બપોરનો એક વાગ્યો છે. ઠાકુર જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી લાવ્યો છે. ઠાકુર મહાઆનંદથી માસ્ટરને કહે છે, ‘અરે ભાઈ, પૂર્ણ આવ્યો છે!’ નરેન્દ્ર, છોટો નરેન, નારાયણ, હરિપદ અને બીજા ભક્તો પાસે બેઠા છે અને ઠાકુરની સાથે વાતો કરી રહ્યા છે.

(સ્વાધીન ઈચ્છા – ફ્રી વિલ અને છોટો નરેન – નરેન્દ્રનું ગીત)

છોટો નરેન – વારુ, આપણને સ્વતંત્ર ઇચ્છા (ફ્રી વિલ) છે કે નહિ?

શ્રીરામકૃષ્ણ – આપણી માંહેનો ‘હું’ કોણ એ શોધો જોઈએ. ‘હું’ શોધતાં શોધતાં ‘એ’ (પરમાત્મા) નીકળી પડે! ‘હું સંચો, ઈશ્વર સંચો ચલાવનાર.’ ચીનાઈ પૂતળી હાથમાં કાગળ લઈને દુકાને જાય એમ સાંભળ્યું છે! તેમ ઈશ્વર જ કર્તા! પોતાને અકર્તા સમજીને કર્તાની પેઠે કામ કરો.

‘જ્યાં સુધી ઉપાધિ, ત્યાં સુધી અજ્ઞાન. હું પંડિત, હું જ્ઞાની, હું પૈસાવાળો, હું પ્રતિષ્ઠિત, હું માલિક, બાપુ, ગુરુ, બાબા એ બધું અજ્ઞાનથી થાય. ‘હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર’ એનું નામ જ્ઞાન. ત્યારે બીજી બધી ઉપાધિ ચાલી ગઈ! લાકડાં બળીને રાખ થઈ જાય પછી તેનો તડતડ અવાજ રહે નહિ, તેનો તાપ પણ રહે નહિ. પછી બધું ઠંડું! શાંતિઃ શાંતિઃ શાંતિઃ!

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – જરાક ગા ને.

નરેન્દ્ર – ઘેર જાઉં, કેટલુંય કામ છે.

શ્રીરામકૃષ્ણ – ત્યારે બાપુ, અમારી વાત તું સાંભળે શેનો?

‘જેને હોયે કાને સોના, તેની વાતો સોળ આના,

જેને હોયે કૂલે ભમરો, તેની વાતો કોઈ સુણે ના.’ (સૌનું હાસ્ય).

‘તું ગૂહને બગીચે જઈ શકે. મોટે ભાગે સાંભળું કે આજ નરેન્દ્ર ક્યાં, તો ગૂહને બગીચે! એ વાત હું તો કાઢત નહિ, પણ તેં જ વાત કઢાવી –

નરેન્દ્ર થોડી વાર મૂંગો થઈ રહ્યો છે. પછી કહે છે કે વાજિંત્રો નથી, એકલું ગીત –

શ્રીરામકૃષ્ણ – ભાઈ, અમારી તો જે અવસ્થા છે તે આ છે. એટલાથી બને તો ગાઓ. તેમાંય વળી બલરામની વ્યવસ્થા.

‘બલરામ કહેશે કે આપે હોડીમાં આવવું. એ જો ન જ બને, તો ગાડી ભાડે કરીને આવવું. (સૌનું હાસ્ય). આજે ખાવા દીધું છે, એટલે આજે બપોર પછી નચાવી લેશે. (સૌનું હાસ્ય). એક દિવસ અહીંયાંથી ભાડાની ઘોડાગાડી કરી આપેલી, તેનું ભાડું ઠરાવેલું બાર આના. મેં કહ્યું કે બાર આનામાં ઠેઠ દક્ષિણેશ્વર આવશે? એટલે એ કહે કે ‘એ એમ જ થાય.’ રસ્તામાં જતાં જતાં ગાડીની એક બાજુએથી કિનાર ભાંગી અને પડી ગઈ (સૌ કોઈનું ખડખડાટ હાસ્ય). વળી રસ્તામાં ઘોડો વચ્ચે વચ્ચે તદ્દન ઊભો રહી જાય; કોઈ રીતે ચાલે નહિ. એટલે ગાડીવાળો ચાબૂકથી તેને ખૂબ મારે. એટલે એ ઘોડો કોઈ કોઈ વાર વળી ખૂબ દોડે! (સૌનું ખડખડાટ હાસ્ય). પછી અહીંયાં રામ ખોલ બજાવશે, અને આપણે નાચવાનું; રામને તાલનું ભાન નહિ! (સૌનું હાસ્ય). બલરામનો અંતરનો ભાવ એવો કે તમે જ ગાઓ, તમે જ નાચો ને આનંદ કરો. (સૌનું હાસ્ય).

ભક્તો ઘેરથી ભોજન વગેરેથી પરવારીને ક્રમે ક્રમે આવી રહ્યા છે.

મહેન્દ્ર મુખર્જીને દૂરથી પ્રણામ કરતા જોઈને ઠાકુર તેને પ્રણામ કરે છે, તેમ પાછા સલામ કરે છે. પાસેના એક યુવક ભક્તને કહે છે કે એને કહેને કે (મેં) ‘સલામ કરી,. એ બહુ ‘આલકોટ’ ‘આલકોટ’ કરે છે! (સૌનું હાસ્ય). ગૃહસ્થ ભક્તોમાંથી ઘણાય પોતાના ઘરનાં બૈરાંઓને લાવ્યા છે. તેઓ શ્રીઠાકુરનાં દર્શન કરે અને રથની સન્મુખે કીર્તનાનંદ જુએ એ સારુ. રામ, ગિરીશ વગેરે ભક્તો ક્રમે ક્રમે આવ્યા છે. યુવક ભક્તો પણ ઘણાખરા આવ્યા છે.

હવે નરેન્દ્ર ગીત ગાય છે :

‘દિન કેટલે થશે રે એ પ્રેમ સંચાર?

થઈ પૂર્ણ કામ લઈશ હરિનામ, નયને વહેશે પ્રેમ અશ્રુધાર…

ગીત : ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ-રાશિ,

તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહા-વાસી…

બલરામે આજે કીર્તનની વ્યવસ્થા કરી છે. વૈષ્ણવચરણ અને બનવારીનું કીર્તન. હવે વૈષ્ણવચરણ ગાય છે :

દુર્ગાનામ જપો રસના સદા તું મારી,

દુઃખમાં શ્રી દુર્ગા વિના કોણ રક્ષણકારી?

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર સમાધિ-મગ્ન! ઊભાં ઊભાં સમાધિસ્થ! છોટો નરેન તેમને પકડી રહ્યો છે. સહાસ્ય વદન. થોડી વાર પછી બધું સ્થિર! ઓરડામાં ખીચોખીચ ભરેલા ભક્તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. મહિલા-ભક્તો ચકમાંથી જુએ છે. સાક્ષાત્ નારાયણ જાણે કે દેહ ધારણ કરીને ભક્તને માટે આવ્યા છે! કેવી રીતે ઈશ્વરને ચાહવો જોઈએ એ શીખવવા જાણે કે આવ્યા છે!

ઈશ્વરનું નામ લેતાં લેતાં કેટલીય વાર પછી સમાધિ ભંગ થઈ. ઠાકુર પોતાને આસને બેઠા. એટલે વૈષ્ણવચરણે વળી ગીત ઉપાડ્યું!

ગીત : ‘હરિ હરિ બોલો રે વીણા…’

ગીત : વિફલે દિન જાય વીણા, શ્રીહરિની સાધના વિના..

હવે બીજો એક કીર્તનિયો, બનવારી ગીત ગાય છે. પરંતુ ગીત ગાતાં ગાતાં વારંવાર ‘આહા! આહા!’ એમ બોલ્યા કરે, ને સાથે જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા કરે. એથી શ્રોતાઓ કોઈ કોઈ હસે ને કોઈ કોઈ કંટાળે.

બપોર નમી ગયા છે. એટલામાં ઓસરીમાં ઠાકોરજી શ્રીજગન્નાથદેવનો નાનો રથ ધજા, પતાકા વગેરેથી સારી રીતે શણગારીને બહાર લાવવામાં આવ્યો છે. શ્રી જગન્નાથ, સુભદ્રા અને બલરામ ચંદન-ચર્ચિત છે અને વસ્ત્ર, આભૂષણ અને પુષ્પમાળા વગેરેથી સુશોભિત થયાં છે. ઠાકુર બનવારીનું કીર્તન છોડીને ઓસરીમાં રથની સામે પધાર્યા. ભક્તોય સાથે સાથે ચાલ્યા. ઠાકુરે રથની દોરી પકડીને જરાક વાર ખેંચી. ત્યાર પછી રથની સામે ભક્તો સાથે નૃત્ય અને કીર્તન કરે છે. બીજાં ગીતોની સાથે ઠાકુરે ગીત ઉપાડ્યું :

જેમનાં હરિ બોલતાં નયન ઝરે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

જેઓ માર ખાઈ પ્રેમ વેચે, અરે એવા બે ભાઈ આવ્યા છે રે…

ગીત : નદિયા ડગમગ ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે…

નાની ઓસરીમાં રથની સાથે સાથે કીર્તન અને નૃત્ય થઈ રહ્યું છે. ઉચ્ચ સ્વરનું સંકીર્તન અને ખોલનો અવાજ સાંભળીને બહારના લોકો કેટલાય ઓસરીમાં આવી ગયા છે. ઠાકુર હરિપ્રેમમાં મતવાલા. ભક્તો પણ સાથે સાથે પ્રેમોન્મત્ત થઈને નાચી રહ્યા છે.

Total Views: 320
ખંડ 48: અધ્યાય 4 : પૂર્વકથા - શ્રી કાશીધામે શિવ અને સોનાનાં અન્નપૂર્ણાનાં દર્શન - આજે બ્રહ્માંડના શાલિગ્રામ રૂપે દર્શન
ખંડ 48: અધ્યાય 6 : નરેન્દ્રનું ગાન - ભાવાવસ્થામાં ઠાકુરનું નૃત્ય