(મુખર્જી, હરિબાબુ, પૂર્ણ, નિરંજન, માસ્ટર, બલરામ)

મુખર્જી – હરિ (બાગબજારના) આપની કાલની વાતો સાંભળીને નવાઈ જ પામી ગયા! કહે સાંખ્ય-દર્શનમાં, પાતંજલ-દર્શનમાં, વેદાન્તમાં એ બધી વાતો છે. ઠાકુર સાધારણ (માણસ) નથી!

શ્રીરામકૃષ્ણ – ક્યાં? હું તો સાંખ્ય, વેદાન્ત ભણ્યો નથી!

‘પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ભક્તિ એક જ. ‘નેતિ’ ‘નેતિ’ કરતાં કરતાં વિચારનો અંત આવે ત્યારે બ્રહ્મજ્ઞાન. ત્યાર પછી જેનો ત્યાગ કરી ગયા હતા, તેનું જ પાછું ગ્રહણ. અગાસી ઉપર ચડતી વખતે સાવચેતીથી ચડવું જોઈએ. ત્યાર પછી જુએ કે અગાસી જે વસ્તુની – ઈંટ, ચૂનો, રેતી વગેરેની છે, પગથિયાંય એ જ વસ્તુમાંથી બનેલાં છે!

‘જેને ઊંચાનું જ્ઞાન છે, તેને નીચાનું જ્ઞાન છે જ. જ્ઞાન થયા પછી ઉપર નીચે એક લાગે.

‘પ્રહ્લાદને જ્યારે તત્ત્વજ્ઞાન થતું, ત્યારે ‘સોઽહમ્’ (હું એ શુદ્ધ આત્મા) થઈને બેસતા. જ્યારે દેહભાન આવતું ત્યારે ‘દાસોઽહમ્’ (‘હું ઈશ્વરનો દાસ,’) એ ભાવ આવતો.

‘હનુમાનનોય ક્યારેક ‘સોઽહમ્’, તો ક્યારેક ‘દાસોઽહમ્,’ તો ક્યારેક ‘હું તમારો અંશ’ એ ભાવ રહેતો.

‘શા માટે ભક્તિ લઈને રહેવાનું? જો ભક્તિ લઈને ન રહે તો (ઈશ્વરદર્શી) માણસ શું લઈને રહે? શું લઈને દિવસ કાઢે?’

‘હું’ તો જવાનો નથી. ‘હું’ રૂપી ઘડો હોય ત્યાં સુધી ‘સોઽહમ્’ થાય નહિ. સમાધિ-મગ્ન થાય, ‘હું’ સાવ ભૂંસાઈ જાય, ત્યાર પછી જે છે તે છે. રામપ્રસાદ કહે છે કે ‘ત્યાર પછી હું સારો કે તું સારો એ તું જ જાણે!’

‘જ્યાં સુધી ‘હું’ રહેલ છે, ત્યાં સુધી ભક્તની પેઠે જ રહેવું સારું! ‘હું જ એ ભગવાન’ એ સારું નહિ. હે જીવ, ભક્તવત્ ન ચ કૃષ્ણવત્! પણ જો પ્રભુ પોતે જ પોતાની પાસે ખેંચી લે, તો પછી જુદી વાત. જેવી રીતે માલિક નોકરની ઉપર સ્નેહ દર્શાવીને કહે કે ‘આવ, આવ, અહીં પાસે બેસ; જે હું છું એ જ તું છો!’ તેમ. ‘ગંગાનું જ મોજું કહેવાય, મોજાંની ગંગા’ કહેવાય નહિ!

શિવની બે અવસ્થા. જ્યારે આત્મારામ હોય ત્યારે સોઽહમ્ અવસ્થા. યોગાવસ્થામાં બધું સ્થિર. જ્યારે ‘હું એક અલગ’ એવું ભાન રહે, ત્યારે ‘રામ’! ‘રામ!’ કરીને નૃત્ય કરે.

‘જેને અટલનું ભાન છે, તેને ટલ (અસ્થિર)નું ય ભાન છે.

‘આ તમે જ અત્યારે સ્થિર છો. વળી પાછા તમે જ થોડીક વાર પછી કામ કરવાના.

‘જ્ઞાન અને ભક્તિ એક જ વસ્તુ. પણ એક જણ કહેશે કે ‘પાણી’ અને બીજો કહેશે કે ‘પાણીનું ચાંગળું’.

(બે પ્રકારની સમાધિ – સમાધિનો પ્રતિબંધક – કામિનીકાંચન)

‘સામાન્ય રીતે સમાધિ બે પ્રકારની. જ્ઞાનને માર્ગે, વિચાર કરતાં કરતાં અહં નાશ થયા પછી જે સમાધિ થાય, તેને સ્થિત સમાધિ યા જડ સમાધિ યા નિર્વિકલ્પ સમાધિ કહે. ભક્તિ-માર્ગની સમાધિને ભાવસમાધિ કહે. ઈશ્વર સાથે એમાં સંભોગને માટે, રસાસ્વાદનને માટે રેખા જેવો સ્હેજ ‘હું’ રહે. કામિની-કાંચનમાં આસક્તિ હોય ત્યાં સુધી આ બધા ઉપદેશની ધારણા ન થાય.

‘કેદારને મેં કહ્યું કે કામિની-કાંચનમાં મન હોય તો (ઈશ્વર-દર્શન) થાય નહિ. મને ઇચ્છા થઈ કે એક વાર એની છાતીએ હાથ ફેરવી દઉં, પણ એ બન્યું નહિ. એની અંદર વાંકુંચૂકું, ખાંચખૂંચ બહુ. એના અંતરના ઓરડામાં વિષ્ટાની ગંધ, અંદર પેસી શક્યો નહિ. જેમ કે સ્વયંભૂ લિંગ, તેની કાશી સુધી જડ. સંસારમાં આસક્તિ, કામિની-કાંચનમાં આસક્તિ હોય તો ઈશ્વર-દર્શન થાય નહિ.

‘છોકરાઓની અંદર હજી સુધી કામિની-કાંચન પેઠાં નથી; એટલે તો એમને હું આટલો ચાહું છું. હાજરા કહેશે કે ‘પૈસાવાળાનો છોકરો જોઈને, દેખાવડો છોકરો જોઈને તમે સ્નેહ રાખો!’ એમ જો હોય તો હરીશ, લાટુ, નરેન્દ્ર વગેરેને ચાહું છું શા માટે? નરેન્દ્રને તો ભાતમાં નાખવા મીઠું લેવાનાં દોઢિયાંય નથી મળતાં!

પણ છોકરાઓની અંદર વિષયી બુદ્ધિ હજી સુધી પેઠી નથી. એટલે એમનાં અંતર આટલાં શુદ્ધ છે.

અને તેઓમાંના ઘણાય તો નિત્ય-સિદ્ધ. જન્મથી જ તેમનું ઈશ્વરની તરફ ખેંચાણ. જેમ કે એક જૂનો બગીચો વેચાતો લીધો હતો, એમાં ઘાસ ઝાંખરાં વગેરેની સાફસફાઈ કરતાં કરતાં એક જગાએ જમીનમાં બેસાડેલો નળ જડી આવ્યો. તેની ટોટી ફેરવતાં એકદમ સર્ સર્ કરતુંકને પાણી નીકળવા લાગ્યું, તેમ.

(પૂર્ણ અને નિરંજન – માતૃસેવા – વૈષ્ણવોના મહોત્સવનો ભાવ)

બલરામ – મહાશય, સંસાર મિથ્યા એવું જ્ઞાન પૂર્ણને એકદમ કેમ કરીને થયું?

શ્રીરામકૃષ્ણ – જન્માંતરનું. પૂર્વ પૂર્વ જન્મોનું બધું કરી રાખેલું છે. શરીર જ નાનું મોટું થાય, વૃદ્ધ થાય, આત્માનું એ પ્રમાણે નહિ!

‘એ લોકોનું કેવું, ખબર છે? ફળ પહેલું, ત્યાર પછી ફૂલ. આમને પહેલાં દર્શન, ત્યાર પછી ગુણ-મહિમા શ્રવણ; ત્યાર પછી મિલન!

‘નિરંજનને જુઓ, લેણદેણ નહિ. જ્યારે તેડું આવશે ત્યારે એ નીકળી જઈ શકવાનો. તો પણ જ્યાં સુધી મા છે, ત્યાં સુધી માની સંભાળ લેવી જ જોઈએ. હું તો માની ફૂલ ચંદન વડે પૂજા કરતો. એ જગતની મા, જગદંબા જ મા થઈને આવી છે. એટલા સારુ જ કોઈકનું શ્રાદ્ધ અંતે ઇષ્ટની પૂજા થઈને ઊભું રહે. વૈષ્ણવોમાં કોઈ મરી ગયે જે મહોત્સવ થાય, એમાંય આ જ ભાવ.

જ્યાં સુધી પોતાના શરીરનું જ્ઞાન રહે ત્યાં સુધી માની સંભાળ લેવી જોઈએ. એટલે હું હાજરાને કહું, કે જો પોતાને શરદી, ઉધરસ થયે સૂંઠ, તીખાં, દવાદારૂ કરવાં જોઈએ. સૂંઠ, તીખાં, દવાદારૂ મેળવવાની વ્યવસ્થા કરવી જોઈએ; તો જ્યાં સુધી પોતાને માટે આ બધું કરવું પડે, ત્યાં સુધી માની સંભાળ પણ લેવી જોઈએ.

‘પરંતુ જ્યારે પોતાના શરીરનીય સંભાળ લઈ શકાતી ન હોય, ત્યારે જુદી વાત. ત્યારે ઈશ્વર જ બધો ભાર લે.

‘નાની ઉંમરનું બાળક પોતાનો ભાર લઈ શકે નહિ. એટલા માટે તેના વાલી (guardian) નિમાય. બાળકની અવસ્થા, જેમ કે ચૈતન્યદેવની અવસ્થા.’

માસ્ટર ગંગાસ્નાન કરવા ગયા.

Total Views: 329
ખંડ 48: અધ્યાય 7 : સુપ્રભાત અને ઠાકુર શ્રીરામકૃષ્ણ - મધુર નૃત્ય અને નામસંકીર્તન
ખંડ 48: અધ્યાય 9 : શ્રીરામકૃષ્ણની જન્મ-પત્રિકા - પૂર્વકથા - ઠાકુરનું ઈશ્વરદર્શન