શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – હું તો એ પ્રત્યક્ષ જોઉં છું; પછી ચર્ચા કરવાનું ક્યાં રહ્યું? હું જોઉં છું કે ઈશ્વર જ બધું થઈ રહ્યો છે. એ પોતે જ જીવ અને જગત થઈ રહ્યો છે.

પરંતુ ચૈતન્યની જાગૃતિ થયા વિના ચૈતન્યને જાણી શકાય નહિ. ચર્ચા ક્યાં સુધી? જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. આ હું જોઉં છું કે ઈશ્વર જ બધું થઈ રહ્યો છે, એમ માત્ર મોઢેથી બોલ્યે ચાલે નહિ! તેની કૃપાથી ચૈતન્ય-જાગૃતિ થવી જોઈએ. ચૈતન્ય-જાગૃતિ થયે સમાધિ થાય, અવારનવાર દેહ ભુલાઈ જાય. કામિની-કાંચન પર આસક્તિ રહે નહિ. ઈશ્વર સંબંધી વાતો સિવાય બીજું કંઈ ગમે નહિ. સંસારની વાતો સાંભળતાં કષ્ટ થાય.

(પ્રત્યક્ષ – Revelation – નરેન્દ્રને ઉપદેશ – કાલીબ્રહ્મ)

(કાલી – God in His relations to the conditioned, બ્રહ્મ – The Unconditioned, the Absolute.)

ચૈતન્ય-જાગૃતિ થાય ત્યારે જ ચૈતન્યને જાણી શકાય.

ચર્ચા થઈ રહ્યા પછી શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે,

‘મેં જોયું કે ચર્ચા દ્વારા ઈશ્વરને એક રીતે જાણી શકાય, તેનું ધ્યાન કરીને પણ બીજી રીતે એને જાણી શકાય. તેમજ વળી જ્યારે તે પ્રત્યક્ષ દેખાડી દે ત્યારે તે જુદી જ વાત. જો ભગવાન દેખાડી દે કે આનું નામ અવતાર, તે જો પોતાની મનુષ્ય-લીલા દેખાડી દે, તો પછી ચર્ચા કરવાની જરૂર રહે નહિ, કોઈને સમજાવવાની જરૂર રહે નહિ. એ શેના જેવું ખબર છે? જેમ કે અંધારા ઓરડામાં દીવાસળી ઘસતાં ઘસતાં એકાએક પ્રકાશ થાય! એવી રીતે જો ઈશ્વર એકાએક પ્રકાશ આપે તો બધા સંદેહ ટળી જાય. આ પ્રમાણે ચર્ચા કરીને શું ઈશ્વરને જાણી શકાય?’

ઠાકુરે નરેન્દ્રને પાસે બોલાવીને બેસાડ્યો, કુશળ સમાચાર પૂછ્યા, કેટલોય સ્નેહ દર્શાવે છે.

નરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને) – કાલીનું ધ્યાન ત્રણ ચાર દિવસ તો કર્યું; પણ ક્યાં, કંઈ થયું તો નહિ!

શ્રીરામકૃષ્ણ – ધીમે ધીમે થશે. કાલી બીજું કોઈ નથી. જે બ્રહ્મ, તે જ કાલી. કાલી આદ્યશક્તિ; જ્યારે નિષ્ક્રિય હોય ત્યારે તેને બ્રહ્મ કહું છું, અને જ્યારે તે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે, ત્યારે શક્તિ કહું છું, કાલી કહું છું.

જેને તમે બ્રહ્મ કહો છો, તેને જ હું કાલી કહું છું.

બ્રહ્મ અને કાલી અભિન્ન. જેમ કે અગ્નિ અને તેની દાહિકા-શક્તિ. અગ્નિનો વિચાર કરતાંની સાથે જ તેની દાહિકા-શક્તિને માનવી પડે. કાલીના વિચારની સાથે જ બ્રહ્મને માનવું પડે અને બ્રહ્મને માનવાની સાથે જ કાલીને માનવી પડે.

બ્રહ્મ અને શક્તિ અભિન્ન. તેને જ શક્તિ; તેને જ કાલી કહું છું.’

આ બાજુ રાતે મોડું થતું જાય છે. ગિરીશ હરિપદને કહે છે કે ‘ભાઈ, એક ગાડી બોલાવી લાવ ને, નાટકશાળાએ જવું છે.’

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – જો જે, ગાડી લાવજે હોં! (સૌનું હાસ્ય).

હરિપદ (સહાસ્ય) – વાહ! લેવા જાઉં છું અને લઈને નહિ આવું?

(ઈશ્વરપ્રાપ્તિ અને કર્મ – રામ અને કામ)

ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – આપને છોડીને વળી નાટકશાળાએ જવું પડે છે!

શ્રીરામકૃષ્ણ – ના, આણીકોર પેલીકોર, બેઉ કોર સંભાળવું જોઈએ. જનક રાજાએ આણીકોર પેલીકોર, બેઉ કોર સંભાળીને પીધી હતી દૂધની વાટકી. (સૌનું હાસ્ય).

ગિરીશ – એમ થાય છે કે નાટક-ફાટક બધુંય છોકરાઓને સોંપી દઉં!

શ્રીરામકૃષ્ણ – ના, ના; એ ઠીક છે. એથી કેટલાકને ફાયદો થાય છે.

નરેન્દ્ર (ધીમેથી) – આ જ તો ઈશ્વર કહે છે, અવતાર કહે છે! ને વળી પાછું થિયેટર ખેંચે છે!

Total Views: 335
ખંડ 51: અધ્યાય 11 : પૂર્ણ જ્ઞાન - દેહ અને આત્મા અલગ - શ્રીમુખે કહેલું ચરિતામૃત
ખંડ 51: અધ્યાય 12 : છોટા નરેન વગેરેની ભાવાવસ્થા - સંન્યાસી અને ગૃહસ્થનું કર્તવ્ય