ધીમે ધીમે સંધ્યા થઈ. સિંધુના વક્ષ:સ્થળ પર આકાશની આસમાની છાયા પડી છે. ગાઢ અરણ્યમાં, ગગનચુંબિત પર્વતશિખર પર, વાયુવિકમ્પિત નદીને તીરે, દિગંતવ્યાપી મેદાનમાં, ક્ષુદ્ર માનવીના અંતરમાં પણ સહેજે આવા વિચારો આવે, કે આ ભગવાન ભાસ્કર કે જે હમણાં જ ચરાચર વિશ્વને પ્રકાશિત કરી રહ્યા હતા તે ક્યાં ગયા? બાળક આવા વિચાર કરે છે; તેમજ આવા વિચાર કરી રહ્યા છે – બાળક-સ્વભાવવાળા મહાપુરુષ. સંધ્યા થઈ. શી નવાઈ! કોણે એ પ્રમાણે કર્યું? પક્ષીઓ વૃક્ષની શાખાઓમાં આશ્રય લઈને કલરવ કરી રહ્યાં છે. માણસોમાંથી જેમનામાં ચૈતન્ય જાગ્યું છે તેઓ પણ એ આદિકવિ કારણના કારણ પુરુષોત્તમનું નામ-સ્મરણ કરી રહ્યા છે.

જોતજોતામાં સંધ્યા થઈ ગઈ. ભક્તો જે જે જગાએ બેઠા હતા તે જ જગાએ બેસી રહ્યા. શ્રીરામકૃષ્ણ મધુર નામ-કીર્તન કરી કહ્યા છે. સૌ ઉત્કંઠ અને ઉત્કર્ણ થઈને સાંભળી રહ્યા છે. એવું મીઠું ભગવન્નામ તેઓએ ક્યારેક સાંભળ્યું નથી; જાણે કે સુધા વરસી રહી છે. એવું પ્રેમભર્યું બાળકનું ‘મા, મા’ ઉચ્ચારણ તેમણે ક્યારેય સાંભળ્યું નથી કે જોયું નથી; આકાશ, પર્વત, મહાસાગર, મેદાન, વન વગેરે જોવા જવાનું હવે શું પ્રયોજન? ગાયનું શિંગડું, પદાદિ અને શરીરના અન્ય અંશો એ બધું જોવાનું શું પ્રયોજન? દયામય ગુરુદેવે જે ગાયના આંચળની વાત કહી હતી તેને જ શું આ ઓરડામાં પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ? સૌનાં અશાંત મન કેમ કરીને શાંત થયાં? નિરાનંદ ધરા શેનાથી આનંદમાં તરવા લાગી? શા માટે ભક્તોને શાંત અને આનંદમય જોઈએ છીએ? આ પ્રેમી સંન્યાસી શું સુંદર રૂપધારી અનંત ઈશ્વર? અહીં જ શું દૂધના પિપાસુઓની તૃષા શાંત થશે? અવતાર હો યા ન હો, આમને ચરણે મન ધરી દીધું છે, તે હવે ફેરવવાનું સામર્થ્ય નથી. આમને જ કર્યા છે જીવનના ધ્રુવતારા. જોઈએ કે આમના હૃદય-સરોવરમાં એ આદિપુરુષ કેવી રીતે પ્રતિબિંબિત થયા છે!

ભક્તો કોઈ કોઈ એ પ્રમાણે વિચાર કરી રહ્યા છે અને ઠાકુર શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી ઝરતાં હરિ-નામ અને માનાં નામ સાંભળીને પોતાને કૃતાર્થ માને છે. નામ-ગુણ-કીર્તનને અંતે ઠાકુર પ્રાર્થના કરે છે. કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એ વિશે જાણે કે સાક્ષાત્ ભગવાન પ્રેમદેહ ધારણ કરીને જીવોને ઉપદેશ દઈ રહ્યા છે. ઠાકુર બોલે છે, ‘મા, હું તમારો શરણાગત, શરણાગત! દેહસુખ મને જોઈએ નહિ. મા, માનપાન મને જોઈએ નહિ. મા, (અણિમા વગેરે) અષ્ટ સિદ્ધિ મને જોઈએ નહિ. મા, માત્ર એટલું કરો કે તમારાં ચરણકમલમાં મને શુદ્ધ ભક્તિ આવે, નિષ્કામ, અમલા, અહેતુકી ભક્તિ! અને મા, તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન થાઉં! તમારી માયાના સંસારમાં કામ-કાંચનની ઉપર પ્રેમ ક્યારેય ન થાઓ! મા, તમારા વિના મારું બીજું કોઈ નથી! હું ભજનહીન, સાધનહીન, જ્ઞાનહીન, ભક્તિહીન; કૃપા કરીને મા, તમારાં શ્રીચરણકમલમાં મને ભક્તિ આપો!’

મણિ વિચાર કરી રહ્યા છે કે જે દિવસની ત્રણેય સંધ્યા સમયે ભગવાનનું નામ લઈ રહ્યા છે, જેના શ્રીમુખથી નીકળતી નામ-ગંગા તૈલધારાની પેઠે અખંડ વહે છે, તેને વળી સંધ્યા શી? મણિ પાછળથી સમજ્યા કે લોકોપદેશને માટે ઠાકુરે માનવદેહ ધારણ કર્યો છે.

– ‘હરિએ પોતે આવી યોગી વેશે, કર્યું નામ-સંકીર્તન.’

ગિરીશે ઠાકુરને આમંત્રણ આપ્યું છે. એ જ રાત્રે જવું પડશે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશને) – રાતે મોડું નહિ થઈ જાય?

ગિરીશ – ના, આપને ગમે ત્યારે જજો. મારે આજે થિયેટરે જવું પડશે, એ લોકોનો ઝઘડો પતાવવા.

Total Views: 360
ખંડ 51: અધ્યાય 6 : શ્રીરામકૃષ્ણનો ઈશાન, ડૉક્ટર સરકાર, ગિરીશ વગેરે ભક્તો સાથે શ્યામપુકુરના મકાનમાં આનંદ અને કથોપકથન - ગૃહસ્થાશ્રમ વિશે વાત
ખંડ 51: અધ્યાય 7 : યુગધર્મ વિશેની વાત - જ્ઞાનયોગ અને ભક્તિયોગ