ભાવ શમી ગયા પછી ઠાકુર ભક્તો સાથે વાત કરે છે.

નરેન્દ્ર (શ્રીરામકૃષ્ણને) – હાજરા હવે સુધરી ગયો છે.

શ્રીરામકૃષ્ણ – તને ખબર નથી. એવા માણસોય છે કે ‘મુખમાં રામ, બગલમાં છૂરી.’

નરેન્દ્ર – જી ના, મેં બધું પૂછ્યું; તો એ કહે કે ‘ના.’

શ્રીરામકૃષ્ણ – તેનામાં નિષ્ઠા છે. જરા જપ-તપ કરે. પણ એ એવો, ગાડીવાળાને ભાડું આપે નહિ!

નરેન્દ્ર – ના, એ તો કહે છે કે આપ્યું છે.

શ્રીરામકૃષ્ણ – ક્યાંથી દેશે?

નરેન્દ્ર – રામલાલ બામલાલ પાસેથી લીધું છે, એમ લાગે છે.

શ્રીરામકૃષ્ણ – તેં બધી વાત શું પૂછી છે?

‘મેં માને પ્રાર્થના કરી હતી કે મા, હાજરા જો ખલ હોય તો અહીંયાંથી હઠાવી દો. તેને પણ એ વાત કરી. એ પછી થોડાક દિવસ પછી એ આવીને કહે છે કે ‘જોયું ને, હું તો હજીયે રહ્યો છું.’ (ઠાકુરનું અને બધાનું હાસ્ય). પણ ત્યાર પછી ચાલ્યો ગયો.

હાજરાની માએ રામલાલ સાથે કહેવડાવ્યું હતું કે રામલાલના કાકા (ઠાકુર) એક વાર હાજરાને ઘેર મોકલી આપે; હું રોઈ રોઈને આંધળી થઈ ગઈ છું. મેં હાજરાને ઘણું ઘણું કહ્યું કે ઘરડી મા છે, એક વાર મળી આવો. તે કોઈ રીતે ગયો નહિ. તેની મા છેવટે રોઈ રોઈને મરી ગઈ.

નરેન્દ્ર – આ વખતે એ દેશમાં જશે.

શ્રીરામકૃષ્ણ – હવે દેશમાં જશે; ઢેમ સાલો! જા, જા, તું સમજતો નથી. ગોપાલે કહ્યું કે સિંથિમાં હાજરા થોડાક દિવસ હતો. એ લોકો ચોખા, ઘી વગેરે બધી ચીજો દેતા. તે હાજરા કહે છે કે આવું ઘી, આવા ચોખા શું હું ખાઉં? ભાટપાડાના ઈશાનની સાથે ગયો હતો. કહે છે કે તેણે ઈશાનને શૌચ જવા સારુ પાણી લાવવાનું કહ્યું! એટલે પણ બ્રાહ્મણો બધા ગુસ્સે થઈ ગયેલા.

નરેન્દ્ર – મેં પૂછ્યું હતું. ત્યારે હાજરા કહે કે ઈશાન બાબુએ પોતે જ આગળ આવીને આપ્યું હતું. અને ભાટપાડાના ઘણાય બ્રાહ્મણોની પાસે માન પણ થયું હતું.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – એટલું વળી જપ-તપનું ફળ!

અને એ ઉપરાંત કેટલીક વાર તો લક્ષણથી કળી શકાય. ઠીંગણો, જાણે કે ગોબા-ગોબાવાળું શરીર, એ સારાં લક્ષણ નહિ! એવાઓને બહુ લાંબે સમયે જ્ઞાન થાય.

ભવનાથ – મૂકો, મૂકો એ બધી વાતો.

શ્રીરામકૃષ્ણ – એમ નહિ. (નરેન્દ્રને) તું માણસને ઓળખે છે ને એટલે તને કહું છું. હું હાજરાને અને એવા બીજાને કેવા ગણું, ખબર છે? હું જાણું કે જેમ સાધુરૂપી નારાયણ તેમ ખલરૂપી નારાયણ, જૂઠારૂપી નારાયણ, લુચ્ચારૂપી નારાયણ. (મહિમાચરણને) શું કહો છો? બધાય નારાયણ.

મહિમાચરણ – જી, બધાય નારાયણ.

Total Views: 317
ખંડ 44: અધ્યાય 4 : કીર્તનાનંદે ઠાકુર
ખંડ 44: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગોપીપ્રેમ