ડૉક્ટર – જ્ઞાન થયે માણસ અવાક બની જાય; આંખ મીંચાઈ જાય અને આંખમાં આંસુ આવે. ત્યારે ભક્તિની જરૂર પડે.

શ્રીરામકૃષ્ણ – ભક્તિ સ્ત્રી જાતિ, એટલે અંતઃપુર સુધી જઈ શકે. જ્ઞાન બહારની દોઢી સુધી જઈ શકે. (સૌનું હાસ્ય).

ડૉક્ટર – પણ અંતઃપુરમાં જેને તેને જવા દેવાય નહિ. ખરાબ સ્ત્રીઓ ત્યાં ન જઈ શકે. જ્ઞાની જોઈએ.

શ્રીરામકૃષ્ણ – ખરો રસ્તો જાણતો ન હોય, પણ ઈશ્વરમાં ભક્તિ હોય, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખતો હોય તો એવો માણસ એકલી ભક્તિને જોરે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. એક જણ મોટો ભક્ત, જગન્નાથનાં દર્શન કરવા નીકળ્યો. જગન્નાથપુરી જવાનો રસ્તો કયો તે એ જાણતો ન હતો એટલે દક્ષિણમાં જવાને બદલે પશ્ચિમમાં ચાલ્યો ગયો. રસ્તો ભૂલ્યો ખરો, પણ આતુર થઈને માણસોને પૂછવા લાગ્યો. લોકોએ બતાવ્યું કે ‘આ રસ્તો નહિ, પણ પેલો રસ્તો.’ છેવટે એ ભક્તે પુરી પહોંચીને શ્રીજગન્નાથનાં દર્શન કર્યાં. ન જાણે તોય કોઈકને કોઈક બતાવી દે.

ડૉક્ટર – પણ એ ભૂલો તો પડ્યો હતો ને.

શ્રીરામકૃષ્ણ – હા એમ થાય ખરું. પણ છેવટે પહોંચે ખરો.

એક જણે પૂછ્યું – ઈશ્વર સાકાર કે નિરાકાર?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર સાકાર તેમજ નિરાકાર. એક સંન્યાસી જગન્નાથનાં દર્શન કરવા ગયો હતો. જગન્નાથનાં દર્શન કરતી વખતે તેના મનમાં વિચાર ઊઠ્યો કે ભગવાન સાકાર કે નિરાકાર? તેના હાથમાં દંડ હતો તે દંડ લઈને જોવા લાગ્યો કે ભગવાનના શરીરને અડે છે કે નહિ. એક વાર આ બાજુથી પેલી બાજુ દંડ લઈ જતી વખતે જોયું તો દંડ શ્રીજગન્નાથની મૂર્તિને અડ્યો નહિ. તેને થયું કે ત્યાં ભગવાનની મૂર્તિ નથી! વળી પેલી બાજુથી દંડ આ બાજુ લઈ જતી વખતે જોયું તો દંડ ભગવાનની મૂર્તિને અડ્યો; એ પરથી સંન્યાસી સમજ્યો કે ઈશ્વર નિરાકાર તેમજ સાકાર!

‘પરંતુ આ વસ્તુની ધારણા થવી બહુ કઠણ. જે નિરાકાર તે જ વળી સાકાર કઈ રીતે થઈ શકે! એ શંકા મનમાં થાય. તેમજ વળી સાકાર હોય તો જુદાં જુદાં રૂપ શા માટે?’

ડૉક્ટર – જેમણે આકાર કર્યા છે તે સાકાર. વળી તેમણે ઇચ્છા કરી એટલે તે નિરાકાર, એ બધુંય થઈ શકે.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ પાકું સમજાય નહિ.

ઈશ્વર સાધકોને માટે જુદાં જુદાં રૂપો ધારણ કરે. એક જણની પાસે એક રંગનું કૂંડું હતું. ઘણાય માણસો તેની પાસે કપડું રંગાવવા આવતા. એ માણસ પૂછતો કે તમારે કેવો રંગ કરવો છે? એક જણ એમ કહેતો કે ‘મારે લાલ રંગે રંગવું છે.’ તરત જ પેલો રંગારો કૂંડામાં કપડું બોળીને કહેતો, ‘આ લો તમારું લાલ રંગનું કપડું.’ બીજો વળી કહે કે ‘મારે પીળા રંગમાં રંગવું છે’. તો તરત તે રંગારો એ જ કૂંડામાં કપડું બોળીને કહેતો કે ‘આ લો તમારો પીળો રંગ.’ વાદળી રંગમાં રંગવાની કોઈની ઇચ્છા હોય તો પણ એ એક જ કૂંડામાં બોળીને કહેતો કે, ‘આ લો તમારું વાદળી રંગનું કપડું.’ એ પ્રમાણે જે માણસ જે રંગમાં રંગવા ઇચ્છતો તેનું કપડું એ જ રંગનું તે એકના એક જ કૂંડામાંથી રંગાઈને આવતું. એક જણ એ વિસ્મયકારક ઘટના જોઈ રહ્યો હતો. રંગારાએ તેને પૂછ્યું, ‘કેમ ભાઈ! તમારે કયા રંગમાં રંગવું છે?’ એટલે પેલાએ જવાબ આપ્યો કે ‘ભાઈ! તમે જે રંગે રંગાયા છો એ રંગ મને આપો!’ (સૌનું હાસ્ય).

‘એક જણ શૌચ ગયો હતો. તેણે જોયું કે સામેના ઝાડ ઉપર એક સુંદર જાનવર બેઠું છે. પાછા જઈને તેણે બીજા એક જણને કહ્યું કે ભાઈ! અમુક ઝાડ ઉપર હું એક લાલ રંગનું જાનવર જોઈ આવ્યો! પેલાએ જવાબ આપ્યો કે મેં પણ એ જોયું છે, પણ એ લાલ રંગનું ક્યાં છે? એ તો લીલા રંગનું છે! ત્રીજો વળી બોલી ઊઠ્યો, ના ના; લીલા રંગનું શેનું? એ તો જાંબુડિયા રંગનું છે વગેરે. આખરે એ બધા વચ્ચે ઝઘડો. એટલે તે બધાએ એ ઝાડની નીચે જઈને જોયું તો એક માણસ બેઠો હતો. તેને પૂછતાં તેણે કહ્યું કે હું આ ઝાડની નીચે રહું છું ને એ જાનવરને સારી રીતે ઓળખું છું. તમે બધા જે જે કહો છો એ બધુંય ખરું. એ ક્યારેક લાલ, ક્યારેક લીલું, ક્યારેક પીળું, ક્યારેક વળી વાદળી, અને એ ઉપરાંતેય તે કેટલાય રંગનું થાય છે. વળી ક્યારેક જોઉં છું તો તેનો કોઈ રંગ જ હોતો નથી.’

‘જે વ્યક્તિ હંમેશાં ઈશ્વર-ચિંતન કરે, તે જ જાણી શકે કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે. એ જ વ્યક્તિ જાણે કે ઈશ્વર જુદે જુદે રૂપે, જુદે જુદે ભાવે દર્શન દે. એ સગુણ તેમજ નિર્ગુણ. ઝાડ નીચે જે રહે તે જ જાણે કે કાકીડાના અનેક રંગ, ને વળી ક્યારેક ક્યારેક તો એક્કેય રંગ નહિ. બીજા માણસો અમથા ઝઘડા કરીને હેરાન થાય એટલું જ!

‘ઈશ્વર સાકાર તેમજ નિરાકાર. એ શેના જેવું ખબર છે? જાણે કે સચ્ચિદાનંદરૂપી સમુદ્ર. તેનો ક્યાંય કિનારો નહિ. ભક્તિરૂપી હિમથી એ સમુદ્રમાં ઠેકઠેકાણે પાણીનો બરફ થઈ જાય, પાણીમાં બરફના ગઠ્ઠા જામે; એટલે કે ભક્તની પાસે એ જ સચ્ચિદાનંદ પ્રત્યક્ષ થઈને ક્યારેક સાકાર રૂપ ધારણ કરીને દર્શન દે. વળી પાછો જ્ઞાન-સૂર્ય ઊગે એટલે એ બરફ ઓગળી જાય.

ડૉક્ટર – સૂર્ય ઊગે એટલે બરફ ઓગળીને પાણી થઈ જાય. તેમજ તમને ખબર છે, કે પાણી પાછું નિરાકાર વરાળ થઈ જાય?

શ્રીરામકૃષ્ણ – અર્થાત્ ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ એ વિચાર પછી સમાધિ થાય ત્યારે રૂપ બૂપ ઊડી જાય. એ વખતે પછી ઈશ્વર એક વ્યક્તિ (Person) એમ ન લાગે. એ શું તે મોઢેથી કહી શકાય નહિ. કોણ કહે? જે કહે તે જ ન રહે. કહેનાર પોતે પોતાને જ શોધી શકે નહિ. ત્યારે બ્રહ્મ નિર્ગુણ (Absolute). એ વખતે બ્રહ્મનો કેવળ અનુભવમાં અનુભવ થાય. મન, બુદ્ધિ દ્વારા તેને ગ્રહણ કરી શકાય નહિ (Unknown and Unknowable).

‘એટલે કહે છે કે ભક્તિ એ ચંદ્ર અને જ્ઞાન એ સૂર્ય. કહેવાય છે કે ખૂબ ઉત્તરમાં અને ખૂબ દક્ષિણમાં સમુદ્ર છે. ત્યાં એટલી બધી ઠંડી પડે છે કે પાણી ઠરી જઈને ઠેકઠેકાણે બરફનાં મોટાં ચોસલાં જામી જાય, વહાણ ચાલી શકે નહિ. ત્યાં જઈને અટકી જાય.’

ડૉક્ટર – ભક્તિ-માર્ગે માણસ અટકી જાય.

શ્રીરામકૃષ્ણ – હા, અટકે ખરો, પણ તેથી તેને નુકસાન થાય નહિ. કારણ કે એ સચ્ચિદાનંદ સાગરનું પાણી જ જામી જઈને બરફ થઈ ગયું છે. જો એથી આગળ વધીને તર્ક કરવા ઇચ્છો, જો ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ એ વિચાર કરો, તો તેમાંય વાંધો નહિ. ‘જ્ઞાન-સૂર્ય’થી બરફ ઓગળી જશે. એટલે પછી એનો એ જ સચ્ચિદાનંદ સાગર રહ્યો.

(કાચો અહં અને પાકો અહં – ભક્તનો અહં – બાળકનો અહં)

‘જ્ઞાન-વિચારને અંતે સમાધિ થાય, એટલે ‘હું’ બું કંઈ રહે નહિ. પરંતુ સમાધિ થવી બહુ જ કઠણ. ‘અહં’ કોઈ રીતે જાય નહિ. એટલા માટે ફરી ફરીને આ સંસારમાં આવવું પડે.

બળદ ‘હંમા હંમા’ (હું, હું) એમ કરે એટલે તેને કેટલું કષ્ટ! આખો દિવસ હળ તાણવું પડે. પછી ભલે ને ઉનાળો હોય કે ચોમાસું હોય. પછી તેને કસાઈ કાપે. એટલાથીયે છુટકારો નહિ. ચમાર તેનું ચામડું કમાવીને તૈયાર કરે. તેમાંથી જોડા બને. આખરે પેટની નાડીઓમાંથી તાંત બને અને એ પછી પિંજારાના હાથમાં પડીને જ્યારે ‘તુંહું તુંહું’ (તું, તું) બોલે ત્યારે છુટકારો થાય.

‘તેમ જ્યારે જીવ કહે છે ‘નાહં નાહં નાહં’ હું કંઈ નહિ, હે ઈશ્વર! તમે માલિક; હું દાસ, તમે પ્રભુ – ત્યારે જ છુટકારો; ત્યારે જ મુક્તિ.’

ડૉક્ટર – પણ પિંજારાના હાથમાં પડવું જોઈએ ને? (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – જો કેમે કર્યાે ‘હું’ જાય નહિ તો રહે સાલા, ‘દાસ હું’ થઈને. (સૌનું હાસ્ય).

‘સમાધિ થયા પછી પણ કોઈ કોઈનો અહંકાર રહે, ‘દાસ અહં’, ‘ભક્તનો અહં.’ શંકરાચાર્યે ‘વિદ્યાનો અહં’ લોકોપદેશને માટે રહેવા દીધો હતો. ‘દાસનો અહં’, ‘વિદ્યાનો અહં,’ ‘ભક્તનો અહં,’ એનું જ નામ ‘પાકો અહં.’ ‘કાચો અહં’ કોને કહેવાય ખબર છે? ‘હું માલિક, હું અમુક મોટા માણસનો દીકરો, હું વિદ્વાન, હું પૈસાવાળો, મને આવી વાત કરે છે!’ એવો બધો ભાવ. જો કોઈ તેના ઘરમાં ચોરી કરે અને જો તેને પકડી શકે તો પહેલાં તો એ ચીજવસ્તુ ખૂંચવી લે! ત્યાર પછી તેને સારી રીતે પીટે. ત્યાર પછી તેને પોલીસમાં સોંપી દે! કહેશે કે ‘એંહ્!ખબર નથી, કે કોને ત્યાં ચોરી કરી છે?’

‘ઈશ્વર-પ્રાપ્તિ થયે પાંચ વરસના બાળક જેવો સ્વભાવ થઈ જાય. બાળકનો અહં અને પાકો અહં. બાળક કોઈ ગુણને વશ નહિ. ત્રિગુણાતીત; સત્ત્વ, રજસ્ કે તમસ્ કોઈ ગુણને વશ નહિ. જુઓ, છોકરું તમોગુણને વશ પણ નહિ. એક ઘડી પહેલાં ઝઘડો મારામારી કરી હોય, પણ તરત જ જેની સાથે લડ્યું હોય તે જ છોકરાને ખભે હાથ નાખીને કેટલો પ્રેમ, કેટલી રમત કરે! બાળક રજોગુણને પણ વશ નહિ. એક ઘડી પહેલાં માટીનો કૂબો બનાવ્યો હોય, તેની કેટલી બધી સંભાળ ને કાળજી! પણ થોડી વારમાં એ બધુંય પડતું મૂકીને માની પાસે દોડી જાય! ક્યારેક એકાદું કિંમતી કપડું પહેરીને ફરતું હોય, થોડી વાર પછી કપડું નીકળી પડ્યું! એ કપડું ત્યાં જ પડ્યું રહે. એ કપડાં વિશે તદૃન બેપરવા, ને કાં તો બગલમાં નાખીને ફરતું હોય!’ (હાસ્ય).

જો એ બાળકને કહો કે ‘વાહ, આ તો બહુ મજાનું કાપડ! અલ્યા, કોનું કપડું છે?’ તો કહેશે કે ‘મારું છે! મારા બાપુએ આપ્યું છે!’ જો કહો કે ‘ડાહ્યો દીકરો! મને કપડું આપી દે ને?’ તો કહેશે કે ‘ના, મારું કપડું છે. મારા બાપુએ આપ્યું છે; ના, હું નહિ દઉં!’ પણ ત્યાર પછી તેને ભુલાવીને જો પૂતળી કે એકાદ સિસોટી તેના હાથમાં આપો તો એ પાંચ રૂપિયાની કિંમતનું કપડું તમને આપીને ચાલ્યું જાય. વળી પાંચ વરસના બાળકમાં સત્ત્વગુણનું પણ જોર નહિ. જ્યાં રહેતું હોય ત્યાંના ભાઈબંધો સાથે કેટલો પ્રેમ, એક ઘડીયે અળગા ન રહી શકે. પરંતુ માબાપની સાથે જ્યારે બીજી જગાએ ચાલ્યું ગયું, ત્યારે નવા ભાઈબંધો થાય. તેમની પર બધો પ્રેમ ઢળે. જૂના ગોઠિયાઓને એક રીતે સાવ ભૂલી જાય. ત્યાર પછી બાળકને કોઈ જાતનું અભિમાન નહિ! માએ કહ્યું હોય કે આ તારા મામા થાય, તો એ બાળક સોળે સોળ આના માને કે એ મારો ખરો મામો. પછી એ મામો ભલે ને કુંભાર હોય ને બાળક બ્રાહ્મણનું હોય, તોય એક ભાણે બેસીને ખાય. વળી બાળકને પવિત્ર અપવિત્રનું ભાન નહિ. શૌચ ગયા પછી સાફ થયા વિના પણ ખાય! તેમજ બાળકને લોકલાજ નહિ. પખાળ લીધા પછી જેને તેને પૂછ્યા કરે, ‘જુઓ તો બરાબર ધોવાયું છે કે નહીં?’

‘તેમ વળી ઘરડાં ડોકરાંનો પણ અહંકાર છે! (ડૉક્ટરનું હાસ્ય). ઘરડાંઓને ઘણા પાશ હોય. જાતિ, અભિમાન, લજ્જા, ઘૃણા, ભય, ગણતરીબાજપણું, લુચ્ચાઈ, કપટ વગેરે. જો કોઈના ઉપર ક્રોધ આવી જાય તો એ ક્રોધ સહેજે ઊતરે નહિ. કાં તો જીવે ત્યાં સુધી જાય નહિ! એ ઉપરાંત વિદ્વત્તાનો અહંકાર, પૈસાનો અહંકાર વગેરે છે. ઘરડાંઓનો કાચો અહંકાર.

(જ્ઞાન કોને ન થાય)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – ચાર પાંચ જાતના માણસોને જ્ઞાન થાય નહિ. જેનામાં વિદ્યાનો અહંકાર હોય, જેનામાં પંડિતાઈનો અહંકાર હોય, જેનામાં પૈસાનો અહંકાર હોય એ બધાંને જ્ઞાન થાય નહિ. એ બધાં માણસોને જો કહીએ કે અમુક જગાએ એક બહુ સારા સાધુ મહાત્મા આવ્યા છે; દર્શન કરવા આવવું છે? તો એ લોકો જુદાં જુદાં બહાનાં કાઢીને કહેશે કે નહિ જઈ શકું. અને મનમાં મનમાં કહેશે કે હું આવો મોટો માણસ, ને હું જાઉં?

(ત્રણગુણ – સત્ત્વગુણથી ઈશ્વરપ્રાપ્તિ – ઇન્દ્રિયસંયમનો ઉપાય)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – ‘તમોગુણનો સ્વભાવ અહંકાર. અહંકાર, અજ્ઞાન એ તમોગુણમાંથી થાય.’

‘પુરાણમાં છે કે રાવણનો રજોગુણ, કુંભકર્ણનો તમોગુણ અને વિભીષણનો સત્ત્વગુણ. એટલે વિભીષણે રામચંદ્રને મેળવ્યા હતા. તમોગુણનું બીજું એક લક્ષણ છે ક્રોધ. ક્રોધથી સારા નરસાનું ભાન રહે નહિ. હનુમાને ક્રોધમાં આવી જઈને લંકા બાળી, પણ એટલો ખ્યાલ ન આવ્યો કે સાથોસાથ સીતાની ઝૂંપડી પણ બળી જશે!

‘એ ઉપરાંત તમોગુણનું એક લક્ષણ કામવાસના. પાથુરિયા ઘાટીનો ગિરીન્દ્ર ઘોષ કહેતો હતો કે કામ, ક્રોધ વગેરે રિપુઓ જવાના તો નથી, તો પછી એની દિશા ફેરવી નાખો. કામના કરવી હોય તો ઈશ્વરની કામના કરો. રમણની ઇચ્છા જાગે તો સચ્ચિદાનંદની સાથે રમણ કરો. ક્રોધ જો જાય નહિ તો ભક્તિનો તમોગુણ લાવો કે શું? મેં દુર્ગા નામ લીધું છે અને મારો ઉદ્ધાર થાય નહિ? મારામાં વળી પાપ શેનું? બંધન શેનું? ત્યાર પછી લોભ રાખવો હોય તો ઈશ્વર-પ્રાપ્તિનો લોભ રાખો. મુગ્ધ થવું હોય તો ઈશ્વરના રૂપમાં મુગ્ધ થાઓ. હું ઈશ્વરનો દાસ, હું ઈશ્વરનું સંતાન, – જો અહંકાર કરવો હોય તો એવો અહંકાર કરો. એ પ્રમાણે છયે રિપુઓની દિશા ફેરવી નાખવી જોઈએ.

ડૉક્ટર – ઇન્દ્રિય-સંયમ કરવો બહુ કઠણ. ઘોડાની બેઉ આંખે ડાબલા બાંધવા પડે. કોઈ કોઈ ઘોડાની તો આંખો સાવ બંધ કરવી પડે.

શ્રીરામકૃષ્ણ – પણ ભગવાનની જો એક વાર કૃપા થાય, ઈશ્વરનાં જો એકવાર દર્શન થાય, આત્માનો જો એકવાર સાક્ષાત્કાર થાય તો પછી કોઈ જાતની બીક નહિ. તો પછી છયે રિપુ કંઈ કરી શકે નહિ.

‘નારદ, પ્રહ્લાદ, એવા બધા નિત્ય-સિદ્ધ મહાપુરુષોને મહેનત લઈને આંખોએ દાબડા દેવા ન પડે. જે છોકરું પોતે બાપનો હાથ પકડીને ખેતરની પાળ પરથી ચાલે, તે છોકરું જો ગાફેલ રહે તો બાપનો હાથ છૂટી જતાં પાળની નીચે જઈ પડે. પણ બાપ જે છોકરાંનો હાથ ઝાલે તે ક્યારેય પાળ પરથી પડે નહિ.

ડૉક્ટર – પણ બાપે છોકરાનો હાથ ઝાલી રાખવો એ સારું નહિ.

શ્રીરામકૃષ્ણ – એમ નહિ. મહાપુરુષોનો સ્વભાવ બાળક જેવો. ઈશ્વરની પાસે તેઓ સદા બાળક. તેમનામાં અહંકાર હોય નહિ. તેમની બધી શક્તિ ઈશ્વરની શક્તિ, બાપની શક્તિ, પોતાનું કંઈ નહિ. આ તેમની પાકી ખાતરી!

(વિચારપથ અને આનંદપથ – જ્ઞાનયોગ અને ભક્તિયોગ)

ડૉક્ટર – પહેલાં ઘોડાની બન્ને આંખોએ ડાબલા ચડાવ્યા વિના ઘોડા શું આગળ ચાલે? રિપુ વશ થયા વિના શું ઈશ્વર મળે?

શ્રીરામકૃષ્ણ – તમે જે કહો છો તેને વિચાર-માર્ગ કહે છે, જ્ઞાન-માર્ગ કહે છે. એ માર્ગે પણ ઈશ્વર-પ્રાપ્તિ થઈ શકે. જ્ઞાનીઓ કહેશે કે પહેલાં ચિત્તશુદ્ધિની જરૂર. પ્રથમ સાધના જોઈએ, ત્યારે જ્ઞાન થાય.

ભક્તિ-માર્ગે પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. જો ઈશ્વરનાં ચરણકમલમાં એક વાર ભક્તિ આવે, જો ઈશ્વરનું ગુણગાન, કીર્તન કરવાનું ગમે તો પછી ઇન્દ્રિય-સંયમ પ્રયાસ કરીને કરવો ન પડે. રિપુઓ એની મેળે વશ થાય.

‘જો કોઈનો છોકરો મરી ગયો હોય તો તે દિવસે શું એ લોકોની સાથે કજિયા કરી શકે? કોઈનું નિમંત્રણ મળે તો ખાઈ શકે? તે શું બીજા પ્રત્યે અભિમાન કરી શકે? સુખ-સંભોગ કરી શકે?

‘ફૂદડું જો એકવાર પ્રકાશ જોઈ જાય તો પછી તે શું અંધકારમાં રહે?’

ડૉક્ટર (સહાસ્ય) – પછી તે બળી મરે એ પણ કબૂલ!

શ્રીરામકૃષ્ણ – ના ભાઈ! ભક્ત ફૂદાની પેઠે બળી મરે નહિ. ભક્ત જે પ્રકાશ દેખીને દોડ્યો જાય એ તો મણિનો પ્રકાશ! મણિનો પ્રકાશ ખૂબ ઉજ્જવળ ખરો, પણ સ્નિગ્ધ અને ઠંડો. એ પ્રકાશમાં અંગ બળે નહિ. એ પ્રકાશથી શાંતિ થાય, આનંદ થાય!

(જ્ઞાનયોગ ઘણો કઠિન)

શ્રીરામકૃષ્ણ – ‘વિચાર-માર્ગે, જ્ઞાનયોગને માર્ગે પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય, પરંતુ એ માર્ગ બહુ કઠણ. હું શરીર નહિ, મન નહિ, બુદ્ધિ નહિ; મને રોગ નહિ. મને શોક નહિ, અશાંતિ નહિ; હું સચ્ચિદાનંદ સ્વરૂપ, સુખદુઃખથી અતીત; હું ઇન્દ્રિયને વશ નહિ એ બધી વાતો મોઢેથી બોલવી ખૂબ સહેલી. પણ એ પ્રમાણે આચરણ કરવું, તેની ધારણા થવી બહુ જ કઠણ. કાંટાથી હાથ વીંધાઈ જાય, દડ દડ લોહી વહે, છતાં કહેવું કે કાંટાથી મારો હાથ ક્યાં વીંધાયો છે? હું તો મજામાં છું! એ બધું બોલવું છાજે નહિ. પ્રથમ એ કાંટાને જ્ઞાનાગ્નિમાં બાળવો તો જોઈએ ને?’

(પુસ્તકીયું જ્ઞાન અથવા પાંડિત્ય – શ્રીઠાકુરની ઉપદેશપ્રણાલી)

‘ઘણાય એમ માને કે પુસ્તકો વાંચ્યા વિના જ્ઞાન ન થાય, વિદ્યા ન આવે. પણ વાંચવા કરતાં સાંભળવું સારું, સાંભળવા કરતાં જોવું સારું. કાશી વિશે વાંચવું, કાશી વિશે સાંભળવું અને કાશી નજરે જોવું એમાં ઘણો તફાવત.

‘વળી જેઓ પોતે શતરંજ રમે, તેઓ પોતાની ચાલ બરાબર નક્કી કરી શકે નહિ. પણ જેઓ પોતે રમે નહિ, માત્ર ઉપરથી જોયા કરે ને ચાલ કહી દે તેમની ચાલ પેલા રમનારના કરતાં ઘણી સાચી પડે. સંસારી લોકો માને કે પોતે બહુ બુદ્ધિમાન, પરંતુ તેઓ વિષયાસક્ત. પોતે રમી રહ્યા છે, પોતાની ચાલ પોતે બરાબર સમજી શકે નહિ. પરંતુ સંસાર-ત્યાગી સાધુ પુરુષો વિષયો પ્રત્યે અનાસક્ત; તેઓ સંસારીઓ કરતાં વધુ બુદ્ધિમાન. તેઓ પોતે રમે નહિ; એટલે ઉપરથી ચાલ બરાબર બતાવી દઈ શકે.’

ડૉક્ટર (ભક્તોને) – ચોપડીઓ વાંચત તો આ વ્યક્તિ (પરમહંસ)ને આટલું જ્ઞાન થાત નહિ. ફેરેડે – Faraday communed with Nature. (એક વૈજ્ઞાનિક) પોતે પ્રકૃતિનું સાક્ષાત્ દર્શન કરતો એટલે આટલાં વૈજ્ઞાનિક સત્યોની શોધ કરી શક્યો.-Scientific truth discover, પુસ્તકો વાંચીને વિદ્યા પ્રાપ્ત કરી હોત તો આટલો મહાન ન થઈ શકત. -Mathematical formulae only throw the brain into confusion – Original inquiry. ગણિતના સિદ્ધાંતો તો માત્ર મગજને ગૂંચવાડામાં નાખી દે! મૌલિક શોધખોળના માર્ગમાં મોટું વિઘ્ન ઊભું કરે!

(ઈશ્વરે આપેલું જ્ઞાન – Divine wisdom and Book learning)

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – જ્યારે હું પંચવટીમાં જમીન પર ધૂળમાં પડ્યો પડ્યો માને બોલાવતો હતો ત્યારે માને કહેતો કે ‘મા! કર્મકાંડીઓ યજ્ઞ વગેરે કર્માે કરીને જે મેળવે છે, યોગીઓ યોગ કરીને જેનાં દર્શન કરે છે, જ્ઞાનીઓ વિચાર કરીને જે જાણે છે તે મને દેખાડી દો!’ એ ઉપરાંત તો કેટલુંય; તે તમને શું કહું?

અહા! શી અવસ્થાઓ થઈ છે! ઊંઘ સાવ ઊડી ગઈ હતી! એમ કહીને પરમહંસદેવ ગીત ગાવા લાગ્યા :

‘ઊંઘ ઊડી છે હવે ઊંઘું શું? યોગમાં યાગમાં જાગ્યો છું!

યોગ-નિદ્રા તને દઈને માડી! ઊંઘને મેં ઊંઘાડી છે!’

હું તો ચોપડી-બોપડી કંઈ ભણ્યો નથી, પણ જુઓ માનું નામ લઉં છું એટલે મને સૌ માને! શંભુ મલ્લિકે મને કહ્યું હતું કે ‘ઢાલ નહિ, તલવાર નહિ ને શાંતિરામ સિંહ! (સૌનું હાસ્ય).

શ્રીયુત્ ગિરીશચંદ્ર ઘોષના બુદ્ધ-ચરિત નાટકની વાત થવા લાગી. તેમણે ડૉક્ટરને આમંત્રણ આપીને એ નાટક દેખાડેલું, ડૉક્ટરને એ જોઈને બહુ જ આનંદ થયેલો.

ડૉક્ટર (ગિરીશને) – તમે બહુ નરસા માણસ! મારે હવે રોજ નાટક જોવા જવું પડશે?

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એ શું કહે છે? હું સમજ્યો નહિ.

માસ્ટર – તેમને નાટક બહુ જ ગમ્યું છે.

Total Views: 480
ખંડ 42: અધ્યાય 4 : સંધ્યાસમાગમે
ખંડ 42: અધ્યાય 5 : રાજપથમાં શ્રીરામકૃષ્ણનો અદ્‌ભુત ઈશ્વરાવેશ