ઠાકુર શ્રીરામકૃષ્ણ હવે છબીઓ જોવા ઊઠ્યા. સાથે માસ્ટર અને બીજા કેટલાક ભક્તો. ઘરમાલિકના ભાઈ શ્રીયુત્ પશુપતિ પણ સાથે રહીને છબીઓ બતાવે છે.

નંદલાલ બસુનું ઘ

ઠાકુર પ્રથમ ચતુર્ભુજ વિષ્ણુ-મૂર્તિનાં દર્શન કરે છે. જોતાંની સાથે જ ભાવમાં વિભોર થઈ ગયા. ઊભા હતા અને બેસી ગયા. કેટલાક સમય સુધી ભાવમાં મગ્ન રહ્યા.

બીજી છબીમાં હનુમાનના મસ્તક પર હાથ મૂકીને શ્રીરામચંદ્ર આશીર્વાદ આપી રહ્યા છે. હનુમાનની દૃષ્ટિ શ્રીરામનાં ચરણકમલ પર. ઠાકુર શ્રીરામકૃષ્ણ કેટલીય વાર સુધી એ છબી જોઈ રહ્યા છે. ભાવાવેશમાં કહે છે, ‘આહા! આહા!’

ત્રીજી છબી : બંસીવદન શ્રીકૃષ્ણ કદંબના ઝાડ તળે ઊભેલા છે.

ચોથી વામનાવતાર : માથે છત્રી ઓઢીને બલિ રાજાના યજ્ઞમાં જઈ રહ્યા છે. શ્રીરામકૃષ્ણ બોલે છે, ‘વામન!’ અને એક નજરે જોઈ રહ્યા છે.

એ પછી નૃસિંહ મૂર્તિનાં દર્શન કરીને ઠાકુર ગોષ્ઠની છબીનાં દર્શન કરે છે. શ્રીકૃષ્ણ ગોવાળિયાઓની સાથે વાછરડાં ચરાવી રહ્યા છે. શ્રીવૃંદાવન અને યમુના તીર!

મણિ બોલી ઊઠ્યા, ‘અતિ સુંદર છબી!’

સાતમી છબી જોઈને ઠાકુર કહે છે, ‘ધૂમાવતી!’ આઠમી છબીમાં ષોડશી; નવમીમાં ભુવનેશ્વરી; દશમીમાં તારા; અગિયારમીમાં કાલી. એ બધી મૂર્તિઓ જોઈને ઠાકુર બોલ્યા, ‘આ બધી ઉગ્ર મૂર્તિઓ! આવી મૂર્તિઓ ઘરમાં રાખવી નહિ. એ મૂર્તિઓ ઘરમાં રાખીએ તો પૂજા કરવી જોઈએ. પણ તમારે પ્રારબ્ધનું જોર છે એટલે તમે રાખી છે.’

શ્રીઅન્નપૂર્ણાનાં દર્શન કરીને ઠાકુર ભાવમાં બોલે છે, ‘વાહ! વાહ!’

ત્યાર પછી રાજા-વેશધારી રાધાની છબી. નિકુંજ વનમાં સખીઓથી ઘેરાઈને શ્રીરાધા સિંહાસને બેઠેલાં છે. શ્રીકૃષ્ણ કુંજને બારણે કોટવાલ થઈને બેઠા છે!

ત્યાર પછી હિંડોળાની છબી. ઠાકુર ઘણી વાર સુધી એ છબીની પછીની મૂર્તિ જોઈ રહ્યા છે. કાચના કબાટની અંદર વીણાપાણિની મૂર્તિ. દેવી સરસ્વતી વીણા હાથમાં લઈને મતવાલાં થઈ રાગરાગિણીના આલાપ કાઢી રહ્યાં છે.

છબી જોવાનું પૂરું થયું. ઠાકુર વળી ઘરમાલિકની પાસે આવીને ઊભા રહ્યા. ઊભા ઊભા ઘરમાલિકને કહે છે, ‘આજ બહુ આનંદ થયો. વાહ! તમે તો ખરા હિંદુ! અંગ્રેજી છબીઓ ન રાખતાં આ બધી છબીઓ રાખી છે, એ બહુ નવાઈ જેવું!

શ્રીયુત્ નંદ બસુ બેઠા છે. તે ઠાકુરને સંબોધીને કહે છે, ‘બિરાજો! ઊભા રહ્યા છો કેમ?’

શ્રીરામકૃષ્ણ (બેસીને) – આ છબીઓ બધી ખૂબ મોટી મોટી, તમે ખરા હિંદુ!

નંદ બસુ – અંગ્રેજી છબીઓ પણ છે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એ ઠીક, પણ એ બધી આટલી સારી નહિ. અંગ્રેજી તરફ તમારી એટલી બધી નજર નહિ.

ઓરડાની દીવાલ પર શ્રીયુત્ કેશવના નવ-વિધાનની છબી ટીંગાડેલી હતી. શ્રી સુરેશ મિત્રે એ છબી તૈયાર કરાવેલી. શ્રી સુરેશ ઠાકુરના એક પ્રિય ભક્ત. એ છબીમાં પરમહંસદેવ કેશવને દેખાડી રહ્યા છે કે જુદા જુદા માર્ગાેએ થઈને બધા ધર્માનુયાયીઓ એક જ ઈશ્વર તરફ જાય છે. સૌનું ગંતવ્ય સ્થાન એક; માત્ર રસ્તા જુદા.

શ્રીરામકૃષ્ણ – આ પેલું સુરેન્દ્રનું ચિત્ર!

પ્રસન્નના પિતા (હસીને) – આપ પણ એની અંદર છો.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એ એક (નવીન) પ્રકારનું. એની અંદર બધુંય છે. એ આધુનિક ભાવ.

એમ વાત કરતાં કરતાં ઠાકુર અચાનક ભાવમાં વિભોર થતા જાય છે. ઠાકુર જગન્માતાની સાથે વાત કરે છે.

થોડીવાર પછી પીધેલાની પેઠે ઠાકુર બોલે છે, ‘હું બેહોશ થયો નથી.’ મકાન તરફ નજર કરીને બોલે છે, ‘મોટું મકાન! એમાં શું છે? ઈંટ, લાકડાં, માટી!’

થોડીવાર પછી બોલે છે, ‘દેવદેવીઓની છબીઓ જોઈને બહુ આનંદ થયો.’ વળી કહે છે કે ‘ઉગ્ર મૂર્તિ, કાલી, તારા (શબ, શિયાળવી વચ્ચે સ્મશાનવાસી તારા) એ રાખવી ઠીક નહિ. રાખીએ તો પૂજા કરવી જોઈએ.’

પશુપતિ (હસીને) – ઈશ્વર જેટલા દિવસ ચલાવશે ત્યાં સુધી ચાલશે.

શ્રીરામકૃષ્ણ – એ બરાબર. પરંતુ ઈશ્વરમાં મન રાખવું સારું. તેને ભૂલીને રહેવું એ ઠીક નહિ.

નંદ બસુ – એમાં મન કેમ નથી લાગતું?

શ્રીરામકૃષ્ણ – એમની કૃપા થાય તો થાય.

નંદ બસુ – તેમની કૃપા થાય છે ક્યાં? શું તેમનામાં કૃપા કરવાની શક્તિ છે?

(ઈશ્વર જ કર્તા કે કર્મ એ જ ઈશ્વર?)

શ્રીરામકૃષ્ણ (હસીને) – ઓહો, સમજ્યો! તમારો મત પંડિતોના જેવો. જે જેવાં કર્મ કરે, તે તેવાં ફળ પામે. એ બધું છોડી દો! ઈશ્વરના શરણાગત થયે કર્મક્ષય થાય. મેં ફૂલ હાથમાં લઈને માને કહ્યું હતું, ‘મા! આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય; મારે એમાંનું કંઈ જ ન જોઈએ. મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું સારું, આ લો તમારું નરસું; સારુંનરસું કશુંયે હું નથી માગતો. મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ; મારે ધર્મ કે અધર્મ કંઈ ન જોઈએ. મને માત્ર શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન; મારે જ્ઞાન-અજ્ઞાન કશું ન જોઈએ. મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારી શુચિ, આ લો તમારી અશુચિ; મને શુદ્ધ ભક્તિ આપો.

નંદ બસુ – શું ઈશ્વર નિયમ તોડી શકે?

શ્રીરામકૃષ્ણ – એ શું બોલ્યા? એ તો ઈશ્વર. એ બધું કરી શકે. જેણે નિયમ કર્યો છે, એ નિયમ બદલાવી પણ શકે!

(ચૈતન્યલાભ ભોગાન્તે કે એમની કૃપામાં?)

‘પરંતુ તમે એમ કહી શકો. કારણ કે તમારામાં ભોગ ભોગવવાની ઇચ્છા છે; એટલે તમે એ પ્રમાણે વાત કરો છો. એવો પણ એક મત છે ખરો કે ભોગની શાંતિ થયા વિના ચૈતન્ય આવે નહિ. પણ વળી ભોગેય શું ભોગવશો? કામ-કાંચનનું સુખ ઘડીકમાં છે, ને ઘડીમાં નથી, ક્ષણિક વસ્તુ. કામિનીકાંચનમાં છે શું? આંબોળિયાં, બીજ અને ઉપરનું પડ. ખાવાથી અમ્લપિત થાય. સંદેશ લાગે બહુ મીઠા, પણ ગળા નીચે ઊતર્યા કે પછી કંઈ નહિ!’

(ઈશ્વર શું પક્ષપાતી – અવિદ્યા શા માટે? – એમની મરજી)

નંદ બસુ જરા વાર ચૂપ રહ્યા પછી બોલ્યા, ‘એમ તો કહેવાય છે. પણ ઈશ્વર શું પક્ષપાતી? તેની કૃપાથી જો બધું થતું હોય તો તો પછી કહેવું પડે કે ઈશ્વર પક્ષપાતી!’

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર પોતે જ આ બધું! એ પોતે જ જીવ, જગત વગેરે બધું થઈ રહેલ છે. જ્યારે પૂર્ણ જ્ઞાન થાય ત્યારે એવો અનુભવ થાય. ઈશ્વર પોતે જ મન, બુદ્ધિ, દેહ, ચોવીસ તત્ત્વો એ બધું થઈ રહેલ છે. પછી એ પક્ષપાત કોના ઉપર કરે?

નંદ બસુ – ઈશ્વર જુદાં જુદાં રૂપે શા માટે થયો છે? ક્યાંક જ્ઞાનીરૂપે, ક્યાંક અજ્ઞાનીરૂપે?

શ્રીરામકૃષ્ણ – એમની મરજી.

અતુલ – કેદાર બાબુ (ચેટર્જી) એ બહુ મજાનું કહ્યું હતું કે કોઈએ પૂછ્યું કે ‘ઈશ્વરે સૃષ્ટિ શા માટે બનાવી? તેના જવાબમાં તેણે કહ્યું કે જે મીટિંગમાં તેમણે સૃષ્ટિ રચવાનો ઠરાવ કર્યો તેમાં હું હાજર નહોતો! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરની મરજી.

એમ કહીને ઠાકુર ગીત ગાય છે :

સકળ તમારી ઇચ્છા, ઇચ્છામયી તારા તમે,

તવ કર્મ તમે કરો, લોકો બોલે કરીએ અમે…

પંકમાંહી બાંધો હાથી, પંગુથી ઓળંગાવો ગિરિ;

કોઈને આપો બ્રહ્મપદ; કોઈને કરો અધોગામી…

અમે યંત્ર, તમે ચાલક; અમે ઘર, તમે માલિક;

અમે રથ, તમે રથી; ચલાવો જેમ, તેમ ચાલી…

તે આનંદમયી આ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયની લીલા કરી રહ્યાં છે. અસંખ્ય જીવો છે, તેમાંથી એકાદ બે મુક્ત થઈ જાય. એમાંય આનંદ.

‘લાખ પતંગમાં એકાદ કાપી, હસી દીઓ મા હાથે તાલી.’

કોઈ સંસારમાં બદ્ધ થાય છે, કોઈ મુક્ત થાય છે.

‘ભવ સિંધુ માંહી મન, તરે ડૂબે કેટલી નાવ!’

નંદ બસુ – ઈશ્વરની ઇચ્છા! પણ અમે મરીએ છીએ; એનું શું?

શ્રીરામકૃષ્ણ – ‘તમે’ ક્યાં છો? ઈશ્વર જ બધું થઈ રહેલ છે. જ્યાં સુધી ઈશ્વરને જાણી શકતા નથી, ત્યાં સુધી ‘હું’ ‘હું’ કર્યા કરો છો!

સૌ કોઈ ઈશ્વરને જાણી શકશે. સર્વ કોઈનો ઉદ્ધાર થવાનો. પણ કોઈને સવારમાં જ ખાવા મળે, કોઈને બપોરે, તો કોઈને ઠેઠ સંધ્યાકાળે. પણ કોઈ ખાધા વિનાનું રહેવાનું નથી! બધા પોતપોતાના સ્વરૂપને જાણી શકશે.

પશુપતિ – જી હા. ઈશ્વર જ બધું થઈ રહેલ છે એમ લાગે છે.

શ્રીરામકૃષ્ણ – ‘હું’ એ શું છે એ તો શોધવો જોઈએ? ‘હું’ તે શું હાડકાં, કે માંસ, કે રક્ત, કે નાડીઓ, કે આંતરડાં? ‘હું’ શોધતાં શોધતાં ‘તું’ આવી પડે; એટલે કે અંતરમાં એ ઈશ્વરની શક્તિ વિના બીજું કંઈ નહિ! ‘હું’ નહિ, ‘તે,’ ‘ઈશ્વર!’ તમારામાં અભિમાન નથી, આટલું ઐશ્વર્ય હોવા છતાં. ‘હું’ તદ્દન તો નીકળી જાય નહિ; એટલે જો નીકળે જ નહિ તો પછી રહે સાલા, ઈશ્વરનો દાસ થઈને! (સૌનું હાસ્ય). ‘હું ઈશ્વરનો ભક્ત, હું ઈશ્વરનું સંતાન, હું ઈશ્વરનો દાસ, એ અભિમાન સારું. જે અહં કામ-કાંચનમાં આસક્ત કરે એ કાચો અહં. એ અહંનો ત્યાગ કરવો જોઈએ.

અહંકારની એ પ્રકારની વ્યાખ્યા સાંભળીને ઘરધણી અને બીજા બધાય બહુ જ રાજી થયા.

(ઐશ્વર્યનો અહંકાર અને મત્તતા)

શ્રીરામકૃષ્ણ – જ્ઞાનનાં બે લક્ષણ : પહેલું અભિમાન ન રહે; બીજું શાંત ભાવ. તમારામાં એ બન્ને લક્ષણો છે. એટલે તમારી ઉપર ઈશ્વરનો અનુગ્રહ છે.

‘બહુ ઐશ્વર્ય હોય તો ઈશ્વરને ભૂલી જવાય. ઐશ્વર્યનો સ્વભાવ જ એવો. યદુ મલ્લિકને ઘણો પૈસો થયો છે, એટલે એ આજકાલ ઈશ્વર સંબંધી વાતો કરતા નથી. અગાઉ ઈશ્વરની ખૂબ વાતો કરતા.

‘કામ-કાંચન એ એક પ્રકારનું મદ્ય! બહુ પીવાથી કાકા બાપાનું ભાન રહે નહિ. પીધેલો માણસ તેમને જ સંભળાવી દે કે ‘તારા બાપની એસી તેસી!’ પીધેલાને મોટા નાનાનું ભાન ન રહે.

નંદ બસુ – એ ખરું.

(Theosophy – ક્ષણભરના યોગમાં મુક્તિ – શુદ્ધાભક્તિ સાધન)

પશુપતિ – મહાશય, આ બધું શું સાચું હશે? Spiritualism, Theosophy? (ભૂતવિદ્યા, થિયોસોફી) સૂર્યલોક, ચંદ્રલોક, નક્ષત્રલોક?

શ્રીરામકૃષ્ણ – મને ખબર નથી બાપુ! એટલી બધી ગણતરી કરવી શા સારુ? બાગમાં કેરી ખાવા આવ્યા છો તે કેરી ખાઓ. કેટલાં ઝાડ, તેની કેટલા લાખ ડાળીઓ, કેટલાં પાંદડાં એ બધો હિસાબ ગણવાની આપણે જરૂર શી? આંબાવાડિયામાં કેરી ખાવા આવ્યા છીએ તે કેરી ખાઈએ, એટલે પત્યું.

જો એકવાર ચૈતન્ય-જાગૃતિ થાય, જો એકવાર ઈશ્વરને કોઈ જાણી શકે, તો એ બધા અગડંબગડં વિષયો જાણવાની ઇચ્છાય થાય નહિ. તાવની લવારીએ ચડેલો માણસ કેટલુંય બકે : ‘અરે મારે તપેલું ભરીને ભાત ખાવો છે, અરે મારે આખો ઘડો ભરીને પાણી પીવું છે, રે!’ ત્યારે વૈદ્ય કહેશે કે ‘ખાવું છે? વારુ ખાજે!’ એમ કહીને વૈદ્યરાજ તમાકુ ખાવા લાગે. લવારી બંધ થયા પછી એ જે કહે તેના પર ધ્યાન અપાય.

પશુપતિ – પણ આ સંસારનો તાવ-વિકાર અમને કાયમ રહેશે કે શું?

શ્રીરામકૃષ્ણ – શા માટે? ઈશ્વરમાં મન રાખો તો ચૈતન્ય જાગશે.

પશુપતિ (હસીને) – અમારો ઈશ્વર સાથેનો યોગ ક્ષણિક. ચલમ પીતાં જેટલો સમય લાગે તેટલો! (સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ – તેમાં વાંધો નહિ. ક્ષણભર પણ ઈશ્વરની સાથે યોગ થાય તો તેથીયે મુક્તિ.

અહલ્યા બોલી, ‘હે રામ! સુવરની યોનિમાં જન્મ થાય કે ગમે ત્યાં થાય, પણ મન તમારાં ચરણકમળમાં રહે, અને શુદ્ધ ભક્તિ આવે.’

‘નારદ બોલ્યા : ‘રામ, તમારી પાસેથી બીજું કશું વરદાન માગતો નથી. મને શુદ્ધ ભક્તિ આપો અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં, એ આશીર્વાદ આપો!’

‘અંતઃકરણથી ઈશ્વરની પાસે પ્રાર્થના કરવાથી ઈશ્વરમાં મન જાય, ઈશ્વરનાં ચરણકમલમાં શુદ્ધા ભક્તિ આવે.

(પાપ અને પરલોક – મૃત્યુકાળે ઈશ્વરચિંતન – ભરતરાજા)

‘અમારો આ વિકાર શું જશે? અમારું શું થશે? અમે ‘પાપી’ એવી બધી ભાવના છોડી દો.’

(નંદ બસુને) અને એવી શ્રદ્ધા જોઈએ કે એક વાર રામનું નામ લીધું છે અને મારામાં વળી પાપ?

નંદ બસુ – શું પરલોક છે? પાપનું ફળ છે?

શ્રીરામકૃષ્ણ – અરે, તમે કેરી ખાઈને જાઓ ને! તમારે એ બધી ગણતરી કરવાનું કામ શું? પરલોક છે કે નહિ, એથી શું થશે, એ બધી ગણતરી!

કેરી ખાઓ. ‘કેરી’ની જરૂર. ઈશ્વરમાં ભક્તિની જરૂર!

નંદ બસુ – કેરીનું ઝાડ ક્યાં છે? કેરી મળે છે ક્યાં?

શ્રીરામકૃષ્ણ – ઝાડ? ઈશ્વર અનાદિ અનન્ત બ્રહ્મ! એ છે જ; એ નિત્ય! પણ એક વાત છે : તેઓ કલ્પતરુ છે.

‘કાલી કલ્પતરુ મૂળે રે મન, ચારે ફળ વીણી તું શકીશ.’

‘કલ્પતરુ પાસે જઈને પ્રાર્થના કરવી જોઈએ. ત્યારે ફળ મળે, ત્યારે ફળ ઝાડનાં મૂળમાં પડે, ત્યારે વીણી શકાય. ચારે ફળ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ.

જ્ઞાનીઓ મુક્તિ (મોક્ષ-ફળ) માગે. ભક્તો ભક્તિ માગે, અહેતુકી ભક્તિ. તેઓ ધર્મ, અર્થ, કામ માગે નહિ.

‘પરલોકની વાત તમે પૂછો છો? ગીતાના મત પ્રમાણે, મૃત્યુ વખતે જેનું ચિંતન કરશો તે જ થશો. ભરત રાજાએ હરણ, હરણ એવું ચિંતન કરતાં કરતાં શોકથી પ્રાણત્યાગ કર્યો હતો, તેથી એને હરણ થઈને જન્મવું પડ્યું. એટલે જપ, ધ્યાન, પૂજા એ બધાંનો રાતદિવસ અભ્યાસ કરવો જોઈએ. તો પછી મૃત્યુ વખતે ઈશ્વરનું ચિંતન આવે, અભ્યાસના ફળરૂપે. એવી રીતે મૃત્યુ થયે ઈશ્વરનાં સ્વરૂપને પામે.

કેશવ સેને પણ પરલોકની વાત પૂછી હતી. મેં કેશવને પણ કહ્યું હતું કે એ બધી ગણતરીની તમારે શી જરૂર? પછી વળી કહ્યું કે જ્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ફરી ફરીને સંસારમાં આવવું પડે. કુંભાર હાંડલાં, કટોરા વગેરે માટીનાં વાસણો તડકામાં સૂકવવા મૂકે. ત્યાં કોઈ વાર જો ગાય બકરું કચરીને ભાંગી નાખે તો ભાંગેલ પાકાં લાલ વાસણો ફેંકી દે. પણ કાચાંને વળી પાછાં વીણી લઈને માટીની સાથે મેળવી દે ને વળી ચાકડે ચડાવે.

Total Views: 247
ખંડ 49: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતા શહેરમાં ભક્તોના ઘરે
ખંડ 49: અધ્યાય 3 : શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થના કલ્યાણની કામના - રજોગુણનું ચિહ્ન