અત્યાર સુધીમાં ઘરધણી તરફથી ઠાકુરનું મીઠું મોઢું કરાવવાની કશી પ્રવૃત્તિ જોવામાં આવી નહિ. એટલે ઠાકુર પોતે જ ઘરમાલિકને કહે છે,

‘કંઈક ખાવું જોઈએ. એટલે યદુની માને મેં તે દિવસે કહ્યું કે ‘અરે કંઈક (ખાવા) આપો. નહિતર પાછું ગૃહસ્થનું અમંગલ થાય.’ ઘરમાલિક કંઈક મીઠાઈ લઈ આવ્યા. ઠાકુર ખાય છે. નંદ બસુ અને બીજા બધા ઠાકુરની તરફ એક નજરે જોઈ રહ્યા છે. તેઓ જુએ છે કે ઠાકુર શું શું કરે છે. ઠાકુરને હાથ ધોવા છે; પણ ચાદર ઉપર રકાબીમાં મીઠાઈ આપવામાં આવી હતી એટલે રકાબીમાં તો હાથ ધોવાય નહિ. તેથી હાથ ધોવા સારુ એક નોકરે થૂંકદાની લાવીને હાજર કરી. થૂંકદાની રજોગુણનું ચિહ્ન.

એ જોઈને ઠાકુર બોલી ઊઠ્યા : ‘એ લઈ જાઓ, લઈ જાઓ!’

ઘરધણી કહે છે, ‘હાથ ધૂઓ!’

ઠાકુર બેધ્યાનપણે બોલે છે, ‘શું? હાથ ધોઉં?’

ઠાકુર ઊઠીને દક્ષિણ તરફની ઓસરીમાં ચાલ્યા ગયા. મણિને કહ્યું, ‘મારા હાથ ઉપર પાણી રેડો.’ મણિએ ઝારીમાંથી પાણી રેડ્યું. ઠાકુર પોતાના ધોતિયાથી હાથ લૂછીને વળી પોતાની બેસવાની જગાએ પાછા આવ્યા. આગંતુક મુલાકાતીઓને માટે એક રકાબીમાં પાન લાવીને રાખવામાં આવ્યાં હતાં. આ રકાબી ઠાકુર પાસે લાવીને મૂકવામાં આવી. ઠાકુરે એ પાન લીધું નહિ.

(ઈષ્ટદેવતાને નિવેદન – જ્ઞાનભક્તિ અને શુદ્ધાભક્તિ)

નંદ બસુ (શ્રીરામકૃષ્ણને) – એક વાત કહું?

શ્રીરામકૃષ્ણ – (હસીને) શું?

નંદ બસુ – પાન લીધું નહિ કેમ? બીજું બધું ઠીક થયું. એટલો અન્યાય થયો.

શ્રીરામકૃષ્ણ – ઇષ્ટ દેવતાને અર્પણ કરીને પછી ખાઉં છું. (મારો) એ એક ભાવ છે.

નંદ બસુ – આ પણ ઇષ્ટ દેવતાને જ અર્પણ થાત ને?

શ્રીરામકૃષ્ણ (હસીને) – જ્ઞાનનો માર્ગ એક છે, અને ભક્તિનો માર્ગ બીજો. જ્ઞાનીના મત પ્રમાણે બધી વસ્તુ બ્રહ્મ-જ્ઞાન કરીને લઈ શકાય. પણ ભક્તિ-માર્ગમાં થોડીક ભેદબુદ્ધિ રહે.

નંદ બસુ – એટલું ખોટું થયું છે!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એ મારો એક ભાવ છે. તમે જે કહો છો એ પણ ખરું, એ પણ છે!

ઠાકુર ઘરમાલિકને ખુશામતિયાઓથી સાવચેત કરે છે.

શ્રીરામકૃષ્ણ – અને બીજી એક વાતમાં સાવધાન! ખુશામતિયાઓ પોતાના સ્વાર્થ માટે ફરતા હોય છે. (પ્રસન્નના પિતાને) આપનું શું અહીં જ રહેવાનું છે?

પ્રસન્નના પિતા – જી ના; આ લત્તામાં જ રહું છું. આપ જરા હુક્કો પીઓ.

શ્રીરામકૃષ્ણ (અતિ નમ્રતાથી) – ના બસ, આપ પીઓ. મને અત્યારે ઇચ્છા નથી.

નંદ બસુનું મકાન બહુ જ મોટું. એટલે ઠાકુર કહે છે કે ‘યદુનું મકાન આટલું મોટું નથી. એ જ વાત મેં તેને તે દિવસે કહી.

નંદ બસુ – હા, તેમણે જોડાસાંકોમાં નવું મકાન બંધાવ્યું છે.

ઠાકુર નંદ બસુને ઉત્સાહ આપે છે.

શ્રીરામકૃષ્ણ (નંદ બસુને) – તમે સંસારમાં રહીને ઈશ્વરમાં મન રાખો છો એ શું ઓછી વાત? જે સંસારત્યાગી, એ તો ઈશ્વરને યાદ કરે જ. તેમાં વળી બહાદુરી શી? પણ સંસારમાં રહેવા છતાં જે ઈશ્વરનું સ્મરણ કરે એ જ ધન્ય! એ વ્યક્તિ વીસ મણનો પથ્થર માથેથી ઉતારે ત્યારે એને જુએ છે!

‘ગમે તે એક ભાવનો આધાર લઈને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. હનુમાનની જ્ઞાનમિશ્રા ભક્તિ. નારદની શુદ્ધા ભક્તિ.

રામે પૂછ્યું, ‘હનુમાન! તમે મારી કયા ભાવે અર્ચના કરો છો?’

હનુમાન બોલ્યા, ‘રામ, ક્યારેક જોઉં છું તો તમે પૂર્ણ, હું અંશ; ક્યારેક જોઉં તો તમે પ્રભુ, હું દાસ. અને હે રામ, જ્યારે તત્ત્વજ્ઞાન થાય, ત્યારે જોઉં તો તમે તે જ હું, હું તે જ તમે!’

‘રામે નારદને કહ્યું કે ‘તમે વરદાન માગો.’

નારદ બોલ્યા, ‘રામ! એ વરદાન આપો કે, મને તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આવે, અને તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન થાઉં!’

હવે ઠાકુર જવા સારુ ઊઠવાની તૈયારી કરે છે.

શ્રીરામકૃષ્ણ (નંદ બસુને) – ગીતાના મત પ્રમાણે ઘણાં માણસો જેને માને, તેનામાં ઈશ્વરની વિશેષ શક્તિ છે. તમારામાં ઈશ્વરની શક્તિ છે.

નંદ બસુ – શક્તિ બધા માણસોમાં સરખી.

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને) – એ એક તમારા લોકોની વાત! બધા માણસોમાં શક્તિ શું એકસરખી હોઈ શકે? ઈશ્વર વિભુરૂપે સર્વ ભૂતમાં એકરૂપ થઈને રહ્યા છે ખરા, પણ શક્તિમાં તફાવત!

વિદ્યાસાગરે પણ એ જ વાત કહી હતી, કે ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ ને કોઈને ઓછી શક્તિ આપી છે? ત્યારે મેં કહ્યું કે જો શક્તિમાં તફાવત ન હોય તો પછી તમને અમે મળવા શા માટે આવ્યા છીએ? તમારે માથે શું શિંગડાં ઊગ્યાં છે?

ઠાકુર ઊઠ્યા. ભક્તોય સાથોસાથ ઊઠ્યા. પશુપતિ પણ સાથે સાથે ચાલીને દરવાજા સુધી વળાવીને આવ્યા.

Total Views: 330
ખંડ 49: અધ્યાય 2 : શ્રીયુત્ નંદ બસુના ઘરે શુભાગમન
ખંડ 49: અધ્યાય 4 : શોકમગ્ન બ્રાહ્મણીને ઘેર ઠાકુર શ્રીરામકૃષ્ણ