(વિનોદ, દ્વિજ, તારક, મોહિત, તેજચંદ્ર, નારાયણ, બલરામ, મથુર)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, જે માણસો થોડો થોડો કરીને ત્યાગ કરે, એમની શી અવસ્થા!

‘વિનોદ કહે, ‘પત્નીની સાથે સૂવું પડે, મન બહુ જ નારાજ રહે!’

‘જુઓ, સંગ થાય કે ન થાય, પણ એક સાથે સૂવુંય ખરાબ. શરીરનો ઘસારો, શરીરની ગરમી!

‘દ્વિજની શી અવસ્થા! કેવળ શરીર હલાવે અને મારી સામે તાકીને જોઈ રહે! એ શું ઓછું? સમગ્ર મન એકઠું કરીને જો મારામાં આવે તો તો બધું જ થઈ ગયું!

(ઠાકુર શ્રીરામકૃષ્ણ શું અવતાર?)

‘હું વળી બીજું કોણ? એ (ઈશ્વર) જ. આ શરીર તો સંચો, એ (ઈશ્વર) તેનો ચલાવનાર. આ મારી અંદર ઈશ્વરની સત્તા રહી છે! એટલે આટલું આકર્ષણ લોકોને થાય છે. સહેજ સ્પર્શથી જ બધું થઈ જાય! એ ખેંચાણ, એ આકર્ષણ ઈશ્વરનું જ આકર્ષણ.

‘તારક (બેલઘરિયાનો) ત્યાંથી (દક્ષિણેશ્વરથી) ઘેર પાછો જતો હતો! મેં જોયું કે આની (મારી) અંદરથી શિખાની પેઠે ઝળ ઝળ કરતું કરતું કંઈક નીકળીને ગયું તેની પાછળ પાછળ!

‘કેટલાક દિવસ પછી તારક વળી આવ્યો (દક્ષિણેશ્વર). ત્યારે સમાધિ અવસ્થામાં તેની છાતીએ પગ લગાડ્યો, મારી અંદર જે છે તેણે.

‘વારુ, આ છોકરાઓના જેવા બીજા છોકરાઓ છે ખરા?’

માસ્ટર – મોહિત સારો. આપની પાસે બેએક વાર આવ્યો હતો. કોલેજમાં ભણે છે, અને ઈશ્વર ઉપર તેને અનુરાગ છે.

શ્રીરામકૃષ્ણ – એ હશે, પણ છતાંય એ એટલું ઊંચું ઘર નથી. એનાં શરીરનાં લક્ષણ એટલાં સારાં નથી. મોઢું ચપટું.

‘આ લોકોનું ઊંચું ઘર (ઈશ્વરી સત્તા). પરંતુ શરીર ધારણ કર્યું એટલે ભારે ગોટાળો. તેમાંય વળી જો શાપ લાગે તો સાત જન્મ આવવું પડે. બહુ જ સંભાળીને રહેવું જોઈએ. વાસના હોય એટલે શરીર લેવું પડે જ!

એક ભક્ત – જેઓ અવતાર, દેહ લઈને આવ્યા છે, તેમને શી વાસના (હોય)?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – મેં જોયું છે કે મારી બધી વાસના ગઈ નથી. એક સાધુનું ઉપરણું જોઈને ઇચ્છા થઈ હતી કે એ જાતનું ઉપરણું અંગે નાખવું. હજીયે છે. મને લાગે છે કે હજી એક વાર (મારે) આવવું પડશે!

બલરામ (સહાસ્ય) – આપનો જન્મ શું ઉપરણા સારુ (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એક સારી કામના રાખવી જોઈએ. એનું ચિંતન કરતાં કરતાં દેહ જાય એ માટે. સાધુઓ ચાર ધામમાંથી એક ધામ બાકી રાખે. કેટલાય જગન્નાથ ક્ષેત્ર બાકી રાખે. એટલે જગન્નાથજીનું ચિંતન કરતાં કરતાં શરીર જાય.

ભગવાં પહેરેલ એક વ્યક્તિએ ઓરડામાં પ્રવેશ કર્યો ને પ્રણામ કર્યા. એ અંદરખાનેથી ઠાકુરની નિંદા કરે, એટલે બલરામ હસે છે. ઠાકુર અંતર્યામી; એ બલરામને કહે છે, ‘એ ભલેને મને ઢોંગી કહે, એનો વાંધો નહિ.’

(તેજચંદ્રનો સંસારત્યાગનો પ્રસ્તાવ)

ઠાકુર તેજચંદ્રની સાથે વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (તેજચંદ્રને) – તને આટલાં આટલાં તેડાં મોકલું, છતાં તું આવતો નથી કેમ? વારુ, ધ્યાન-બ્યાન કરતો રહેજે, તો એટલાથીયે હું રાજી થઈશ. હું તને (મારો) પોતાનો ગણું છે એટલે તેડાવું છું.

તેજચંદ્ર – જી, ઓફિસે જવું પડે, વળી કામકાજની ભીડ.

માસ્ટર (હસીને) – ઘેર વિવાહ; એટલે ઓફિસમાંથી દસ દિવસની રજા લીધી છે ભાઈએ!

શ્રીરામકૃષ્ણ – ત્યારે પછી? વખત નથી, વખત નથી! હજી હમણાં જ તો તેં કહ્યું કે સંસારનો ત્યાગ કરવો છે.

નારાયણ – માસ્ટર મહાશય એક દિવસ કહેતા હતા કે wilderness of this world ‘સંસાર અરણ્ય.’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – તમે પેલી વાત કહો તો. એથી આ લોકોને જાણવાનું મળશે. એક શિષ્ય ગુરુના કહેવાથી બેશુદ્ધ દેખાવાની દવા ખાઈને પડ્યો રહ્યો. ગુરુએ આવીને કહ્યું કે આ ગોળીઓ જો બીજું કોઈ પહેલાં ખાય તો શિષ્યના પ્રાણ બચે. પણ જે પહેલી ખાય તે મરી જાય.’

‘અને પેલી (વાત) કહો – વાંકાચૂકાંની. પેલો હઠયોગી કે જે માનતો કે મારી સ્ત્રી વગેરે એ જ મારાં પોતાનાં.

ઠાકુરે બપોરે શ્રીજગન્નાથજીનો પ્રસાદ લીધો. બલરામને ઘેર જગન્નાથજીની પૂજા છે. એટલે ઠાકુર કહે છે કે ‘બલરામનું શુદ્ધ અન્ન.’

જમ્યા પછી ઠાકુરે થોડોક આરામ લીધો.

બપોર નમી ગયા છે. ઠાકુર ભક્તો સાથે એ ઓરડામાં બેઠા છે. કર્તાભજા ચંદ્ર બાબુ અને રસિક બ્રાહ્મણ પણ છે. બ્રાહ્મણનો સ્વભાવ એક જાતના ભાંડ જેવો. એ એક એક વાત બોલે અને સહુ હસે.

ઠાકુરે કર્તાભજા સંપ્રદાય વિશે કેટલીયે વાતો કહી : રૂપ, સ્વરૂપ, રજઃ, બીજ, પાક-પ્રણાલી વગેરે.

(ઠાકુરની ભાવાવસ્થા – શ્રીયુત્ અતુલ અને તેજચંદ્રનો ભાઈ)

સાંજના છ વાગવા આવ્યા છે. ગિરીશના ભાઈ અતુલ, અને તેજચંદ્રના ભાઈ આવેલા છે. ઠાકુર ભાવ-સમાધિમાં મગ્ન છે. થોડીક વાર પછી ભાવ-અવસ્થામાં બોલે છે, ‘ચૈતન્યનું ચિંતન કરતાં કરતાં શું અચૈતન્ય (જડ જેવો) થાય? ઈશ્વરનું ચિંતન કરીને શું કોઈ ચસ્કેલ મગજનો થાય? ઈશ્વર તો બોધ સ્વરૂપ! નિત્ય, શુદ્ધ, બોધ સ્વરૂપ!’

આગંતુકોની અંદર કોઈક શું મનમાં એમ વિચાર કરી રહ્યા છે કે વધુ પડતું ઈશ્વર-ચિંતન કરી કરીને ઠાકુરનું મગજ ચસ્કી ગયું છે?

(‘આગળ ધપો’ – કૃષ્ણધનની સામાન્ય રસિકતા)

ઠાકુર કૃષ્ણધન નામના પેલા રસિક બ્રાહ્મણને કહે છે, ‘અરે શું આ ફાલતું બાબતો લઈને તમે રાતદિવસ ઠઠ્ઠા મશ્કરી કરીને સમય વિતાવો છો? એ વૃત્તિનું ઈશ્વરની તરફ મોઢું ફેરવી નાખો. જે લવણનો હિસાબ કરી શકે એ સાકરનોય હિસાબ કરી શકે.’

કૃષ્ણધન (સહાસ્ય) – આપ જ ખેંચી લ્યો.

શ્રીરામકૃષ્ણ – હું શું કરું, તમારા પ્રયત્ન ઉપર બધો આધાર. એ મંત્ર નથી – એ ‘મન તોર’ – તમારા મન ઉપર આધારિત છે.

‘એ જાતની સાધારણ ભાટાઈ ને વિદૂષકતા છોડીને ઈશ્વરને માર્ગે આગળ વધો. એથીયે આગળ, એથીયે આગળ છે. બ્રહ્મચારીએ કઠિયારાને ‘આગળ જજે’ એમ કહેલું. શરૂઆતમાં એ જરાક આગળ જઈને જુએ છે તો ચંદનનાં વન. ત્યાર પછી આગળ વધતાં જુએ છે તો રૂપાની ખાણ. ત્યાર પછી સોનાની ખાણ. ત્યાર પછી હીરા-માણેક! એ પ્રમાણે.

કૃષ્ણધન – આ માર્ગનો અંત નહિ.

શ્રીરામકૃષ્ણ – જે ઠેકાણે શાંતિ, એ ઠેકાણે ‘તિષ્ઠ.’

ઠાકુર એક આગંતુક સંબંધે બોલે છે,

‘એની અંદર કંઈ જ વસ્તુ દેખાઈ નહિ. જાણે સૂકું બોર.

સંધ્યા થઈ. ઓરડામાં દીવો પ્રકટાવવામાં આવ્યો. ઠાકુર જગન્માતાનું ચિંતન અને મધુર સ્વરે નામોચ્ચારણ કરે છે. ભક્તો ચારે બાજુએ બેઠા છે.

આવતી કાલે રથોત્સવ. એટલે ઠાકુર આજે રાત્રે આ ઘેર જ રહેવાના છે.

અંદરના ઓરડામાં જરા રાત્રિભોજન કરીને ઠાકુર પાછા મોટા ખંડમાં આવ્યા. રાતના દશ વાગવાનો સુમાર. ઠાકુર મણિને કહે છે, ‘આ બાજુના ઓરડામાંથી (એટલે કે પાસેના પશ્ચિમના નાના ઓરડામાંથી) અંગૂછો લઈ આવો તો.’

ઠાકુરની પથારી એ નાના ઓરડામાં કરવામાં આવી છે. રાતના સાડા દસ થયા છે. ઠાકુર પથારીમાં સૂતા.

ગ્રીષ્મકાળ. ઠાકુર મણિને કહે છે, ‘પંખો લઈ આવો તો સારું.’ અને મણિને પંખો કરવાનું કહ્યું. રાતના બારને વખતે ઠાકુરની સહેજ ઊંઘ ભાંગી. તે બોલ્યા, ‘ઠંડી લાગે છે, હવે (પંખો કરવાની) જરૂર નથી.’

Total Views: 502
ખંડ 48: અધ્યાય 1 : ભક્ત બલરામના ઘરે શ્રીશ્રી રથયાત્રા
ખંડ 48: અધ્યાય 3 : રથોત્સવને દિવસે ભક્તો સાથે બલરામને ઘેર