ગીત પૂરાં થયાં. ભક્તો કેટલાય ભાવ-મગ્ન છે. સ્તબ્ધ થઈને બેઠેલા છે. છોટો નરેન ધ્યાનમાં મગ્ન. કાષ્ઠની પેઠે સ્થિર બેઠેલો છે.

શ્રીરામકૃષ્ણ (છોટા નરેનને દેખાડીને, ડૉક્ટરને) – આ છોકરો અતિશય શુદ્ધ. સંસારી – બુદ્ધિનો લેશ પણ એને લાગ્યો નથી.

ડૉક્ટર છોટા નરેનને જોયા કરે છે. હજી સુધી તેનું ધ્યાનભંગ થયું નથી.

મનોમોહન (ડૉક્ટરને, સહાસ્ય) – આપના છોકરાની બાબતમાં (ઠાકુર) કહે છે કે ‘છોકરો જો મળે તો બાપ જોઈતો નથી!’

ડૉક્ટર – એ જ છે ને! એટલે તો હું કહું છું કે તમે છોકરાને લઈને જ ભૂલો છો! (એટલે કે ઈશ્વરને મૂકીને અવતાર કે ભક્તને સ્વીકારીને ભૂલો છો).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બાપ જોઈતો નથી એમ હું કહેતો નથી.

ડૉક્ટર – એ તો સમજ્યો હવે હું! એ જાતની એક બે વાતો ન કહો તો ચાલે કેમ?

શ્રીરામકૃષ્ણ – તમારો છોકરો ખૂબ સરળ છે એટલે. શંભુ (મલ્લિક) લાલ મોઢું કરીને બોલ્યો હતો કે ‘સરળ ભાવે બોલાવ્યે, પ્રભુ સાંભળે ને સાંભળે જ.’ છોકરાઓને આટલો બધો ચાહું છું શા માટે, ખબર છે? એ છોકરાઓ પાણી ભેળવ્યા વગરનું દૂધ છે. એક જરાક ગરમ કરી લઈએ કે થયું, દેવસેવામાં ચાલે.

‘પાણીવાળા દૂધને ખૂબ ઉકાળવું પડે, એમાં કેટલુંય બળતણ બળી જાય!’

‘છોકરાઓ જાણે કે નવી દોણી, પાત્ર સારું. એમાં દૂધ નચિંતપણે રાખી શકાય. એમને જ્ઞાનનો ઉપદેશ આપ્યે જલદી ચૈતન્ય થાય. સંસારી માણસોને ઝટ થાય નહિ. દહીંવાળી દોણીમાં દૂધ રાખતાં બીક લાગે, પાછું બગડી જાય તો!’

‘તમારા છોકરાની અંદર સંસારી બુદ્ધિ, કામિની-કાંચન હજી સુધી પેઠાં નથી.’

ડૉક્ટર – હજી બાપનું ખાય છે ને, એટલે!

પોતાને જો (કમાણી) કરવી પડતી હોત તો હું જોત, કે સંસારી-બુદ્ધિ આવે છે કે નહિ!’

(સંન્યાસી અને નારીત્યાગ – સંન્યાસી અને કાંચનત્યાગ)

શ્રીરામકૃષ્ણ – એ ખરું, એ ખરું. પણ તમને ખબર છે કે ઈશ્વર સંસારીબુદ્ધિથી ઘણો જ દૂર, નહિતર હાથવેંતમાં! (ડૉક્ટર સરકાર અને ડૉક્ટર દોકડીને) કામિની-કાંચનનો ત્યાગ તમે લોકોને માટે નહિ. તમે લોકો મનથી ત્યાગ કરજો. ગોસ્વામીઓને મેં એટલા માટે કહ્યું કે તમે ત્યાગની વાત શા માટે કરો છો? ત્યાગ કર્યે તમારું ચાલે નહિ. તમારે ત્યાં શ્યામસુંદરની સેવા રહેલી છે.

‘સંન્યાસીને માટે ત્યાગ. તેઓએ સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધાં જોવાં નહિ. તેમને માટે સ્ત્રીઓ વિષ સમાન. ઓછામાં ઓછું દસ હાથ દૂર, છેવટે કંઈ નહિ તોય એક હાથ તો દૂર રહેવું જ. હજાર ભક્તિવાળી હોય તોય સ્ત્રીઓની સાથે વધુ વાતો કરવી નહિ.’

‘એટલે સુધી કે સંન્યાસીએ એવા સ્થાનમાં રહેવું ઉચિત કે જ્યાં સ્ત્રીઓનાં મોઢાં જોવામાં આવે નહિ; અથવા ઘણા લાંબા સમય પછી જોવામાં આવે.’

‘રૂપિયા પણ સંન્યાસીને માટે વિષ જેવા. રૂપિયા પાસે હોય એટલે ચિંતા, અહંકાર, શરીરસુખનો પ્રયાસ, ક્રોધ એ બધાં આવી પડે, રજોગુણને વધારે અને રજોગુણ હોય એટલે તમોગુણ આવે જ. એટલે સંન્યાસીએ કાંચનને અડવું નહિ. કામિની-કાંચન ઈશ્વરને ભુલાવી દે.’

(ડૉક્ટરને ઉપદેશ – પૈસાનો સદુપયોગ – ગૃહસ્થ માટે સ્વદારા)

‘તમે જાણી રાખજો કે રૂપિયાથી રોટલા, દાળ, ભાત થાય; પહેરવાનાં કપડાં થાય; રહેવાનું એકાદું ઘર થાય; દેવસેવા, સાધુભક્તોની સેવા થાય.’

‘રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ નકામો. ખૂબ મહેનતે મધમાખી મધપૂડો તૈયાર કરે, પણ બીજો કોઈક આવીને તોડીને લઈ જાય.’

ડૉક્ટર – ભેગું કરવું તે કોના સારુ? કે એકાદા વંઠેલ છોકરા સારુ!

શ્રીરામકૃષ્ણ – શું એકલો વંઠેલ છોકરો જ? કાં તો સ્ત્રી પણ તેવી જ નીકળે, બીજો રાખી લે! તમારી ઘડિયાળ અને તમારી જ ચેન (સાંકળી) એને આપે.

‘તમો ગૃહસ્થોને માટે સ્ત્રીનો તદૃન ત્યાગ નહિ. સ્વપત્ની સાથે સહવાસમાં દોષ નહિ. પણ છૈયાંછોકરાં થઈ ગયા પછી ભાઈબહેનની પેઠે રહેવું જોઈએ.’

‘કામિની-કાંચનમાં આસક્તિ હોય એટલે વિદ્યાનો અહંકાર, પૈસાનો અહંકાર, ઉચ્ચ પદવીનો અહંકાર એ બધું આવે.’

Total Views: 413
ખંડ 42: અધ્યાય 8 : ઈશ્વર-દર્શન (God Vision), અવતાર પ્રત્યક્ષ-સિદ્ધ
ખંડ 51: અધ્યાય 13 : ડૉક્ટર સરકારને ઉપદેશ - અહંકાર સારો નહીં, વિદ્યાનો અહં સારો - ત્યારે લોકશિક્ષણ (Lecture) થાય