓ આપું છું, પુરુષ અને પ્રકૃતિ. (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (હસીને) – હા, એ બન્ને એક સાથે જ રહે.

પારેવાં જોયાં નથી? જુદાં રહી શકે નહિ. જ્યાં પુરુષ ત્યાં પ્રકૃતિ; જ્યાં પ્રકૃતિ ત્યાં જ પુરુષ.

આજે વિજયાદશમી. ઠાકુરે ડૉક્ટરને મીઠું મોઢું કરવાનું કહ્યું. ભક્તોએ મીઠાઈ લાવી આપી.

ડૉક્ટર (ખાતાં ખાતાં) – મીઠાઈને માટે Thank you દઉં છું, તમે આવો સુંદર ઉપદેશ આપ્યો તેના સારુ નહિ. એ Thank you મોઢેથી બોલી બતાવવો શા માટે?

શ્રીરામકૃષ્ણ (હસીને) – ઈશ્વરમાં મન રાખવું, વધુ શું કહું? અને જરા જરા ધ્યાન કરતા રહેવું. (છોટા નરેનને બતાવીને) જુઓ જુઓ, આનું મન ઈશ્વરમાં એકદમ લીન થઈ જાય છે. જે બધી વાતો તમને કરી હતી –

ડૉક્ટર – આમને એ બધી કહો.

શ્રીરામકૃષ્ણ – જેના પેટને જે ગોઠે. એ બધી વાતો શું સહુ કોઈ લઈ શકે? તમને કહેવું એ જુદી વાત. ઘરમાં તહેવાર આવ્યો. એક માને ચાર પાંચ છોકરાં. સૌની રુચિ એક સરખી ન હોય, એટલે માએ ચણાના લોટમાંથી એક છોકરાને મોહનથાળ, એકને મેસુબ, કોઈને બુંદીના લાડુ, કોઈને મગજ, તો કોઈને વળી સેવ ગાંઠિયા, ભજિયાં, તો કોઈને વળી ચણાના લોટનો સાદો પુડલો જ કરી આપ્યો. એનું પેટ નબળું! (સૌનું હાસ્ય).

ડૉક્ટર ચાલ્યા ગયા. આજે વિજયાદશમી. ભક્તો બધાએ ઠાકુર શ્રીરામકૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની ચરણરજ લીધી. ત્યાર પછી આનંદથી પરસ્પરને ભેટવા લાગ્યા. આનંદનો પાર નહિ. ઠાકુરને ગળાનું આટલું દર્દ, પણ તેમણે એ બધું ભુલાવી દીધું છે. પ્રેમાલિંગન અને મીઠું મોંઢું કરાવવાનું કેટલીયે વાર સુધી ચાલી રહ્યું છે. ઠાકુરની પાસે છોટો નરેન, માસ્ટર અને બીજા બે ચાર ભક્તો બેઠા છે. ઠાકુર આનંદથી વાતો કરી રહ્ય છે. ડૉક્ટરની વાત નીકળી.

શ્રીરામકૃષ્ણ – ડૉક્ટરને હવે વધુ કંઈ કહેવું પડશે નહિ.

ઝાડ કાપવાનું પૂરું થવા આવે એટલે જે વ્યક્તિ કાપે તે જરા બાજુએ ખસી જાય. થોડી વાર પછી ઝાડ એની મેળે પડી જાય.

છોટો નરેન (હસીને) – બધુંય Principle (સિદ્ધાંત)!

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – ડૉક્ટર ઘણા બદલાઈ ગયા છે, નહિ?

માસ્ટર – જી હા. અહીં આવે ત્યારે ભાનભૂલ્યા થઈ જાય. શી દવા આપવાની, એ વાતનો જરાય ઉલ્લેખ કરે નહિ. અમે યાદ કરી દઈએ ત્યારે બોલી ઊઠે કે ‘હા હા, દવા આપવાની છે!’

દીવાનખાનામાં કોઈ કોઈ ભક્તો ભજન ગાતા હતા.

ઠાકુર જે ઓરડામાં છે તે ઓરડામાં તેઓ આવ્યા એટલે ઠાકુર કહે છે કે ‘તમે લોકો કીર્તન કરતા હતા તેમાં તાલ કેમ બરાબર ન હતો? કોઈ એક જણ બેતાલ-સિદ્ધ હતો! આ પણ એવું જ. (સૌનું હાસ્ય).

છોટા નરેનનો સગો એક છોકરો આવ્યો છે. ખૂબ ઠઠારાબંધ, અને આંખે ચશ્માં. ઠાકુર છોટા નરેનની સાથે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ – જુઓ, આ રસ્તેથી એક છોકરો જતો હતો. તેણે વચ્ચે કિનાર વાળેલો શર્ટ પહેરેલો. તેનો ચાલવાનો શો ઢંગ! શર્ટની કિનાર ખુલ્લી રાખીને, ઉપરની ચાદર કાઢી નાખેલ; વળી આણીકોર પેલીકોર જુએ. એમ જે મને કોઈ જુએ છે કે નહિ. ચાલતી વખતે પગ ભાંગેલા હોય તેવો. જોજે ને એક વાર. (સૌનું હાસ્ય).

‘મોર કળા ચડાવીને પીંછાં બતાવે, પણ પગ ભારે કદરૂપા. (સૌનું હાસ્ય). ઊંટ બહુ જ બેડોળ, તેનુંય બધું કદરૂપું.

છોટા નરેનનો સગો – પણ વર્તન સારું.

શ્રીરામકૃષ્ણ – હા સારું, પણ કાંટાનાં ઝાંખરાં ખાય. મોઢેથી લોહી પડે, તોય ખાય. સંસારી લોકોનાં પણ છોકરાં મરે, છતાં વળી છોકરાં છોકરાં કરે!

Total Views: 383
ખંડ 51: અધ્યાય 4 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને અવતારવાદ
ખંડ 42: અધ્યાય 3 : ભક્તો સાથે ભજનાનંદે