(રામલક્ષ્મણ અને પાર્થસારથિદર્શન – દિગંબર પરમહંસમૂર્તિનું દર્શન)

ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે પેલા નાના ઓરડામાં વાતો કરી રહ્યા છે. મહેન્દ્ર મુખર્જી, બલરામ, તુલસી, હરિપદ, ગિરીશ, વગેરે ભક્તો બેઠેલા છે. ગિરીશ ઠાકુરની કૃપા પામીને સાત આઠ મહિનાથી આવજા કરે છે. એટલામાં માસ્ટર ગંગાસ્નાન કરીને પાછા આવ્યા છે અને ઠાકુરને પ્રણામ કરીને તેમની પાસે બેઠા છે. ઠાકુર પોતાનાં અદ્‌ભુત ઈશ્વર-દર્શનની વાતો જરા જરા બોલી રહ્યા છે.

‘કાલી-મંદિરમાં એક દિવસે નાગાજી (તોતાપુરી) અને હલધારી અધ્યાત્મ (રામાયણ) વાંચી રહ્યા છે. અચાનક મેં જોયું કે નદી, એની બાજુમાં વન, લીલા રંગનાં વૃક્ષો, ઝાડપાન, અને રામ-લક્ષ્મણ જાંઘિયા (લંગોટ) પહેરીને ચાલ્યા જાય છે! એક દિવસ (રાણી રાસમણિના) બંગલાની સામે અર્જુનનો રથ જોયો, તેમાં સારથિને વેશે ભગવાન (શ્રીકૃષ્ણ) બેઠેલા છે! એ હજીયે યાદ છે.

‘બીજે એક દિવસે દેશમાં કીર્તન ચાલી રહ્યું છે ત્યાં જોયું તો સન્મુખે ગૌરાંગ-મૂર્તિ!’

‘એક નાગો બાવો મારી સાથે સાથે જ રહેતો. હું તેની ઇંદ્રિયને હાથ અડાડીને અટકચાળું કરતો, પછી ખૂબ હસતો. એ નાગા-મૂર્તિ મારી જ અંદરથી બહાર આવતી; પરમહંસ-મૂર્તિ, છોકરાના જેવી.’

‘ઈશ્વરીય રૂપો તો મેં કેટલાં જોયાં છે તેનો બોલ્યે પાર આવે નહિ! એ વખતે મને ખૂબ પેટનું દર્દ. એ બધી અવસ્થાઓમાં પેટનું દર્દ બહુ વધી જતું. એટલે રૂપ જોયા પછી અંતે થૂ થૂ કરતો. પરંતુ પાછળ પડેલા ભૂતની પેઠે એ વળી મને પકડતું! ઈશ્વરીય ભાવમાં મગ્ન રહેતો. રાત-દિવસ ક્યાં નીકળી જતાં એ ખબર પડતી નહિ. એને બીજે દિવસે પછી પેટ ધોઈને ભાવ બહાર નીકળતો! (હાસ્ય).

ગિરીશ (સહાસ્ય) – આપની જન્મ-કુંડલી જોઉં છું.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – જન્મ વખતે (ફાગણ) સુદ બીજનો ચંદ્ર. અને રવિ, ચંદ્ર, બુધ એ સિવાય બીજું કંઈ ખાસ બહુ મોટું નથી.

ગિરીશ – કુંભ રાશિ. કર્ક અને વૃષભમાં રામ અને કૃષ્ણ; સિંહમાં ચૈતન્યદેવ.

શ્રીરામકૃષ્ણ – મને બે હોંશ હતી. પહેલી એ કે ભક્તોના રાજા થવું; અને બીજી એ કે સુક્કો સાધુ થવું નહિ.

(શ્રીરામકૃષ્ણની જન્મપત્રિકા – ઠાકુરને સાધના શા માટે? – બ્રહ્મયોનિદર્શન)

ગિરીશ (સહાસ્ય) – આપને સાધના કરવાનું શા માટે?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – ભગવતીએ શિવને માટે કેટલીયે કઠોર સાધનાઓ કરી હતી : પંચતપા, શિયાળામાં જળમાં ગળા સુધી બેસી રહેવું, સૂર્યની સામે એક નજરે તાકી રહેવું વગેરે.

‘ખુદ કૃષ્ણે રાધા-યંત્ર લઈને કેટલીયે સાધનાઓ કરી હતી. યંત્ર એ બ્રહ્મ-યોનિ; તેની પૂજા, ધ્યાન! આ જ બ્રહ્મ-યોનિમાંથી કોટિ કોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ થયા કરે છે.

‘આ અતિ ગુપ્ત વાત! બેલતળા નીચે દર્શન થતાં, લક લક કરતું.

(પૂર્વકથા – બેલતળા નીચે તંત્રસાધના – બ્રાહ્મણીનું આયોજન)

‘બેલતળા નીચે કેટલીયે તંત્રની સાધનાઓ કરેલી છે, મડદાની ખોપરી લઈને. વળી… આસન વિ. (ભૈરવી) બ્રાહ્મણી બધું ભેગું કરી દેતી.

(હરિપદ તરફ આગળ વધીને) ‘એ અવસ્થામાં છોકરાંઓના લિંગની ફૂલ-ચંદન ચડાવીને પૂજા કર્યા વિના રહી શકાતું નહિ.’

‘બીજી એક અવસ્થા થતી. જે દિવસે અભિમાન કરતો, તેને બીજે દિવસે જ માંદો પડતો.’

અન્નપૂર્ણા ઘાટનું હાલનું દૃશ્ય

માસ્ટર ઠાકુરના શ્રીમુખથી નીકળતાં આ અશ્રુતપૂર્વ વેદાન્ત-વાક્યો સાંભળીને આશ્ચર્યચકિત થઈને પૂતળાની પેઠે બેઠા છે. ભક્તોય જાણે કે એ પવિત્ર-સલિલા, પતિતપાવની, શ્રીમુખનિઃસૃત ભાગવત-ગંગામાં સ્નાન કરીને બેઠેલા છે.

સૌ કોઈ નિઃશબ્દ બેઠા છે.

તુલસી – આ હસે નહિ.

શ્રીરામકૃષ્ણ – અંદરમાં હાસ્ય છે. ફલ્ગુ નદીમાં ઉપર રેતી, પણ ખોદતાં પાણી નીકળે.

(માસ્ટરને) તમે જીભની ઊલ ઉતારતા નથી! રોજ જીભની ઊલ ઉતારજો.

બલરામ – વારુ, આમની (માસ્ટરની) પાસેથી પૂર્ણે આપની વાતો ઘણી સાંભળી છે.

શ્રીરામકૃષ્ણ – આગળની વાતો; આ જાણે છે, હું જાણતો નથી.

બલરામ – પૂર્ણ સ્વભાવ-સિદ્ધ. તો પછી આ બધા?

શ્રીરામકૃષ્ણ – આ બધા કારણ માત્ર.

નવ વાગ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણને દક્ષિણેશ્વર જવા માટે નીકળવું છે. તેની તૈયારી થાય છે. બાગબજારના અન્નપૂર્ણા ઘાટે હોડી ઠરાવવામાં આવી છે. ભક્તો જમીન પર નમીને ઠાકુરને પ્રણામ કરે છે.

ઠાકુર બેએક ભક્તોની સાથે હોડીમાં જઈને બેઠા. ‘ગોપાલની મા’ પણ એ હોડીમાં બેઠાં. દક્ષિણેશ્વરમાં થોડો આરામ લઈને સાંજે પગે ચાલીને તેઓ કામારહાટિ જવાનાં.

ઠાકુરના દક્ષિણેશ્વરના ઓરડામાંનો કેમ્પ-ખાટ સમારાવવા આપ્યો હતો. તેય હોડીમાં ચડાવી દેવામાં આવ્યો. એ ખાટમાં શ્રીયુત્ રાખાલ સૂતા.

પરંતુ આજે મઘા નક્ષત્ર. પ્રવાસનું મુહૂર્ત બદલાવવા માટે ઠાકુર શ્રીરામકૃષ્ણ આવતે શનિવારે બલરામને ઘેર પાછા પધારવાના.

Total Views: 253
ખંડ 48: અધ્યાય 8 : ભક્તિયોગનું ગૂઢ રહસ્ય - જ્ઞાન અને ભક્તિનો સમન્વય
ખંડ 49: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતા શહેરમાં ભક્તોના ઘરે