શ્રીરામકૃષ્ણ – અહંકાર ગયા વિના જ્ઞાન-પ્રાપ્તિ થઈ શકે નહિ. ઊંચી ટોચ ઉપર પાણી એકઠું થાય નહિ. નીચી જમીનમાં ચારે કોરનું પાણી ખળ ખળ કરતું ને આવે.

ડૉક્ટર – પણ નીચી જમીનમાં જે ચારે કોરનું પાણી આવે, તેની અંદર સારું પાણીય છે, ને ખરાબ પાણી પણ છે; ડહોળું પાણી, પાયખાનાનું પાણી એ બધુંય છે. પહાડની ઉપરેય નીચી જમીન છે. નૈનિતાલ, માનસરોવર, એ ઠેકાણે માત્ર આકાશનું શુદ્ધ જળ.

શ્રીરામકૃષ્ણ – માત્ર આકાશનું જળ, મજાનું.

ડૉક્ટર – અને ઊંચી જગાનું પાણી ચારે બાજુ આપી શકો.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એક જણને સિદ્ધ-મંત્ર મળ્યો હતો. એ પહાડની ઉપર ઊભો થઈને બૂમ પાડીને બોલી ઊઠ્યો કે તમે આ મંત્ર જપીને ઈશ્વર-પ્રાપ્તિ કરજો.

ડૉક્ટર – હા.

શ્રીરામકૃષ્ણ – પણ એક વાત છે કે જ્યારે ઈશ્વરને માટે પ્રાણ આકુળવ્યાકુળ થાય ત્યારે સારું પાણી, પાયખાનાનું પાણી વગેરે બધી ગણતરી રહે નહિ. ઈશ્વરને ઓળખવાને માટે ક્યારેક સારા માણસની પાસે જાય, ક્યારેક કાચા માણસની પાસેય જાય. પણ ભગવાનની કૃપા હોય તો મેલાં પાણીથી કંઈ નુકસાન થાય નહિ. જ્યારે ઈશ્વર જ્ઞાન આપે, ત્યારે કયું સારું, કયું ખરાબ એ બધું જણાવી દે.

‘પહાડની ઉપર નીચી જમીન હોઈ શકે, પરંતુ કમજાત-અહંરૂપી પહાડ ઉપર હોય નહિ. વિદ્યાનો અહં, ભક્તનો અહં જો હોય, તો જ આકાશનું શુદ્ધ જળ આવીને એકઠું થાય.’

‘ઊંચી જગાનું જળ ચારે કોર આપી શકાય ખરું. એ વિદ્યાના અહંરૂપી પહાડ પરથી બની શકે.’

‘ઈશ્વરનો આદેશ મળ્યા વિના લોકોને ઉપદેશ લાગે નહિ. શંકરાચાર્યે જ્ઞાનની પછી ‘વિદ્યાનો અહં’ રહેવા દીધો હતો, લોકોને ઉપદેશ આપવા માટે. ઈશ્વરની પ્રાપ્તિ કર્યા વિના લેક્ચર! એથી માણસોનું શું ભલું થાય?’

(પૂર્વકથા – સામાધ્યાયીનું લેક્ચર – નંદનબાગાનમાં બ્રાહ્મસમાજનું દર્શન)

‘હું નંદનબાગાનના બ્રાહ્મ-સમાજમાં ગયો હતો. તેમની ઉપાસના થઈ રહ્યા પછી વેદી પર બેસીને એક જણે લેક્ચર દીધું, લખીને લાવેલ. વાંચતી વખતે વળી ચારે કોર જુએ. પછી ધ્યાન કરે, તે વચ્ચે વચ્ચે વળી જોઈ લે!’

‘જેણે ઈશ્વરદર્શન કર્યું નથી, તેનો ઉપદેશ બરાબર થાય નહિ! એક વાત જો બરાબર થાય, તો બીજી એકમાં ગડબડ થઈ જાય.’

‘સામાધ્યાયીએ લેક્ચર દીધું. કહે છે કે ઈશ્વર વાણી, મનથી અતીત; એનામાં કોઈ રસ નથી. માટે તમે તેનામાં પ્રેમ-ભક્તિરૂપી રસ મૂકીને તેમનું ભજન કરો. જુઓ તો ખરા! જે (ઈશ્વર) રસ-સ્વરૂપ, આનંદ-સ્વરૂપ, તેને કહે છે કે તેનામાં રસ નથી. એવાં લેક્ચરથી શું વળે? એનાથી શું લોકોપદેશ થાય?’

આ તો એના જેવું કે એક જણ કહેતો હતો કે મારા મામાને ઘેર ગૌશાળા ભરીને ઘોડા છે! ગૌશાળા ને વળી ઘોડા! (સૌનું હાસ્ય). એથી સમજવાનું કે ઘોડા બોડા કંઈ જ નહિ!

ડૉક્ટર (સહાસ્ય) – ગાયોય નહિ! (સૌનું હાસ્ય).

ભક્તોમાંથી જેઓને ભાવઅવસ્થા થઈ હતી, તેઓ બધા સ્વસ્થ થયા છે. ભક્તોને જોઈને ડૉક્ટર આનંદ કરે છે.

માસ્ટરને પૂછે છે કે ‘આ કોણ,’ ‘આ કોણ?’ પલ્ટુ, છોટો નરેન, ભૂપતિ, શરત, શશી(શશીએ ૧૮૮૪માં શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન કરેલ) વગેરે યુવાન ભક્તોને માસ્ટર એક એક કરીને દેખાડીને ડૉક્ટરને તેમનો પરિચય આપે છે.

શ્રીયુત્ શશી સંબંધે માસ્ટર કહે છે કે ‘આ બી.એ.ની પરીક્ષા આપવાના છે.’

ડૉક્ટર જરા બેધ્યાન થયા હતા.

શ્રીરામકૃષ્ણ (ડૉક્ટરને) – આમ જુઓ, ભાઈ! આ શું કહે છે.

ડૉક્ટરે શશીનો પરિચય સાંભળ્યો.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને બતાવીને, ડૉક્ટરને) – આ (માસ્ટર) સ્કૂલના છોકરાઓને ઉપદેશ આપે છે.

ડૉક્ટર – એ સાંભળ્યું છે.

શ્રીરામકૃષ્ણ – શી નવાઈ! હું મૂર્ખ, છતાં ભણેલા ગણેલા અહીં આવે; એ કેવી નવાઈ! એથી જ તો કહેવું પડે કે આ ઈશ્વરની લીલા!

આજે શરદપૂનમ. રાતના નવ વાગવાનો સુમાર. ડૉક્ટર છ વાગ્યાથી બેઠા છે ને આ બધી ઘટના જોયા કરે છે.

ગિરીશ (ડૉક્ટરને) – વારુ, મહાશય, આવું તમને થાય ખરું, કે અહીં આવવું નથી, આવવું નથી એમ કરીએ, છતાં જાણે કે કોઈક ખેંચી લાવે! મને એમ થયું છે એટલે કહું છું.

ડૉક્ટર – એવું તો થાય નહિ! પરંતુ હાર્ટ(હૃદય)ની વાત હાર્ટ જ જાણે. (શ્રીરામકૃષ્ણને) અને એ બધું બોલવુંય નકામું.

Total Views: 350
ખંડ 51: અધ્યાય 12 : છોટા નરેન વગેરેની ભાવાવસ્થા - સંન્યાસી અને ગૃહસ્થનું કર્તવ્ય
ખંડ 42: અધ્યાય 9 : સમાધિ અવસ્થામાં - સઘન પ્રેમાવેશમાં શ્રીરામકૃષ્ણ