શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે બલરામના દીવાનખાનામાં બેઠા છે. હસમુખો ચહેરો. સમય આશરે બપોરના ત્રણ. વિનોદ, રાખાલ, માસ્ટર વગેરે પાસે બેઠેલા છે. છોટો નરેન પણ આવ્યો.

મંગળવાર, તારીખ ૨૮મી જુલાઈ; ઈ.સ. ૧૮૮૫. અષાઢ વદ એકમ. ઠાકુર બલરામને ઘેર સવારમાં આવ્યા છે અને ભક્તો સાથે ભોજન વગેરે કર્યું છે. બલરામને ઘેર શ્રીજગન્નાથદેવની સેવા છે. એટલે ઠાકુર કહે કે ‘બહુ જ પવિત્ર અન્ન.’

નારાયણ વગેરે ભક્તોએ કહ્યું છે કે નંદ બસુને ઘેર અનેક દેવદેવીઓની છબીઓ છે. એટલે ઠાકુર આજે બપોર પછી તેમને ઘેર છબીઓ જોવા જવાના છે. એક ભક્ત-બ્રાહ્મણીનું ઘર નંદ બસુના ઘરની નજીક. ત્યાં પણ જવાના છે. બ્રાહ્મણી દીકરાના મૃત્યુ-શોકથી સંતપ્ત. ઘણી વાર દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા જાય. તેણે અતિશય આગ્રહપૂર્વક શ્રીરામકૃષ્ણને આમંત્રણ આપ્યું છે. તેને ઘેર જવાનું છે અને બીજી એક સ્ત્રી-ભક્ત ગનુની માને ઘેર પણ જવાનું છે.

ઠાકુર બલરામને ઘેર આવે એટલે યુવક ભક્તોને તેડાવી મંગાવે. છોટો નરેન વચ્ચે બોલેલો કે ‘મારે કામ હોય છે, એટલે વારંવાર આવી શકતો નથી. પરીક્ષા સારુ વાંચવું હોય’ વગેરે,

છોટો નરેન આવ્યો એટલે ઠાકુર તેની સાથે વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ (છોટા નરેનને) – તને કોઈએ તેડાવ્યો નથી.

છોટો નરેન (હસતાં હસતાં) – તેનું હવે શું થાય?

શ્રીરામકૃષ્ણ – ભાઈ, તને બોલાવવાથી પાછું અભ્યાસમાં નુકસાન થાય તેથી, સમય મળે તો આવવું. (ઠાકુર જાણે કે અભિમાનમાં એ શબ્દો બોલ્યા.)

પાલખી આવી છે. ઠાકુર શ્રીયુત્ નંદ બસુને ઘેર જવાના છે.

ઈશ્વરનાં નામ લેતાં લેતાં ઠાકુર પાલખીમાં બેસે છે. પગે કાળી વાર્નિસ કરેલી સપાટ, કેડે લાલ કિનારનું ધોતિયું. ઉપરણો નથી. સપાટની જોડી પાલખીમાં એક બાજુએ મણિએ રાખી દીધી. પાલખીની સાથે માસ્ટર જાય છે. પાછળથી પરેશ આવીને જોડાયા.

નંદ બસુના દરવાજાની અંદર પાલખીએ પ્રવેશ કર્યો. પછી ઘરની સામેનું મોટું ચોગાન પાર કરીને પાલખી ઘરમાં આવી પહોંચી.

ઘરમાલિકનાં સગાંવહાલાઓએ આવીને ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકુરે માસ્ટરને સપાટ આપવા કહ્યું. ઠાકુર પાલખીમાંથી ઊતરીને ઉપરના હોલમાં આવી પહોંચ્યા. ખૂબ લાંબો પહોળો હોલ. હોલમાં ચારે બાજુએ દેવેદેવીઓની છબીઓ.

ઘરમાલિક અને તેમના ભાઈ પશુપતિએ ઠાકુરનો સત્કાર કર્યો. એટલામાં પાલખીની પાછળ આવતા ભક્તો પણ એ હોલમાં આવી પહોંચ્યા. ગિરીશના ભાઈ અતુલ પણ આવ્યા છે. પ્રસન્નના પિતા શ્રીયુત્ નંદલાલ બસુને ઘેર હંમેશાં આવજા કરે; તે પણ હાજર છે.

Total Views: 330
ખંડ 48: અધ્યાય 9 : શ્રીરામકૃષ્ણની જન્મ-પત્રિકા - પૂર્વકથા - ઠાકુરનું ઈશ્વરદર્શન
ખંડ 49: અધ્યાય 2 : શ્રીયુત્ નંદ બસુના ઘરે શુભાગમન