કીર્તનકાર પોતાની મંડળી સહિત આવી ગયા છે; ઓરડાની વચ્ચે બેઠેલ છે. ઠાકુરની સૂચના મળતાં જ કીર્તન શરૂ કરે. ઠાકુરે રજા આપી.

રામ (શ્રીરામકૃષ્ણને) – આ લોકો શું ગાય તે આપ કહો.

શ્રીરામકૃષ્ણ – હું શું કહું? (જરા વિચાર કરીને) વારુ, અનુરાગ. કીર્તનકાર પૂર્વ-રાગ ગાય છે :

અરે મારો ગૌર દ્વિજમણિ,

રાધા રાધા બોલી રડે, આળોટે ધરણી…

રાધા નામ જપે ગોરા પરમ જતને,

સુર-ધુનિ-ધારા વહે અરુણનયને…

ક્ષણે ક્ષણે ગોરા-અંગ ભૂમિએ ઢળી જાય,

રાધા નામ બોલી ક્ષણે ક્ષણે મૂર્ચ્છા ખાય…

પુલકે ભર્યું તનુ, ગદ્‌ગદ બોલ,

વાસુ કહે, ગોરા શાને આટલો વ્યાકુળ…

કીર્તન ચાલવા લાગ્યું. યમુના તટે પ્રથમ કૃષ્ણ-દર્શન થયાં ત્યારથી શ્રીમતીની અવસ્થા જે થયેલ તે સખીઓ વર્ણવે છે :

‘ઘરની બહાર, ઘડીકમાં સો વાર, ક્ષણે ક્ષણે, આવે ને જાય,

શું ઉદાસ મન, નિસાસા સઘન, દૃષ્ટિ કદંબ વનમાં જાય –

(રાધે એવું કેમ થયું રે!)

ગુરુ દુર્જન ભય નથી મનમાં, ક્યાં કયો દેવ મળ્યો રે?

સદાય ચંચળ, વસન અંચલ, સંવરણ કરે નહિ રે,

બેસી રહેતાં ઊઠ્યાં રે ચમકી, આભૂષણ ખરી પડે રે,

વયે કિશોરી, રાજકુમારી, એમાં વળી કુલવધૂબાલા રે,

કયા અભિલાષે, કઈ લાલચે, ન સમજું એનું છલ રે,

એના ચરિત્રે, જાણે એના ચિત્તે હાથ પ્રસાર્યો ચાંદે રે,

ચંડીદાસ કહે, કરી અનુનય, કાળિયાના ફંદે ફસાયાં રે

(કીર્તન ચાલવા લાગ્યું : સખીઓ શ્રીમતીને કહે છે :)

કહો કહો સુવદની રાધે, કયો થયો તને વ્યાધિ?

કેમ તારું મન ઊંચું દેખું; શાને નખે ક્ષિતિતળે લખે?

હેમકાન્તિ ઝાંખી થઈ, રંગીન વસ્ત્ર ખસી જઈ,

આંખ-યુગલ અરુણ થઈ, મુખકમલ ગયું સૂકાઈ!

આવું થયું શા કારણે, નહિ કહે તો હૈયું જાય ફાટી;

આટલું સુણી બોલી રાધા, ‘બાઈ, શ્રીયદુનંદનનું મુખ જોઈ!’

કીર્તનકારે વળી ગાયું. શ્રીમતી બંસીધ્વનિ સાંભળીને ગાંડી જેવી થઈ ગઈ છે. સખીઓ પ્રત્યે શ્રીમતીની ઉક્તિ :

કદંબના વનમાં, રહે કોણ જન, કેવો શબ્દ આ બંસી;

આ શું અચાનક, શ્રવણને પંથે મર્મે રહ્યો પ્રવેશી –

તોડીને મર્મને, હટાડ્યા ધર્મને, કરી પાગલ જેવી,

ચિત્ત સ્થિર નહિ, શ્વાસ બહાર વહી, નયને વહે ધારા-

શું જાણું કેમ, એ કોણ જણ, એવો શબ્દ કરે;

નવ દેખી તેને, હૈયું ચિરાયે, રહી શકું નવ ઘરે –

પ્રાણ નવ ધરે, ઝણ ઝણ ઝણ કરે, રહે દર્શનની આશ;

જ્યારે દેખશે ત્યારે પ્રાણ મળશે; કહે ઉદ્ધવદાસ –

ગીત ચાલવા લાગ્યું. શ્રીમતીના પ્રાણ કૃષ્ણનાં દર્શન સારુ વ્યાકુળ થાય છે. શ્રીમતી કહે છે :

પ્રથમ તો સુણી અપરૂપ ધ્વનિ, કદંબકાનન મહિંથી,

તેને બીજે દિને, ભાટના વર્ણને, સુણિ ચમકિત ચિત્ત –

બીજે એક દિન, મારી પ્રાણ સખીએ કહ્યું જેનું નામ,

(આહા, સકળ માધુર્યમય કૃષ્ણ-નામ)

ગુણીગણ ગાને, સુણ્યું મારે કાને, તેના આ ગુણગ્રામ –

સહેજે અબલા, તેમાંયે કુલ-બાલા, ગુરુજન જ્વાળા જેવા ઘરે,

એ પ્રિય નાગર પ્રતિ આસક્તિ વધે, કેમ પ્રાણ ધીરજ ધરે –

વિચારી, ચિંતવી, મનમાં દૃઢ થઈ પ્રાણ નવ રહે,

કહો તો ઉપાય, કેમ મળે એ, દાસ ઉદ્ધવ કહે –

‘આહા, સકળ માધુર્યમય કૃષ્ણ-નામ’ એ શબ્દો સાંભળીને ઠાકુર વધુ વાર બેસી શક્યા નહિ. ઊભા થઈ ગયા, એકદમ બાહ્ય-જ્ઞાન રહિત! સમાધિસ્થ! જમણી બાજુએ છોટો નરેન ઊભેલો છે. જરા સ્વસ્થ થઈને મધુર કંઠે ‘કૃષ્ણ, કૃષ્ણ’ એ શબ્દો અશ્રુભર્યાં નયને બોલી રહ્યા છે. પછી ફરી પાછા આસન પર બેઠા.

કીર્તનકાર વળી ગાય છે. વિશાખા સખીએ દોડી જઈને એક ચિત્ર લાવીને શ્રીમતીની સામે ધર્યું. ચિત્રપટમાં એ જ ભુવન-મોહન રૂપ. શ્રીમતી ચિત્ર જોઈને બોલી, ‘આ ચિત્રમાં જેને જોઉં છું તેને યમુના તટે જોયા ત્યારથી મારી આ દશા થઈ છે.’

કીર્તન – શ્રીમતીની ઉક્તિ :

જેને જોયા યમુના તટે, તેને દેખું આ ચિત્રપટે;

જેનું નામ બોલી વિશાખા, એ જ છે આ ચિત્રે આલેખ્યા.

જેનો હતો મુરલી ધ્વનિ, એ જ આ રસિકમણિ;

અર્ધ-મુખે જેની ગુણગાથા, દૂતી મુખે જેની સુણું કથા.

એણે મારા હર્યા છે પ્રાણ, એને અહીં કેમ નવ આણ?

એમ કહી પડી મૂર્ચ્છા ખાઈ, સખીગણે પકડીને ઉઠાવી,

કરી કહે મેળવી ચેતન, જેણે જોયો, દેખાડો તે જન;

સખીગણ આપે આશ્વાસ, કહે ઘનશ્યામ દાસ.

ઠાકુર વળી ઊઠ્યા. નરેન્દ્ર વગેરે અંતરંગ ભક્તોને સાથે લઈને ઉચ્ચ સંકીર્તન કરે છે:

જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

(જેઓ પોતે રડી, જગત રડાવે) (જેઓ માર ખાઈ પ્રેમ વેચે)

(જેઓ વ્રજના કાન-બલરામ) (જેઓ વ્રજના માખણ ચોર)

(જેઓ જાતિવિચાર કરે નહિ) (જેઓ જનસામાન્યને ખોળે બેસાડે)

(જેઓ મત્ત બનીને મત્ત કરે જગતને) (જેઓ પોતે હરિ થઈને હરિ બોલે)

(જેઓ જગાઈ માધાઈને ઉદ્ધારે રે)

(જેઓ હું-તે એવા ભેદ ન જાણે રે)

જીવને ઉદ્ધારવા અરે એવા બે ભાઈ આવ્યા છે રે… (નિતાઈ ગૌર)

‘નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે..’

ઠાકુર સમાધિસ્થ.

ભાવ શાંત થયે વળી નીચે બેઠા.

શ્રીરામકૃષ્ણ – કઈ બાજુએ મુખ ફેરવીને બેઠો હતો, એ અત્યારે યાદ નથી.

Total Views: 315
ખંડ 44: અધ્યાય 3 : અવતાર અને સિદ્ધપુરુષનો પ્રભેદ - મહિમા અને ગિરીશની ચર્ચા
ખંડ 44: અધ્યાય 5 : શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્ર - હાજરાની વાત - છલરૂપી નારાયણ