રથની સામે કીર્તન અને નૃત્ય કરી રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ ઓરડામાં આવીને બેઠા છે. મણિ વગેરે ભક્તો તેમની પદસેવા કરી રહ્યા છે.

નરેન્દ્ર દિવ્યભાવમાં આવી જઈને તાનપૂરો (તંબૂરો) લઈને વળી ગીતો ગાય છે.

ગીત : આવો મા, આવો મા, ઓ હૃદય-રમા, પ્રાણ-પૂતળી મા-

હૃદય આસને, થાઓ મા બિરાજિત, જોઉં હું તમોને મા-

ગીત : મા, તું તારા; તમે ત્રિગુણધરા પરાત્પરા!

હું જાણું કે તમે દીનદયામયી, તમે દુઃખોમાં છો દુઃખહરા…

તમે સંધ્યા, તમે ગાયત્રી, તમે જગદ્ધાત્રી ઓ મા;

તમે ડૂબતાંનાં ત્રાણકારી, સદાશિવની મનોહારી…

તમે જળે, તમે સ્થળે, તમે આદ્યમૂળે છો મા,

તમે સર્વ ઘટે, તમે અર્ઘ્ય -પૂટે, સાકાર આકાર નિરાકારા…

ગીત : ‘તમોને જ કર્યા છે જીવનના ધ્રુવતારા,

આ સિંધુમાં હવે કદી થાઉં નહિ પથહારા…

એક ભક્ત નરેન્દ્રને કહે છે કે તમે આ ગીત ગાશો? –

‘અંતરે જાગેલાં છો મા, અંતરયામિની!

શ્રીરામકૃષ્ણ – જા જા! અત્યારે એ બધાં ગીત શું! અત્યારે તો આનંદનાં ગીત – ‘શ્યામા સુધા-તરંગિણી.’

નરેન્દ્ર ગાય છે : ક્યારે કયે રંગે રહો મા શ્યામા, સુધાતરંગિણી!

તમે રંગે ભંગે અપાંગે અંગે ભંગ દીઓ જનની!…

ભાવમાં ઉન્મત્ત થઈને નરેન્દ્રનાથ વારે વારે ગાવા લાગ્યા –

કદી કમળે કમળે રહો મા પૂર્ણબ્રહ્મ સનાતની.’

ઠાકુરેય પ્રેમોન્મત્ત થઈને નૃત્ય કરે છે અને ગાય છે, ‘ઓ મા પૂર્ણબ્રહ્મ સનાતની!’ કેટલીયે વાર સુધી નૃત્ય કર્યા પછી ઠાકુર પાછા પોતાના આસને બેઠા. નરેન્દ્ર ભાવના આવેશમાં આવીને નેત્રમાં અશ્રુસહિત ગીત ગાય છે, એ જોઈને ઠાકુર અત્યંત આનંદિત થયા.

રાતના નવ વાગવાનો સુમાર. હજીયે ભક્તો સાથે ઠાકુર બેઠા છે. વળી વૈષ્ણવચરણનું ગીત સાંભળે છે.

ગીત : શ્રી ગૌરાંગ સુંદર નવનટવર તપત-કાંચન કાય….

ગીત : ‘ઓળખું કેમ રે તમને (હરિ);

અરે બંકુરાય! ભૂલ્યા જઈ મથુરા પુરી;

હાથીએ ચડી, પ્હેરી મોજડી, ભૂલ્યા છો શું રે ધેનુ-ચરા,

સાંભરે વ્રજની માખણ ચોરી’..

રાતના દસ-અગિયાર વાગવા આવ્યા છે. ભક્તો પ્રણામ કરીને રજા લે છે.

શ્રીરામકૃષ્ણ – વારુ, બીજા બધા ઘેર જાઓ. (નરેન્દ્ર અને છોટા નરેનને દેખાડીને) આ બે જણ રહે એટલે થયું. (ગિરીશને) તમે શું ઘેર જઈને જમવાના? રોકાઓ તો જરા વાર રોકાઓ. હુક્કો? ઓહ, બલરામનો નોકરેય એવો છે! બૂમ મારી જુઓ ને; આપે એવો નથી. (સૌનું હાસ્ય). પણ તમે હુક્કો પીને જાઓ.

શ્રીયુત્ ગિરીશની સાથે એક ચશ્માં પહેરેલ મિત્ર આવેલા છે. એ આ બધું જોઈ સાંભળીને ચાલ્યા ગયા. ઠાકુર ગિરીશને કહે છે, ‘તમને અને ફલાણાને કહેવાનું કે પરાણે કોઈને લઈ આવશો મા! સમય થયા વિના (ચૈતન્ય) થાય નહિ.’

એક ભક્તે પ્રણામ કર્યા. સાથે એક છોકરો. ઠાકુર સસ્નેહે કહે છે, ‘ત્યારે તમે આવજો. પાછો આ છોકરો સાથે છે.’ નરેન્દ્ર, છોટો નરેન, અને બીજા એક બે ભક્તો થોડી વધુ વાર રહીને ઘેર પાછા ગયા.

Total Views: 314
ખંડ 48: અધ્યાય 5 : બલરામનો રથોત્સવ - નરેન્દ્રાદિ ભક્તો સાથે સંકીર્તનાનંદે
ખંડ 48: અધ્યાય 7 : સુપ્રભાત અને ઠાકુર શ્રીરામકૃષ્ણ - મધુર નૃત્ય અને નામસંકીર્તન