ઠાકુરે ભક્તો સાથે ગિરીશના બહારના ઓરડામાં પ્રવેશ કર્યો. ગિરીશે અનેક ભક્તોને આમંત્રણ આપ્યું છે. તેઓ ઘણાખરા આવ્યા છે. ઠાકુર આવી ગયા છે એ સાંભળતાં બધા ઊભા થઈ રહ્યા. ઠાકુર હસમુખે ચહેરે આસન ઉપર બેઠા. ભક્તો પણ બેઠા. ગિરીશ, મહિમાચરણ, રામ, ભવનાથ વગેરે ઘણાય ભક્તો બેઠા હતા. એ સિવાય ઠાકુરની સાથે પણ ઘણાય આવ્યા. બાબુરામ, યોગીન્દ્ર, બેઉ નરેન્દ્ર, ચુની, બલરામ વગેરે.

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને) – ગિરીશ ઘોષને કહ્યું તમારું નામ દઈને, કે છે બીજા એક જણ ઊંડા (ગંભીર); તમે ગોઠણભર ઊંડા. તે હવે જે કહ્યું છે તે મેળવી જુઓ જોઉં! તમે બેઉ જણા ચર્ચા કરો, પણ પતાવટ કરી નાખતા નહિ. (સૌનું હાસ્ય).

મહિમાચરણ અને ગિરીશ વચ્ચે ચર્ચા થવા લાગી. એ જરા આરંભ થતાં ન થતાંમાં રામ બાબુ બોલ્યા કે ‘હવે એ બધું રહેવા દો ને, કીર્તન ભલે થાય!’

શ્રીરામકૃષ્ણ (રામને) – ના ના, એમાં ઘણા અર્થ છે. આ બધા છે ઈંગ્લિશ-મેન! એ લોકો શું કહે છે તે જોઈએ.

મહિમાચરણનો મત એવો છે કે સૌ કોઈ શ્રીકૃષ્ણ થઈ શકે. સાધન કરી શકે એટલે થયું. ગિરીશનું કહેવું એવું છે કે શ્રીકૃષ્ણ અવતાર! માણસ હજાર સાધન ભલે કરે, પણ અવતારની માફક થઈ શકે નહિ.

મહિમાચરણ – એ શેના જેવું ખબર છે? જેમ કે બીલીનું ઝાડ આંબાનું ઝાડ થઈ શકે. તેના વિકાસ-માર્ગમાંથી પ્રતિબંધ નીકળી જાય એટલે થયું. યોગની ક્રિયા દ્વારા પ્રતિબંધ નીકળી જાય.

ગિરીશ – તે મહાશય, એ તમે ગમે તેમ કહો; યોગની પ્રક્રિયા કહો કે ગમે તે કહો, પણ એ બની શકે જ નહિ. કૃષ્ણ જ કૃષ્ણ થઈ શકે. જો એ બધા ભાવ, ધારો કે રાધાનો ભાવ, કોઈની અંદર હોય તો એ વ્યક્તિ એ જ; એટલે કે રાધા ખુદ. શ્રીકૃષ્ણના સમસ્ત ભાવ જો કોઈની અંદર જોઈએ તો સમજવું કે શ્રીકૃષ્ણને જ જોઈએ છીએ.

મહિમાચરણ ચર્ચાને વધુ દૂર લઈ જઈ શક્યા નહિ. આખરે એક રીતે ગિરીશની વાતમાં હા ભણી દીધી.

મહિમાચરણ (ગિરીશને) – હા મહાશય, બેઉ સાચા : જ્ઞાનમાર્ગ, એ પણ ઈશ્વરની ઇચ્છા; તેમ વળી પ્રેમભક્તિ, એ પણ તેમની ઇચ્છા. ઠાકુર જેમ કહે છે કે જુદા જુદા માર્ગેથી એક જ જગાએ પહોંચી શકાય.

શ્રીરામકૃષ્ણ (મહિમાને, એક બાજુએ) – કેમ, ખરું કહું છું ને!

મહિમા – જી, આપે બરાબર કહ્યું. બન્ને સાચાં.

શ્રીરામકૃષ્ણ – આપે જોયું ને? એની (ગિરીશની) કેટલી શ્રદ્ધા! નાસ્તો ખાવાનું ભૂલી ગયો! આપ જો ન માનત તો આપનો ટોટો પકડીને તોડી ખાત, જેમ કૂતરું માંસ તોડી ખાય તેમ! તે આ બહુ મજાનું થયું. બન્નેનો પરિચય થયો. અને મને પણ ઘણું જાણવા મળ્યું.

Total Views: 329
ખંડ 44: અધ્યાય 2 : શ્રીયુત્ બલરામના ઘરે અંતરંગ ભક્તો સાથે
ખંડ 44: અધ્યાય 4 : કીર્તનાનંદે ઠાકુર