ચાર વાગ્યા પછી સ્કૂલમાંથી રજા લઈ, માસ્ટર બલરામ બાબુના બહારના ઓરડામાં આવીને જુએ છે તો ઠાકુર હસમુખે ચહેરે બેઠા છે. ખબર મળતાં એક પછી એક ભક્તો આવીને એકઠા થાય છે. (છોટો) નરેન અને રામ આવ્યા છે. નરેન્દ્ર આવેલ છે. માસ્ટર પ્રણામ કરીને બેઠા. ઘરમાંથી બલરામે એક થાળમાં ઠાકુર સારુ ગરમાગરમ શીરો મોકલાવ્યો છે, કારણ કે ઠાકુરના ગળામાં ગાંઠ જેવું થયું છે.

શ્રીરામકૃષ્ણ (શીરો જોઈને, નરેન્દ્રને) – અરે માલ આવ્યો છે માલ, માલ! ખા! ખા! (સૌનું હાસ્ય).

ધીમે ધીમે સાંજ થવા લાગી. ઠાકુરને ગિરીશને ઘેર જવાનું છે. ત્યાં આજે ઉત્સવ છે. ઠાકુરને લઈને ગિરીશ ઉત્સવ કરવાના છે. ઠાકુર બલરામની મેડી પરના ઓરડામાંથી ઊતરે છે. સાથે માસ્ટર, પાછળ બીજા એક બે ભક્તો. દરવાજાની દોઢીની પાસે આવીને જુએ છે તો એક હિંદુસ્થાની (બિહારી) ભિખારી ગીત ગાય છે. રામનામ સાંભળીને ઠાકુર ઊભા રહ્યા, દક્ષિણાભિમુખ. જોતજોતામાં મન અંતર્મુખ થતું જાય છે. ઘડીક વાર એ પ્રકારના ભાવમાં ઊભા રહ્યા. માસ્ટરને કહે છે કે (ગાવાવાળાનો) ‘અવાજ મજાનો!’ એક ભક્તે ભિક્ષુકને ચાર પૈસા આપ્યા.

ઠાકુરે બોઝપાડાની ગલીમાં પ્રવેશ કર્યો છે. હસતાં હસતાં તેમણે માસ્ટરને કહ્યું, ‘હેં ભાઈ, (લોકો) શું કહે? પરમહંસની ફોજ આવે છે! સાલાઓ બોલે છે કેવું?’ (સૌનું હાસ્ય).

Total Views: 310
ખંડ 44: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામના ઘરે અંતરંગ ભક્તો સંગે
ખંડ 44: અધ્યાય 3 : અવતાર અને સિદ્ધપુરુષનો પ્રભેદ - મહિમા અને ગિરીશની ચર્ચા