ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – મહાશય, એકાંગી પ્રેમ કોને કહે?

શ્રીરામકૃષ્ણ – એકાંગી એટલે એક બાજુનો પ્રેમ. જેમ કે જળ હંસને ચાહતું નથી, પરંતુ હંસ જળને ચાહે. એ ઉપરાંત છે : સાધારણી, સમંજસા અને સમર્થા પ્રીતિ. તેમાં સાધારણી પ્રીતિ એટલે પોતાનું જ સુખ વાંછે, તમે સુખી થાઓ યા ન થાઓ. જેમ કે ચંદ્રાવલિનો ભાવ. પછી સમંજસા પ્રીતિ :એમાં મને પણ સુખ થાઓ, તમને પણ થાઓ. એ ખૂબ સારી અવસ્થા. અને સૌથી ઉચ્ચ અવસ્થા : સમર્થા પ્રીતિ. જેમ કે રાધિકાની. એ કૃષ્ણ-સુખે સુખી. તમે સુખમાં રહો, પછી મારું ગમે તે થાઓ!

ગોપીઓનો આ બહુ ઊંચો ભાવ.

ગોપીઓ કોણ હતી ખબર છે?

રામચંદ્રે વનમાં ભ્રમણ કરતાં કરતાં, સાઠ હજાર ઋષિઓ બેઠા હતા તેમની સામે એક વાર સ્નેહભરી દૃષ્ટિ નાખી હતી. તેથી તેઓ રામચંદ્રને જોવા માટે આતુર થયા હતા. કોઈ કોઈ પુરાણમાં છે કે તેઓ જ ગોપીઓ!

એક ભક્ત – મહાશય, અંતરંગ કોને કહે?

શ્રીરામકૃષ્ણ – એ શેના જેવું ખબર છે? જાણે કે નટમંદિરની અંદરના થાંભલા ને બહારના થાંભલા. જેઓ હંમેશાં પાસે રહે તેઓ જ અંતરંગ.

(જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સમન્વય – ભરદ્વાજ વગેરે અને રામ – પૂર્વકથા – અરૂપદર્શન – સાકારત્યાગ – શ્રીશ્રીમા દક્ષિણેશ્વરે)

શ્રીરામકૃષ્ણ (મહિમાચરણને) – પરંતુ જ્ઞાની રૂપ પણ ઇચ્છે નહિ. અવતારનેય ઇચ્છે નહિ. રામચંદ્રે વનમાં જતાં જતાં કેટલાક ઋષિઓને જોયા. તેમણે રામનો ખૂબ આદરસત્કાર કર્યો ને આશ્રમમાં બેસાડ્યા. એ ઋષિઓ બોલ્યા કે રામ, આજે અમે તમને જોયા. અમારું બધું જ સફળ થયું. પણ તમને ઓળખીએ દશરથના પુત્ર તરીકે. ભરદ્વાજ વગેરે ભલે તમને અવતાર માને, પરંતુ અમે એ માનીએ નહિ. અમે એ અખંડ સચ્ચિદાનંદનું ચિંતન કરીએ. રામ પ્રસન્ન થઈને હસવા લાગ્યા.

‘ઓહ! મારી શી અવસ્થાઓ ગઈ છે! મન અખંડમાં લીન થઈ જતું. એમ કેટલાય દિવસો સુધી રહ્યું. ભક્તિ-ભક્તો બધાંનો ત્યાગ કર્યો. જડ થયો. જોયું તો માથું નિરાકાર! અને પ્રાણ જાણે કે જાય જાય! વિચાર આવ્યો કે રામલાલની કાકી (શ્રીસારદામણિદેવી)ને બોલાવું!’

‘ઓરડામાં છબીબબી જે કંઈ હતું તે બધું કાઢી નાખવાનું કહ્યું. વળી જ્યારે હોશ આવે, ત્યારે મન નીચે ઊતરી આવે. ત્યારે પ્રાણ આકુળવ્યાકુળ થયા કરે! આખરે વિચાર થવા લાગ્યો કે તો પછી શું લઈને રહેવું? એટલે પછી ભક્તિ-ભક્તની ઉપર મન આવ્યું.

ત્યાર પછી માણસોને પૂછવા લાગ્યો કે ‘આ મને શું થયું?’ ભોલેનાથે (ભોલાનાથ મુખોપાધ્યાય ત્યારે રાસમણિના કાલી-મંદિરની જગાના મેનેજર, પછી ખજાનચી થયા) કહ્યું કે ભારતમાં (મહાભારતમાં) છે કે સમાધિવાન પુરુષ જ્યારે સમાધિમાંથી ઊતરી આવે, ત્યારે શું લઈને રહે? એટલે ભક્ત-ભક્તિ જોઈએ. એમ ન હોય તો મન ટકી રહે શેને આધારે?

Total Views: 254
ખંડ 44: અધ્યાય 5 : શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્ર - હાજરાની વાત - છલરૂપી નારાયણ
ખંડ 44: અધ્યાય 7 : સમાધિસ્થ માણસ શું પાછા ફરી શકે? - શ્રીમુખ કથિત ચરિતામૃત - કુયાર સિંગ