શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા. નરેન્દ્ર અવતારને માને નહિ. તેમાં શું થઈ ગયું? ઠાકુરનો પ્રેમ જાણે કે ઊલટો વધુ ઊછળી પડ્યો. નરેન્દ્રના શરીર ઉપર હાથ ફેરવીને કહે છે કે ‘માન ખાધું તો ભલે ખાધું, અમે પણ તારા માનમાં સાથે છીએ, રાધે (રાય)!’

(ચર્ચા-વિચાર ઈશ્વરપ્રાપ્તિ સુધી)

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – જ્યાં સુધી ચર્ચા કરે, ત્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ. તમે ચર્ચા કરતા હતા તે મને ગમ્યું નહિ.

જમણવારમાં અવાજ ક્યાં સુધી સાંભળવામાં આવે? જ્યાં સુધી માણસો જમવા ન બેઠા હોય ત્યાં સુધી. જેવાં શાક, પૂરી વગેરે પતરાળાંમાં પડવા માંડે એટલે બાર આના અવાજ ઓછો થઈ જાય. (સૌનું હાસ્ય). બીજી ચીજો પડે એટલે તો એથીયે ઓછો થઈ જાય. છેવટે દહીં (દાળભાત) આવી જાય એટલે માત્ર સુપ્ સુપ્ – સબડકા. અને ભોજન પૂરું થઈ ગયું એટલે નિદ્રા!

તેમ ઈશ્વરનો જેમ જેમ અનુભવ થતો આવે તેમ તેમ ચર્ચા, વાદવિવાદ ઓછાં થતાં જાય; અને ઈશ્વર-પ્રાપ્તિ થયે અવાજ, ચર્ચા રહે જ નહિ. એ પછી નિદ્રા, સમાધિ!

એમ કહીને નરેન્દ્રના શરીર ઉપર, મોઢા ઉપર હાથ ફેરવીને સ્નેહ દર્શાવતાં બોલે છે, ‘હરિ ૐ, હરિ ૐ, હરિ ૐ.’

શા માટે એ પ્રમાણે કરે છે અને બોલે છે? શ્રીરામકૃષ્ણ શું નરેન્દ્રની અંદર સાક્ષાત્ નારાયણનાં દર્શન કરી રહ્યા છે? આનું નામ શું માણસમાં ઈશ્વર-દર્શન? શી નવાઈ! જોતજોતાંમાં ઠાકુરની સંજ્ઞા જવા લાગી! જુઓ જુઓ, બાહ્ય જગતનું ભાન ચાલ્યું જાય છે. આનું જ નામ શું અર્ધ-બાહ્ય દશા કે જે શ્રીગૌરાંગને થતી હતી? હજી સુધી નરેન્દ્રના પગ ઉપર ઠાકુરનો હાથ રહ્યો છે; જાણે કે બહાનું કાઢીને નારાયણના પગ દાબી રહ્યા છે. વળી ડિલે હાથ ફેરવે છે. આટલું આ શરીર દાબવું, પગ દાબવા એ શા માટે? આ શું આમ નારાયણની સેવા કરી રહ્યા છે? કે શક્તિ-સંચાર કરી રહ્યા છે?

જોતાં જોતાં વળી ભાવ બદલાય છે. ઠાકુર વળી નરેન્દ્રની પાસે હાથ જોડીને કાંઈક બોલે છે. કહે છે, ‘એક ગીત ગા તો હું સારો થઈ જઈશ – હવે ઊઠવું કેમ કરીને? ગોરા પ્રેમમાં ભાવવિભોર (નિતાઈ મારો)!’

થોડીક વાર વળી પાછા અવાક. લાકડાના પૂતળાની પેઠે નિ:શબ્દ બેસી રહ્યા છે. વળી ભાવમાં મગ્ન થઈને બોલે છે :

‘જોજે રાધે, યમુનામાં પડી જઈશ! – કૃષ્ણપ્રેમે ઉન્માદિની.’

વળી ભાવમાં ગરકાવ! બોલી રહ્યા છે :

‘સખી! એ વન કેટલું દૂર,

(જ્યાંહાં મારા શ્યામસુંદર)

(એય, આ કૃષ્ણ-ગંધ આવે છે!)

(હું ચાલી ન શકું રે!)’

હવે જગત ભુલાઈ ગયું છે. કાંઈ યાદ નથી. નરેન્દ્ર સામે જ છે; પરંતુ નરેન્દ્રનો પણ ખ્યાલ નથી. ક્યાં બેઠા છે એ કશું ભાન નથી. જાણે કે હવે પ્રાણ ઈશ્વરમાં લીન થઈ ગયા છે! ‘મદ્‌ગત-અંતરાત્મા’!

‘ગૌરા પ્રેમમાં ભાવવિભોર!’ એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર અચાનક હુંકાર કરીને ઊભા થઈ ગયા! વળી પાછા બેસે છે, બેસીને બોલે છે :

‘એ.. એક પ્રકાશ આવે છે તે જોઈ શકું છું, પણ કઈ બાજુએથી એ આવે છે તે હજી સુધી સમજી શકતો નથી.’

હવે નરેન્દ્ર ગીત ગાય છે :

‘બધું દુ:ખ દૂર કરીયું દઈ દરશન, મોહ્યા પ્રાણ!

સપ્તલોક ભૂલે શોક, તમોને પામીને,

ક્યાં હું અતિ દીનહીન.’

ગીત સાંભળતાં સાંભળતાં શ્રીરામકૃષ્ણ બાહ્ય જગતને ભૂલતા આવે છે! વળી મિંચાયેલાં નેત્ર! સ્પંદનહીન દેહ! સમાધિસ્થ!

સમાધિ-ભંગ થયા પછી બોલે છે, ‘મને કોણ લઈ જશે?’ બાળક જેમ સાથીને ન દેખતાં આંધળુંભીંત થઈ જાય તે પ્રમાણે.

મોડી રાત થઈ ગઈ છે. ફાગણ વદ દશમ. અંધારી રાત. ઠાકુરને દક્ષિણેશ્વર કાલી-મંદિરે પહોંચવું છે. ગાડીમાં ચડવા જાય છે. ભક્તો ગાડીની પાસે ઊભા છે. ઠાકુર ગાડીમાં બેસે છે. ખૂબ સંભાળપૂર્વક તેમને બેસાડવામાં આવે છે. હજી સુધી ભાવ-વિભોર!

ગાડી ચાલી ગઈ. ભક્તો પોતપોતાને ઘેર જઈ રહ્યા છે.

Total Views: 317
ખંડ 51: અધ્યાય 13 : ડૉક્ટર સરકારને ઉપદેશ - અહંકાર સારો નહીં, વિદ્યાનો અહં સારો - ત્યારે લોકશિક્ષણ (Lecture) થાય
ખંડ 51: અધ્યાય 14 : શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર,ડૉક્ટર સરકાર વગેરે સાથે