શ્રીરામકૃષ્ણ દીવાનખાનાની પશ્ચિમ બાજુના નાના ઓરડામાં બિછાના પર સૂતેલા છે. સવારના ચાર વાગ્યા છે. ઓરડાની દક્ષિણ બાજુએ ઓસરી. તેમાં એક સ્ટૂલ મૂકેલું છે. તેની ઉપર માસ્ટર બેઠા છે.

જરા વાર પછી જ ઠાકુર ઓસરીમાં આવ્યા. માસ્ટરે જમીન પર માથું મૂકીને પ્રણામ કર્યા. આજ બુધવાર, ૧૫મી જુલાઈ ૧૮૮૫.

શ્રીરામકૃષ્ણ – હું પહેલાંય એક વાર ઊઠ્યો હતો. વારુ, સવારમાં જઈશું?

માસ્ટર – જી, સવારના ભાગમાં મોજાં જરા ઓછાં રહે.

પ્રભાત થયું છે. હજી સુધી ભક્તો આવી મળ્યા નથી. ઠાકુર મોં ધોઈને મધુર સ્વરે ભગવાનનાં નામ લે છે. પશ્ચિમ તરફના ઓરડાના ઉત્તરના દરવાજા પાસે ઊભા રહીને નામસ્મરણ કરે છે. પાસે માસ્ટર. થોડી વાર પછી જરાક આઘે ગોપાલની મા આવીને ઊભાં. અંતઃપુરના બારણાની આડે એક બે સ્ત્રી-ભક્તો આવીને ઠાકુરનાં દર્શન કરી રહી છે, જાણે કે વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણનાં દર્શન કરી રહી છે. અથવા નવદ્વીપની ભક્ત-મહિલાઓ પ્રેમોન્મત્ત શ્રીગૌરાંગને આડશમાંથી જોઈ રહી છે.

શ્રીરામનાં નામ લીધા પછી ઠાકુર શ્રીકૃષ્ણનાં નામ લે છે : ‘કૃષ્ણ! કૃષ્ણ! ગોપીકૃષ્ણ! ગોપી! ગોપી! ગોપ-જીવન કૃષ્ણ! નંદનંદન કૃષ્ણ! ગોવિંદ! ગોવિંદ! ’

તેમ વળી શ્રીગૌરાંગનાં નામ લે છે :

શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ! હરે કૃષ્ણ, હરે રામ, રાધે ગોવિંદ!

તેમજ વળી કહે છે, ‘અલખ નિરંજન!’ નિરંજન બોલીને રુદન કરે છે. તેમનું રુદન જોઈને અને કરુણ સ્વર સાંભળીને પાસે ઊભેલા ભક્તોય રડે છે. ઠાકુર રુદન કરતા જાય છે અને બોલતા જાય છે, ‘નિરંજન! (સ્વામી નિરંજનાનંદ) આવ મારા બાપ, ખા રે, લે રે; ક્યારે તને ખવડાવીને જનમ સફળ કરું! તું મારે માટે દેહ ધારણ કરીને નર રૂપે આવ્યો છો!’

શ્રી જગન્નાથજીની પાસે ઠાકુર અંતરની વ્યાકુળતા વ્યક્ત કરે છે : ‘જગન્નાથ! જગબંધુ! દીનબંધુ! હું તો જગતની બહાર નથી મારા નાથ! મારા પર દયા કરો!

વળી પ્રેમોન્મત્ત થઈને ઠાકુર ગાય છે :

‘ઉડીષ્યા (ઓરિસ્સા) જગન્નાથ ભજો બિરાજો જી!’

હવે નારાયણનાં નામનું કીર્તન કરતાં ઠાકુર નાચે છે અને ગાય છે : ‘શ્રીમન્નારાયણ! શ્રીમન્નારાયણ, નારાયણ, નારાયણ!’

નાચતાં નાચતાં વળી ઠાકુર ગીત ગાય છે :

‘થયો જેના સારુ પાગલ, તેને પામ્યો ક્યાં?

બ્રહ્મા પાગલ, વિષ્ણુ પાગલ, તેમજ પાગલ શિવ,

ત્રણ પાગલોએ યુક્તિ કરીને, ભાંગિયું નવદ્વીપ…

બીજો એક પાગલ જોઈને આવ્યો, વૃંદાવનની માંય,

રાઈને રાજા શણગારીને, પોતે કોટવાલ થાય…

હવે ઠાકુર ભક્તો સાથે નાના ઓરડામાં બેઠેલા છે. દિગંબર! જાણે કે પાંચ વરસનું બાળક! માસ્ટર, બલરામ તથા બીજાય એક બે ભક્તો બેઠેલા છે.

(રૂપદર્શન ક્યારે? – ગૂઢકથા – શુદ્ધ આત્માવાળા છોકરામાં નારાયણદર્શન)

(રામલાલા, નિરંજન, પૂર્ણ, નરેન્દ્ર, બેલઘરિયાના તારક, છોટો નરેન)

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરી રૂપનાં દર્શન કરી શકાય. જ્યારે ઉપાધિ બધી ચાલી જાય, વિચાર બંધ થઈ જાય ત્યારે દર્શન થાય; ત્યારે માણસ આશ્ચર્યચકિત થઈ જાય અને સમાધિ-મગ્ન થાય! માણસો નાટક જોવા જાય ત્યારે થિયેટરમાં બેઠાં બેઠાં કેટલીયે વાતો કરે; આની વાત, તેની વાત. પણ જેવો પડદો ઊપડી જાય એટલે બધી વાતો બાતો બંધ થઈ જાય. જે દૃશ્ય દેખાય, તેમાં જ મશગૂલ.

‘તમને હું અતિ ગુપ્ત વાત કહું છું. હું શા માટે પૂર્ણ, નરેન્દ્ર, વગેરે બધાને આટલા ચાહું છું? જગન્નાથની સાથે મધુર-ભાવે આલિંગન કરવા જતાં પડી જઈને મારો હાથ ભાંગી ગયો. એમણે જણાવી દીધું કે ‘તમે શરીર ધારણ કર્યું છે; અત્યારે નરરૂપની સાથે સખ્ય, વાત્સલ્ય વગેરે બધા ભાવ રાખીને રહો.’

‘રામલાલા (શ્રીરામની બાલમૂર્તિ)ની ઉપર અંતરના જે જે ભાવ થતા, એ જ પૂર્ણ વગેરે ભક્તોને જોઈને થાય છે! રામલાલાને નવડાવતો, ખવડાવતો, સુવડાવતો, સાથે સાથે લઈને ફરતો, રામલાલાને માટે બેઠો બેઠો રુદન કરતો. બરાબર એમ જ હવે આ છોકરાઓને માટે થાય છે. જુઓને નિરંજન, કશામાંય લિપ્ત નથી. પોતાની ગાંઠના પૈસા ખર્ચીને ગરીબોને દવાખાનામાં લઈ જાય. વિવાહની વાતમાં એ કહે છે કે ‘બાપ રે! એ તો વિશાલાક્ષીનું કળણ!’ એને જોઉં છું કે એ એક મોટી જ્યોતિની ઉપર બેસી રહેલો છે!

‘પૂર્ણનું ઊંચું સાકાર-ઘર, વિષ્ણુના અંશથી જન્મ. આહા તેનામાં શો અનુરાગ!

(માસ્ટરને) જોયું નહિ, તમારા તરફ જોઈ રહ્યો! જાણે કે ગુરુભાઈની તરફ. એ જાણે કે આ મારાં પોતાનાં માણસ! હજી એક વાર મળવા આવશે એમ કહ્યું છે. એ કહે કે કેપ્ટનને ત્યાં મેળાપ થશે.

(નરેન્દ્રના કેટલાક ગુણ – છોટા નરેનના ગુણ)

‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા.

આટલા ભક્તો આવે છે, પણ એના જેવો એક પણ નથી.

ક્યારેક ક્યારેક બેઠો બેઠો વિચાર કરું. તો જોઉં કે બીજાં પદ્મોમાં કોઈ દશ-દલ, કોઈ ષોડશ-દલ, કોઈ શતદલ. પરંતુ પદ્મમાં નરેન્દ્ર તો સહસ્રદલ.

‘બીજાઓ લોટો, બહુ તો ઘડો વગેરે થઈ શકે, પણ નરેન્દ્ર તો મોટી કોઠી!

ખાબોચિયાં, તળાવડાં વગેરે જળાશયોની અંદર નરેન્દ્ર મોટું સરોવર! જાણે કે હાલદારપુકુર!

માછલીઓમાં લાલ આંખવાળી મોટી માછલી. બાકીની તો બીજી બધી નાની નાની માછલીઓ.

ખૂબ મોટો આધાર. ઘણી બાબતો ધારણ કરી શકે. જાણે કે ઘણી જાડાઈવાળો વાંસ!

નરેન્દ્ર કશાયને વશ નહિ. એ આસક્તિ કે ઇન્દ્રિયસુખને વશ નહિ. જાણે કે નર-પારેવું. નર-પારેવાની ચાંચ પકડો તો ચાંચ તાણીને છોડાવી લે, જ્યારે માદા-પારેવું ચૂપ બેઠું રહે.

‘બેલઘરિયાના તારકને બીજી મોટી માછલી કહી શકાય.

‘નરેન્દ્ર પુરુષ, એટલે ગાડીમાં જમણી બાજુએ બેસે. ભવનાથનો માદા-ભાવ, એટલે એને બીજી બાજુએ બેસવા દઉં.

‘નરેન્દ્ર સભામાં રહે તો મને જોર ચડે.’

શ્રીયુત્ મહેન્દ્ર મુખર્જીએ આવીને પ્રણામ કર્યા. સમય આઠનો હશે. ક્રમે ક્રમે હરિપદ, તુલસીરામ આવીને પ્રણામ કરીને બેઠા. બાબુરામને તાવ આવ્યો છે, એટલે એ આવી શક્યો નથી.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરેને) – છોટો નરેન આવ્યો નહિ? એણે ધાર્યું હશે કે હું ચાલ્યો ગયો છું. (મુખર્જીને) શી નવાઈ! એ (છોટો નરેન) નાનપણમાં, સ્કૂલમાંથી આવીને ઈશ્વરને માટે રડતો! (ઈશ્વરને માટે) રડવું, તે કંઈ સાધારણને આવે?

તેમ વળી બુદ્ધિ ખૂબ. વાંસની અંદર જાણે કે ડાળીવાળો વાંસ!

‘અને મારી ઉપર તેનું સમગ્ર મન રહ્યું છે! ગિરીશ ઘોષ કહે કે નવગોપાલને ઘેર જે દિવસે કીર્તન થયું હતું તે દિવસે (છોટો નરેન) આવ્યો હતો. પરંતુ ‘ઠાકુર ક્યાં?’ કહેતાંની સાથે ભાન ભૂલ્યો! માણસોના અંગ ઉપર પગ દેતો દેતો ચાલ્યો જાય!

તેમ વળી બીક નહિ કે ઘેર વઢશે. દક્ષિણેશ્વર ત્રણ રાત્રિ એક સાથે રહી જાય.’

Total Views: 322
ખંડ 48: અધ્યાય 6 : નરેન્દ્રનું ગાન - ભાવાવસ્થામાં ઠાકુરનું નૃત્ય
ખંડ 48: અધ્યાય 8 : ભક્તિયોગનું ગૂઢ રહસ્ય - જ્ઞાન અને ભક્તિનો સમન્વય