ભક્ત બલરામના ઘરના દીવાનખાનામાં પશ્ચિમ બાજુના ઓરડામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ આરામ કરી રહ્યા છે. પછી ઊંઘી જવાના. ગનુની માને ઘેરથી પાછા ફરતાં મોડી રાત થઈ ગઈ છે. રાતના પોણા અગિયાર વાગી ગયા હશે.
ઠાકુર કહે છે, ‘યોગીન, જરા પગે હાથ ફેરવી દે તો.’
પાસે મણિ બેઠા છે.
યોગીન પગે હાથ ફેરવી રહ્યો છે. એટલામાં ઠાકુર કહે છે ‘મને ભૂખ લાગી છે; શીરો ખાવો છે!’
પેલી બ્રાહ્મણી સાથે સાથે અહીંયાં પણ આવી હતી. બ્રાહ્મણીનો ભાઈ તબલાં સારાં બજાવી શકે છે. ઠાકુર બ્રાહ્મણીને ફરીથી જોઈને કહે છે કે ‘હવે પછી નરેન્દ્ર આવે કે બીજો કોઈ ગાનારો આવે, ત્યારે આમના ભાઈને તેડાવીએ તો ચાલશે.’
ઠાકુરે જરા રવાનો શીરો ખાધો. ત્યાર પછી યોગીન વગેરે ભક્તો ઘરમાંથી ચાલ્યા ગયા. મણિ ઠાકુરને પગે હાથ ફેરવી રહ્યા છે. ઠાકુર તેમની સાથે વાતો કરી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ – અહા, આ લોકોને (બ્રાહ્મણી વગેરેને) કેવો આનંદ!
મણિ – શી નવાઈ, ઈશુ ખ્રિસ્તના સમયે પણ બરાબર આ પ્રમાણે જ થયું હતું. તેમની પણ બે સ્ત્રી-ભક્તો હતી. બન્ને બહેનો : માર્થા અને મેરી.
શ્રીરામકૃષ્ણ (ઉત્સુક થઈને) – તેમની વાત શી છે? કહો તો.
મણિ – ઈશુ ખ્રિસ્ત તેમને ઘેર બરાબર આ પ્રમાણે ભક્તોને સાથે લઈને ગયા હતા. એક બહેન ઈશુને જોઈને ભાવોલ્લાસથી ભરપૂર થઈ ગઈ હતી. જેમ ગૌરાંગના ગીતમાં છે ને : ‘ડૂબ્યાં નયન ફરી ન આવ્યાં; ગૌર-રૂપ-સાગરમાં તરવું ભૂલીને તળિયે ગયું મારું મન.’ – તે પ્રમાણે.
બીજી એક બહેન એકલી ભોજન વગેરેની તૈયારી કરતી હતી. તેણે કામકાજમાં ગૂંચવાઈ જઈને ઈશુની પાસે ફરિયાદ કરી કે ‘પ્રભુ, જુઓ તો બહેનને માટે આ કેટલું અયોગ્ય? એ અહીં એકલાં ચૂપ થઈને બેઠાં છે, અને મારે એકલીને આ બધી તૈયારીમાં ગૂંચવાઈ રહેવું પડે છે.’
ત્યારે ઈશુ બોલ્યા ‘તારી બહેન જ ધન્ય, કારણ કે માનવજીવનનું જે પ્રયોજન, કે ઈશ્વરને ચાહવો, ઈશ્વર પર પ્રેમ આવવો, એ એને પ્રાપ્ત થયું છે!

ઈશુ ખ્રિસ્ત, શ્રીરામકૃષ્ણ અને ચૈતન્યદેવ
શ્રીરામકૃષ્ણ – વારુ, તમને આ બધું જોઈને શું લાગે છે?
મણિ – મને લાગે છે કે ત્રણે (મહાપુરુષો) એક જ! ઈશુ ખ્રિસ્ત, ચૈતન્યદેવ અને આપ એક જ વ્યક્તિ!
શ્રીરામકૃષ્ણ – એક એક! એક નહિ તો બીજું શું? ઈશ્વર! જુઓ છો ને, જાણે આની ઉપર આમ કરીને રહ્યા છે.
એમ કહીને ઠાકુરે પોતાના શરીર ઉપર આંગળી મૂકી. જાણે કે કહે છે કે ઈશ્વરે જ પોતાનું શરીર લઈને અવતાર લીધો છે!
મણિ – તે દિવસે આપે આ અવતાર લેવાની ઘટના બહુ મજાની સમજાવી દીધી હતી.
શ્રીરામકૃષ્ણ – શું, બોલો જોઈએ!
મણિ – જાણે કે દિગ્દિગંતવ્યાપી વિશાળ મેદાન પડી રહ્યું છે. ઘણે દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે. સામે દીવાલ આડી છે એટલે એ જોઈ શકાતું નથી. એ દીવાલમાં માત્ર એક ગોળ કાણું. એ કાણામાંથી અનંત મેદાનનો જરા ભાગ દેખાય!
શ્રીરામકૃષ્ણ – કહો જોઈએ, એ કાણું એટલે શું?
મણિ – એ કાણું તે આપ! આપની અંદર થઈને બધુંય જોઈ શકાય. એ દિગ્દિગંતવ્યાપી મેદાન (પરમાત્માને) જોઈ શકાય!
એ સાંભળીને શ્રીરામકૃષ્ણ અતિશય સંતુષ્ટ! મણિની પીઠ થાબડવા લાગ્યા અને બોલ્યા, ‘તમે જે એટલું સમજી શક્યા તે ઘણું સારું થયું!’
મણિ – એ સમજવું કઠણ ખરું ને? પૂર્ણ બ્રહ્મ હોવા છતાં આટલાંકની અંદર કેમ કરીને સમાઈ રહે એ જ સમજી શકાય નહિ!
શ્રીરામકૃષ્ણ – ‘તેને કોઈએ ઓળખ્યો નહિ રે! અરે એ તો પાગલ વેશે,

યદુ મલ્લિકનું દક્ષિણેશ્વરનું ઘર અને મેરી સાથે બાળઈશુની છબી
(દીન હીન કંગાલ વેશે) ફરે છે જીવોને ઘરે ઘરે…’
મણિ – અને આપે કરી હતી ઈશુની વાત!
શ્રીરામકૃષ્ણ – શી વાત?
મણિ – યદુ મલ્લિકના બગીચામાં ઈશુની છબી જોઈને આપને ભાવ-સમાધિ થઈ હતી. આપે જોયું હતું કે ઈશુની મૂર્તિ છબીમાંથી આવીને આપની અંદર મળી ગઈ!
ઠાકુર જરા વાર મૌન રહ્યા. ત્યાર પછી વળી મણિને કહે છે : ‘ગળામાં આ જે દર્દ થયું છે તેમાંય એક અર્થ છે. નહિતર પાછો (હું) બધાય માણસો પાસે સામાન્ય બની જાત, નહિતર જ્યાં ત્યાં નાચવા ગાવાનું બહુ થઈ જાત!’
ઠાકુર દ્વિજની વાત કરે છે. કહે છે કે ‘દ્વિજ આવ્યો નથી?’
મણિ – મેં તેને આવવાનું કહ્યું હતું. આજે આવવાની વાત હતી, પણ કેમ ન આવ્યો એ હું કહી શકતો નથી.
શ્રીરામકૃષ્ણ – એનામાં ખૂબ અનુરાગ છે. વારુ, એ અહીંનો એક કોઈક હશે. (અર્થાત્ સાંગોપાંગ ભક્તો માંહેનો એક હશે); ખરું ને?
મણિ – જી, હા, એમ જ હશે. નહિતર આપના પર આટલો પ્રેમ ક્યાંથી?
મણિ મચ્છરદાનીની અંદર જઈને ઠાકુરને પંખો કરે છે.
ઠાકુર જરા પડખું ફેરવીને પાછા વાતો કરે છે. ઈશ્વર માણસની અંદર અવતાર લઈને લીલા કરે એ વાત થાય છે.
શ્રીરામકૃષ્ણ – તમારું એ ઘર! અગાઉ મને રૂપ-દર્શન થતું નહિ એવી સ્થિતિ હતી. હવે પણ જુઓ છો ને? ફરીથી રૂપબૂપ ઓછાં થતાં જાય છે.
મણિ – લીલાઓમાં નર-લીલા બહુ મજાની લાગે.
શ્રીરામકૃષ્ણ – તો બસ! વળી, મને તો જુઓ છો ને?
ઠાકુર શ્રીરામકૃષ્ણ શું એમ કહે છે કે મારી અંદર ઈશ્વર મનુષ્યરૂપે અવતાર લઈને લીલા કરી રહ્યા છે?




